[પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી (1964)’માંથી ઉદ્વત કરવામાં આવ્યો છે. – સં.]

લોકમાન્ય તિલકે સ્વામી વિવેકાનંદની કદર કરતાં તેઓને દેશભક્ત સંત (ધી પેટ્રિઅટિક સેઇન્ટ ઑફ ઈન્ડિયા) કહ્યા હતા. એ શબ્દો તે વખતે આખાયે દેશને વહાલા લાગ્યા હતા અને અંગ્રેજી બોલનારા ભારતીઓની જીભે રમતા હતા. સ્વામી વિવેકાનંદના હૃદયમાં ભારત પ્રત્યે અસીમ પ્રેમ હતો. ભારતની ઉજ્જ્વલ આધ્યાત્મિક સંસ્કૃતિના તેઓ તેજસ્વી પ્રતિનિધિ હતા, પરંતુ તેમનું હૃદય માનવવ્યાપી હતું, વિશ્વવ્યાપી હતું. તેઓ હતા ભારતના એ યુગના અધ્યાત્મવીર.

સ્વામી વિવેકાનંદને દુનિયાએ અને દેશે તો ત્યારે ઓળખ્યા, કે જ્યારે તેઓએ અમેરિકા જઈને શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સાચા વિશ્વધર્મ વેદાન્તની દાંડી પીટી. ખરેખર, અમેરિકાને માટે આ એક નવો સંદેશો હતો કે મનુષ્ય માત્ર અમૃતના પુત્ર છે અને મનુષ્યે છેવટ તો ઈશ્વરરૂપ જ બનવાનું છે. સ્વામીજી અમેરિકાથી વળતાં ફ્રાંસ, બ્રિટન વગેરે દેશોમાં થઈને ભારત આવ્યા. કોલંબોથી અલ્મોડા સુધીનો જે પ્રવાસ તેમણે કર્યો તે એક દિગ્વિજયની યાત્રા જ હતી. સને 1857 પછી દેશમાં જે અંધાધૂંધી ફેલાયેલી હતી અને રાષ્ટ્રે જે આત્મગૌરવ ગુમાવ્યું હતું તેની માનસિક ગ્લાનિ દૂર કરીને આત્મવિશ્વાસ, સ્વાભિમાન, નિર્ભયતા, ત્યાગ, વૈરાગ્ય અને નિઃસ્વાર્થ સેવાનો આદર્શ સ્વામીજીએ ભારતની સામે મૂક્યો. રામકૃષ્ણ પરમહંસના ચરણો પાસે બેસીને જે આધ્યાત્મિક પ્રેરણા સ્વામીજીના ગુરુ બંધુઓએ મેળવી હતી તેને સંગઠિત કરીને સેવા દ્વારા અને પ્રચાર દ્વારા દુનિયાભરમાં ફેલાવવાનો સંકલ્પ સ્વામીજીએ કર્યો. વેદાંતમાં અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે જે ફાંટા હતા અને જેઓ માત્ર અંદર-અંદર ચર્ચા અને શાસ્ત્રાર્થ કરવામાં જ સંતોષ માનતા હતા તેમને સ્વામીજીએ ગૌણ બનાવી દીધા. તેઓ પોતે શાંકરમતના અદ્વૈતી જ હતા, પરંતુ અદ્વૈતના આદ્ય આચાર્ય ગૌડપાદ પાસેથી તેમણે સમન્વયદૃષ્ટિ મેળવી હતી. એથી જ તેમનો અદ્વૈત સિદ્ધાંત કોઈની પણ સાથે ઝઘડો કરતો નહીં. જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, ભક્તિમાર્ગ વગેરે સર્વ માર્ગોનો સરખો પુરસ્કાર કરીને તેમણે એમાં પણ સમન્વય લાવવાની પૂરતી કોશિશ કરી.

આપણા દેશમાં વેદાંતનો પ્રચાર ઓછો નહોતો. ગૌડપાદાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય આદિ મહાન ભાષ્યકારોએ વેદાંતવિદ્યાનો વિસ્તાર માનવબુદ્ધિના સીમાડા સુધી કર્યો હતો. મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર, વામન પંડિત, દાસો પન્ત આદિ મનીષિઓએ ગીતાનો સંદેશ ઘેરઘેર પહોંચાડ્યો હતો. નામદેવ, જ્ઞાનદેવ, એકનાથ, તુકારામ અને રામદાસ જેવા સંતોએ વર્ણાશ્રમ વ્યવસ્થાને ગૌણ બનાવી અભેદભક્તિ દ્વારા સમાજમાં ધર્મજાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. જે કાર્ય મહારાષ્ટ્રમાં થયું તે દરેક ભાષાના અને દરેક પ્રદેશના સંતોએ તથા ધર્મપરાયણ કવિઓએ પોતપોતાના પ્રદેશમાં કર્યું હતું. ઈશ્વરભક્તિ, સદાચાર, સંતોષ, સેવા અને નામમાહાત્મ્ય, આ હતો એ સર્વના કાર્યનો નિચોડ.

પરંતુ દુન્યવી જીવનની બાબતમાં તેમનો આગ્રહ જેટલો સદાચાર અને સંતોષ પર હતો એટલો તેજસ્વી પુરુષાર્થ, રાજનૈતિક અસ્મિતા, વિદ્યોપાસના અને સામાજિક સુધારણા ઉપર નહોતો. અંગ્રેજોની અને કેળવણીની અસર તો 19મી સદીની શરૂઆતથી જ આપણી ઉપર થવા માંડી હતી. પરંતુ આપણે કહી શકીએ કે સમગ્ર રાષ્ટ્રનું જીવનપરિવર્તન તો 1957 પછી જ શરૂ થયું. આપણો ધર્મ, સંતોનું કાર્ય, હુન્નરઉદ્યોગની પ્રગતિ, કલાઓનો વિકાસ અને સાહિત્ય સંપત્તિ – આ બધું હોવા છતાં પણ આપણું રાષ્ટ્રીય જીવન અસંગઠિત, દુર્બળ અને ક્ષીણવીર્ય સાબિત થયું અને લગભગ 30-40 વર્ષ સુધી આપણે કર્તવ્યમૂઢ થઈ રહ્યા હતા. અંગ્રેજી વિદ્યા, સંસ્કૃત વિદ્યા અને અરબી ફારસીમાં ગ્રથિત ઇસ્લામી સંસ્કૃતિ, એ સર્વનું મૂલ્યાંકન કરવું આપણે માટે જરૂરી થઈ પડ્યું. પુરાણી સંસ્કૃતિને નવજીવન બક્ષનાર ઉદ્ધારક પક્ષ અને પુરાણી વાતો નિઃસત્ત્વ થઈ ગઈ છે એવું સમજીને સારી વસ્તુ જ્યાંથી મળે ત્યાંથી લઈને જીવનમાં નવું ચૈતન્ય લાવવાની ઘોષણા કરનાર સુધારક પક્ષ બંને વચ્ચે ઠીકઠીક સંઘર્ષ ચાલ્યો. એક બાજુ બ્રાહ્મસમાજ અને બીજી બાજુ આર્યસમાજ બંને ભારતના સમાજને પોતાની બાજુએ ખેંચતા રહ્યા અને બંનેની સામે શંકાની નજરે જોનાર સનાતની સમાજ પુરાણી વાતોનું સમર્થન કરવામાં અશક્ત નીવડ્યો. આર્યસમાજમાં પણ માંસ-પાર્ટી અને ઘાસ-પાર્ટી, ગુરુકુળવાળા અને ડી.એ.વી. કૉલેજવાળા એવા બે પક્ષ પડ્યા. પરિસ્થિતિમાં ધર્મના અનુભવના પાયા ઉપર સંસ્કૃતિમાં નવજીવન લાવવાની, કેળવણીમાં રાષ્ટ્રીયતા દાખલ કરવાની તથા હુન્નરઉદ્યોગો દ્વારા આર્થિક સ્થિતિ સુધારવાની જે સર્વાંગીણ જાગૃતિ દેશમાં આવી, તેના પ્રથમ દૂત હતા સ્વામી વિવેકાનંદ.

અમેરિકા ગયા તે પહેલાં તેમણે સંન્યાસીના વેશમાં આખા દેશમાં પ્રવાસ કર્યો હતો, પરિસ્થિતિનું ઊંડું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યું હતું. ઉદ્ધારનો માર્ગ તેમની સામે સ્પષ્ટ હતો. તેમણે જોયું કે સમાજે અને રાષ્ટ્રે આત્મવિશ્વાસ ગુમાવ્યો છે. તેને માટે પ્રતિષ્ઠાની સંજીવની બહારથી જ લાવવી પડશે. એટલા માટે તેઓ અમેરિકા વગેરે પશ્ચિમના દેશોમાં ગયા. ત્યાંથી તેમને શિષ્યો પણ મળ્યા અને ધનની સહાયતા પણ મળી. ભારતીય સંસ્કૃતિને આ રીતે પ્રતિષ્ઠિત અને પુનઃસ્થાપિત કરીને તેની સામે તેમણે વિશ્વવિજયનો આધ્યાત્મિક આદર્શ મૂક્યો અને દેશમાં જનતાજનાર્દનની અને ખાસ કરીને દરિદ્રનારાયણની સેવાથી શરૂઆત કરી.

સ્વામી વિવેકાનંદને સૌથી વિશેષ ચીડ હતી દુર્બળતાની. બાકીના બધા જ દોષો તેઓ ચલાવી શકતા હતા, પણ દુર્બળતા નહીં. તેમની સમગ્ર પ્રવૃત્તિને જો કોઈ યથાર્થ નામ આપવું હોય તો તેને આપણે ‘શક્તિની ઉપાસના’ કહી શકીએ.

પરંતુ બંગાળમાં કાલિપૂજા અને પશુના બલિદાનને જ શક્તિની ઉપાસના માનતા હતા. સ્વામીજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસે કાલિમાતાની પૂજા અને ભક્તિથી સર્વ કાંઈ મેળવ્યું હતું. તે કાલિ ઉપાસનાનો વિરોધ સ્વામી વિવેકાનંદના મનમાં હતો નહીં. પરંતુ જે શક્તિની ઉપાસના તેઓ ઇચ્છતા હતા તે તો જુદી જ હતી.

જ્યારે સ્વામીજી મહારાષ્ટ્રમાં ફરતા હતા ત્યારે તેમણે મહારાષ્ટ્રમાં રામભક્તિ અને હનુમાનની ઉપાસના જોઈ અને હનુમાનની પૂજાની સાથે ચલાવવામાં આવતા કુસ્તીના અખાડા પણ જોયા. ત્યારે તેમણે કહ્યું, ‘શક્તિની ઉપાસનાને માટે હનુમાનનો આદર્શ વિશેષ ઉપયોગી છે.’ તેમણે પોતાના મઠોમાં રામકથાને સૂચિત કરતું એક સંકીર્તન શરૂ કર્યું અને ઇચ્છયું કે હનુમાનને આગળ કરીને શક્તિની ઉપાસના કરવી આજના યુગ માટે વિશેષ હિતકારી છે.

તેમણે સ્થાપેલા અદ્વૈતાશ્રમ અને સેવાશ્રમો દેશને માટે આધ્યાત્મિક પ્રેરણાના ચૈતન્યસ્ત્રોત બન્યા અને આ સંસ્થાઓએ એક બાજુ શિક્ષિત વર્ગ અને વિદ્યાર્થીઓની વચ્ચે આત્મપરિચય તથા આત્મગૌરવનું વાતાવરણ પેદા કર્યું અને બીજી બાજુ હીનદીન, પતિત તથા પરિત્યક્ત જનતાને અપનાવીને સારાયે રાષ્ટ્રમાં ભાવનાત્મક એકતાનું બળ પેદા કર્યું. સામાજિક સુધારણાનું કાર્ય ધર્મની નિંદા કરીને નહીં, પરંતુ ધર્મમાંથી પ્રેરણા મેળવીને જ થઈ શકે છે એ સિદ્ધાંતનો પરિચય સૌથી પહેલાં સ્વામી વિવેકાનંદે જ દેશને કરાવ્યો.

જે લોકો ખ્રિસ્તી વગેરેને હિન્દુ ધર્મના શત્રુ માનતા હતા તેમની દૃષ્ટિ શુદ્ધ કરવાનું કાર્ય પણ વિવેકાનંદે જ શરૂ કર્યું હતું. થિયોસોફીની સાથે તેમનો સહયોગ ન થઈ શક્યો. પરંતુ થિયોસોફીનો સર્વધર્મસમભાવ સ્વામી વિવેકાનંદે પુરેપુરો અનુમોદ્યો.

સ્વામી વિવેકાનંદની રાષ્ટ્ર પર કેટલી અસર થઈ છે તેનું માપ કાઢવું હોય તો આપણે કહેશું કે કવિ રવીન્દ્રનાથ, શ્રી અરવિન્દ ઘોષ અને મહાત્મા ગાંધી, આ ત્રણે પુરુષો વિવેકાનંદના વાયુમંડળમાં જ ફાલીફૂલી શક્યા હતા.

હિન્દુ ધર્મના દોષો જોઈને તેમાં ‘સુધારો’ કરનારાઓનો એક પક્ષ હતો અને હિન્દુ ધર્મની સુંદરતાનું વર્ણન કરીને તે ધર્મ પ્રત્યે લોકોની નિષ્ઠા વધારનારાઓનો ઉદ્ધારક પક્ષ પણ હતો. આ બંનેથી અલિપ્ત રહીને હિન્દુ ધર્મમાં જે માનવહિતકારી તત્ત્વ છે તેને આગળ કરીને હિન્દુ ધર્મને નવું રૂપ આપવાનું કાર્ય અને તેની દાર્શનિક ભૂમિકા વિશદ કરવાનું જે કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યુ તે આજે આપણી દૃષ્ટિએ મહત્ત્વનું છે. તેના આધારે આજે આપણે સામાજિક ઉન્નતિ કરી શકીએ છીએ.

જે હિન્દુ ધર્મની બાબતમાં આજે આપણા મનમાં ગૌરવ છે અને જેના કારણે આજની દુનિયા ભારતીય જીવનદર્શનની તરફ માનની નજરે જુએ છે તે હિન્દુ ધર્મ કયો ?

રોટી-બેટીના વ્યવહારમાં ફસાયેલો અને અનેકાનેક જાતિઓના થરોની ઊંચનીચતાને જ ધર્મસર્વસ્વ માનવાવાળો હિન્દુ ધર્મ આજે કોઈનો પણ આદર પ્રાપ્ત કરી શકતો નથી. જેમાં ખાનપાનના નિયમોની જ પ્રધાનતા છે તેને સ્વામી વિવેકાનંદે રસોડા-ધર્મ (Kitchen-Religion) કહીને તેમાંથી બચવાની હાકલ આજના જમાનાને કરી હતી. અદ્વૈત આદિ દર્શનોમાં વ્યક્ત થયેલો વેદાંત ધર્મ જ સાચો હિન્દુ ધર્મ છે; સદાચાર, ભક્તિ, સેવાવૃત્તિ, માનવતા, નિર્ભયતા, તેજસ્વિતા અને ઉદારતાના સમુચ્ચયને જ સ્વામીજીએ સાચો હિન્દુ ધર્મ કહ્યો છે. મનુષ્યમાત્રમાં જે આત્મતત્ત્વ, ઈશ્વરીતત્ત્વ સુપ્ત છે તેને જાગૃત કરવું, તેનો સાક્ષાત્કાર કરવો અને મનુષ્યના હૃદયમાં ભગવાનને પ્રત્યક્ષ કરવા એ સાધનાનો સ્વામીજીએ પ્રચાર કર્યો. આજે પણ આપણે એ જ કરવાનું છે.

વર્ણાશ્રમ જ હિન્દુ ધર્મનું હાર્દ છે એવી સાર્વત્રિક માન્યતા છે. તેમાં આશ્રમ વ્યવસ્થાને તો જુદી રીતે જ કરવી જોઈએ. કારણ કે બ્રહ્મચર્ય આશ્રમથી ’સવર્ણોને જનોઈ દેવી’ એટલું જ લોકો જાણે છે. એ સિવાય તો તેની ક્યારની મશ્કરી થઈ ચૂકી છે. ગૃહસ્થાશ્રમ આખી દુનિયામાં ચાલે છે તેવો આપણે ત્યાં પણ છે. પતિ-પત્નીમાં પરસ્પર નિષ્ઠા અને આતિથ્ય આ બે ગુણોની રજૂઆત સર્વ ધર્મોમાં મળે છે. અને તેની અમુક હદ સુધીની ઉપેક્ષા સૌની સાથે આપણે ત્યાં પણ નજરે પડે છે. વાનપ્રસ્થ આશ્રમ અલોપ થઈ ગયો છે અને સંન્યાસ આશ્રમ તો એટલો રૂઢિનિષ્ઠ થઈ ગયો હતો કે સ્વામી વિવેકાનંદ જેવા સંન્યાસીઓએ તેનું મુખ ઉજ્જ્વળ ન કર્યું હોત તો સંન્યાસ ધર્મ અને વિધવા ધર્મમાં કાંઈ ફેર જ રહેત નહિ. આ ચાર આશ્રમોનું ગૌરવપૂર્ણ વર્ણન તો અનેક પુસ્તકોમાં આપણે વાંચી શકીએ છીએ. પરંતુ તેના પુનરુદ્ધારનો પ્રયત્ન નહીં જેવો જ થઈ રહ્યો છે. ભગવદ્ગીતામાં તો ચાર આશ્રમોનું નામમાત્ર છે.

ચાર વર્ગની વ્યવસ્થા જેટલી શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં છે એટલી સામાજિક જીવનમાં જોવા નથી મળતી. જાતિ-વ્યવસ્થાના જંગલમાં વર્ણવ્યવસ્થા નામશેષ થઈ ગઈ છે. તેનું તાત્ત્વિક સમર્થન તો અવશ્ય થઈ શકે છે, પરંતુ વર્ણવ્યવસ્થામાં ભયાનક દોષ પણ છે. વર્ણવ્યવસ્થામાંથી પ્રતિષ્ઠાની ઊંચનીચતા દૂર કરવી સહેલી નથી. અને પોતપોતાના વર્ણ અનુસાર ચાલવાવાળી વ્યક્તિના જીવનમાં ચાર વર્ણના આદર્શોનો સમન્વય કર્યા વિના હિન્દુ સમાજ સમર્થ થઈ શકશે નહીં અને દુનિયાં પ્રચલિત જે અનેકાનેક ધર્મ છે તેમાં પારિવારિક સંબંધની સ્થાપના કર્યા વિના હિન્દુ ધર્મના સાફલ્યનો સંતોષ મળવાનો નહીં.

સ્વામી વિવેકાનંદે આપેલી પ્રેરણા એટલી અસરકારક હતી કે આજના સામાજિક નેતાઓના માનસમાં તે દૃઢમૂળ થઈ ચૂકી છે. તે પ્રેરણાને આગળ વધારીને રૂઢિપરાયણ સમાજનું જીવન પરિવર્તન કરવામાં આ સાલ જો આપણે ખરચીએ તો તે થશે વિવેકાનંદ જન્મ-શતાબ્દીની ઉત્તમ ફલશ્રુતિ.

Total Views: 255
By Published On: May 1, 1989Categories: Kaka Saheb Kalelkar0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram