[રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ. પહેલો અને બીજો અંશ અનુક્રમે જૂન અને જૂલાઈના અંકમાં પ્રકાશિત થયો હતો. હવે અહીં ત્રીજો અંશ રજૂ કરીએ છીએ. ભાષાંતરકાર – શ્રી કે. વિ. શાસ્ત્રી – સં.]
(ગતાંકથી આગળ)
વૈદિક કર્મકાંડ અને જ્ઞાનકાંડ :
આ દેવોને કેવી રીતે પ્રસન્ન કરવા ? આદિ માનવે જોયું કે જ્યાં આગ લાગે છે, ત્યાં ધુમાડો ઉપર તરફ, ઊંચે જાય છે, આકાશમાં વિલીન થઈ જાય છે. એણે વિચાર્યું કે, આપણા આ લોકથી ઊંચે, ઉપર એક દેવલોક છે, અને ત્યાં દેવો વસે છે. એણે કલ્પના કરી કે, આ ધુમાડાને આધારે સ્વર્ગના દેવતાઓ સાથે પોતાનો સંબંધ સ્થાપી શકાય તેમ છે, અને એમને પોતાનો સંદેશ મોકલી શકાય તેમ છે. આવી રીતે આહુતિઓનો જન્મ થાય છે. મનુષ્ય કલ્પના કરે છે કે એ અગ્નિ, વરુણ, મરુત્, વગેરે માટે આહુતિઓ આપીને એમને પ્રસન્ન કરી લેશે. એ કહે છે “હે ધૂમશિખા, તું ઉપર જા અને અગ્નિને અમારો આ સંદેશો દઈ આવ કે, અમે અગ્નિનો સત્કાર કરીએ છીએ; અમને જે વસ્તુઓ વહાલી લાગે છે, જે ઓમ અમારા જીવનને પુષ્ટ બનાવે છે, એને અમે અગ્નિને માટે સમર્પણ કરી રહ્યા છીએ. અહીં પ્રિયતર વસ્તુઓની આહુતિ દઈને દેવતાઓને પ્રસન્ન કરવાનો ભાવ નજરે પડે છે. પછીના સમયગાળામાં આહુતિઓના વિધિ ઉપર વ્યાપક અને વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવ્યો. વિચારવામાં આવ્યું કે, યજ્ઞકુંડો કેવા પ્રકારના હોવા જોઈએ ? એમાં કેવી રીતે અને કેટલી સંખ્યામાં ઈંટો ગોઠવવી જોઈએ ? કુંડો કઈ દિશામાં બનાવવા ? વગેરે.
આ કર્મકાંડનો પ્રાદુર્ભાવ થાય છે. મનુષ્ય વિચારે છે કે દેવતાઓ સ્વર્ગમાં રહે છે; અને એમને આહુતિઓ આપીને સંતુષ્ટ કરી શકાય છે. દેવતાઓ સંતુષ્ટ થાય, એટલે એને પણ મરણ પછી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થઈ શકે છે. સ્વર્ગ એક એવો લોક છે કે જ્યાં દરેક પ્રકારનું સુખ છે, પણ દુઃખનો સદંતર અભાવ છે. સંસારમાં તો સુખની સાથે દુઃખ પણ ભોગવવું પડે છે. એટલું જ નહિ પરંતુ, સુખની સરખામણીમાં દુઃખ જ વધારે ભોગવવું પડે છે. માણસ દુઃખ વગરના સુખના ઇચ્છે છે. એટલે માટે એ સ્વર્ગની કલ્પના કરે છે. અને એની પ્રાપ્તિ માટે ભાતભાતના યજ્ઞોનો આવિષ્કાર કરે છે. પછી તો સ્વર્ગની યે કેટલીક શ્રેણીઓ બની જાય છે. અને એ બધીને મેળવવા માટે જાતજાતનાં ક્રિયા-અનુષ્ઠાનોનો પ્રચાર થવા લાગે છે. સમય જતાં બલિ અને ક્રિયાનુષ્ઠાન યજ્ઞોનાં અનિવાર્ય અંગો બની રહે છે. અને કર્મકાંડ ખૂબ જટિલ રૂપ ધારણ કરી લે છે. યજ્ઞના ધૂમથી ભારતનું આકાશ છવાઈ જાય છે, અને પશુઓના બલિના લોહીથી ધરણી લથબથ થઈ જાય છે. આ રીતે, આપણે જોઈએ છીએ કે માનવમને પ્રકૃતિની શક્તિઓની પાછળ અધિષ્ઠાતા દેવતાઓની કલ્પના કરી, દેવતાઓને સ્વર્ગના નિવાસી બનાવ્યા અને એ દેવતાઓને પ્રસન્ન કરવા માટે જુદા જુદા જટિલ યજ્ઞોનો આવિષ્કાર કર્યો.
પણ ત્યાં સુધીમાં સમાજમાં એવા લોકો પણ જન્મ લઈ ચૂક્યા હતા કે જેઓ ચિંતક પ્રકારના હતા. આ લોકો બુદ્ધિ અને તર્ક પર વધારે ભાર દેતા હતા. એમનું વલણ વૈજ્ઞાનિક હતું. અને તેઓ કોઈ પણ વાત, જ્યાં સુધી એ વાત યુક્તિની સરાણ પર સાચી ન ઠરે ત્યાં સુધી માની લેવા તૈયાર ન હતા. તેમણે વિચાર કર્યો કે છેવટે આ સ્વર્ગો છે શું ? શું આપણને એ ચિરકાલીન સુખ દઈ શકે એવાં શાશ્વત છે કે ? તેમણે તર્ક કર્યો કે, સ્વર્ગ તો યજ્ઞાદિ કર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે. એથી સીમિતકર્મોનાં અસીમ ફળ કેવી રીતે મળે ? એટલે કે ચિંતક પ્રકારના લોકોએ ઠોકી બજાવીને કહ્યું :
परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणो
निर्वे दमायात् नास्ति अकृतः कृतेन ।
तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्
समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ।।
(મુંડકોપનિષદ, (1/2/12)
-‘કર્મો દ્વારા પ્રાપ્ત થયેલા લોકોની પરીક્ષા કરીને બ્રાહ્મણે કર્મોથી વિરક્ત થઈ જવું જોઈએ. કારણ કે કૃત (સીમિત અને અનિત્ય)થી અકૃત (અસીમ અને નિત્ય) મળી શકતું નથી. એને જો અસીમ અને નિત્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો એણે સમિત્પાણિ થઈને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે વિધિપૂર્વક જવું જોઈએ.’
અહીં ‘બ્રાહ્મણ’નું તાત્પર્ય બ્રાહ્મણ કુળમાં જન્મેલ વ્યક્તિ એવું નથી. પણ એનું તાત્પર્ય તો છે ‘બ્રહ્મનો શોધનાર.’ જે બ્રહ્મને શોધે છે, સત્યને અન્વેષણ કરે છે, તે એક વાર કર્મો દ્વારા પ્રાપ્ત થયેલા લોકોની પરીક્ષા કરીને તો જોઈ લે ! આ રીતે આ ચિંતકોએ જોયું કે, સ્વર્ગ પણ પોતાના કારણરૂપ યજ્ઞોની પેઠે જ વિનાશી અને અનિત્ય છે. સ્વર્ગમાં સદા સર્વદા રહેવું શક્ય નથી. ગણિતનો આ એક સીધો સાદો નિયમ છે કે, ભેગી કરેલી કોઈ વસ્તુનો સતત વ્યય કરવામાં આવે, તો એક દિવસ એવો પણ આવશે કે જ્યારે એ આખી વસ્તુ સમાપ્ત થઈ જશે. બેંકમાં જો કંઈ ધન જમા પડ્યું હોય, તો એને ચેક દ્વારા ત્યાં સુધી જ વટાવી શકાય, કે જ્યાં સુધી એ ધન સમાપ્ત ન થઈ ગયું હોય. જ્યારે બધા જ પૈસા પૂરા થઈ જાય, ત્યારે ચેક પાછો ફરે છે. યજ્ઞોથી પ્રાપ્ત થયેલું પુણ્ય બેંકમાં રાખેલાં આ નાણાં જેવું જ છે. પુણ્યના આ બળે આપણે સ્વર્ગે જઈએ છીએ અને પુણ્ય ક્ષીણ થતાં જ પાછા મર્ત્યલોકમાં આવી જઈએ છીએ.
આથી, આવા આવા ક્ષણભંગુર સ્વર્ગની કલ્પના આ વિચારકોને લોભાવી શકી નહિ. એ લોકો તો જીવનનું સત્ય પામવા માટે તલસતા હતા. જુદાં જુદાં પ્રયોગો કર્યા પછી એમણે જોયું કે, આ બાહ્ય સંસારમાં સત્યને ખોળવું નકામું છે. કારણ કે બહારનું બધું તો ક્ષણભંગુર જ છે. નાશવંત છે, સીમિત છે. અને સત્ય તો એ છે કે, જે શાશ્વત હોય, અવિનાશી હોય, અસીમ હોય. એટલે ક્ષણભંગુર, નાશવંત અને સીમિતની મદદથી ભલા પેલા શાશ્વત, અવિનાશી અને અસીમની ખોજ તો કેવી રીતે થઈ શકે ? એટલા માટે તેમણે એક નવી પ્રક્રિયા ઉપર વિચાર ચલાવ્યો. એમણે ખુદ પોતાને જ એ ખોજનો વિષય બનાવ્યો. જે મનની મદદથી પોતાનાથી બહાર રહેલો આ આખોય સંસાર જાણી શકાય છે, એ જ મનને તેમણે ખોજનો વિષય બનાવ્યો. અને એક દિવસે તેમણે સત્યને પિછાણી લીધું.
ते ध्यानयोगानुगता अपश्यन्,
देवात्मशक्तिं स्वगुणैनिं गूढाम् ।
(શ્વેતાશ્વતર ઉપનિષદ 1/3)
-‘એમણે ધ્યાન યોગને અનુસરીને મનને જ ખોજનો વિષય બનાવીને પોતાના ગુણોમાં રહેલી બ્રહ્મની ગૂઢ શક્તિને જોઈ લીધે.’ આ રીતે જગતના કારણરૂપ એ મહા શક્તિને જાણીને તેઓ હરખઘેલા કંઠે પોકારી ઊઠ્યા :
श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा
आ ये धामानि दिव्यानि तस्थुः ।
वेदाद्दमेतं पुरुषं महान्तम्,
आदित्यवर्णं तमसः परस्तात् ।
तमेव विदित्वा अतिमृत्युमेति,
नान्यः पन्था विद्यते अयनाय ।
(શ્વેતાશ્વતર ઉપનિષદ્ 2/5, 3/8)
“ઓ સંસારવાસીઓ ! હે અમૃતનાં સંતાનો ! સાંભળો, સાંભળો. અરે, દિવ્ય લોકવાસી દેવો ! તમે પણ સાંભળી લો… મેં એ સૂર્ય સમા પ્રકાશમય એ પરમપુરુષને પિછાણી લીધો છે; એ સમસ્ત અજ્ઞાનાન્ધકારની પેલી પાર છે. કેવળ એને જાણીને જ મૃત્યુની બિભીષિકાને તરી જઈ શકાય છે. આ સિવાય એ માટે બીજો કોઈ જ રસ્તો નથી. – નથી જ.”
યજ્ઞો દ્વારા આપણે મૃત્યુની ખીણને પાર કરી શકીએ તેમ નથી. કેવળ સત્યનું જ્ઞાન જ મૃત્યુના ચક્રને ભેદી શકે છે. આ રીતે એ વિચારકો સત્યના ‘દ્રષ્ટા’ બની ગયા, ઋષિ બની ગયા. અને તેમણે કર્મોની ઝંઝટમાં પડેલા લોકોને ધિક્કાર્યા. સ્વર્ગ મેળવવાની કામનાથી યજ્ઞો કરવાવાળાઓને એમણે સ્વાર્થી કહ્યા, મૂર્ખ કહ્યાં :
प्लवा ह्येते अदृढा यज्ञरुपा,
अष्टादशोक्तं अवरं येषु कर्म ।
एतत् श्रेयो येऽमिनन्दन्ति मूढा,
जरामृत्युं ते पुनरेवापि यन्ति ।।
(મુંડકોપનિષદ, 1-2-7)
‘અરે મૂર્ખો, તમે જો યજ્ઞને જ ભવસાગર તરવા માટેની નૌકા માની લીધી હોય તો તમે મોટા ભુલાવામાં પડ્યા છો. આ યજ્ઞરૂપી નૌકા તો સાવ જૂનીપુરાણી અને તૂટેલી-ફૂટેલી છે. એ તમને કોણ જાણે ક્યાંય લઈ જઈને ડુબાડી મારશે. આ યજ્ઞરૂપી નૌકામાં જ સોળ ઋત્વિજો, યજમાન અને યજમાન પત્ની એમ મળીને અઢાર માણસો બેઠાં છે તે બધાં હલકું કામ કરવાવાળા છે અને એ બધાં જ અઢારે-અઢાર મધદરિયે ડૂબી જવાના છે. જે મૂઢ માનવો આવા યજ્ઞને કલ્યાણકારી માને છે, તેઓ વારેવારે ઘડપણ અને મૃત્યુના ફાંસલામાં ફસાયા જ કરે છે.’
આ એક નવો સ્વર વેદોમાં સંભળાય છે. જે સાંસારિક સુખ વાંછતો નથી, જે સદા શાશ્વતને જ ઝંખ્યા કરે છે, એવા સત્યદ્રષ્ટાનો આ સ્વર છે. આ સ્વરમાં એક આકર્ષણ છે. અન્ય લોકો આવા વિચારક અને સત્યદ્રષ્ટા ઋષિઓની પાછળ પાછળ જવા લાગે છે. આ વિચારકો જ્ઞાનમાર્ગી કહેવાય છે; તેઓ કર્મને નિંદે છે. તેઓ તો જીવનના મૂળભુત પ્રશ્નો પર જ વિચાર કરે છે. એમનામાં નિર્લેપ થઈને રહેવાનું ગજબનું સામર્થ્ય હોય છે. સંસારનાં આકર્ષણો, એમને માટે પેલા સત્યના આકર્ષણ સામે સાવ ફીકાં પડી જાય છે. એમના વિચારો વેદોમાં ઉપનિષદને નામે પ્રસિદ્ધ છે. એને ‘વેદાન્ત’ એવું નામ પણ અપાયું છે. જ્યાં વેદનો-જ્ઞાનનો છેડો આવી જાય એ ‘વેદાન્ત’ કહેવાય. આ જ ભાગને ‘વેદોના જ્ઞાનકાંડ’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
સમય જતાં, વેદોના આ બે ભાગો-કર્મકાંડ અને જ્ઞાનકાંડ-વચ્ચે જબરો ઝઘડો જામી પડે છે. અને એનાથી ભારતીય સમાજમાં ઝેર ફેલાવા લાગે છે. કર્મ અને જ્ઞાનનો સમન્વય સાધવાનો સર્વ પ્રથમ પ્રયાસ ‘ઈશાવાસ્ય ઉપનિષદ’માં કરવામાં આવ્યો છે. ત્યાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, જ્ઞાન જ જો કે સત્યની સૌથી ઊંચી અવસ્થા છે. આમ છતાં એ જ્ઞાનને પ્રાપ્ત કરવા સારું માણસ માટે કંઈ એક જ ઝાટકે એકીસાથે પોતાની બધી લાલસાઓ, બધા જ સ્વાર્થો અને બધી જ દુર્બળતાઓ ઊતરડીને ફેંકી દેવાનું તો શક્ય નથી. આપણે જો એવી અપેક્ષા રાખીએ કે, માણસ એકદમ જ પોતાની બધી વાસનાઓને તગેડી મૂકીને બસ, સત્યની ખોજમાં જ લાગી પડે, તો એ આપણી ભૂલ છે. સ્વાર્થી માણસ ધીરે ધીરે જ સત્ય પ્રત્યે અભિમુખ થાય. સ્વાર્થવાળાં કર્મોમાંથી ક્રમે ક્રમે જ તે નિઃસ્વાર્થ કર્મો કરતાં શીખશે. અને આ રીતે જ્ઞાનને ધારણ કરવાની પાત્રતા પ્રાપ્ત કરશે. ઇશાવાસ્યોપનિષદમાં જ્ઞાન અને કર્મના સમન્વયનું જે બીજ દેખાય છે, એ જ અંકુરિત અને પલ્લવિત થઈને ભગવદ્ગીતામાં વિશાળ વટવૃક્ષ રૂપે રૂપાંતરિત થઈ ગયું છે. ગીતાએ માનવના દુરાગ્રહને, એની હઠવાદિતાને દૂર કરવા માટે પ્રયાસ કર્યો છે. બધાંય કર્મોને છોડીને જંગલમાં ચાલ્યા જવાનું પણ કોઈ પ્રયોજન હોઈ શકે છે. પણ કંઈ જંગલમાં ભાગી જવાથી જ કર્મો છૂટી જતાં નથી. મૂળે, સંસાર આપણાથી બહાર છે જ નહિ. એ આપણા મનમાં જ છે. જ્યાં સુધી મન સંસારમાં લપેટાયેલું રહે ત્યાં સુધી કોઈ પણ ઉપાયથી સંસારમાંથી છુટકારો મળી શકે નહિ. આને માટે ગીતા આપણને એક ઉપાય ચીંધે છે. એ આપણને ‘કર્મયોગ’ નામનું એક એવું રસાયણ આપે છે કે જેનાથી આપણે સંસારમાં રહ્યાં રહ્યાં પણ એના ફાંસલામાં ન બંધાઈએ.
[ક્રમશઃ]
Your Content Goes Here



