રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લક્ષ્યો સાધવા માટે સ્વામી વિવેકાનંદજી અંગ્રેજી પત્રિકાઓના મહત્ત્વને સ્વીકારતા હતા. સાથે જ, તેઓ પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓ પ્રકાશિત કરવા માટે ઉત્સુક હતા. કારણ કે તેઓ જાણતા હતા કે, સામાન્ય જનતામાં ભાવ-આદર્શોનો પ્રસાર કરવા માટે પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓની જરૂર છે. ‘બ્રહ્મવાદિન્’ના પ્રકાશન પહેલાં જ સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને એક પત્રિકા હિન્દી અને બંગાળીમાં સંયુક્ત રીતે બહાર પાડવા માટે લખેલું. ઈ. સ. 1895માં સ્વામીજીએ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને એક બંગાળી પત્રિકાના પ્રકાશન માટે તકાદો કરતાં લખ્યું –“એક સામયિક શરૂ થવાનું છે. તેનું શું થયું ? તેનું સંચાલન કરવામાં તમે ગભરાઓ છો શા માટે ? હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ ! તમને મુક્તિ ન મળે તો પણ શું ? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું ?”20 અન્ય એક ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને તેમણે 11 એપ્રિલ, 1895ના પત્રમાં લખ્યું, “એક સામયિક શરૂ કરવા માટે તમારી શક્તિઓ સંકલિત કરજો. શરમાળપણું હવે નહિ ચાલે.”21

એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું કે, “હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી. સી. ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે તો સારું.” શ્રી હરમોહન મિત્ર (અનેક પુસ્તકોના પ્રકાશક), માસ્ટર મહાશય (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ – ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક), શ્રી જી. સી. ઘોષ (બંગાળના વિખ્યાત કવિ અન નાટ્યકાર) આ બધા જ શ્રીરામકૃષ્ણના અંતરંગ ગૃહસ્થ શિષ્યો એક પત્રિકા-પ્રકાશન કરવામાં સક્ષમ હતા. તેવી જ રીતે, સ્વામીજીના ગુરુભાઈઓ કાલી મહારાજ (સ્વામી અભેદાનંદજી), હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદજી) તથા શરત્ મહારાજ (સ્વામી શારદાનંદજી) પણ આ કાર્ય માટે સક્ષમ હતા. (આ ત્રણે વેદાન્તના પ્રચાર માટે વિદેશ ગયેલા). જ્યારે આ બધા પાસેથી સ્વામીજીને નિરાશા સાંપડી, ત્યારે સ્વામીજીએ પોતાનું ધ્યાન અંગ્રેજી પત્રિકાઓ પર કેન્દ્રિત કર્યું. પણ આશ્ચર્યની વાત, આ વખતે એક યુવકના માથા પર પત્રિકા-પ્રકાશનનું ભૂત સવાર થયું ! તે હતા સ્વામીજીના ગુરુભાઈ સારદાપ્રસન્ન મહારાજ (સ્વામી ત્રિગુણાતીતાનંદજી). ઉંમરમાં નાના હોવાને કારણે આવા કાર્ય માટે તેમની ગણના જ નહોતી; માટે જ્યારે તેમણે પોતાના ગુરુભાઈઓને પત્રિકા પ્રકાશન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓએ આ વાત હસવામાં કાઢી નાખી. કોઈકે ટીખળ કર્યું, તો કોઈકે મશ્કરી કરી, છતાંય તેઓ હિંમત ન હાર્યા અને આ વિષે સ્વામીજીને અમેરિકા પત્ર લખ્યો. આ પત્ર મળવાથી સ્વામીજી કેટલા પ્રસન્ન થયા હશે તેનો ખ્યાલ સહેજે આવી શકે. સ્વામીજીએ તરત જ સ્વામી બ્રહ્માનંદજીને પત્ર લખ્યો (1895) : “એક બંગાળી સામયિક શરૂ કરવાનું સારદા લખે છે. તમારી પૂરી શક્તિથી તેમાં સહાય કરજો. તે વિચાર ખોટો નથી. કોઈને તેની યોજનામાં નિરુત્સાહ ન કરશો. ટીકા કરવાનું સદંતર છોડી દેજો. બધા ઝઘડાનું મૂળ એકબીજાની ટીકા કરવી એ છે. સંસ્થાઓને તોડી પાડવામાં મુખ્ય ભાગ તે ભજવે છે.”22

સ્વામી ત્રિગુણાતીતાનંદજીને પણ સ્વામીજીએ એક અત્યંત પ્રેરણાદાયી પત્ર લખ્યો. આ પત્ર એ વાત પુરવાર કરે છે કે, વિશ્વના ઇતિહાસમાં સ્વામીજી જેવા પ્રેરણાદાયી પત્રલેખક જવલ્લે જ કોઈ હશે. જાન્યુઆરી 1896માં તેમણે લખ્યું  “સામયિક બાબતનો તમારો વિચાર ઘણો સારો છે. પૂરેપૂરા તનમનથી તેમાં લાગી જજો… પૈસાની ચિંતા ન કરશો… ખ્રિસ્તી તેમ જ મુસ્લિમ ધર્મના પ્રચારકો ઘણાય છે; તમે તમારા દેશના ધર્મનો પ્રચાર કર્યે જજો… આપણે સારી એવી સંખ્યામાં લેખકોની જરૂર છે, તેમ ગ્રાહકો મેળવવાનું મુશ્કેલ કામ છે. પણ તેમાંથી રસ્તો આ પ્રમાણે નીકળી શકે : તમે પરિભ્રમણ કર્યા કરો. જ્યાં જ્યાં બંગાળી ભાષા બોલાતી હોય ત્યાં તમે પહોંચી શકો અને જે મળે તેને આ સામયિકો વળગાડો. બળજબરીથી ગ્રાહક બનાવો કારણ કે જ્યાં કંઈક ખર્ચવાની વાત આવશે ત્યાં તુરત જ તેઓ ઊભી પૂંછડીએ ભાગશે. પણ કશાની પરવા ન કરો, સામયિકને આગળ ધપાવો. તમારામાંથી જે કોઈ લખી શકો તે તેમાં લેખો આપો. આળસુ થઈ બેસી રહેવું નહિ પાલવે. તમે વીરકાર્ય કર્યું છે ! શાબાશ ! જે કોઈ અચકાશે અને અસ્થિર હશે તે પાછળ રહેશે. જ્યારે તમે સીધા બધાથી ઉપર કૂદી જશો. પોતાની જ મુક્તિ માટે કાર્ય કરનારને પોતાને તો મુક્તિ નહિ મળે, તેમ તે બીજાને પણ નહિ અપાવી શકે. તમે જે આંદોલન ઉપાડો તે એવું જગાવો કે તેનો પડઘો જગતના છેડા સુધી પડે… તમારી શક્તિ હોય તેટલું કાર્ય કરો ! પછી હું ભારત આવીને આખા દેશને હચમચાવી મૂકીશ. ભય શા માટે ?… ગંગાધરે (સ્વામી અખંડાનંદે) ખરું વીરકાર્ય કર્યું છે ! શાબાશ ; તેના કાર્યમાં કાલી પણ જોડાયો છે ! ત્રેવડી શાબાશી ! એક જણ મદ્રાસ જાઓ, એક મુંબઈ જાઓ; સાંધેસાંધામાંથી જગતને હચમચાવી નાખો !.. એકને ચીન મોકલો, બીજાને જાપાન મોકલો !… શંકરના ભૂત જેવા સંન્યાસીઓ જ ‘હર હર ! શંભો’ની ગર્જનાથી આકાશને ચીરી નાખી શકે !”23

આ પછી સ્વામીજી ઘણી વાર પત્રિકાના પ્રકાશન માટે સ્મરણ કરાવતા રહ્યા પણ આ કામ પાછળ જ ઠેલાતું ગયું. તેનું મૂળ કારણ હતું-નાણાંનો અભાવ. સ્વામીજીએ તેમની અમેરિકન શિષ્ય મિસ મેકલાઉડને આર્થિક સહાય માટે પત્ર લખ્યો (29 એપ્રિલ, 1898); “કલકત્તામાં હું એક સામયિક શરૂ કરવા ધારું છું. જો તે શરૂ કરવામાં તમે મને મદદ કરશો તો હું ઘણો આભારી થઈશ.”24 આવી રીતે નાણાં એકઠાં કરી સ્વામીજીએ બારસો રૂપિયા આ પત્રિકા માટે મોકલાવ્યા અને સ્વામી બ્રહ્માનંદજીને 20 મે, 1898ના પત્રમાં લખ્યું : “માસિક માટે પૈસા એકઠા કરવાની હું મહેનત કરું છું. માસિક માટે મેં તમને આપી છે, તે રૂપિયા 1200 ની રકમ તેના માટે જ રહે તે જોજો.”25

આમ છતાં કોયડાનો ઉકેલ આવ્યો નહિ. 17 જુલાઈ, 1898 ના પત્રમાં સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને ફરી લખ્યું : “બંગાળીમાં માસિકને આર્થિક રીતે લાભદાયક બનાવવું મુશ્કેલ છે; પણ જો તમે બધા ઘેર ઘેર ફરીને ગ્રાહકો મેળવી શકો તો કદાચ તે શક્ય બને… બિચારો સારદા એક વખત તો નાસીપાસ થયો છે. આવા નિઃસ્વાર્થ અને મહેનતુ માણસને મદદ કરવામાં આપણે કદાચ એકાદ હજાર રૂપિયા ગુમાવીએ તોય શું થઈ ગયું ?”26

છેવટે શ્રી હરમોહન મિત્ર પાસેથી ઉછીના એક હજાર રૂપિયા લઈ આ બંગાળી સામયિકનો પ્રથમ અંક જાન્યુઆરી, 1899 (માઘ પહેલો બંગાબ્દ 1305)માં પ્રગટ કરવામાં આવ્યો. પહેલાં દસ વર્ષો સુધી આ પાક્ષિક પત્રિકા હતી. ત્યાર પછી આજ સુધી માસિક પત્રિકા રૂપે પ્રગટ થઈ રહી છે. સ્વામીજીએ પોતે તેનું નામ આપ્યું – “ઉદ્બોધન”. તેની પ્રસ્તાવના પણ સ્વામીજીએ પોતે લખી હતી. અવારનવાર તેમના લેખો પણ આ પત્રિકામાં પ્રકાશિત થતા. સ્વામીજી આ પત્રિકાને માટે કેટલો સ્નેહ રાખતા તેનો ખ્યાલ તેમણે પોતાના શિષ્ય શ્રી શરદચંદ્ર ચક્રવર્તી સાથે કરેલ વાર્તાલાપોમાંથી આવે છે. સામયિકોમાં તેઓ કેવા ભાવો, ભાષા, વગેરેનો ઉપયોગ કરવા માગતા હતા, આવાં સામયિકોનો શો ઉદ્દેશ્ય હોવો જોઈએ, વગેરે ઘણી મહત્ત્વની બાબતો-આ વાર્તાલાપોમાં આવરી લેવાઈ છે. માટે તેનો અંશ ઉધ્ધૃત કરવો અપ્રાસંગિક નહિ કહેવાય.27

સ્વામીજીએ પત્રના નામને જરા વ્યંગ રૂપ આપીને કહ્યું : તમે ‘ઉદ્બંધન’ (ગળેફાંસો) જોયું ?

શિષ્ય : હા જી, અંક સારો છે.

સ્વામીજી : આપણે આ સામયિકના વિચારો, ભાષા અને બધુંય નવી ઢબે રજૂ કરવું જોઈએ.

શિષ્ય : એટલે ?

સ્વામીજી : આપણે શ્રીરામકૃષ્ણના વિચારો બધાંને આપવા જોઈએ. એટલું જ નહિ પરંતુ, બંગાળી ભાષામાં નવું જોમ પણ લાવવું જોઈએ. દાખલા તરીકે, ક્રિયાપદોનો વધારે પડદો ઉપયોગ ભાષાના જોશને ઓછું કરે છે; વિશેષણો વાપરીને ક્રિયાપદોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આ પ્રમાણે લેખો લખવા શરૂ કરો અને ‘ઉદ્બોધન’માં છાપવા આપો તે પહેલાં મને બતાવજો.

શિષ્ય : પણ સ્વામીજી ! આ સ્વામીજીની માફક ભગવાં કપડાં પહેરેલ એક સંન્યાસી બારણે બારણે ભટકે તે અમારી દૃષ્ટિએ જરા વિચિત્ર લાગે છે.

સ્વામીજી : શા માટે ? સામયિકનો ફેલાવો તો માત્ર ગૃહસ્થોના હિત માટે છે. દેશમાં નવા વિચારો ફેલાવવાથી આમ જનતાને લાભ થશે. તમે શું એમ માનો છો કે, ભક્તની સાધના કરતાં આ નિઃસ્વાર્થ કાર્ય કોઈ પણ રીતે ઊતરતું છે ? અમારું ધ્યેય છે માનવજાતનું કલ્યાણ. અમારો ઈરાદો આ સામયિકમાંથી પૈસા કમાવાનો નથી. અમે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, અને અમારા મૃત્યુ પછી અમારે પત્ની કે બાળકો માટે કંઈ પ્રબંધ કરવાનો રહેતો નથી. જો આ સામયિકને સફળતા મળસે તો તેની બધી આવક માનવજાતની સેવા માટે ખરચાશે. તેની વધારાની રકમ જુદી જુદી જગ્યાએ મઠો અને સેવાશ્રમો ખોલવામાં અને દરેક લોકોપયોગી કામ માટે યોગ્ય રીતે વાપરવામાં આવશે. એટલું તો ચોક્કસ કે, અમે ગૃહસ્થોની માફક પોતાનાં ખિસ્સાં ભરવા માટે કામ કરતા નથી. ચોક્કસ જાણજો કે અમારી બધી પ્રવૃત્તિ બીજાના કલ્યાણ માટે હોય છે.

શિષ્ય : તેમ છતાં બધા લોકો આ દૃષ્ટિબિંદુ સમજી શકશે નહિ.

સ્વામીજી : તેથી શું ? એથી અમને કંઈ નફો કે નુકસાન નથી. અમે લોકોની ટીકા તરફ દૃષ્ટિ રાખીને કોઈ પણ કામ હાથ ધરતા નથી.

શિષ્ય : આ સામયિક તો પાક્ષિક છે; અમે ઇચ્છીએ છીએ કે તે સાપ્તાહિક થાય.

સ્વામીજી : એ ઠીક છે; પણ પૈસા ક્યાં ? જો શ્રીરામકૃષ્ણની કૃપાથી પૈસા આવશે તો ભવિષ્યમાં તે દૈનિક પણ બની શકે; રોજ એક લાખ નકલો છાપી શકાય અને કલકત્તાની શેરીએ શેરીએ મફત વહેંચી શકાય !

જે દિવસે આ વાર્તાલાપ થયો તે જ દિવસે સાંજે સ્વામીજીએ ફરીથી ‘ઉદ્બોધન’ વિશે શિષ્યને સંબોધીને કહ્યું હતું : “આપણે ઉદ્બોધન દ્વારા લોકોને રચનાત્મક વિચારો જ આપવા જોઈએ. નિષેધક વિચારો માણસને નિર્બળ બનાવે છે… તમારો ઇતિહાસ, સાહિત્ય, પુરાણ અને બીજાં બધાં શાસ્ત્રો લોકોને માત્ર ડરાવી દે છે. તેઓ એમને એમ જ કહે છે  ‘તમે નરકમાં જશો, તમારો વિનાશ થઈ ચૂક્યો છે.’ તેથી જ ભારતના પ્રાણ સુદ્ધાંમાં આવી જડતા બેસી ગયેલ છે. તેથી જ આપણે સરળ શબ્દોમાં લોકોને વેદવેદાંતના ઊંચામાં ઊંચા વિચારો સમજાવવા જોઈએ. નૈતિક સિદ્ધાંતો, સદ્દવર્તન તથા વિદ્યાના પ્રસાર દ્વારા આપણે ચાંડાળોને પણ બ્રાહ્મણની કક્ષાએ લાવવા જોઈશે. ચાલો, આ બધું ‘ઉદ્બોધન’માં લખો અને યુવાન તેમ જ વૃદ્ધ, સ્ત્રી અને પુરુષ સૌને જાગૃત કરો. ત્યારે જ હું જાણીશ કે તમારો વેદવેદાંતનો અભ્યાસ સફળ થયો છે.”

‘ઉદ્બોધન’ની પ્રસ્તાવનામાં પણ સ્વામીજીએ રચનાત્મક તથા પ્રેરણાપ્રદ વિચારોના પ્રસારનું મહત્ત્વ દર્શાવેલું. ભારતવર્ષમાં સ્વામીજી ઇચ્છતા હતા, રજોગુણ તથા સત્ત્વગુણનું મિશ્રણ, પ્રાચ્ય તથા પાશ્ચાત્ય સંસ્કૃતિનું મિલન; નિર્ભયપણે સત્ય તથા અસત્ય (મિથ્યા)નો વિવેક. આ લેખના અંતે તેમણે ઉપર્યુક્ત મુદ્દાઓ પર ચર્ચા કરવાનું આમંત્રણ આપતાં લખ્યું હતું, “લોકોના હિતને માટે લોકોના સુખને માટે; નિઃસ્વાર્થ ભાવે, પ્રેમ અને આદરભર્યા અંતઃકરણથી પોતાની માતૃભૂમિને ચાહનારા તમામ શાણા અને વિશાળ હૃદયવાળા સજ્જનોને આ મુદ્દાઓ ચર્ચવા અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ‘ઉદ્બોધન’ આમંત્રણ આપે છે, અને વેરવૃત્તિ કે ધિક્કારની ભાવનાથી રહિત હોઈને તથા કોઈ પણ વ્યક્તિ, સમાજ કે સંપ્રદાય પ્રત્યે અસભ્ય ભાષણપ્રયોગ કરવાથી દૂર રહેતું હોઈને સર્વ વર્ગોની સેવામાં તે પોતાની સમગ્ર જાતને અર્પણ કરે છે.”28

જાન્યુઆરી 1898 માં આ પત્રિકા શરૂ થયા પછી પણ સ્વામીજીનો આ પત્રિકા માટે ઘોર પરિશ્રમ ચાલુ જ રહ્યો. તેના માટે પત્રો દ્વારા તેઓ પોતાના ગુરુભાઈઓને આવશ્યક સૂચનો આપતા રહ્યા અને જરૂર પડ્યે ઠપકો પણ પૂરતા પ્રમાણમાં ! 10મી ઓગસ્ટ, 1899ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, “સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે… મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે અને પહેલેથી તેની બરાબર જાહેરાત કરે એટલે ગ્રાહકો માસિક માટે ધસારો કરશે. માસિકનો પોણો ભાગ ધર્મની વાતોથી ભર્યો હોય તેવું માસિક લોકોને ગમે ખરું ? ગમે તેમ પણ, માસિક પ્રત્યે ખાસ ધ્યાન આપજો. મનથી એમ માની લો કે જાણે હું નથી જ. આ ભૂમિકા સ્વીકારીને સ્વતંત્ર રીતે કાર્ય કરો. ‘અમે તો પૈસા, વિદ્યા દરેકે દરેક માટે મોટા ભાઈ પર આધાર રાખીએ’-આ જાતની મનોવૃત્તિ વિનાશનો જ માર્ગ છે. જો બધા પૈસા (માસિક માટે પણ) મારે મેળવવાના હોય અને બધા લેખો મારી જ કલમમાંથી આપવાના હોય, તો તમે બધા શું કરશો ?… એક પાઈ પણ ઉઘરાવવા કોઈ તૈયાર નથી, કંઈ ઉપદેશ આપવા કોઈ તૈયાર નથી, પોતાના કામકાજની યોગ્ય સંભાળ રાખવા જેટલી પણ કોઈમાં બુદ્ધિ નથી, એક લીટી સરખીય લખવા જેટલી કોઈમાં શક્તિ નથી, અને બધા જ ખાલી સંતો થઈ પડ્યા છે !… મારે જોઈએ કામ, મારે જોઈએ જોમ, કોઈ મરે કે જીવે તેની પરવા નહીં. સંન્યાસીને વળી જીવન કે મરણ શું ?”29

સ્વામીજીની તીક્ષ્ણ દૃષ્ટિ સદા ‘ઉદ્બોધન’ તરફ રહેતી. પ્રૂફ જોવામાં અથવા છાપવામાં થોડી પણ ભૂલ તેઓ સાંખી શકતા નહિ. જો સમયસર પત્રિકા બહાર ન પડતી તો તેમના તિરસ્કારની કોઈ સીમા જ ન રહેતી. એમના કોપનો શિકાર મોટા ભાગે સ્વામી ત્રિગુણાતીતાનંદજી જ બનતા, જેઓ આ પત્રિકાનાં પ્રથમ ચાર વર્ષો સુધી પ્રકાશક અને સંપાદક હતા. આ ઉપરાંત મિસ મેકલાઉડની આર્થિક સહાયથી ખરીદાયેલ “ઉદ્બોધન”ના પ્રેસનું સંચાલન પણ તેમના ખભા પર જ હતું. આ બધાં કાર્યો માટે તેમને ઘોર પરિશ્રમ કરવો પડતો હતો. એક દિવસ તેઓ શ્રીરામકૃષ્ણદેવના જન્મોત્સવમાં ભાગ લેવા બેલુર મઠ ગયા ત્યારે સ્વામીજીએ તેમને ‘ઉદ્બોધન’માં છપાયેલ શ્રીરામકૃષ્ણ અને પ્રાધ્યાપક મેકસમુલર વિષેના લેખમાં રહી ગયેલ ભૂલ માટે સખત ઠપકો આપ્યો. સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ પોતાની મુશ્કેલીઓનું વર્ણન કરતાં કહ્યું-‘કેવા મૂર્ખાઓ જોડે કામ કરવું પડે છે એ તો તમે સમજવા નથી માગતા.’ સ્વામીજીએ કઠોરતાથી કહ્યું : ‘રહેવા દે એ બધી વાતો. જે કાર્ય હાથમાં લીધું છે, તેમાં ભૂલ કેમ રહી જાય ? કામ કરવાવાળાઓને કોઈ વાર શીખવવાનો પ્રયત્ન કર્યો છે ? આ દેશના લોકો જ પોતાના દોષોને છુપાવવાનાં બહાનાં શોધે છે. પાશ્ચાત્ય દેશોમાં જેઓ મેનેજર(વ્યવસ્થાપક) હોય છે તેઓ પોતાનું કામ પૂરી જવાબદારીથી કરવાનો પ્રયત્ન કરે છે અને જ્યાં સુધી કામ સંપૂર્ણ પણે, ત્રુટિરહિત ન થઈ જાય ત્યાં સુધી છોડતા નથી. આ દેશમાં તો છાપ્યું એટલે પતી ગયું-ભૂલો રહે તો રહેવા દો. એક શબ્દ પણ જો આડો-અવળો થઈ જાય તો અર્થનો અનર્થ થઈ શકે .પ્રૂફ જોવામાં અત્યંત કાળજી રાખવી જોઈએ.”

બહારથી આવું કઠોર વર્તન કરવા છતાં સ્વામીજીના હૃદયમાં પોતાના ગુરુભાઈઓ પ્રત્યે અનહદ પ્રેમ હતો. સ્વામીજીનો સ્વભાવ જ નિરાળો હતો – મોઢા સામે ગાળોની વર્ષા અને પીઠ પાછળ પ્રશંસાની વર્ષા ! એક વાર સ્વામીજીએ વાર્તાલાપ કરતી વખતે સ્વામી ત્રિગુણાતીતાનંદજી વિષે પ્રશંસા કરતાં કહ્યું હતું – “તેઓ કામ કરતાં કરતાં મૃત્યુને ભેટશે છતાં નમશે નહિ.” ખરેખર, સ્વામી ત્રિગુણાતીતાનંદજી અમેરિકામાં વ્યાખ્યાન આપતી વખતે એક પાગલ શિષ્ય દ્વારા ફેંકાયેલ બૉમ્બથી ઘવાઈને શહીદ થયેલા.

શિવજીની જેમ એક પળે રૌદ્ર રૂપ તો બીજી પળે આશુતોષ રૂપ ધારણ કરવાવાળા સ્વામીજીનું આ વ્યક્તિત્વ શ્રી શચીન્દ્રનાથ બસુની સ્મૃતિકથામાં ઘણી સુંદર રીતે ખીલી ઊઠ્યું છે. ‘ઉદ્બોધન’ માટે સ્વામીજીનો ઉત્સાહ, સ્નેહ તથા પ્રેરણા, ગુરુભાઈઓ પ્રત્યે તેમનો સ્નેહ અને સાથોસાથ કઠોર અનુશાસન અને બીજી તરફ સ્વામી ત્રિગુણાતીતાનંદજીનો ‘ઉદ્બોધન’ માટે કઠોર પરિશ્રમ, અવિરત સંઘર્ષ અને સ્વામીજી પ્રત્યે તેમની સમર્પિત ભાવના અને આજ્ઞાકારિતા આ બધાનું સજીવ ચિત્રણ આ સ્મૃતિ કથામાં છે.30

“ગયા સોમવારે (6 નવેમ્બર, 1898) સ્વામીજીની સાથે હું બેલુર મઠથી બાગ બજાર (કલકત્તા) આવ્યો… બલરામ બાબુના ઘરમાં અમે બેઠા હતા. સાથે રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) પણ હતા. થોડી વાર પછી તાવમાં તરફડતા સ્વામી ત્રિગુણાતીતાનંદજી ડોલતા ડોલતા ત્યાં પહોંચી ગયા.

સ્વામીજીએ અને રાખાલ મહારાજે એકીસાથે સ્વામી ત્રિગુણાતીતાનંદજીને આવકાર આપ્યો-“આવો બાપુ, આવો, બેસો. શા ખબર છે ? પ્રેસનું કામકાજ ક્યાં સુધી પહોંચ્યું ?”

સ્વામી ત્રિગુણાતીત (નાકમાંથી બોલતાં બોલતાં) – “અરેં ભાંઈ, હવેં તોં આં બધું નંથી થતું, ભાંઈ-આં બધું કાંમ શું આંપણું છે ભાંઈ ? આંખો દિવસ તીર્થોનાં કાગડાઓની જેમ બેસી રહેવું પડે છે. ન તો કોઈ કામકાજ મળે છે. એક Jobwork (છપાઈનું કામ) મળ્યું છે, પણ એમાંથી શું થશે ? બહુ તો એમાં આઠ આના મળશે. હું પ્રેસ વેચવાનો પ્રયત્ન કરું છું.

સ્વામીજી : શું વાત કરે છે ? બસ, આટલામાં જ તારો શોખ પૂરો થઈ ગયો ? હજુ થોડા દિવસો જોઈ લે, પછી છોડી દેજે. પ્રેસને આ તરફ લઈ આવને ! તો અમે પણ બધા મદદ કરી શકીએ.

સ્વામી ત્રિગુણાતીત : ના ભાઈ, ત્યાં જ રહેવા દો. એક-બે દિવસો જોવા દો. 15-20 રૂપિયાનું નુકસાન કરીને વેચી નાખીશ.

સ્વામીજી : ઓ રાખાલ, આ શું બોલે છે ? લાગે છે એની ખૂબ ટ્રાયલ (પરીક્ષા) થઈ ગઈ છે. બસ, આટલામાં બધો ઉત્સાહ ઓસરી ગયો ! ધૈર્ય ન રહ્યું !

આમ બોલતાં બોલતાં સ્વામીજીનાં નેત્રો ક્રોધથી લાલચોળ થઈ ગયાં અને ઊભા થઈ સિંહની જેમ ગર્જના કરતાં બોલ્યા – “શું બોલે છે ? વેચી નાખ પ્રેસ, મને પૈસાની ઘણી જ જરૂર છે. આ જ મૂરતમાં પ્રેસને વેચી નાખ. 100-150 રૂપિયાનું નુકસાન વેઠીને પણ વેચી નાખ… કામના નામથી જ આ લોકોને વૈરાગ્ય આવી જાય છે. અરેં ભાંઈ હવે તોં આં બધું નથી થતું. ભાંઈ આ બધું કાંમ શું આંપણું છે ભાંઈ ? ફક્ત ખાઈ પીને ફાંદ વધારીને પડ્યું રહેવું છે ! જેનું કોઈ કામમાં ધૈર્ય નથી. એ શું માણસ છે ?… હજી ત્રણ દિવસો નથી થયા તને પ્રેસ ચાલુ કર્યે. જા, જા, તારા ઘણા experiments (પ્રયોગ) થઈ ગયા. તારી જ તો બહુ ઇચ્છા હતી. કોણે તને પ્રેસ ચાલુ કરવા માટે કહેલું ? તેં જ તો મને લખી લખીને પૈસા ભેગા કર્યા. તારું પ્રેસ અહીં લઈ આવને ! ત્યાં રાખવાનો શો અર્થ છે ? અને આ તને વારંવાર તાવ આવી જાય તો તારા સ્વાસ્થ્યનું ધ્યાન કેમ નથી રાખતો ?

સ્વામી ત્રિગુણાતીત : 8 રૂપિયા ભાડું આપવું પડશે. એક મહિનાનું એગ્રીમેન્ટ થઈ ગયું છે.

સ્વામીજી : છી, છી, શું બોલે છે ? આ લોકો કોઈ કામ કરી શકશે ? આઠ રૂપિયા માટે પડ્યો છો ? તમારા લોકોની આ કંજુસાઈ ક્યારેય નહિ જાય. તું પણ હરમોહન જેવો જ છો ! તમે લોકો ક્યારેય કોઈ બિઝનેસ (વેપાર) નહિ કરી શકો. એ પણ એક પૈસાનાં બટેટડાં લેવા માટે પચાસ દુકાનોમાં ફરતો રહેશે અને ઠગાઈને પાછો ફરશે… આવા માણસોથી કોઈ પ્રગતિ થઈ શકે ખરી ?

ત્રિગુણાતીત : ભાઈ, તમારું brain(મગજ) કેવું છે ? તમારું brain મને આપશો ?

આ વાત સાંભળીને વાતાવરણ હાસ્યથી ગુંજી ઊઠ્યું. બોલવાનું કૌશલ જ એવું હતું. આના પછી સ્વામીજી જરા નરમ પડ્યાં અને હવે તબિયતના સમાચાર પૂછ્યા. તાવ માટે દવાદારૂ કરે છે કે નહિ અને દિવસમાં કાંઈ ખાધું છે કે નહિ વગેરે પ્રશ્નો કર્યા. જવાબમાં સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ કહ્યું કે સવારે થોડા સાબુદાણા લીધા છે અને આ વેળા એક શેર રબડી, અર્ધો શેર કચોરી અને એટલા પ્રમાણમાં શાક ખાધું છે. આ સાંભળીને સ્વામીજી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા : “સાલા, તારું Stomach (હોજરી) મને દે તો સંસારનો ચહેરો ફેરવી નાખું ! લાહોરમાં સૂરજમલે કહેલું – “સ્વામીજી, તમારામાં નાનકનું brain (મગજ) અને ગુરુ ગોવિંદસિંહનું heart (હૃદય) તો આવી જ ગયું છે. હવે ફક્ત જગમોહન (ખેતડીના દીવાન)ના જેવી હોજરીની જરૂર છે.”

આવો જ અનોખો સંબંધ હતો સ્વામીજીનો પોતાના ગુરુભાઈઓ સાથે અને આવો કઠોર સંઘર્ષ સ્વામીજીને તથા તેમના ગુરુભાઈઓને ‘ઉદ્બોધન’ના પ્રવર્તન માટે કરવો પડ્યો હતો. આવા અથાક પ્રયત્નો, તપસ્યા અને સંકલ્પના પરિણામે આજે 90 વર્ષો પછી પણ આ પત્રિકા બંગાળી પત્રિકાઓમાં આગવું સ્થાન ધરાવે છે. બંગાળીમાં નિયમિત પ્રકાશિત થતી પત્રિકાઓમાં આ પ્રાચીનતમ પત્રિકા અને ધર્મ તથા સંસ્કૃતિ સંબંધી પત્રિકાઓમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

(ક્રમશઃ)

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (10) પૃ. સં. 93
  2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (10) પૃ. સં. 85
  3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 10, પૃ. સં. 102
  4. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 10, પૃ. સં. 125, 126
  5. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 11, પૃ. સં. 233
  6. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 12, પૃ. સં. 234
  7. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 12, પૃ. સં. 235
  8. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા 12, પૃ. સં. 23-26
  9. પૂરા લેખ માટે જુઓ : સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-6, પૃ. સં. 205-208. તેનો સારાંશ શ્રીરામકૃષ્ણ જ્યોત (એપ્રિલ-89)માં પણ પ્રકાશિત થયો હતો.
  10. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-12, પૃ. સં. 248
  11. ‘ઉદ્બોધન’ (સ્વર્ણ જયંતી અંક, 1354 બંગાબ્દ)
Total Views: 145
By Published On: August 1, 1989Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram