[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ડિસેમ્બર 1987)માંથી સાભાર લેવામાં આવ્યો છે.]
શ્રીરામકૃષ્ણ માનવજાતની એક ખાસ આવશ્યકતા પૂરી કરવા માટે અવતર્યા હતા. સામાન્ય રીતે આપણે એમને આ યુગના ‘ઈશ્વરાવતાર’ કહીએ છીએ. પરંતુ તેમનું આગમન કંઈ કેવળ આ યુગ માટે જ થયું ન હતું. તેમના જીવનનું અને તેમણે આપેલા સંદેશનું મહત્ત્વ, તેમની દેણગી પૂરેપૂરી રીતે સમજવા માટે તો હજુ હજારો વર્ષ લાગી જશે. હવે તેમનો પ્રભાવ, એક ઘેરથી બીજે ઘેર અને એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ જશે. પણ આ રીતે તેમના સંદેશને બધે જ ફેલાતાં હજુ સમય લાગશે. તેમના જીવન વિશે આપણે સાવ થોડુંક જ જાણી શક્યા છીએ, અથવા જાણીએ છીએ. અને એટલાને પણ વાણીથી કહેવા માટે આપણી પૂરી ત્રેવડ નથી.
શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે, માનવજીવનનો હેતુ ઈશ્વરપ્રાપ્તિ છે. એ ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ કયો છે? તેમણે પોતાના ઉપદેશો દ્વારા એ રસ્તો બતાવ્યો છે. અને સાથોસાથ પોતાના જ જીવન દ્વારા એ ઉપદેશનું નિદર્શન પણ રજૂ કરી દેખાડ્યું છે. તેમના જીવનથી અને તેમના સંદેશથી પરિચિત થયેલા લોકો જાણે છે, કે તેમણે શું શું કહ્યું છે અને શું શું કર્યું છે. અને તેમના જીવનનો અને સંદેશનો કેટલો દૂરગામી પ્રભાવ પડ્યો છે.
તેમણે આપણને એક ખાસ વિચાર એ કહ્યો છે કે, આ કળિયુગમાં ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ, નારદે દર્શાવેલ ‘ભક્તિમાર્ગ’ છે. આપણા જીવનનું સર્વસ્વ ઈશ્વરને ચરણે સમર્પિત કરીને આપણે અત્યંત આતુરતાથી, સત્ય અને સરળતાનું સેવન કરતાં કરતાં આપણું સમગ્ર જીવન ઈશ્વરપ્રાપ્તિની આધ્યાત્મિક ઝંખનામાં વિતાવવું જોઈએ. ઈશ્વરપ્રાપ્તિનો આ માર્ગ છે. તેમણે પોતે પણ જગદંબાને આવી પ્રાર્થના કરી હતી: “હે મા, તારી શુચિતાને લઈ લે, અને અશુચિતાનેય લઈ લે; સત્કર્મોને લઈ લે, અને દુષ્કર્મોનેય લઈ લે; તારા શાસ્ત્રવિહિત વિધિઓને પણ લઈ લે, અને અવિહિત કાર્યોનેય લઈ લે, મને કેવળ શુદ્ધ ભક્તિ જ આપ.” આ શુદ્ધ ભક્તિ માટે જ તેઓ પોતે હંમેશાં પ્રાર્થના કરતા. આ ભક્તિ માર્ગ દ્વારા જ ઈશ્વરને પામવા માટે તેઓ આપણને પણ કહેતા. ભક્તિસૂત્રોમાં નારદ આપણને કહે છે કે, ભક્તિ કે શરણાગતિનો અર્થ, ‘તેને’ માટેનો પરમોચ્ચ પ્રેમ થાય છે. આ ‘તેને’ શબ્દ દ્વારા નારદે કોઈ ખાસ દેવ કે દેવીનું નામ દર્શાવ્યું નથી ભલે ગમે તે રૂપ હોય પણ એનાથી માનવમનમાં ઈશ્વર પ્રગટ થાય, એ પ્રિયત્તમ સ્વરૂપ પ્રત્યે ઉચ્ચતમ પ્રેમભાવ ઊપજે, તો તેને ભક્તિ કે શરણાગતિ કહેવાય છે. જીવો વચ્ચે પરસ્પર ખૂબ નજીકનો અને ખૂબ જ વધારે સંબંધ હોય, એ પ્રેમનો અર્થ છે, એમ આપણે માનીએ છીએ. જેનાથી એક જીવ બીજાનો સૌથી વધારે વ્હાલો બને એવો સંબંધ સ્થપાય એનું જ નામ આપણી દૃષ્ટિએ ‘પ્રેમ’ છે. પરંતુ માનવીય પ્રેમના આવા ઉચ્ચતમ સ્વરૂપને પણ નારદે ભક્તિની તોલે ગણ્યું નથી. ઈશ્વર પ્રત્યેની ભક્તિ તો બધા જ પ્રકારની માનવીય લાગણીઓને, માનવજીવો વચ્ચે પરસ્પરના વિશ્વાસ કે શ્રદ્ધાને અતિક્રમીને રહેલી હોય છે. બધા સામાન્ય માનવીય ભાવો અને સંબંધોની પેલી પાર રહેલ આવા પ્રેમને શ્રીરામકૃષ્ણે ભક્તિ કે શરણાગતિ તરીકે વર્ણવ્યો છે. આ ભક્તિને આપણા મનમાં દૃઢ કરવા માટે તેમણે આપણને એવો ઉપદેશ આપ્યો છે. પોતાના જીવનમાં તેમણે પોતે પણ આ પરમોચ્ચ પ્રેમની સાધના કરી હતી.
નારદે ભક્તિનું સ્પષ્ટીકરણ કરતાં, સાચી ભક્તિનાં અંદરનાં અને બહારનાં ચિહ્નો વિશે કહ્યું છે. સાચી ભક્તિનાં બહારનાં ચિહ્નો શાં શાં છે? આપણને જાણવા મળશે કે, આપણાં બધાં જ કાર્યોને ઈશ્વરને ચરણે પૂરેપૂરાં સમર્પી દેવાં અને તેમની ઝાંખી કરવા અત્યંત તીવ્ર ઝંખના સેવવી, એ આનો અર્થ છે. ભક્તિનાં આ ચિહ્નો છે. શ્રીરામકૃષ્ણ કહ્યા કરતા કે, આ દુનિયામાં તેમની પાસે તેમનું પોતાનું કશું જ નથી. જે માર્ગે જગદંબા તેમને દોરતી, તેમ તેઓ દોરાતા. જે રીતે જગદંબા તેમને પ્રેરતી તે રીતે તેઓ બોલતા. હંમેશાં તેમનું આવું જ વલણ રહેતું. આ કંઈ ખાલી શબ્દો જ ન હતા. પણ એ એવાં સત્યો હતાં કે જેને તેઓ સંપૂર્ણપણે માનતા અને તેમના પોતાના જીવનમાં તે પ્રમાણેનું આચરણ કરતા. તેમના ઉપદેશમાં તેમણે વારંવાર કહ્યું છે કે, હું જગદંબાના આદેશથી દોરાયેલો છું. તેમના દ્વારા જે કંઈ સત્યો પ્રગટ થયાં અને જે કોઈ માર્ગ તેઓ પોતાનું જીવન જીવ્યા તે બધું જ કેવળ જગદંબાને કારણે જ શક્ય બન્યું. તેમના જીવનની બધી જ ઘટનાઓ જગદંબાની ઇચ્છાનુસાર જ બની. આ જ બધાં કર્મોનું ઈશ્વરને ચરણે સંપૂર્ણ સમર્પણ છે.
ત્યાર પછી આપણે તેમનો ઈશ્વર પ્રત્યેનો તીવ્ર તલસાટ જોઈએ છીએ. તેમનું જીવન વાંચનારા જાણે છે કે, ગંગાને કિનારે “મા! મા!” કહીને તેઓ કેવી બૂમો પાડ્યા કરતા! “હે મા, એક વધુ દિવસ પણ પસાર થઈ ગયો, છતાં હજુ તારાં દર્શન થઈ શક્યાં નહીં.” આવા શબ્દોમાં તેઓ વારંવાર વિલાપ કરતા રહેતા. તેમની આસપાસ અવારનવાર લોકો ઘેરાઈ વળતા અને કહેતા કે, ઘણું કરીને તેમને હોજરીની બીમારી લાગે છે અને તેની તીવ્ર પીડાથી તેઓ રડી રહ્યા છે! તેમના હૃદયના દિવ્ય તલસાટને તેઓ ભલા કેવી રીતે જાણી શકે? જગદંબાનાં દર્શન માટે તેઓ વલવલી રહ્યા છે, એ વાત તેઓ ક્યારેય સમજી ન શક્યા. પછી તો એક દિવસ એવો આવ્યો કે, જગદંબાનાં દર્શન ન થવાને કારણે થતી વેદનાને તેઓ વધુ વાર સહન કરી શક્યા નહીં. મંદિરમાં પ્રવેશતાં તેમણે જોયું કે, એક મોટી તલવાર દીવાલ પર લટકી રહી છે. આ તલવારથી જેવા તેઓ આત્મહત્યા કરવા પ્રયત્ન કરે છે, તે જ ક્ષણે તેમને જગદંબા કાલીનાં દર્શન થયાં. આ જબરી ઝંખના, આ તીવ્ર તલસાટ, જગદંબા વગર હવે વધારે વખત જીવવું શક્ય નથી-એવી આ લાગણીને લીધે તેમને મા કાલીની, ઇષ્ટતમ પરમ પ્રેમાસ્પદ જગદંબાની ઝાંખી થઈ.
વળી, શ્રીરામકૃષ્ણે કહ્યું કે આ કાળમાં, કલિયુગમાં સત્ય બોલવું એ આધ્યાત્મિક તપસ્યા છે. આપણે સત્યને સખત રીતે વળગી રહીને જ આગળ વધવું જોઈએ. હવે આ બાબતમાં જુદાં જુદાં મનમાંથી તરેહ તરેહના પ્રશ્નો ખડા થાય છે. કોઈ પૂછી લે કે, “આ વ્યવહારની દુનિયામાં સત્યને સખત રીતે વળગી રહીને આપણે ખરેખર શું જીવી શકીએ ખરા કે?” પણ સાચી હકીકત તો એ છે કે, જ્યારે આપણને આ માનવદેહ સાંપડ્યો છે અને આપણા સૌ માનવજીવો માટે ઈશ્વરપ્રાપ્તિ થવી શક્ય છે, ત્યારે આપણે સત્યને સખત રીતે વળગી જ રહેવું રહ્યું! જો આપણે એવું નહીં કરીએ તો તે આપણો દોષ છે, આપણી દુર્બળતા છે. સ્વામીજીએ એક વખત કહ્યું જ હતું: “હું રામને ન મેળવી શક્યો, એટલા માટે શું હું શ્યામ સાથે રહીશ કે?” આ જ રીતે, કેટલીક વખત હું સત્ય બોલવામાં નિષ્ફળ ગયો એટલે પછી મારે શું ખોટું જ બોલવાનું? કદી નહિ. બધા જ શક્ય પ્રયત્નો કરીને આપણે સત્યને જ વળગી રહેવું જોઈએ. આપણે સત્યમાં જ પ્રતિષ્ઠાપિત થવું જોઈએ.
પણ આ તો સામાન્ય માનવજીવોની વાત થઈ. શ્રી રામકૃષ્ણ માટે શું હતું? તેઓ સત્યને સખત રીતે વળગી રહ્યા ન હતા પણ સત્ય પોતે જ તેમને સખત રીતે વળગી રહ્યું હતું! દાખલા તરીકે, તેમણે કહ્યું હતું: “પોતાના પિતાના હાથની આંગળી પકડીને ચાલતા બાળકને નીચે પડી જવાનો ભય હોય, પણ પિતા પોતે જ જે બાળકનો હાથ પકડી લેતા હોય તેને પડવાનો ડર હોતો નથી.” શ્રીરામકૃષ્ણના જીવનમાં આનાં કેટલાંય સુંદર ઉદાહરણો છે. મહાપ્રભુ ચૈતન્યની જન્મભૂમિની મુલાકાત લેવા માટે એક વાર શ્રીરામકૃષ્ણ નવદ્વીપ ગયા. પણ તે સ્થાને પહોંચ્યા પછી તેમને કશી જ દિવ્ય પ્રેરણા થઈ નહિ. તેમણે કહ્યું: ‘હું અહીં તે શા માટે આવી ચડ્યો? મને તો અહીં કશી જ પ્રેરણા થતી નથી.’ પછી જ્યારે તેઓ ગંગા ઉપર હોડી દ્વારા પાછા ફરી રહ્યા હતા, ત્યારે ઓચિંતા જ પોકારી ઊઠ્યા: “ત્યાં…ત્યાં…જો, એ આવે!” તેમણે ભાવદશામાં જોયું કે મહાપ્રભુ શ્રીચૈતન્ય અને નિત્યાનંદ જાણે કે તેમની તરફ આવી રહ્યા હતા. પછીનાં ઐતિહાસિક સંશોધનોએ એ પુરવાર કરી બતાવ્યું કે મહાપ્રભુની મૂળ જન્મભૂમિ તો ગંગામાં ધોવાઈ ગઈ છે અને મૂળ સાચું સ્થળ તો નદીનાં ઊંડાણમાં પડી રહેલ છે. એટલા માટે જો કે આજના નવદ્વીપમાં મહાપ્રભુની ઉપસ્થિતિની પ્રેરણા તેમણે ન અનુભવી; પણ એવી અનુભૂતિ એમને ગંગાના મધ્યભાગમાં તો થઈ જ. જન્મભૂમિ વિશેનું સત્ય, તેમનામાંના સત્યે પ્રકાશિત કરી દીધું. સત્યને જાણવા માટે તેમને કોઈ મોટો પરિશ્રમ કરવો પડતો નહિ. કારણ કે સત્ય પોતે તેમને પોતાના હાથથી પકડી રાખતું. બીજા એક પ્રસંગે તેઓ શ્રીશંભુ મલ્લિકને ઘેર ગયા. શ્રીરામકૃષ્ણને હોજરીના દર્દથી પીડાતા જાણીને શ્રી મલ્લિકે પોતાની પાસોથી થોડી દવાઓ આપવા માટે પૂછ્યું. જ્યારે શ્રીરામકૃષ્ણને પાછા ફરવાનો વખત થયો, ત્યારે જ કશાક ઓચિંતા કામને લીધે શંભુ મલિક ઘરની અંદરના ભાગમાં ગયા અને વાર લાગ્યા છતાં પાછા આવ્યા નહિ. હવે મોડું થઈ રહ્યું હતું. શ્રીરામકૃષ્ણને કાલીમંદિરમાં પાછા ફરવાનો વખત થઈ ગયો હતો. તેમણે જોયું કે જે દવાનું પડીકું શંભુ તેમને આપવાના હતા, તે તો ત્યાં સામે જ પડ્યું હતું. એટલે વિચાર્યું કે પડીકું લઈને પાછા ફરવાનું જ યોગ્ય છે. તેમણે એવું કર્યું. પણ જ્યાં તેઓ બહાર રસ્તા ઉપર આવ્યા, ત્યાં તો તેઓ મંદિરના બગીચાનો રસ્તો જ ન જોઈ શક્યા. મંદિર તો થોડુંક જ દૂર આવેલું હતું. આમેય એટલા નાનકડા અંતરને કાપવું કંઈ અઘરું ન હતું. પરંતુ તેમણે રસ્તા પર ચાલવાનો ઘણો પ્રયત્ન કરવા છતાં તેમના પગ રસ્તાની એક બાજુએ આવેલા નાળામાં જ પડી જતા હતા. આ જ વખતે જ્યારે તેમણે મલ્લિકના ઘર સામે પાછું જોયું, તો વળી પાછો રસ્તો સ્પષ્ટ બની ગયો! ત્યારે તેમને ખાતરી થઈ: “ઓહ, મેં સત્યનું અનુસરણ ન કર્યું. શંભુએ તો મને એને પોતાને હાથેથી દવા આપવાનું કહ્યું હતું. મેં એના હાથમાંથી દવાઓ લીધી નથી.” શ્રીરામકૃષ્ણ શંભુ મલિકને ઘેરે પાછા ફર્યા. આ સમય દરમ્યાન તો બધા જ ઘરના અંદરના ઓરડાઓમાં ચાલ્યા ગયા હતા. આગળનું બારણું બંધ હતું. તેમણે દવાનું પડીકું બારીમાંથી અંદર ફેંક્યું અને કહ્યું: “તમારું દવાનું પડીકું અહીં રાખું છું. તમે સાંભળ્યું કે?” પછી જ્યારે તેઓ પાછા વળવા લાગ્યા ત્યારે દક્ષિણેશ્વર મંદિરનો રસ્તો તદ્દન સ્પષ્ટ લાગ્યો. અને તેઓ મંદિરે પાછા આવ્યા. આ રીતે સત્યે તેમને પોતાની પૂરી પકડમાં લઈ લીધા હતા. સત્ય જ તેમને સત્ય માર્ગે દોરતું. ભક્તિનાં બધા સત્યો અને સચ્ચાઈનું તેઓ પોતે આચરણ કરતા અને આપણને પણ એનું અનુસરણ કરવાનું કહેતા.
શ્રીરામકૃષ્ણે સરળતા વિશે પણ કહ્યું છે. મનુષ્યે બાળક જેવા સરળ થવું જોઈએ. મા બાળકને કહે કે, પાસેના ઓરડામાં ભૂત રહે છે. અને બાળક એ પૂરેપૂરું સાચું માની લે છે. મા બાળકને કહે છે: “ આ તારો મોટો ભાઈ છે.” તો બાળક પછી તરત જ એની સાથે એક જ થાળીમાં ખાવા બેસી જાય છે. તે એ વિચારતો નથી કે આ માણસ બ્રાહ્મણ છે કે પછી લુહાર કે કુંભાર છે; બસ, માએ કહ્યું છે ને કે, ‘આ તારો મોટો ભાઈ છે.’ બાળકને માટે એ માણસમાં પોતાના મોટાભાઈને જોવા માટે આટલું જ પૂરતું છે. આનું નામ સરળતા. એકવાર શ્રીરામકૃષ્ણ ઘોડાગાડીમાં કલકત્તા જઈ રહ્યા હતા. કોઈકે તેમને કહ્યું હતું કે પાનખરની ઝાકળમાં શરીર ખુલ્લું રાખવાથી માણસનું સ્વાસ્થ્ય સુધરે છે. આથી તે સાંજે શ્રીરામકૃષ્ણે પોતાનું માથું ઘોડાગાડીની બહાર રાખ્યું. અને પાનખરની એ ઝાકળમાં શરીર ખુલ્લું રાખ્યું, અને પરિણામે તેમને શરદી અને કફ થઈ ગયાં. આવી તેમની સરળતા હતી. સરળતા વગર કોઈ ઈશ્વરસાક્ષાત્કાર કરી શકે નહિ.
વળી, તેમણે કહ્યું કે, આધ્યાત્મિક સાધનાના એક ભાગ રૂપે સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. તેમ જ સત્ શાસ્ત્રોનું વાંચન-મનન કરવું જોઈએ. આ બધી બાબતો પણ તેમણે સૌથી પહેલાં પોતાના જીવનમાં આચરી બતાવી. અને પછી ભક્તોને શીખવી. સત્યમાં પ્રતિષ્ઠિત થયા પછી જ્યારે તેમણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો, ત્યારે તેમને ભક્તો સાથે રહેવાની ઇચ્છા થઈ. દુનિયાદારીના માણસોની વાતો કેટલી તો ખલેલ પહોંચાડનારી હતી! માએ તો તેમને કહ્યું હતું: “તારા ભક્તોયે આવશે. તેમની સાથે તું પેટ ભરીને સંતોષથી વાતો પણ કરી શકીશ.’ પણ તેઓ તો હજુ આવતા ન હતા. પણ હવે વધારે ઢીલ શ્રીરામકૃષ્ણ સહન કરી શક્યા નહિ. સાંજને વખતે, મંદિરના બગીચામાં આવેલા મકાનમાલિકના ઘરના છાપરા પર ચડીને તેઓ તો જોરજોરથી રોજ સાદ પાડવા લાગ્યા: “અરે, મારાં બાળકો, તમે ક્યાં છો? તમે ક્યાં છો? આવો, મારી પાસે આવો.” અને ભક્તોએ એ સાદ સાંભળ્યો, તેમનાં હૈયાં હાલી ઊઠ્યાં. ધીરે ધીરે તેઓ આવવા લાગ્યા. અને પછી તેમણે રાત-દિવસ, તે ભક્તોને ઈશ્વરસાક્ષાત્કાર માટેના વિવિધ માર્ગોની આધ્યાત્મિક સાધનાઓ વિશે કહેવાનું શરૂ કર્યું. આ બધાં વચનામૃતો, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં તેમ જ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં ઉલ્લેખિત થયેલાં છે. સ્વામીજીએ પણ પોતાનાં ભાષણોમાં એનું વિવરણ કરેલું છે. આ બધાં ભેગાં મળીને આપણી સામે શ્રીરામકૃષ્ણનો સંદેશ રજૂ કરે છે. કેવળ ‘કથામૃત’ જ નહિ, પણ સાથોસાથ સ્વામી શારદાનંદજીના લખેલા ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ અને સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળ – આ બધું ભેગું મળીને આપણને શ્રીરામકૃષ્ણનો સાચો સંદેશ આપી જાય છે.
કાશીપુરમાં શ્રીરામકૃષ્ણે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. તેમના અંતરંગ ભક્તોને તેમણે સંન્યાસીનાં ભગવાં કપડાં આપ્યાં. પછી તેમણે તેમને સંન્યાસીઓની પેઠે જ ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલ્યા. તેમણે નરેન્દ્રનાથને તે સૌનો નેતા બનાવ્યો. તેમ જ પરસ્પરના સંપસહકારથી સંન્યાસીઓમાં બંધુભાવ કેવી રીતે રાખવો, અને સંઘનું નિર્માણ કેવી રીતે કરવું, તે સંબંધમાં તેમને તેમણે તરેહતરેહની સલાહ આપી.
હવે તેમણે ભક્તોને ઘેર જવાનું અને તેમને સત્સંગનો લાભ આપવાની તકો પૂરી પાડવાનું પણ શરૂ કર્યું. ઈશ્વરમાં આનંદ થતાં વિવિધ ભક્તિસંકીર્તનોમાં અને ભાવનૃત્યોમાં ભાગ લેવાનું પણ તેમણે શરૂ કર્યું. ઈશ્વરમાં તેમની આવી ભાવોન્માદની સ્થિતિ જોઈને બ્રાહ્મસમાજના શ્રી પ્રતાપચંદ્ર મજુમદારે એક વાર કહ્યું હતું: “અરે ભલા ભગવાન, આ માણસ ઉપર તો ભૂત સવાર થઈ બેઠું હોય એવું જણાય છે, આ તો ઈશ્વરમાં એટલા બધા ભાવોન્મત્ત છે!” શ્રીરામકૃષ્ણની દિવ્ય અવસ્થાનું બ્યાન કરવા માટે બિચારા મજુમદારને કમભાગ્યે કોઈ સારી ઉપમા મળી નહિ. આમ, તેમણે શ્રીરામકૃષ્ણનાં શરીર-મનને એવી રીતે અવગુંઠિત કરી દીધાં કે જેથી તેઓ બહારની દુનિયાથી ઘણું કરીને ખાલી અભાન હોય એવું જ તેમનું અર્થઘટન હતું. પણ તેઓ તો દિવ્ય ભાવમાં પૂરેપૂરા રમમાણ હતા. શ્રીરામકૃષ્ણ આપણને એ બતાવવા આવ્યા હતા કે, આ પ્રકારના ઈશ્વરોન્માદ વગરનું જીવન, ભલે આખી દુનિયાનો ત્યાગ કરી બેઠું હોય, કે ભલે ઈશ્વરને માટે ભીખ માગતું ભટકતું હોય કે ભલે ઈશ્વરને માટે આતુરતાથી બૂમો પાડ્યા કરતું હોય, પણ આમાંથી કશું જ આત્મ સાક્ષાત્કાર-ઈશ્વરપ્રાપ્તિ કરાવી શકતું નથી. આવા પ્રકારના જીવન દ્વારા તેમણે ફરી એવો જ ઉપદેશ આપ્યો કે જે તેઓ સ્વયં અનુભવી ચૂક્યા હતા.
શ્રીરામકૃષ્ણ પોતાની સાથે મહેન્દ્રનાથ ગુપ્ત, નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ0, રાખાલ (બ્રહ્માનંદ), શરત્ (શારદાનંત) અને બીજા ઘણા મહાન ભક્તોને લાવ્યા હતા કે, જેમણે ગુરુદેવની સાથે તેમના પોતાના અનુભવો નોંધ્યા છે અને તેઓશ્રી પાસેથી સાંભળેલાં વચનામૃતો પણ તેમણે નોંધ્યાં છે. આ બધાં લખાણોમાંથી આપણે આજે શ્રીરામકૃષ્ણને ઘણી રીતે જાણી શકીએ છીએ. જેમ જેમ દિવસો, વર્ષો અને યુગો પસાર થતાં જશે, તેમ તેમ તેમનું જીવન અને તેમનો સંદેશ વધારે ને વધારે પ્રકાશિત થતાં રહેશે. અને તેમના મહાન જીવનના પૂર્ણ મહત્ત્વને ધારણ કરતાં તો હજારો વર્ષ લાગી જશે. જિસસ, મહમ્મદ, બુદ્ધ, શ્રીકૃષ્ણ, શ્રીરામચન્દ્ર – આ બધા આજે પણ તેમના જીવન અને ઉપદેશો-સંદેશા દ્વારા જીવતા જાગતા જ છે. અને હજુ હજારો વર્ષ સુધી પણ તેઓ એવી જ રીતે જીવતા જ રહેશે. શ્રીરામકૃષ્ણનું જીવન અને તેમનો સંદેશ તો હજુ હમણાં જ માનવજાતમાં ફેલાઈ રહ્યાં છે. અને હજુ હજારો વર્ષો સુધી તે એમ ને એમ ફેલાતો જ રહેશે. તેમણે કહ્યું છે કે, મારું ચિત્ર ઘેર ઘેર પૂજાશે. આજે આપણે જોઈએ છીએ કે કેટકેટલી રીતે ઘરોમાં, ગામડામાં, કસ્બાઓમાં, શહેરોમાં અને જુદી જુદી જગ્યાએ શ્રીરામકૃષ્ણદેવનાં મંદિરો ઊભાં થઈ રહ્યાં છે! અને કેટલી બધી રીતે ભક્તો તેમના નામ પર ભેળા થાય છે! આવી બધી તો કેટલી કેટલી બાબતો બનશે? આ કોની પ્રેરણા છે? આ બધું તેમની પોતાની પ્રેરણાને લીધે જ છે. પૂજ્ય મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજીએ) વારંવાર કહ્યું છે કે, “આપણી પાસે બધા ભક્તોને લાવનાર તે ઠાકુર જ છે અને હું તે બધાને તેમને ચરણે જ સમર્પિત કરું છું. આ બધી તેમની જ લીલાઓ છે. આ બધી ઘટનાઓના સર્જનહાર, તે તે જ શ્રીરામકૃષ્ણદેવ જ છે.”
ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી
Your Content Goes Here



