23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે

[સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે. તેમનો આ લેખ હિન્દી માસિક-પત્ર ‘વિવેક શિખા’ (જાન્યુઆરી 1987)માંથી સાભાર લેવામાં આવેલ છે.]

સેંકડો વર્ષોમાં એકાદ વખત અંતરિક્ષમાં કોઈ દિવ્યલોકના અભૂતપૂર્વ નિવાસી દેવમાનવ આ પૃથ્વી પર અવતીર્ણ થઈને, પોતાના જીવનથી માનવજાતને આશ્ચર્યથી મુગ્ધ કરી, ફરીથી અદૃશ્યમાં વિલીન થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ પણ એવા જ એક દેવ માનવ હતા. તેમના દિવ્ય સ્વરૂપને જો કોઈ યોગ્ય રીતે ઓળખી શક્યું હોય તો તેમના ગુરુ શ્રીરામકૃષ્ણ દેવ જ.

કોઈ વખત શ્રીરામકૃષ્ણ તેમને સપ્તર્ષિ મંડળના ઋષિ કહેતા હતા તો વળી કોઈ વખત તેમને નર-ઋષિના અવતાર તરીકે ઓળખાવતા હતા. પરંતુ તેમના શિવ સ્વરૂપત્વને તેઓ ઘણું જ મહત્ત્વ આપ્યા કરતા હતા. એક દિવસ તેમણે જોયું કે, એક દિવ્ય જ્યોતિ વારાણસીથી કલકત્તા આવી રહી છે. સ્વામી વિવેકાનંદને જોઈને તેઓ ઓળખી ગયા કે, આ તે જ યુવક છે જેના રૂપમાં શિવજ્યોતિ ઘનીભૂત થઈ છે. જો કોઈ યુવક નરેન્દ્રનાથની નિંદા કરતા તો શ્રીરામકૃષ્ણ તેને રોકતા અને સાવધાન કરતાં કહેતા કે, એમ કરવાથી શિવની નિંદા થશે. તેઓ તો ત્યાં સુધી કહી ગયા છે કે, ‘નરેન્દ્ર શિવછે અને હું શક્તિ.’

સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓ પણ તેમને શિવાવતાર માનીને શ્રદ્ધાભક્તિ કરતા હતા. નાગમહાશય જ્યારે બેલુર મઠ આવતા ત્યારે સ્વામીજીને “જય શંકર, જય વિશ્વનાથ, આજે સાક્ષાત્ શિવનાં દર્સન થયાં છે.” વગેરે કહીને પ્રણામ કરતા હતા. એક વાર સ્વામી બ્રહ્માનંદજી લાંબા સમય સુધી કાશીમાં રહ્યા. પરંતુ ‘હું બાબા વિશ્વનાથ પાસે આનંદમાં છું’, એમ કહીને તેઓ મઠમાં જતા ન હતા. આને અનુસંધાને પ્રેમાનંદજીએ તેમને લખ્યું કે, ‘મઠમાં પણ શિવજી બિરાજમાન છે.’ સ્વામીજીના આ મહાન ગુરુભાઈની દૃષ્ટિમાં સ્વામીજી કાયમ જ મઠમાં બિરાજમાન છે. એક વખત સ્વામી શિવાનંદજીએ પાંચ જ્યોતિર્મય બાળ-શિવોનાં દર્શન સ્વામીજીના દેહમાં કર્યાં હતાં.

સ્વામીજીનો શિવ સાથે સંબંધ:

દિવ્ય દૃષ્ટિ સંપન્ન શ્રીરામકૃષ્ણ અને તેમના મહાન અંતરંગ શિષ્યોનાં આ વિભિન્ન દર્શનોની આપણે ઉપેક્ષા કરી શકીએ નહીં. આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે, સ્વામી વિવેકાનંદ વસ્તુતઃ શિવાવતાર જ હતા.

જન્મથી મૃત્યુ સુધી તેમના જીવનનો ભગવાન શિવ સાથે સંબંધ રહ્યો છે. તેમનો જન્મ કાશીના વીરેશ્વર શિવની પૂજા અને આશીર્વાદથી થયો હતો. તથા તેમનું મૃત્યુ અમરનાથ શિવ દ્વારા પ્રદત્ત ઇચ્છામૃત્યુના વરદાનથી થયું હતું. બાળપણમાં સ્વામીજી અત્યંત નટખટ હતા. જ્યારે તેઓ કોઈ પણ પ્રકારે શાંત ન થતા ત્યારે તેમનાં માતા ‘શિવ-શિવ’ કહીને તેમના માથા પર ઠંડું પાણી રેડતાં તેનાથી તેઓ તરત શાંત થઈ જતા. પછીથી તેઓ એમ કહ્યા કરતા કે, “મારી માતા મને એમ કહેતાં કે, “જો તું મસ્તી તોફાન કરીશ તો શિવ તને કૈલાસમાં જવા દેશે નહીં.” ત્યારે હું એમ વિચારતો કે, “મારે મસ્તી તોફાન બંધ કરીને સારા બનવું જોઈએ; નહીં તો હું ખરેખર કૈલાસમાં નહીં જઈ શકું.”

બાળક નરેન્દ્રનાથનું બાળપણનું ધાર્મિક જીવન સીતારામની મૂર્તિપૂજાથી શરૂ થયું હતું, પરંતુ એક દિવસ જ્યારે તેમણે કોઈ વ્યક્તિને વિવાહિત જીવનની નિંદા કરતાં સાંભળી ત્યારે તેમના મનમાં અંતર્દ્વંદ્વ શરૂ થયું કે, ‘સીતારામ તો વિવાહિત છે તો પછી તેમની પૂજા કેમ કરું?’ માએ બાળકની આ મૂંઝવણનો ઉકેલ શોધી આપ્યો કે, ‘શિવજીની પૂજા કરવી.’ બસ, નરેન્દ્રે સીતારામની જગ્યાએ ભગવાન શંકરની મૂર્તિની સ્થાપના કરી. એનો અર્થ એવો નથી કે સીતારામ પ્રત્યેની તેમની ભક્તિ ન રહી. તેઓ જીવનભર ભગવાન રામ અને માતા સીતાના ભક્ત રહ્યા પરંતુ બાળપણથી જ તેઓએ ભગવાન શંકરને પોતાના આદર્શના રૂપમાં પસંદ કરી લીધા. બાળપણમાં એક વાસ સંન્યાસીનો વેશ પહેરીને શિવ જેવા બન્યા પણ હતા. શિવજીનું એક રૂપ નટરાજનું છે. તેઓ સંગીત અને નૃત્યકળાના દેવતા છે. શરૂઆતથી જ સ્વામીજી નૃત્ય-ગીતમાં પારંગત થઈ ગયા હતા. તેઓ એક ઉચ્ચ કોટિના ગાયક હતા. અને ગાતી વખતે શિવની જેમ પૂરા તન્મય થઈ જતા હતા.

બાળપણથી જ સ્વામીજી વિશેષ ઉત્સાહથી શિવરાત્રી ઊજવતા હતા. બાળપણમાં રાત્રે નાટકો વગેરે કરતા અને વયસ્ક થયા પછી પૂજા અને ધ્યાન. શ્રીરામકૃષ્ણ જ્યારે કાશીપુરના ઉદ્યાનભવનમાં ગળાના કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા ત્યારે એક શિવરાત્રીએ ધ્યાન કરતી વખતે સ્વામીજીમાં વિશેષ શક્તિનો પ્રાદુર્ભાવ થયો હતો, જેનો સંચાર તેમણે બાજુમાં હતા કે કાલી (સ્વામી અભેદાનંદ)-માં કર્યો હતો. વિશ્વવિજયી થયા બાદ એક વખત બધા ગુરુભાઈઓએ મળીને સ્વામીજીને શિવરૂપમાં શણગાર્યા હતા. ત્યારે સ્વામીજી શિવના ભાવમાં તન્મય થઈને રામનામસ્તોત્ર લેતા ગાવા લાગ્યા હતા. તેમણે સંસ્કૃતમાં એક શિવસ્તોત્ર અને શિવજી પર બીજાં બે ભજનોની રચના કરી હતી.

શ્રીરામકૃષ્ણ અને સ્વામીના ગુરુભાઈઓની તેમના અંગેની અનુભૂતિઓ તથા સ્વામીજીના જીવનનો શિવની સાથેનો ઘનિષ્ઠ સંબંધ, અનેક શ્રદ્ધાળુ ભક્તો માટે એ સિદ્ધ કરવાનું પર્યાપ્ત પ્રમાણ થઈ શકે કે, સ્વામીજી શિવાવતાર હતા. વસ્તુતઃ ભગવાન જ્ઞાન, વૈરાગ્ય અને વિવેકના દેવતા છે. તેઓ એક શાંત કલ્યાણકારી, રાગ વગેરે દોષોથી રહિત અવસ્થાના પ્રતીક છે. શિવ સ્વભાવ શું છે? તે એક એવી તીક્ષ્ણ અંર્તદૃષ્ટિ છે. એક એવી સત્ત્વાનુસંધાનકારી શક્તિ છે કે જે સમસ્ત અસત્યના આવરણને ભેદીને સત્યને પ્રાપ્ત કરે છે. ભગવાન શિવ આ શક્તિના જ પ્રતીક છે. તે સંન્યાસીઓના દેવતા છે. તેમની બહાર જ્ઞાન છે અને હૃદયમાં રામભક્તિ. તે સર્વત્યાગી હોવા છતાં જગતના કલ્યાણ માટે ધ્યાનસ્થ છે. આવા ભગવાન શિવ સમગ્ર ભારતવર્ષના આરાધ્યદેવ, સર્વશાસ્ત્ર પ્રણેતા ગુરુઓના પણ ગુરુ-પરમગુરુ છે. ભગવાન શંકરના આ વિભિન્ન ગુણો પ્રતીકાત્મક રીતે તેમના બાહ્ય રૂપમાં પણ અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. તેઓ શ્વેત વર્ણ અને નીલકંઠ છે. એમના માથા પર ગંગા અને અર્ધચંદ્ર સુશોભિત છે. તેઓ ડમરુ, ત્રિશૂલ, નાગના આભૂષણધારી અને ત્રિનેત્ર છે. ડાબી બાજુમાં ભવાની છે. વૃષભ તેમનું વાહન છે. સામાન્ય રીતે તેઓ સમાધિસ્થ રહે છે પરંતુ લોકકલ્યાણ અર્થે સમાધિભંગ પણ થાય છે.

સ્વામી વિવેકાનંદનું બાહ્ય રૂપ ભલે શિવજી જેવું ન હતું પરંતુ તેમનામાં એ બધા ગુણો વિદ્યમાન હતા કે જેનાં પ્રતીક શિવજીનાં જુદાં-જુદાં અંગ-પ્રત્યંગ છે.

ત્રિનેત્ર: વિવેક, જ્ઞાન, અંતર્દષ્ટિ અને અનુભૂતિ પ્રમાણનું પ્રતીક આ ત્રિનેત્ર હંમેશાં બંધ રહે છે. સમાધિસ્થ અવસ્થામાં ભગવાન શિવ ત્રણે નેત્રો બંધ કરીને આ ત્રણે દ્વારા હૃદયમાં પોતાના આરાધ્યદેવનાં દર્શનમાં તન્મય રહે છે. બે નેત્રો ખૂલ્યા પછી આ ત્રીજું નેત્ર સદા બંધ રહે છે. એટલે કે જ્ઞાન, વિવેકના નેત્ર દ્વારા તેઓ સદા ભગવાનને જોતા રહે છે. સ્વામી વિવેકાનંદ પણ ધ્યાન સિદ્ધ યોગી હતા, જેમના મનનો એક ભાગ સંસારનાં બધાં કાર્યો કરતો હોવા છતાં ભગવત્-ચિંતનમાં મગ્ન રહેતો હતો. તેમની આ અંતર્મુખતાને કારણે, અમેરિકામાં કોઈ-કોઈ વાર તેઓ ટ્રામમાં બેઠાં બેઠાં પણ તત્કાળ સમાધિસ્થ થઈ જતા હતા, જેને લીધે તેઓ નિશ્ચિત સ્થાને ટ્રામમાંથી ઊતરી શકતા નહોતા. બાહ્ય જગતમાં પોતાના મનને લાવવા માટે તેમણે પ્રયત્નો કરવા પડતા.

ત્રીજું નેત્ર વિવેક દૃષ્ટિનું પણ પ્રતીક છે. જ્યારે ભગવાન શંકરના હૃદયમાં કામને કારણે ક્ષોભ ઉત્પન્ન થયો ત્યારે તેમણે આ નેત્રનું ઉન્મોચન કરી તેને ભસ્મ કરી નાખ્યો હતો. જો અંતર્દષ્ટિ ભગવત્-ચિંતનમાં પરોવાયેલી હોય તો જ મનમાં પેદા થતાં ક્ષોભનું કારણ શોધીને તેને ભસ્મ કરી શકે છે. સ્વામી વિવેકાનંદ પાસે તે દૃષ્ટિ હતી. એક વખત તેમણે પેરિસમાં એક અતિ સુંદર રમણીને જોઈ, પરંતુ બીજી જ ક્ષણે તેમની વિવેક દૃષ્ટિએ તેની અંદરના હાડ-માંસને દેખાડીને દેખાતા સૌંદર્યની અવાસ્તવિકતા પ્રગટ કરી દીધી. એટલું જ નહીં પરંતુ, એક વાર તો સ્વામીજીએ અક્ષરશ: કામને ભસ્મ પણ કરી દીધો હતો. તેઓ એક ધૂણીની સામે બેસીને ધ્યાન કરી રહ્યા હતા, અચાનક તેમનામાં કામનો પ્રાદુર્ભાવ થયો. તેઓ તત્કાલ સામે બળ બળતા ધૂણીના અગ્નિ પર બેસી ગયા. સ્વામીજીના પ્રખર વિવેકની સ્તુતિ કરીને સ્વામી રામકૃષ્ણાનંદજીએ લખ્યું છે:

વિવેકજાનન્દ નિમગ્ન ચિંત,

વિવેકદાનૈક વિનોદ શીલમ,

વિવેકભાસા કમનીયકાન્તિ

વિવેકિનં તં સતતં નમામિ

શ્રુતિ, ભક્તિ અને અનુભૂતિ – આ ત્રણ પ્રમાણોનાં પ્રતીક તરીકે પણ ત્રણ નેત્રોને માનવામાં આવે છે. શ્રુતિ અને યુક્તિ એ બે પ્રમાણોથી ઘણા બધા લોકો સત્યને ઓળખે છે. કોઈક વિરલ મહાપુરુષો જ અનુભૂતિસંપન્ન હોય છે. ત્રીજું નેત્ર આ અનુભૂતિ અથવા સત્યના અપરોક્ષ જ્ઞાનનું પ્રતીક છે. સ્વામી વિવેકાનંદ આ પ્રકારના અપરોક્ષ બ્રહ્મજ્ઞાની હતા.

સર્પ: કાળ અને નાશનું પ્રતીક સર્પ, એ ભગવાન શિવનું આભૂષણ છે. શિવ નિર્ગુણ, નિરાકાર હોવાને કારણે કાલાતીત છે અને સંહારના દેવતા હોવાના ફળ સ્વરૂપે મૃત્યુંજય છે. સ્વામી વિવેકાનંદે પણ અમરનાથમાં ઇચ્છા-મૃત્યુનું વરદાન પ્રાપ્ત કરીને, કાળ પર, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. બાળપણમાં ધ્યાનની રમત રમતી વખતે સાચેસાચ તેઓ ધ્યાનસ્થ થઈ ગયા હતા ત્યારે તેમની જાણ બહાર અચાનક એક સર્પ તેમની નજીક આવી ગયો હતો. શું તે પોતાના આરાધ્યદેવને ઓળખીને તેમની પાસે આવ્યો હતો? કોણ જાણે!

ડમરુ: ડમરુનો નાદ શબ્દનું પ્રતીક છે. ભગવાન શિવ સંસારને જે સંદેશ કે ઉપદેશ દેવા ઇચ્છે છે તે આ જ માધ્યમ દ્વારા દે છે. સ્વામીજીએ પણ એક નાદ કર્યો હતો: અભયવાણીનો “અભીરભીહુંકાર નાદિત દિઙમુખ” ભગવાન શિવના ડમરુના નાદથી દુષ્ટ જનોનાં હૃદય ભયથી સંતપ્ત થઈ જતાં હતાં. એ જ રીતે, સ્વામીજીની વીરગર્જનાથી એક બાજુ તેમના વિદેશી કટ્ટરવાદી, ખ્રિસ્તી પ્રતિદ્વન્દ્વીઓ ભયગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાં બીજી બાજુ કોલંબોથી અલમોડા સુધી તેમણે કરેલાં સિંહનાદથી ભારતવાસીઓનો ભય દૂર થયો અને તેમનામાં સાહસનો સંચાર થયો હતો.

ત્રિશૂલ: ત્રિશૂલ સંહારનું પ્રતીક છે કે જેનાથી ભગવાન શિવે દક્ષનું માથું કાપ્યું હતું. દક્ષ કર્મકાંડી, પાખંડી અને અહંકારી પુરોહિતોનું પ્રતીક છે. સ્વામીજી પુરોહિતો અને પંડાઓના કટ્ટર વિરોધી હતા. ત્રિશૂલની ત્રણ અણીઓને કામ, ક્રોધ અને લોભ આ આંતરિક દોષોના નાશના રૂપમાં પણ લઈ શકાય. સ્વામીજીના પાપનાશક દોષનાશક રૂપનું સ્મરણ કરતાં તેમના શિષ્ય શરદચંદ્રે તેમને “અધદલવિદલનદક્ષં” કહ્યા છે. એટલે કે સ્વામીજીનું ધ્યાન અને તેમના સાહિત્યનો અભ્યાસ સમસ્ત દોષોને દૂર કરે છે.

નીલકંઠ: ભગવાન શિવના કંઠમા શોભિત ઝેર તેમની પરમ કૃપાળુતાનું પરિચાયક છે. સમુદ્રમંથનને સમયે જ્યારે ઝેર નીકળીને બધાને ભસ્મ કરવા લાગ્યું ત્યારે જગતના કલ્યાણ માટે ભગવાન શંકર તેને સહજ રીતે પી ગયા. બીજાઓના કલ્યાણ માટે પોતે કષ્ટ સહન કરવું તે સ્વામીજીનું જીવનવ્રત હતું. એ ત્યાં સુધી કે બીજાઓને માટે અત્યધિક પરિશ્રમના ફળસ્વરૂપ તેમનું અકાળ મૃત્યુ થયું. તેઓ દીન, દુઃખી, દરિદ્રોના કલ્યાણ માટે ફરી ફરીને જન્મ લઈને દુઃખ સહન કરવાને માટે તત્પર હતા. તે સિવાય બાહ્ય સ્થૂળ દૃષ્ટિથી પણ જે અપવિત્ર અન્નને અન્ય સાધકો અને શ્રીરામકૃષ્ણના શિષ્યો ખાઈને પચાવી શકતા નહોતા, તે વિષસમ ભોજનને આધ્યાત્મિક દૃષ્ટિથી નિર્વિકાર રૂપે સ્વામીજી આત્મસાત્ કરી લેતા હતા.

ગંગા: ગંગા જ્ઞાનનું પ્રતીક છે. “જ્ઞાન પ્રવાહા વિમલાદિ ગંગા.” જ્ઞાનનો અર્થ લૌકિક જ્ઞાન ન સમજવો જોઈએ. વાસ્તવિક જ્ઞાન, ચરમ જ્ઞાન તો પરાવિદ્યા છે કે જેના દ્વારા બ્રહ્મત્મૈક્ત્વનો બોધ થાય. શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં સ્વામીજી જ એવા વિશુદ્ધ અદ્વૈત વેદાંતના એકમાત્ર અધિકારી હતા. શ્રીરામકૃષ્ણ કહેતા હતા કે નરેન્દ્રમાં હંમેશાં જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત રહે છે, જે બધા દોષોને તત્કાળ ભસ્મસાત્ કરી દે છે. ગંગા પતિતપાવની છે. અને જ્ઞાનને પણ ગીતામાં પાવનકર્તા કહ્યું છે “ન હિ જ્ઞાનેન સદશં પવિત્રમિહ વિદ્યતે” તુલસીદાસજી ગંગાને રામભક્તિની દ્યોતક માને છે. “રામભક્તિ જહૈ સુરસરિ ધારા”

બહારથી સ્વામીજી જ્ઞાની દેખાતા હતા પરંતુ અંદરથી તેઓ પરમ ભક્ત હતા. પોતાની ભક્તિના ઉદ્વેકને તેઓ તીવ્ર જ્ઞાન અને કર્મ દ્વારા દબાવી રાખવાનો પ્રયત્ન કરતા હતા. ગંગા કર્મનું પણ પ્રતીક છે. તે નિરંતર કાર્યરત છે. સ્વામીજીમાં પણ આપણે જ્ઞાન, ભક્તિ અને કર્મ – આ ત્રણના સમન્વયરૂપી ગંગાને પામીએ છીએ.

વક્રચંદ્ર: જે અપૂર્ણ અથવા વક્ર અને કુટિલ છે. જેને ક્યાંય આશ્રય નથી મળતો એવા ચંદ્રને આશ્રય દેવો એ શિવજીની કરુણા અને ઉદારતા દર્શાવે છે. સ્વામીજીમાં આ ઉદારતા સીમા પાર કરી ગઈ છે. તેમનો હાજરા મહાશય પ્રત્યેનો સ્નેહ એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમ જાણવા મળે છે કે, શ્રી પ્રતાપચંદ્ર હાજરા દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પાસે રહેતા હતા. તેઓ કંઈક વક્રબુદ્ધિના હતા. અદ્વૈતની ચર્ચા કર્યા કરતા પરંતુ તેમને સદા પોતાના કરજમાંથી છુટકારાની ચિંતા રહ્યા કરતી. તેમની આ કુટિલ બુદ્ધિને કારણે શ્રીરામકૃષ્ણ તેમના પર કૃપા કરતા નહોતા. પરંતુ સ્વામીજીની તેમની સાથે મિત્રતા હતી એટલે તેમનો ઉદ્ધાર પણ થઈ ગયો. તેમના પર કૃપા કરવા માટે સ્વામીજીએ શ્રીરામકૃષ્ણ પર અંત સમયમાં દબાણ કર્યું હતું.

સ્મશાનચારી: શિવજીનો નિવાસ સ્મશાનમાં, ભૂતપ્રેતો સાથે હોય છે. ચિતાભસ્મ તેઓ શરીર પર લગાડે છે. સંસારમાંથી વૈરાગ્યનું પ્રતીક સ્મશાન છે, તેવી જ રીતે બધી એષણાઓ અને વાસનાઓના ત્યાગનું પ્રતીક ભસ્મ છે. સ્વામીજી પણ પોતાના શિષ્યોને કહ્યા કરતા કે, ‘સંસારના લોકો જીવનને પ્રેમ કરે છે, તમે મૃત્યુને પ્રેમ કરતાં શીખો.’ એટલું જ નહીં પરંતુ, તેઓ એમ પણ ઇચ્છતા હતા કે, જેવી રીતે મા કાલી શિવના વક્ષઃશ્થળ પર નૃત્ય કરે છે તેવી જ રીતે તે આપણા હૃદયમાં પણ કરે. તેઓએ લખ્યું છે કે :-

ચૂર કરી દે સ્વાર્થ, માન તું, હૃદય બનો સમશાન;

નાચે શ્યામા એની ઉપર, ઘનરણમાં લઈ નિજ ભીમ કૃપાણ

(વિવેકાનંદનાં કાવ્યો, પૃ. સં. 51)

અમેરિકામાં કોઈ કોઈ વાર તેમની સાથે વિચિત્ર અને ઢંગધડા વગરના લોકો ફરતા જોવા મળતા હતા. પૂછવાથી સ્વામીજી કહેતા કે, ‘એ મારાં ભૂતો છે.’

આશુતોષ ભોળાનાથ: થોડામાં સંતોષ અને થોડામાં પ્રસન્ન થઈ બધું આપી દેવાનું જે લક્ષણ શિવજીનું છે એ જ રીતે, સ્વામીજીમાં પણ તે ગુણ હતો. એક વખત એક યુવક તેમની સોનાની ઘડિયાળ તરફ લાલચુ નજરે જોઈ રહ્યો હતો. તરત જ સ્વામીજીએ તે ઉતારીને પેલા યુવકને આપી દીધી. મૈસૂરના મહારાજા સ્વામીજીને કંઈક આપવા માગતા હતા. આત્મારામ સ્વામીજીને શું જોઈએ? અંતે રાજાના સંતોષ ખાતર એક હુક્કો ખરીદ્યો. પાછળથી તેમણે અનેક અધિકારી અને અનધિકારી યુવકોને મંત્ર દીક્ષા આપી હતી. જ્યારે તેમના બીજા સાથીઓ તેમને ફરિયાદ કરતા હતા કે, આ લોકોનું ચારિત્ર્ય જોયા સિવાય જ આપ તેમને દીક્ષા આપો છો. ત્યારે સ્વામીજીએ કહ્યું હતું: હું તેમના ચારિત્ર્યને જ નહીં, ભૂત-ભવિષ્ય બધાને સારી રીતે જાણું છું. પરંતુ કૃપા કર્યા સિવાય રહી શકતો નથી, જો હું તેમને છોડી દઈશ તો કોણ તેમને સ્વીકારશે? શું આશુતોષ શિવજીનું લક્ષણ નથી?

પાર્વતી, ગણેશ અને ષડાનન, ભગવાન શંકરના પરિવારના સભ્યો છે. વિભિન્ન આધ્યાત્મિક અર્થોનું પ્રતીક પાર્વતી છે. શંકરાચાર્યના મતાનુસાર આત્મા જ શિવ છે તથા ગિરિજી મતિ અથવા બુદ્ધિ છે. ‘આત્મા ત્વં ગિરિજા મતિ;’ કેનોપનિષદમાં ઉમા હૈમવતીનો ઉલ્લેખ આવે છે જેના માધ્યમથી ઇન્દ્ર બ્રહ્મને ઓળખવામાં સફળ થયા હતા. ત્યાં ઉમાને બ્રહ્મવિદ્યા માનવામાં આવ્યાં છે. તુલસીદાસજી તેમને શ્રદ્ધાસ્વરૂપિણી કહે છે. ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધા વિશ્વાસરૂપિણૌ.

મતિ અથવા બુદ્ધિ આત્માનું સૌથી નિકટનું આવરણ છે. તેમાં આત્માનો સૌથી વધારે પ્રકાશ પડે છે. પ્રત્યેક આત્મા શિવ અથવા બ્રહ્મ જ છે. પંરતુ બુદ્ધિની મલિનતાને કારણે આપણે પોતાના શિવસ્વરૂપને ઓળખી શકતા નથી. શિવના વિશેષ ગુણ પ્રગટ ન થાય ત્યાં સુધી, બુદ્ધિ શુદ્ધ ન થાય ત્યાં સુધી જીવ શિવ થઈ શકતો નથી. પાર્વતીની કથા તે બુદ્ધિના આ વિશુદ્ધિકરણની જ કથા છે. બુદ્ધિની સાર્થકતા શ્રદ્ધામાં પરિણત થવામાં છે.

સૌ પ્રથમ ભગવતી દક્ષની પુત્રી સતીના રૂપમાં જન્મ લે છે. ત્યારે તેનામાં સંશયાત્મક બુદ્ધિ છે. ભગવાન રામના અવતારત્વના વિષયમાં શંકા થાય છે. આ કારણે ભગવાન શિવ તેમનો ત્યાગ કરે છે. દક્ષયજ્ઞમાં શિવનું અપમાન થવાને કારણે તે પોતાનું શરીર ત્યાગીને હિમાલયપુત્રી પાર્વતીના રૂપમાં જન્મ લે છે. તથા કઠોર તપ કરીને ફરીથી શિવજીને પ્રાપ્ત કરે છે. આ પુનર્મિલનના ફળસ્વરૂપે ગણેશ અને ષડાનનનો જન્મ થાય છે, જે દેવતાઓની રક્ષા કરે છે.

સતીની જેમ સ્વામીજીની બુદ્ધિ પણ શરૂઆતમાં સંશયાત્મક હતી. તેઓ શ્રીરામકૃષ્ણના અવતારત્વની બાબતમાં છેવટ સમાધાન થયા સુધી સંદિગ્ધ રહ્યા હતા. જેમ સતીએ ભગવાન રામની પરીક્ષા લીધી હતી, તેવી જ રીતે સ્વામીજીએ પણ શ્રીરામકૃષ્ણની દરેક પ્રકારે પરીક્ષા લીધી હતી. છેવટે ગાઝીપુરમાં વારંવાર શ્રીરામકૃષ્ણનાં દર્શન પામ્યા બાદ તેમનો સંશય દૂર થયો હતો. અને બુદ્ધિમાં શ્રદ્ધા જાગૃત થઈ હતી. ગુરુવાક્યમાં અડગ વિશ્વાસ જ શ્રદ્ધા કહેવાય છે. સંશયાત્મક બુદ્ધિનું પરિણામ વિનાશ હોય છે જે સતીના જીવનમાં બન્યું હતું. “સંશયાત્મા વિનશ્યતિ”. પરંતુ જે બુદ્ધિમાં શ્રદ્ધા જન્મી ચૂકી છે તે જ પરા અને અપરા વિદ્યારૂપ ગણેશ અને ષડાનને જન્મ આપી શકે. ગણેશ સિદ્ધિદાતા હોવાની સાથોસાથ પરમ જ્ઞાની પણ છે. માતામાં સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરીને તેમણે બ્રહ્માંડને બદલે માતાની જ પ્રદક્ષિણા ફરીને સંતોષ લીધો હતો. પરંતુ જ્ઞાનમાં પણ સાત્ત્વિક અહંકારની સંભાવના છે. શિવજીએ ગણેશનું માનવમસ્તિષ્ક ઉડાડી દીધું તે પણ અહંકારના નાશનું જ પ્રતીક છે. શ્રીરામકૃષ્ણને માન્યા પછી અને અદ્વૈતજ્ઞાન પામ્યા પછી પણ એક વાર સ્વામીજીમાં સાત્ત્વિક અહંકાર પેદા થયો હતો. જેમ કે, કાશ્મીરમાં ક્ષીરભવાનીનું ભગ્ન મંદિર જોઈને તેઓ બોલી ઊઠ્યા હતા કે, હું હોત તો આને તૂટવા ન દેત, તેવી જ રીતે, કાશ્મીરના મુસલમાન ફકીરે જ્યારે તેમના પર શક્તિ-પ્રયોગ કર્યો ત્યારે તે કારણે પણ સ્વામીજીમાં અભિમાન આવ્યું હતું. અને તેમણે મા શારદાને ફરિયાદ કરતાં કહ્યું હતું કે, તેઓ શ્રીરામકૃષ્ણને માનતા નથી. કારણ કે એક ફકીરથી તેમની રક્ષા પણ તેઓ કરી શક્યા નહિ. ક્ષીરભવાનીમાં મા જગદંબાની વાણી તથા કલકત્તામાં મા શારદાના આશ્વાસનથી તેમનો સાત્ત્વિક અહંકાર ગણેશના મસ્તિષ્કની જેમ નાશ પામ્યો હતો.

અસુરો પણ વિજય પ્રાપ્ત કરવા માટે ષડાનનની આવશ્યકતા છે. કાર્તિકેયનાં છ મુખ જુદા જુદા પ્રકારની અપરા વિદ્યાઓનાં પ્રતીક છે. એવી જ રીતે, સ્વામી વિવેકાનંદ પણ અત્યંત પ્રખર બુદ્ધિ અને પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. સ્મરણ શક્તિ, વિદ્વતા, વાક્શક્તિ, તર્કવિચારની ક્ષમતા, મેઘા વગેરે તેમની બૌદ્ધિક શક્તિનાં અનેક રૂપ છે. તેની જ સહાયતાથી તેમણે ષડાનનની જેમ વિશ્વ વિજય કર્યો હતો.

ઉપસંહાર: દેશ, કાળ અને કાર્ય-કારણની સીમાઓથી બંધાયેલું મન અમૂર્ત અચિંત્ય પરમાત્માની કલ્પના કરી શકતું નથી. સ્વામી વિવેકાનંદના મતાનુસાર માનવમન પરમાત્માની કલ્પના માનવના રૂપમાં જ કરી શકે છે. અને અવતારી મહાપુરુષો જ એવા આદર્શ માનવ છે કે, જે માનવની કલ્પનાના ભગવાનની સૌથી વધુ નજીક છે. ભારતીય માનસે પોતાના ઉચ્ચતમ આદર્શોને શિવ, વિષ્ણુ વગેરે પૌરાણિક પાત્રોના માધ્યમથી ચરિતાર્થ કર્યા છે. પરંતુ વાસ્તવિકતાની નજદીક તો રામ, કૃષ્ણ, ઈસુ, રામકૃષ્ણ અને વિવેકાનંદ જેવા ઐતિહાસિક મહાપુરુષો જ આવી શકે, કે જેમણે રોજબરોજના જીવનમાં આદર્શને આચરીને દેખાડ્યો છે. એટલે તેઓ જ આપણા અધિકતમ આરાધ્યદેવ છે. સ્વામી વિવેકાનંદમાં શિવત્ત્વની જેટલી અભિવ્યક્તિ થઈ છે, તેટલી કદાચ આજ સુધી બીજા કોઈ મહામાનવમાં થઈ નહિ હોય. શિવ આદર્શને સમજવા માટે સ્વામીજીનું જીવન અને ચરિત્ર સર્વશ્રેષ્ઠ આધાર છે. વસ્તુતઃ ગંભીરતાથી વિચાર કરીએ તો સ્વામીજી અને ભગવાન શંકર વચ્ચે કેટલું સામ્ય છે તે જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય. આ સામ્યને સમજવા માટે અમે પ્રતીકોના બૌદ્ધિક વિશ્લેષણની રીત અપનાવી છે. પરંતુ આ પદ્ધતિથી આપણે ફક્ત શિવત્વના બાહ્ય રૂપને જ સમજી શકીએ છીએ. મનુષ્યના ચેતન મનની પાછળ તેનાથી કેટલાય ગણું વધારે ઊંડું અને વ્યાપક અચેતન સ્તર પણ તેની જેમ જ વ્યાપક અને વિશાળ છે. આધ્યાત્મિક અંતર્દષ્ટિથી સંપન્ન મહાપુરુષ અને ઋષિ આ મહાન જ્ઞાનરાશિનાં પ્રત્યક્ષ દર્શન કરે છે. તેમનું એમ કહેવું છે કે, સ્વામીજી શિવના અવતાર છે. એ બાબત આપણી વિશ્લેષણાત્મક બૌદ્ધિક સમજ કરતાં અનેકગણી વધારે મહત્ત્વ અને અર્થવાળી છે. પોતે એ કક્ષા સુધી પહોંચ્યા સિવાય તેને સમજવી અસંભવ છે. આપણા જેવા ક્ષુદ્રબુદ્ધિ લોકો માટે તો એ સરળ વિશ્વાસ જ શ્રેયકર્તા અને ઉચિત છે કે, સ્વામીજી ખરેખર શિવાવતાર હતા.

Total Views: 167
By Published On: February 1, 1990Categories: Brahmeshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram