શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી રહ્યા છે.

આજે વિશ્વમાં ધર્મોની વિવિધતાનું મોટું ધર્મસંકટ આવેલ છે. બે પ્રકારના ધર્મસમૂહો વિશ્વમાં કાર્યરત છે: એક સમૂહમાં છે, ખ્રિસ્તી, ઈસ્લામ અને બૌદ્ધ ધર્મ, જેઓ બધાનું ધર્મપરિવર્તન કરી તેઓને પોતાના ધર્મમાં લાવવા માગે છે, જ્યારે બીજા સમૂહમાં છે; યહૂદી, હિન્દુ અને પારસી વગેરે ધર્મો, જેઓ ધર્મપરિવર્તનમાં માનતા નથી પણ એમ માને છે કે, જે લોકો તેમના ધર્મમતવાળા પરિવારમાં જન્મ્યા છે, તેઓ જ મુક્ત થશે. આમ, બે પ્રકારનાં વિરોધી પરિબળો કાર્યરત છે. એક સમૂહવાળા બીજા બધાને પોતાનામાં સમાવી લેવા માગે છે. અન્ય સમૂહવાળા બીજા બધાને છોડી દેવા માગે છે. આથી ધર્મોની વિવિધતાની સમસ્યા અત્યંત મૂંઝવણભરી બની જાય છે. માત્ર સિદ્ધાંતોના પ્રતિપાદનથી કે ઉપદેશોથી આધુનિક યુગમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. વિચારકો અને વિદ્વાનો એમ માને છે કે, શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને તેમનો સંદેશ જ આ સમસ્યાનું સમાધાન કરી શકે એમ છે. શ્રીરામકૃષ્ણે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની સાધના કરી, તેમના ચરમ લક્ષ્યની સિદ્ધિ હાંસલ કરીને પછી ઘોષણા કરી હતી: “જેટલા મત તેટલા પથ.” તેમણ કહ્યું હતું કે, “બધા જ ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે, જો કે માર્ગ જુદા જુદા છે.”

ક્લોડ એલન સ્ટાક એમના પુસ્તક “The God of All”માં આ વિષય ઉપર સંશોધન કરતાં લખે છે કે, શ્રીરામકૃષ્ણનો સર્વ ધર્મો પ્રત્યેનો ઉદાર દૃષ્ટિકોણ જે ઈશ્વરના સાક્ષાત અનુભવ ઉપર આધારિત છે, ધર્મોની વિવિધતાની સમસ્યાના સમાધાન માટે એક વ્યાવહારિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે.(1)

શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમન્વયના ભાવનું વિશ્લેષણ કરતાં લેખકે કહ્યું છે, “આપણે એવું ન કહી શકીએ કે, શ્રીરામકૃષ્ણે વિભિન્ન ધર્મોની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભિન્ન ભિન્ન ધર્મોમાંથી કેટલાંક તત્ત્વોને લઈને એક નવા ધર્મની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે તો હિન્દુ ધર્મ તેમ જ અન્ય ધર્મોના વિભિન્ન પંથોને અનુસરીને સાધના કરી હતી અને દરેક પંથની સત્યતા અને મહાનતાને સમાનરૂપે સ્વીકારી હતી. આમ, તેઓ વિભિન્ન ધર્મોની સાધનાપ્રણાલીના સાચા ભાષ્યકાર હતા.”

શ્રીરામકૃષ્ણદેવની 150 મી જન્મજયંતી પ્રસંગે ‘અમેરિકા’ નામની પત્રિકામાં બોસ્ટન વિશ્વવિદ્યાલયના ધર્મશાસ્ત્રના પ્રોફેસર ફ્રેંસિસ ક્લૂની કહે છે, “વિશ્વમાં તમામ ધર્મોની એક પાર વગરની વિવિધતાને જોઈને આપણને શંકા થાય છે કે, આપણે ઈસા મસીહ પ્રત્યે વફાદાર રહીને પણ કેવી રીતે બિનખ્રિસ્તી પાસેથી શીખી શકીએ! શ્રીરામકૃષ્ણ બીજા ધર્મના અનુયાયીઓની સાથે રહીને ખ્રિસ્તી ધર્મને સાચવવાનો એક આધાર પ્રસ્તુત કરે છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે, આપણે ઈશુ તરફ જેટલી તીવ્ર ગતિથી યાત્રા કરીશું એટલું જ વધારે આપણે સમજી શકીશું કે ઈશુ ઇચ્છતા હતા કે, આપણે આપણા ધર્મોના ઘેરામાંથી બહાર નીકળીને એમને શોધીએ.”(2)

શ્રીરામકૃષ્ણે જેમ હિંદુ ધર્મની અંદરના વૈષ્ણવ અને શાક્ત તંત્રોની તથા શૈવ મત પ્રમાણેની ઉપાસનાઓ કરીને સર્વધર્મસમન્વય સાધ્યો, તે જ પ્રમાણે તેમણે હિંદુ ધર્મની બહારના ધર્મોની સાધના કરીને સર્વ-ધર્મ સમન્વય સાધ્યો. તેમણે ઈસ્લામ ધર્મની સાધના કરી. તે ‘અલ્લાહ’ નામનો જપ કરતા. પરિણામે તેમને મહંમદ પયગંબર સાહેબના ચિન્મય સ્વરૂપનાં દર્શન થયાં. મેરીપુત્ર જિસસનું ધ્યાન કરતાં કરતાં શ્રીરામકૃષ્ણને જિસસ ક્રાઈસ્ટનાં દર્શન થયાં. તે જ પ્રમાણે બૌદ્ધ, જૈન તથા શીખ સંપ્રદાયોનાં અંતિમ ધ્યેયનો પણ તેમણે સાક્ષાત્કાર કર્યો અને અંતે તેઓ એ નિર્ણય પર આવ્યા કે સર્વ ધર્મોનું ગંતવ્યસ્થાન એક જ છે; અને જેટલા મત તેટલા માર્ગ છે.

શ્રીરામકૃષ્ણે કહ્યું છે, “સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાક્તો પ પામે, વેદાન્તવાદીઓ પણ પામે, બ્રાહ્મસમાજીઓ પણ પામે, તેમ જ મુસલમાન, ખ્રિસ્તી તેઓ પણ પામે. અંતરથી હોય તો, સહુ પામે. કોઈ કોઈ ઝઘડા કરી બેસે, એમ કહીને કે અમારા શ્રીકૃષ્ણને ન ભજો તો કંઈ નહીં વળવાનું, અથવા અમારી મા કાલીને નહિ ભજો, તો કંઈ નહીં વળે. યા અમારા ખ્રિસ્તી ધર્મને નહીં સ્વીકારો તો તમે નરકે જશો. આવા બધા વિચારો એકપંથિયા વિચારો, એટલે કે અમારો ધર્મ જ બરાબર ને બીજા બધાનો ખોટો. એ વિચારો ખોટા. ઈશ્વરની પાસે જુદે જુદે માર્ગે થઈને પહોંચી શકાય.”(3)

“God of All” પુસ્તકમાં બોસ્ટન વિશ્વવિદ્યાલયના ધર્મશાસ્ત્રના પ્રોફેસર મુહમ્મદ દાઉદ રહબર પોતાના વિચારપૂર્ણ નિબંધમાં લખે છે. “સદીઓની ગુલામીની અવધિમાં હિન્દુઓના ધાર્મિક વિચારોને મુસલમાનો તથા ઈસાઈઓએ હીન દૃષ્ટિભાવથી જોયા છે. રાજનૈતિક સ્વતંત્રતા મેળવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે, અને હિન્દુઓના ધાર્મિક અનુભવના ઊંડાણ તથા હિન્દુઓના ધાર્મિક પ્રયત્નોની તીવ્રતાએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે… વિજ્ઞાન તથા બૌદ્ધિક્તાની સ્વાયતત્તામાં ઠીકઠીક વધારો થયો છે; હવે સમય આવી ચૂક્યો છે કે, આધ્યાત્મિક શક્તિઓનું પ્રાક્ટ્ય થાય. આંતરિક જ્ઞાન તથા વિવેકનો આજના બૌદ્ધિક જગતમાં અભાવ થઈ ગયો છે. ધર્મવિહોણા વૈજ્ઞાનિકોના મુખ ઉપર આજે તેજ કે ઉદારતા નથી રહી. શું સીધા અને સરળ શ્રીરામકૃષ્ણ પોતાની રીતે પૂર્ણ વૈજ્ઞાનિક નહોતા? એમના પવિત્ર જીવનમાં આપણે ધર્મ અને વિજ્ઞાનનો એક સમન્વય જોઈ શકીએ છીએ.”(4)

નરેન્દ્રનાથ દત્ત, જેઓ પછીથી સ્વામી વિવેકાનંદ બન્યા, શ્રીરામકૃષ્ણ પાસે એક કૉલેજના વિદ્યાર્થીના રૂપમાં ગયા. એમને પણ એમણે એ જ પ્રશ્ન કર્યો, જે પહેલાં પણ એમણે ઘણાઓને કરેલો, “શું તમે ઈશ્વરને જોયા છે?” શ્રીરામકૃષ્ણે તુરત જવાબ આપ્યો, “હા, હું ઈશ્વરને જોઉં છું અને એવી રીતે કે જેવી રીતે હું તને અહીં જોઉં છું. અરે, એથીએ વધુ સ્પષ્ટ. તું ઇચ્છે તો તને પણ દેખાડી શકું છું.” આને આપણે ધર્મની વૈજ્ઞાનિકતા કહી શકીએ. સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પાસે ગયા. પાશ્ચાત્ય વિચારો, સંસ્કૃતિતથા વૈજ્ઞાનિક સ્વભાવના પ્રતિનિધિરૂપે તથા પ્રાચ્ય સંસ્કૃતિના પ્રતિનિધિના રૂપમાં શ્રીરામકૃષ્ણે જવાબ આપેલો કે, ધર્મ એક અનુભૂતિ છે અને વિજ્ઞાનની જેમ જ એના ઉપર પ્રયોગ થઈ શકે છે. આ પ્રમાણે શ્રીરામકૃષ્ણે ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયો વચ્ચે સમન્વયની સ્થાપના તો કરી જ પણ સાથે સાથે વિજ્ઞાન અને ધર્મો વચ્ચે જે વિસંવાદિતા હતી એ પણ દૂર કરી.

એમના જીવનકાળ દરમ્યાન શ્રીરામકૃષ્ણે સાધનાના ભિન્ન ભિન્ન માર્ગોના રૂપમાં ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને રાજયોગ આ ચારેય યોગનો પણ સમન્વય સ્થાપિત કર્યો. સ્વામી વિવેકાનંદે લખ્યું છે, “આવું અનોખું વ્યક્તિત્વ-જ્ઞાન યોગ, ભક્તિ અને કર્મની ચરમ સીમાનો આવો સમન્વય અગાઉ કદાપિ માનવજાતિમાં જોવા મળ્યો નથી.”(5)

ધર્મના સંબંધમાં પરંપરાગત ધારણાઓ પ્રમાણે સાંસારિક અને વ્યાવહારિક કાર્યો જેવાં કે હૉસ્પિટલો, સ્કૂલોનું સંચાલન અને સમાજસેવાનાં કાર્યોની ઉપેક્ષા કરવામાં આવે છે. પણ શ્રીરામકૃષ્ણે આધ્યાત્મિક અને વ્યાવહારિક જીવન વચ્ચેની ખીણ પૂરી દીધી અને પોતાના મહાન સંદેશ “જીવની સેવા એ જ શિવની સેવા છે.” દેવારા એમણે આપણા દરરોજના વ્યાવહારિક જીવનના આધ્યાત્મીકરણનું રહસ્ય બતાવ્યું.

શ્રીરામકૃષ્ણે ગૃહસ્થ અને સંન્યાસ જીવનમાં પણ એક સમન્વય રજૂ કર્યો છે. એમણે પત્નીનો ત્યાગ ન કર્યો પણ સ્વીકાર કર્યો અને એ સ્વીકાર પણ ઘણો જ ઉચ્ચ શ્રેણીનો હતો: પરમ પવિત્ર અને નિર્મળ.

આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે, શ્રીરામકૃષ્ણ સમન્વયના મસીહા હતા. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય, ભિન્ન ભિન્ન ધર્મોની વચ્ચે સમન્વય, ચારેય યોગમાર્ગોનો સમન્વય, પૂર્વ તથા પશ્ચિમનો સમન્વય, વ્યાવહારિક તથા આધ્યાત્મિક જીવનનો સમન્વય, ગૃહસ્થ અને સંન્યાસ જીવનનો સમન્વય, વગેરે તેમણ સાધ્યા હતા. આ જ કારણ હતું કે રોમાં રોલાંએ એમને ભારતવર્ષની એકતાનું સંગીત કહેલું. શ્રી અરવિંદ ઘોષે પણ કહેલું, “શ્રીરામકૃષ્ણ પોતાના એક જ વ્યક્તિત્વમાં અનેકાનેક ધુરંધરોની સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે.”

માનવના ઇતિહાસની સંકટપૂર્ણ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ. પણ શ્રીરામકૃષ્ણ જે આધ્યાત્મિક તરંગો પ્રસરાવ્યા છે, એમાં એટલી શક્તિ છે કે, એ આપણને એક નવા યુગમાં પ્રવેશ અપાવી શકે. આપણે પ્રાચીન યુગનાં અંત અને નવીન યુગના આરંભના ઊંબરા ઉપર ઊભા છીએ, આ સંધિકાળ એક સંકટનો કાળ છે, પણ શ્રીરામકૃષ્ણનો સમન્વયકારી સંદેશો ધીરે ધીરે વિશ્વમાં ચારે તરફ ફેલાઈ રહ્યો છે. હજુ તો એમની મહાસમાધિને ફક્ત એકસો ત્રણ વર્ષ જ થયાં છે. આ થોડા સમયની અવધિમાં એ સમન્વયાચાર્યના પ્રદાનનું મૂલ્યાંકન કરવું ઘણું જ કપરું છે.

આપણે આશાવાદી બનીએ અને સ્વામી વિવેકાનંદનાં વચનોમાં શ્રદ્ધા રાખીએ: “તેમનાં (શ્રીરામકૃષ્ણના) જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરીય પ્રેમનો ભાગીદાર છે.

પુરુષ અને સ્ત્રી વચ્ચેનો, ગરીબ અને અમીર વચ્ચેનો, ભણેલ અને અભણ વચ્ચેનો, બ્રાહ્મણ અને ચાંડાલ વચ્ચેનો બધા ભેદભાવો નિર્મૂળ કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના અગ્રદૂત હતા.

હિંદુઓ અને મુસલમાનો તેમ જ હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે. આ સત્યયુગમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની ભરતીએ સૌને એક કરી દીધા છે.”(6)

સંદર્ભ સૂચિ:

(1)         ‘God Of All’ Claud Alan Stark claud Starc Inc 02670 cape cod Massaehusetts U.S.A.

(2)          “America” (29-3-86)

(3)          શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ (1) પૃ. સં. 158

(4)          “God of All” Claud Alan Stark

(5)          ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ 1929

(6)          સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ (11) પૃ. સં. 134-37

Total Views: 151
By Published On: February 1, 1990Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram