સાચું શિક્ષણ
શિક્ષણ એટલે શું? પુસ્તકાભ્યાસ? ના. અનેકવિધ જ્ઞાન? એ પણ નહિ. જે કેળવણીથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને આવિષ્કાર સંયત બનીને ફળદાયી બની શકે તેનું નામ શિક્ષણ. સાચા શિક્ષણને એક પ્રકારની વિશિષ્ઠ શક્તિ અથવા તો સમર્થ અને શુભ સંકલ્પો કરતા શીખવાની કેળવણી તરીકે વર્ણવી શકાય. શિક્ષણ એટલે કેવળ શબ્દોનો મેળો નહિ.
માનવનું ઘડતર એ જ દરેક સાચા શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. શિક્ષણ એટલે તમારા મગજમાં એકઠો થઈને આત્મસાત્ બન્યા વિના જીવનભર ઉત્પાત મચાવ્યા કરનારો માહિતીઓનો ઢગલો નહિ. જીવન ઘડનારા, સાચા માનવીનું નિર્માણ કરનારા, ચારિત્ર વિકસાવનારા વિચારોને આત્મસાત્ કરવાની આપણને ઘણી જરૂર છે. જો તમે કેવળ પાંચ જ વિચારને આત્મસાત્ કરી તમારા જીવન સાથે, ચારિત્ર સાથે એકરૂપ કરી શક્યા હો તો એક પુસ્તકાલયનાં ગ્રંથોને કંઠસ્થ કરનારનાં કરતાં તમારામાં વિશેષ જ્ઞાન છે એટલું જરૂર માનજો.
કેવળ પુસ્તકીઆ જ્ઞાનથી કશું વળવાનું નથી. જેનાથી ચારિત્રનું ઘડતર થાય, જેનાથી મનનું બળ વધે, જેનાથી બુદ્ધિ વિશાળ બને અને જેના વડે માણસ પોતાના પગ પર ઊભો રહી શકે તેવા શિક્ષણની આપણને જરૂર છે. પશ્ચિમનું વિજ્ઞાન અને એની સાથે આપણું વેદાંત. પ્રેરક આદર્શ તરીકે બ્રહ્મચર્ય ને સાથે આત્મશ્રદ્ધા-આટલાંની આપણને જરૂર છે.
માણસમાં દૃઢરૂપે રહેલી પૂર્ણતાનો જે આવિષ્કાર સાધી આપે તેનું નામ જ શિક્ષણ. ધર્મને હું શિક્ષણનું હાર્દ લેખું છું. પણ એટલું ધ્યાનમાં રાખજો કે અહીં ધર્મ એટલે મારા કે બીજા કોઈના ધર્મ વિશેના વિચારો એવો અર્થ નથી. ધર્મ મુખ્ય વસ્તુ છે, બીજું બધું ગૌણ છે. પણ આપણને તો બધાની જ જરૂર છે.
આપણી પાસે તો જ્ઞાન પ્રાપ્ત કરવાની એક જ પદ્ધતિ છે. ક્ષુદ્રમાં ક્ષુદ્ર માણસથી માંડીને તે મહાન યોગી સુધી બધાને એ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહે છે. એનું નામ ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનપ્રાપ્તિ. પોતાની પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી પોતાના ચિત્તની સર્વ શક્તિઓને પોતે જે પદાર્થનું પૃથક્કરણ કરતો હોય છે તેમાં કેન્દ્રિત કરે છે અને એમ કરીને પોતે પદાર્થનું રહસ્ય જાણી શકે છે. ખગોળવેત્તા પણ પોતાની શક્તિઓને એકાગ્ર કરીને દૂરબીનમાંથી આકાશના ગ્રહ નક્ષત્રોને જુએ છે ને ત્યારે એ બધાનું રહસ્ય એની આંખથી છાનું રહી શકતું નથી.
… આ સામર્થ્ય, અંતરાયને પ્રહારથી છેદી નાખવાની શક્તિ ચિત્તની એકાગ્રતામાંથી જ ઉદ્ભવે છે. માનવમનના સામર્થ્યને કશી મર્યાદા નથી. જેમ-જેમ તમે એને વધારે એકાગ્ર કરશો તેમ-તેમ એ વધારે કાર્યસાધક બનશે. પદ્ધતિનું રહસ્ય આટલું જ છે.
બુટપોલિસ કરનારો પણ જો ચિત્તની એકાગ્રતાથી પોતાનું કામ કરશે તો એ કામ ઘણી ઊંચી કોટિનું થઈ શકશે. રસોઈઓ પણ જો ચિત્તની એકાગ્રતાથી રાંધશે તો રસોઈ વધુ સારી કરી શકશે. પૈસા કમાવામાં કે ભગવાનની ભક્તિ કરવામાં કે બીજું ગમે તે કરવામાં ચિત્તની આ એકાગ્રતાની શક્તિ વધારે હશે તો તે કાર્ય પણ તેટલું જ સારું થશે. એના વડે જ પ્રકૃતિના અભેદ્ય દ્વારોના આગળા ઊઘડી જાય છે. અને પ્રકાશનું મહાપૂર વહે જાય છે. ચિત્તની એકાગ્રતાની શક્તિ એ જ જ્ઞાનના ભંડારને પામવાની એક માત્ર ચાવી છે.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




