તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે વિશ્વના ભવિષ્યનું સઘળું સાહિત્ય પણ ઊથલાવવું પડશે. સીતા એ અપ્રતિમ છે; એ ચરિત્રનું નિર્માણ થયું એ એક જ વાર અને સદાને માટે. રામ જેવાં ચરિત્રો કદાચ એકથી વધુ થયાં હોય, પણ સીતા તો એક જ, એકથી વધારે નહીં જ! એ સાચી ભારતીય નારીના મૂર્તિમંત પ્રતીકરૂપ છે. કારણ કે સંપૂર્ણ નારીત્વના તમામ ભારતીય આદર્શો એ સીતાના એક જ ચરિત્રમાંથી વિકાસ પામ્યા છે, અને આજે સીતા આર્યાવર્તના એક છેડાથી બીજા છેડા સુધી, હજારો વરસથી આબાલવૃદ્ધ નર, નારી તથા બાળકોથી પુજાતી આવી છે. અને ખુદ પવિત્રતાથી યે વધુ પવિત્ર, ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ આ મહિમાવંતી સીતા સદાને માટે રહેવાની જ છે. જેણે એક અક્ષર સરખોયે ઉચ્ચાર્યા સિવાય જીવન આખું કષ્ટ જ વેઠ્યા કર્યું, જે સદા પવિત્ર અને પતિપરાયણ પત્ની હતી, જે ભારતની પ્રજામાં આદર્શ હતી, જે દેવતાઓનો આદર્શ હતી, એ મહાન સીતા આપણી રાષ્ટ્રીય દેવતા, હંમેશને માટે રહેવી જ જોઈએ, અને આપણામાંનો દરેકે દરેક સીતા વિશે એટલું સારી રીતે જાણે છે કે વધુ પડતું વર્ણન કરવાની આવશ્યકતા રહેતી નથી. આપણાં સઘળાં પુરાણો અદૃશ્ય થઈ જાય, અરે, આપણા વેદો સુદ્ધાં ધરા પરથી રજા લે, અને દેવભાષા સંસ્કૃત સુદ્ધાં સદાને માટે દેશવટો સ્વીકારે, પરંતુ જ્યાં સુધી આ પૃથ્વી પર પાંચ જ હિંદુઓ જીવતા હશે, પછી ભલે તે અત્યંત ગ્રામ્ય ભાષામાં બોલતા હોય, ત્યાં સુધી સીતાની કથા રહેવાની જ છે. એ મારા શબ્દો તમે નોંધી રાખજો કે સીતા આપણી પ્રજાના પ્રાણની અંદર પ્રવેશી ગઈ છે. એકેએક હિન્દુ નર અને નારીના રક્તમાં સીતા રહેલી છે; આપણે સૌ સીતાનાં સંતાન છીએ. આપણી નારીઓનો આધુનિક બનવાનો કોઈ પણ પ્રયત્ન, જો તે આપણી નારીઓને સીતાના આદર્શથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરશે, તો તે સત્વર નિષ્ફળ જવાનો છે, અને તે આપણે રોજ જોઈએ છીએ. ભારતની સ્ત્રીઓએ સીતાને પગલે ચાલીને પોતાનાં વૃદ્ધિ અને વિકાસ કરવાનાં છે. એ સિવાય બીજો રસ્તો નથી.

– સ્વામી વિવેકાનંદ

(‘ભારતીય નારી’ પૃ. સં. 2-3)

Total Views: 142
By Published On: December 1, 1989Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram