“બ્રહ્મવાદિન્”, “પ્રબુદ્ધ ભારત” અને “ઉદ્‌બોધન” પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. ઇંગ્લેન્ડમાં સ્વામીજીનાં શિષ્ય શ્રી ઈ. ટી. સ્ટર્ડીએ વેદાન્ત પર એક અંગ્રેજી માસિક પત્રિકા શરૂ કરવાની યોજના ઘડેલી. સ્વામીજી તેમને આ વિષે ઘણું પ્રોત્સાહન આપતા. પ્રો. મૅક્સમૂલરને તેમણે આ પત્રિકાની યોજના વિષે જણાવ્યું. કીલ (યુરોપ)માં તેઓ પ્રો. ડૉયસનને મળ્યા અને આ પત્રિકા માટે સહાયતાની તેમણે તેમને વિનંતી કરી. સ્વામીજીએ શ્રી ઈ. ટી. સ્ટર્ડીને 5મી ઑગષ્ટ, 1896ના પત્રમાં લખ્યું : “મૅક્સમૂલર આપણી યોજનાઓ વિષે… તેમજ માસિક વિષે જાણવા માગે છે. તેઓ ઘણી મદદ કરવાનું વચન આપે છે. અને શ્રીરામકૃષ્ણ પરમહંસ વિષે એક પુસ્તક લખવા તૈયાર છે… હું આશા રાખું છું કે મોટા માસિક વિશેની યોજના ઉપર તમે સારી રીતે વિચાર કરશો. થોડા પૈસા અમેરિકામાંથી ઊભા કરી શકાશે, અને સાથોસાથ આપણે માસિક આપણું પોતાનું જ રાખી શકીશું.”31 10મી સપ્ટેમ્બર, 1896ના પત્રમાં સ્વામીજીએ કીલથી શ્રી ઈ. ટી. સ્ટર્ડીને લખ્યું : “છેવટે હું પ્રો. ડૉયસનને મળ્યો છું. તમારા સામયિકના વિચારથી તેઓ ખૂબ પ્રસન્ન થયા છે. તેઓ થોડા વખતમાં જ લંડન જવાના છે. ત્યાં આ વિષયો અંગે તમારી સાથે મસલત કરવા માગે છે.”32

ઇંગ્લેન્ડમાંથી વેદાન્ત વિશેની આ પત્રિકા પ્રકાશિત થઈ હતી અથવા નહિ, જો થઈ હોય તો પ્રો. મૅક્સમૂલર અને પ્રો. ડૉયસને તેમાં શો ભાગ ભજવ્યો હતો, અને ક્યારે ક્યા નામથી કેટલા સમય સુધી આ પત્રિકા પ્રકાશિત થઈ હતી, તેની વિગતો હજી અપ્રાપ્ય છે. પણ એમ લાગે છે કે થોડા સમય માટે આ પત્રિકા જરૂર પ્રકાશિત થઈ હશે. કારણ કે, સ્વામીજી આ પત્રિકાઓના ગ્રાહકો બનાવવામાં ઉત્સાહથી મંડી પડ્યા હતા. આલાસિંગાના અનુરોધથી તેમણે શ્રી સ્ટર્ડી અને મિસ નોબલ (ભગિની નિવેદિતા)ને બ્રહ્મવાદિનના ગ્રાહકો બનાવવાના કાર્યમાં નિયુક્ત કરી દીધાં હતાં. પણ સ્વામીજીએ આલાસિંગાને વધારે પડતી આશા રાખવાની ના પાડી. કારણ કે ઇંગ્લેન્ડની પત્રિકાના પ્રચાર માટે પણ શ્રી સ્ટર્ડી અને મિસ નોબલને જ કાર્ય કરવાનું હતું. 20મી નવેમ્બર, 1896ના પત્રમાં તેમણે આલાસિંગાને લખ્યું : “આ પ્રકારનાં સામયિકોને નાનકડા અનુયાયી મંડળનો ટેકો હોય છે. અને આ લોકો પાસેથી એકી વખતે વધારે પડતાં કાર્યોની અપેક્ષા રાખી શકાય નહીં. તેમને પુસ્તકો ખરીદવાં પડે છે, ઇંગ્લેન્ડ ખાતેનાં કાર્ય માટે નાણાં ઊભાં કરવાનાં હોય છે. અને છેલ્લે ભારતીય સામયિકોના ગ્રાહક બનવાનું હોય છે. આ ઘણું વધુ પડતું કહેવાય. અહીં એક મુખપત્ર હોવું આવશ્યક છે. અને ક્રમેક્રમે અમેરિકામાં પણ એમ જ થવું જોઈએ.”33

અમેરિકામાંથી પણ સ્વામીજી પોતાના શિષ્ય શ્રી ગુડવિનની મદદથી એક પત્રિકા પ્રકાશિત કરવા માગતા હતા. 5મી જૂન, 1896ના પત્રમાં તેમણે શ્રીમતી ઓલી બુલને લખ્યું હતું : “અમેરિકામાં એક સામયિક શરૂ કરવા બાબત શ્રી ગુડવિન આજની ટપાલમાં તમને પત્ર લખશે. મને લાગે છે કે કાર્યનાં સંગઠન માટે આવું કંઈક જરૂરી છે. અને તે સૂચવે તે પદ્ધતિએ ચલાવવા હું શક્ય તેટલી બધી જ મદદ કરીશ.”34 ગુડવિનની આ પત્રિકા પ્રકાશિત થયેલી કે નહિ તેની વિગતો અપ્રાપ્ય છે. પણ 1896માં “ઈન્ડિયન મિરર” પત્રિકામાં અમેરિકાથી વેદાન્ત વિશે એક પત્રિકા પ્રકાશિત થવાની શક્યતાના સમાચાર પ્રકાશિત થયા હતા. તેનું પ્રકાશનનું સ્થાન બતાવવામાં આવેલું – “બ્રેટલ સ્ટ્રીટ, કૅમ્બ્રીજ, મસાસુસેટ્સ (સંયુક્ત રાજ્ય, અમેરિકા) ઈ. સ. 1902માં, સ્વામીજીના દેહાવસાનના થોડા સમય પહેલાં, તેમણે સ્થાપેલી વેદાન્ત સોસાયટી ઑફ કેલિફોર્નિયા દ્વારા “પેસિફિક વૈદાંતિન” (Pacific Vedantin) નામની પત્રિકા પ્રકાશિત થઈ હતી.35 સ્વામીજીના દેહત્યાગ પછી તેમની ભાવધારાથી પ્રેરાઈને અમેરિકામાં ઘણી અંગ્રેજી પત્રિકાઓનું પ્રવર્તન થયેલું, જેમાં “વોઈસ ઑફ ફ્રિડમ” (Voice of Freedom) “વેદાન્ત ઍન્ડ ધ વેસ્ટ” (Vedanta and the West) “ધ વોઈસ ઑફ ઈન્ડિયા” (The Voice of India) “વેદાન્ત દર્પણ” (The Mirror of the Vedanta) અને “મેસેજ ઑફ ધ ઈસ્ટ” (Message of the East) ઉલ્લેખનીય છે. રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્ર દ્વારા 1952થી એક અંગ્રેજી દ્વિમાસિક પત્રિકા “વેદાન્ત ફોર ઈસ્ટ એન્ડ વેસ્ટ” (Vedanta for East and West) પ્રકાશિત થઈ રહી છે, જે હાલમાં પણ લોકપ્રિય છે.

ભારતમાં પણ સ્વામીજીના દેહાવસાન પછી તેમના ભાવાદર્શોથી પ્રેરાઈને અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત થયેલી, જેમાં રામકૃષ્ણ મિશનના પટણા કેન્દ્ર દ્વારા પ્રકાશિત “મોર્નિંગ સ્ટાર” (Morning Star) રામકૃષ્ણ મઠના મદ્રાસ કેન્દ્ર દ્વારા 1914થી પ્રકાશિત “વેદાન્ત કેસરી” (Vedanta Kesari) અને “બુલેટિન ઑફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટીટ્યૂટ ઑફ કલ્ચર” (Bulletin of the Ramakrishna Mission Institute of Culture) ઉલ્લેખનીય છે.

વિદેશની અન્ય ભાષાઓમાં પણ સ્વામીજીના ભાવાદર્શો પ્રમાણે કેટલીક પત્રિકાઓનું પ્રવર્તન થયું છે. રામકૃષ્ણ મઠના ફ્રાંસના કેન્દ્ર દ્વારા “વેદાન્ત” નામની ત્રૈમાસિક પત્રિકા 1962થી ફ્રેંચ ભાષામાં પ્રકાશિત થઈ રહી છે. રામકૃષ્ણ મઠ, જાપાનના કેન્દ્ર દ્વારા જાપાની ભાષામાં એક દ્વિમાસિક પત્રિકા “ફુમેત્સુનો કોતાબા” (જેનો અર્થ છે સાર્વભૌમિક સંદેશ) પ્રકાશિત થઈ રહી છે. જર્મન ભાષામાં “વેદાન્ત” નામની ત્રૈમાસિક પત્રિકા 1978થી પ્રકાશિત થઈ રહી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં વિભિન્ન ભાષાઓમાં પણ આવી પત્રિકાઓ સ્વામીજીના ભાવાદર્શોથી પ્રેરાઈને પ્રકાશિત થઈ રહી છે.

હિન્દી ભાષામાં પણ પત્રિકાઓના પ્રકાશનની સ્વામીજીની ઉત્કટ ઇચ્છા હતી. સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને 25 સપ્ટેમ્બર, 1894ના પત્રમાં લખ્યું હતું : “તમે વર્તમાનપત્ર કે એવું કંઈક શરૂ કરવાના હતા ને ? તેનું શું થયું ?… અર્ધું બંગાળીમાં અને અર્ધું હિન્દીમાં, એવા એ સામયિકનું સંચાલન તમારે કરવાનું છે.”36 મીરતથી એક હિન્દી પત્રિકા-પ્રકાશનનો આગ્રહ કરતા સ્વામીજીએ તેમના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજીને 1895માં લખ્યું હતું : “યજ્ઞેશ્વરે37 મીરતમાંએક મંડળ સ્થાપ્યું છે. અને આપણાં સહકારથી કામ કરવા માગે છે. બીજું તેમણે એક સામયિક પણ શરૂ કર્યું છે. ભાઈ કાલીને38 ત્યાં મોકલો, તે મીરતમાં કેન્દ્ર શરૂ કરે અને બને તો એ સામયિક હિન્દીમાં ચલાવે.”39 સ્વામીજીની આ ઇચ્છા તેમના જીવનકાળ દરમિયાન પૂર્ણ ન થઈ શકી, પણ તેમના દેહાવસાન પછી 1921માં રામકૃષ્ણ મઠના અદ્વૈત આશ્રમ દ્વારા શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજ (રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ)ના અથાક પ્રયત્નોથી એક હિન્દી માસિક પત્રિકા “સમન્વય” પ્રકાશિત થઈ હતી. હિન્દીના સુપ્રસિદ્ધ કવિ-સાહિત્યકાર શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી “નિરાલા” આ પત્રિકાનું સંપાદન કરતા. પત્રિકાનું સ્તર ઉચ્ચ હોવા છતાં અફસોસની વાત એ છે કે આઠ વર્ષ પછી આ પત્રિકાનું પ્રકાશન બંધ થઈ ગયું. આ પછી ઘણાં વર્ષો સુધી હિન્દી જગતમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વિશે અંધકાર જ રહ્યો, જ્યાં સુધી કે ‘વિવેક જ્યોતિ’ની જ્યોતે તે દૂર ન કર્યો. સ્વામી વિવેકાનંદજી અને સ્વામી ત્રિગુણાતીતાનંદજીની પ્રેરણાથી રામકૃષ્ણ મિશન, રાયપુર કેન્દ્રના સચિવ સ્વામી આત્માનંદજીએ ઈ. સ. 1963થી એક હિન્દી ત્રૈમાસિક પત્રિકા “વિવેક જ્યોતિ”નું પ્રકાશન શરૂ કર્યું છે. ઉત્તરોત્તર લોકપ્રિયતા પ્રાપ્ત કરીને આ પત્રિકાએ પોતાની રજત જયંતી ઉજવી લીધી છે.

હિન્દી જગતમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વિશેનો અધંકાર દૂર કરવા માટે એક શિખાનો પણ આવિર્ભાવ થયો છે. છપરા (બિહાર)ના એક પ્રોફેસર પર થોડા વર્ષો પહેલાં એક હિંદી માસિક પત્રિકા પ્રકાશિત કરવાનું ભૂત સવાર થયું. સ્વામી વિવેકાનંદજીની પ્રેરણાથી ડૉ. કેદારનાથ લાભે ઈ. સ. 1982થી એક હિન્દી માસિક પત્રિકા “વિવેક શિખા”નું પ્રકાશન પ્રારંભ કર્યું છે. હાલ તેની ગ્રાહક સંખ્યા ઓછી છે. પણ પોતાના ઉચ્ચ સ્તરને કારણે ઉત્તરોત્તર તે લોકપ્રિય થતી જાય છે. હિન્દી તથા બંગાળી સિવાય અન્ય દેશી ભાષાઓમાં પણ પત્રિકાઓના પ્રવર્તનની ઉત્કટ ઇચ્છા સ્વામીજીના મનમાં હતી. ડૉ. નંજુન્દારાવને “પ્રબુદ્ધ ભારત”ના પ્રકાશન માટે પ્રોત્સાહિત કરતી વખતે તેમણે 26 ઑગષ્ટ, 1896ના પત્રમાં લખ્યું હતું : “આ સામયિકમાં સફળતા મળે, એટલે આ જ ધોરણે, તમિલ, તેલુગુ, કન્નડ વગેરે દેશી ભાષાઓમાં સામયિકો પ્રસિદ્ધ કરવાનું શરૂ કરો.”40

સ્વામીજીની આ ઇચ્છાને મૂર્તસ્વરૂપ આપવા માટે તમિલ ભાષામાં એક પત્રિકાના પ્રકાશનની યોજના ઘડવામાં આવી. તેનું નામ રાખવામાં આવ્યું… “પ્રબોધ ચંદ્રિકા”. “પ્રબોધ ભારત”ના સંપાદક શ્રીરાજમ ઐય્યર જ તેનું સંપાદન કરવાના હતા. પણ અફસોસ ! તેમના આકસ્મિક નિધનથી તેનું પ્રકાશન ન થઈ શક્યું. પણ સ્વામીજીની મહદ્ ઇચ્છા પૂર્ણ થઈ અવશ્ય; પણ તેમના દેહાવસાન પછી. શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા “શ્રીરામકૃષ્ણ વિજયમ્” નામની માસિક પત્રિકા તમિલ ભાષામાં ઈ. સ. 1921થી પ્રારંભ કરવામાં આવી. તેની લોકપ્રિયતાનો અંદાજ તેની પ્રકાશન સંખ્યાથી સહેજે આવી શકે. (તેની 35000થી વધુ નકલો દર માસે છપાય છે.) શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા જ એક તેલુગુ માસિક પત્રિકા “શ્રીરામકૃષ્ણ પ્રભા” 1944થી પ્રકાશિત થઈ રહી છે. આ જ રીતે રામકૃષ્ણ મઠ, ત્રિચર કેન્દ્રથી મલયાલમ ભાષામાં એક માસિક પત્રિકા ઈ. સ. 1914થી “પ્રબુદ્ધ કેરલમ્” નામથી પ્રસિદ્ધ થઈ રહી છે.

સ્વામીજીના ભાવાદર્શોથી પ્રેરાઈને માળવાના શ્રી પરશુરામ સદાશિવ દેસાઈએ ઈ. સ. 1924માં “રામકૃષ્ણ નિકેતન” નામનું માસિક મરાઠી ભાષામાં બહાર પાડ્યું. ઈ. સ. 1940 સુધી તેનું પ્રકાશન થતું રહ્યું. આ પછી શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા ઈ. સ. 1957માં એક મરાઠી માસિક પત્રિકા “જીવન વિકાસ” પ્રારંભ કરવામાં આવી, જે આજે પણ ઘણી લોકપ્રિય છે.

આ રીતે સ્વામીજીની, દેશની મુખ્ય મુખ્ય ભાષાઓમાં પત્રિકાઓ પ્રવર્તનની ઉત્કંઠા તેમની હયાતીમાં અને તેમના દેહાવસાન પછી પૂરી થઈ. પણ એક ગુજરાતી પત્રિકાની ઊણપ રહી ગઈ હતી. હવે તે ઊણપ પણ પૂરી થઈ છે, અને એપ્રિલ માસથી “શ્રીરામકૃષ્ણ જ્યોત”નું પ્રકાશન સ્વામીજીના ભાવાદર્શો પ્રમાણે પ્રારંભ થયું છે.

આમ આપણે જોયું કે સ્વામીજી પત્ર-પત્રિકાઓના કેવા મહાન પ્રવર્તક હતા. “બ્રહ્મવાદિન”, “ઉદ્બોધન”, “પ્રબુદ્ધભારત”, વગેરે પત્રિકાઓનું પ્રવર્તન તેમણે પોતે કર્યું હતું અને અન્ય પત્રિકાઓ “વસુમતી”, “ડૉન” વગેરે કેટલીય પત્રિકાઓનું પ્રવર્તન પરોક્ષ રીતે આર્થિક સહાયતા અને પ્રેરણા પ્રદાન દ્વારા કર્યું હતું. દેહાવસાન પછી પણ તેમની પ્રેરણાથી, તેમના ભાવાદર્શોનો પ્રચાર કરવા માટે ઘણી પત્રિકાઓનું પ્રકાશન થયું હતું અને થઈ રહ્યું છે. (વિગતો માટે સંલગ્ન યાદી જોવા વિનંતી છે.)

સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે… એક સંન્યાસી હોવા છતાં સ્વામીજીએ પત્ર-પત્રિકાઓના પ્રવર્તનને આટલું મહત્ત્વ કેમ આપ્યું ? તેનું કારણ એક જ… ઉચ્ચ ભાવાદર્શોના પ્રચાર માટે તેઓ પત્ર-પત્રિકાઓને મહત્ત્વનું માધ્યમ માનતા હતા અને ઉચ્ચ ભાવાદર્શોના પ્રચારને તેઓ પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય ગણતા હતા. કારણ કે, તેમને ખાતરી હતી કે ઉચ્ચ ભાવાદર્શો દ્વારા જ નવીન સત્યયુગનો પ્રારંભ સંભવ થશે. કરુણાવતાર બુદ્ધિની જેમ જ તેમનું હૃદય વિશ્વના દરેક પ્રાણીની વેદનાના સ્પંદનને અનુભવતું. વિશ્વના દરેક તબક્કાના, દરેક સંપ્રદાયના, દરેક ધર્મના, દરેક દેશના, લોકોના ત્રિતાપને નિવારવા, વિશ્વશાંતિ અને વિશ્વએકતાની ભાવનાને ફળીભૂત કરવા, જડવાદિતારૂપી રાક્ષસના સકંજામાંથી માનવજાતને છોડાવવા, સર્વ દુઃખોના કારણરૂપ માનવમનમાં વ્યાપ્ત અજ્ઞાનાંધકારને દૂર કરવા માટે ઉચ્ચ ભાવાદર્શોનો પ્રકાશ ફેલાવવાની તમન્ના તેઓ રાખતા હતા. કયા હતા આ ભાવાદર્શો ? વેદાંતનો, માનવમાત્રમાં સુષુપ્તરપે અવસ્થિત દિવ્યત્માને ઢંઢોળવાનું આહ્વાન કરવાવાળો અને અનુભૂતિ દર્શાવવાવાળો એકત્વનો આદર્શ; વેદોનો, “एकं सद्विप्रा बहुधा वदन्ति” વાળો સમન્વયકારી  આદર્શ, મહાભારતનો “धारयतीति धर्मः” વાળો આદર્શ, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનાં ચરિત્રને દર્શાવતો રામાયણનો આદર્શ, બંશીધારી શ્રીકૃષ્ણના પરમ પ્રેમને દર્શાવતો શ્રીમદ્ ભાગવતનો આદર્શ, સિંહનાદકારી શ્રીકૃષ્ણના ઉદાત્ત ઉપદેશોને આવરી લેતો ગીતાનો આદર્શ, ભગવાન બુદ્ધ દ્વારા કથિત “आत्मदीपो भव”નો આદર્શ, અને ભગવાન મહાવીર દ્વારા કથિત “अहिंसा परमो धर्मः”નો આદર્શ – આ બધા જ આદર્શોના સંમિલનથી, ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવની જે જ્યોત પ્રગટી હતી તેણે જ પૂર્વમાં સંસારનો અંધકાર દૂર કર્યો હતો અને ભારતને વિશ્વમાં ઉચ્ચતમ સ્થાન અપાવ્યું હતું. દુર્ભાગ્યથી પાછલા સૈકાઓની ગુલામી અને સાચા ધર્મનું આચરણ ભૂલી જવાને કારણે આ જ્યોત જરા ઝાંખી અને મ્લાન થઈ હતી. શ્રીરામકૃષ્ણદેવ… જેઓ રોમાં રોલાંનાં મંતવ્ય પ્રમાણે “ભારતના ત્રીસ કરોડ લોકોના આધ્યાત્મિક જીવનના બે હજાર વરસોની નિષ્પત્તિ હતા.” તેમણે પોતાની સાધના વડે આ જ્યોતને ફરી વધુ ઉજ્જવળ કરી છે. આમ શ્રીરામકૃષ્ણની જ્યોત કાંઈ સાવ નવીન નથી, પણ પૂર્વના સમસ્ત આધ્યાત્મિક પુંજનો પુનઃપ્રાપ્ત પ્રકાશ છે.

સ્વામીજીની માન્યતા હતી કે શ્રીરામકૃષ્ણદેવની આ જ્યોત જગતમાં અંધકારને દૂર કરી સત્યયુગનું પુનઃસ્થાપન કરશે. તેમણે કહ્યું હતું – “તેમના (શ્રીરામકૃષ્ણદેવના) જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે.” માટે જ તેમણે પોતાનું સમસ્ત જીવન વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવના, સમન્વયકારી ઉદાર સંદેશથી ઓતપ્રોત ઉચ્ચ ભાવાદર્શોના પ્રચાર-પ્રસાર કરવામાં હોમી દીધું. પોતાના ગુરુભાઈઓને પણ આ મહાન કાર્યમાં ઝંપલાવવાનું આહ્વાન કરતાં તેમણે લખ્યું : “શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે, આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો ઉપાય છે અને આ જ ધ્યેય છે. ઊઠો, ઊઠો ! ભરતીનો જુવાળ આવી રહ્યો છે ! આગે બઢો ! સ્ત્રીઓ, પુરુષો અને ચાંડાળ સુધીના સર્વ લોકો શ્રીરામકૃષ્ણની નજરમાં પવિત્ર છે. આગે બઢો ! નામયશ માટે, કીર્તિ માટે, મુક્તિ માટે કે ભક્તિ માટે પરવા કરવાનો સમય નથી. તે બધાંની સંભાળ કોઈ બીજે વખતે લેશું. અત્યારે આ જીવનમાં તો તેમના ઉદાત્ત ચરિત્રનો, તેમના ભવ્ય જીવનનો અને તેમના અસીમ આત્માનો અનંત રીતે પ્રચાર કરીએ. ફક્ત આ એક જ કામ છે; તે સિવાય કંઈ કરવાનું નથી. જ્યાં જ્યાં તેમનું નામ પહોંચશે, ત્યાં ત્યાં હલકામાં હલકા જંતુમાં પણ દિવ્યતા આવશે. અરે, આવી જ રહી છે. તમને આંખો છે. છતાં તે નિહાળી શકતાં નથી ? આ શું બચ્ચાંનો ખેલ છે ? આ શું બેવકૂફીભર્યો બકવાદ છે ? કે મૂર્ખાઈ છે ? उत्तिष्ठत, जाग्रत ! ઊઠો; જાગો ! એ મહાન ઈશ્વર આપણી પાછળ છે. હું વધારે લખી શકતો નથી. બસ, આગે બઢો ! હું તમને એટલું જ કહું છું કે જે આ પત્ર વાંચશે તેનામાં મારી શક્તિ આવશે. શ્રદ્ધા રાખો ! આગે બઢો ! પરમેશ્વર મહાન છે… મને એમ લાગી રહ્યું છે કે બીજું કોઈ મારો હાથ ચલાવીને આ પ્રમાણે લખાવી રહ્યું છે. આગે બઢો ! દરેક માણસ ઘસડાઈ જશે ! સંભાળજો. સાક્ષાત્ ઈશ્વર આવી રહ્યો છે. જે કોઈ તેની સેવા કરવા, –ના, તેની નહિ પણ તેનાં ગરીબ અને કચડાંયેલાં, પાપી અને દુઃખી અને છેક કીડા સુધીનાં તેનાં સર્વ બાળકોની સેવા કરવા જેઓ તૈયાર થશે. તેમનામાં એ પ્રગટ થશે. તેમની જિહવા દ્વારા સાક્ષાત ભગવતી સરસ્વતી બોલશે, અને તેમનાં હૃદય-સિંહાસનમાં સર્વ શક્તિમયી જગન્માતા બિરાજશે.41

ગમે તે મત, સંપ્રદાય અથવા ધર્મના જે સૌ લોકો ઉદાર અને ઉચ્ચ ભાવાદર્શોના પ્રચાર-પ્રસારના કાર્યમાં જોડાયેલા છે; આવાં પત્ર-પત્રિકાઓના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયરૂપ થઈ રહ્યા છે અને જડવાદી માનવ સમાજને દિવ્યતાનાં પ્રકાશ તરફ લઈ જઈ રહ્યાં છે તે સૌ પર સ્વામીજીના આ આશીર્વાદ છે. સાથે સાથે એક મોટી જવાબદારી પણ તેઓના શિરે છે. સ્વામીજીના લખાણો-પત્રો આ જવાબદારી નિભાવવામાં પ્રેરણાબળ પૂરું પાડશે. સ્વામીજીએ 26મી ઑગષ્ટ 1896ના પત્રમાં ડૉ. નંજુન્દા રાવને જે લખ્યું હતું. તે તો આપણા સૌ માટે શાશ્વત પ્રેરણાનો સ્રોત બની રહેશે: “મૃત્યુપર્યંત કાર્ય કરો; હું તમારી સાથે જ છું. અને જ્યારે હું સંસારમાંથી વિદાય લઈશ, ત્યારે મારો આત્મા તમારી સાથે રહીને કાર્ય કરશે. આ જીવન તો આવે છે ને જાય છે. સંપત્તિ, કીર્તિ, ભોગવિલાસો, એ બધું કેવળ ચાર દિનની ચાંદની છે. સંસારી કીડા તરીકે મરી જવા કરતાં, સત્યનો પ્રચાર કરતાં કરતાં કર્તવ્ય ક્ષેત્રમાં ઝૂઝતાં મૃત્યુ પામવું એ અનેકગણું સારું છે. આગળ ધસો !”42

हरिः ૐ तत् सत् !

સંદર્ભ સૂચિ

(31)        સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (12) 1984, પૃ. સં. 171

(32)   સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (12) 1984, પૃ. સં. 178

(33)        સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (11) 1984, પૃ. સં. 305

(34)   સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (10) 1983, પૃ. સં. 130

(35)        ‘બ્રહ્મવાદિન્’ એપ્રિલ 1920

(36)   સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (10) 1983, પૃ. સં. 69

(37)   શ્રી યજ્ઞેશ્વર ભટ્ટાચાર્ય

(38)        શ્રી સ્વામી અભેદાનંદ – – શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ

(39)   સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (10) 1983, પૃ. સં. 98

(40)   સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (11) 1984, પૃ. સં. 296

(41)        સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (10) 1983, પૃ. સં. 75-76

(42)   સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (11) 1984, પૃ. સં. 296

Total Views: 174
By Published On: September 1, 1989Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram