(ડિસેમ્બર ૮૯થી આગળ)
(શ્રીમત્ સ્વામી અખંડાનંદ મહારાજ (૧૮૬૪થી ૧૯૩૭) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ હતા (૧૯3૪-૧૯૩૭). તેમનું પૂર્વાશ્રમનું નામ ગંગાધર ઘટક હતું. સને ૧૮૮૩માં તેમનો શ્રીરામકૃષ્ણ સાથે મેળાપ થયો. ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ સુધી લગભગ ત્રણ વર્ષો માટે તેમને શ્રીરામકૃષ્ણદેવના પાવન સાંનિધ્યમાં રહેવાનો અને તેમની આધ્યાત્મિકતાનાં દર્શનનો લાભ તેમને મળ્યો હતો. ત્યાર પછી, ૧૮૮૭ના ફેબ્રુઆરી માસથી તેમણે પરિવ્રાજક સંન્યાસીનું જીવન અપનાવ્યું. આ સમયગાળામાં તેમણે હિમાલયને ઓળંગીને ઠેઠ તિબેટ સુધીનું પરિભ્રમણ ત્રણ વાર કર્યું. ત્યાર પછી કેટલાક મહિના આલમબજારના રામકૃષ્ણ મઠમાં ગાળીને વળી પાછા સને ૧૮૯૦ના જુલાઈ માસમાં સ્વામી વિવેકાનંદ સાથે તેઓ હિમાલયની યાત્રાએ ઊપડયા. ઘણાં ઘણાં સ્થળોએ આમ પરિભ્રમણ કર્યા પછી સ્વામી વિવેકાનંદની કોઈ સાથી વગર એકલા જ પરિભ્રમણ કરવાની ઇચ્છાને માન આપીને તેમને ત્યાર પછી સ્વામીજીનો સાથ છોડવો પડયો. પરંતુ, સ્વામી વિવેકાનંદ પ્રત્યે તેમનું એટલું તો ઉત્કટ આકર્ષણ હતું કે, આમ છતાંય ફરીથી તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં તેમની પાછળ પાછળ ગયા અને છેવટે કચ્છમાં આવેલા માંડવીમાં ફરીથી સ્વામીજીને મળીને જ રહ્યા ! સ્વામીજીએ તો એક્લા અટૂલા કોઈ સાથી વગર પરિભ્રમણ કરવાની પોતાની ઇચ્છા દર્શાવતાં તેમને સ્વામીજીને છોડવા જ પડયા. પછી પોતે એક્લા જ ગુજરાત અને રાજસ્થાનનાં વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરતા રહ્યા. આ પ્રદેશોમાં ભ્રમણ કરતાં કરતાં જ અખંડાનંદ મહારાજના દૃષ્ટિકોણમાં એક પરિવર્તન આવ્યું. એક પવિત્ર પરિવ્રાજકમાંથી તેઓ ધીરે ધીરે દીનદુ:ખીઓના કાજે એક ખંતીલા કર્મયોગી થઈ ગયા. જે ઈશ્વરને તેઓ ધ્યાનથી પામવા ઝંખતા હતા, તે જ ઈશ્વર તેમણે એ લોકોમાં નિહાળ્યો. ગુજરાતમાં તેમનામાં થયેલા આ પરિવર્તનની વાત તેમણે પોતે તેમના બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’ (ઉદ્ધોધન કાર્યાલય, કલકત્તા દ્વારા પ્રકાશિત)માં ખૂબ સુંદર રીતે આલેખી છે. આ પુસ્તકમાંથી તેમના ગુજરાતભ્રમણના અંશો અમે ધારાવાહિક રૂપે આપી રહ્યા છીએ. અહીં તેનો છેલ્લો અંશ આપવામાં આવે છે.)
ઝંડુ ભટ્ટજી: પહેલાં કહી ગયો તેમ હું જ્યારે પહેલવહેલો જામનગર આવ્યો ત્યારે ભટ્ટજી ત્યાં હતા નહિ. ચિકિત્સાને અર્થે બીજે ઠેકાણે ગયેલા. તેઓ પાછા આવ્યા ત્યારે ધન્વંતરી ધામે તેમને મળવાનું થયેલું સાંભળેલું કે, ભટ્ટજી અજોડ દાનવીર છે.
શેઠને ઘેર જ્યારે તેઓ મને જોવા આવેલા, એના થોડાક દિવસો અગાઉ વિદ્યાસાગર પરલોક સિધાવેલા અને એમનું જીવનચરિત્ર બહાર પડી ચૂકેલું એની એક નકલ મંગાવવાને માટે ભટ્ટજીએ આગ્રહ કરીને પૈસા આપેલા અને ચોપડી આપી ગયા પછી રોજ શેઠને ઘેર આવીને એમનું જીવનવૃત્તાંત સાંભળતા. જયારે વિદ્યાસાગરનું કોઈક પરોપકારનું કામ સાંભળતા ત્યારે તેઓ ડૂસકે ડૂસકે રડી ઊઠતા.
સ્વામીજી જ્યારે જૂનાગઢ હતા ત્યારે ભટ્ટજી સાથે તેમનો મેળાપ થયેલો. ત્યાં સ્વામીજીને મોઢેથી ‘દયાનિધે, તેરી ગતિ લખી ના પડે’ એ ભજન સાંભળીને ભટ્ટજી રડી પડેલા. સ્વામીજી કહેતા કે, ‘ઘણી જગ્યાએ ફર્યો છું, ઘણા દાતાઓ દીઠા છે પણ ઝંડુ ભટ્ટજી વિઠ્ઠલજી જેવો દયાળુ પુરુષ બીજે કયાંય જોયો નથી.’
ભટ્ટજીએ થોડેક વખત યોગસાધના કરેલી અને ત્યારે તેઓ ખૂબ જ નિયમસર ચાલતા. આહાર શૌચ વગેરે કશાયના સમયમાં જરા પણ ફેરફાર થતો નહિ. પણ વિદ્યાસાગરનું જીવનચરિત્ર સાંભળતાં સાંભળતાં એક દિવસ ભટ્ટજીને શૌચ જવાનો સમય વીતી ગયો. કહેણીમાં કહે છે ને કે, જોગી, જૈસા રોગી. એ એક દહાડાના શૌચનો સમય આઘોપાછો થવાથી એમની તબિયત બગડી ગઈ અને ઘણા દહાડા લગી એમને પીડા ભોગવવી પડી.
ભટ્ટજીને ઘેર આવીને જોયું કે, એમનું ઘર જાણે કે એક હૉસ્પિટલ. એક ખૂણે ખાંસી તો બીજી બાજુએ દમ અને ત્રીજી બાજુએ વળી તાવવાળા રોગીઓથી ઘર ભરેલું. એ બધાંનાં દવા-દારૂ પથ્યની ગોઠવણ થતી જ હોય.
ભટ્ટજી પરોઢિયે ચાર વાગે ઊઠીને પૂજાપાઠથી પરવારીને બહાર બેસતા. તે વખતે ટોળેટોળાં લોકો આવીને ચા પીતા અને ચિકિત્સાની ચિઠ્ઠીઓ લઈ જતા. ભટ્ટજી માત્ર ઔષધની વ્યવસ્થાની ચિઠ્ઠી જ નહોતા આપતા, પણ પૈસેટકે પહોંચતા કે ગરીબ સહુને એમની ડેલીમાં રહેલા દવાખાનામાંથી ૮૦ રૂપિયે તોલાનો મકરધ્વજ સુદ્ધાં મફત આપી દેતા.
આ પ્રમાણે નવ વાગી જતા. પછી જાતે ટમટમ હાંકીને વગર વિઝિટ ફીએ રોગીને જોવા નીકળતા. એક વાર ભટ્ટજી વઢવાણના ઠાકોર સાહેબના ક્ષયરોગની દવા કરવા ગયેલા. લોકજીભે સાંભળ્યું છે કે, જ્યારે ભટ્ટજી પાછા આવવા નીકળ્યા ત્યારે ઠાકોર સાહેબે સાત હજાર રૂપિયાની સાત કોથળીઓ ભટ્ટજીની સામે ધરી દીધી અને કહ્યું કે, “આપને મહેનતાણાનું કશું નથી આપતો. આપ કશું કરી ન શક્યા એનું મને દુ:ખ નથી. આ રોગ મટે નહિ. આપે મને જે બધાં ઔષધો આપ્યાં તેને માટે થોડુંઘણું આપું છું.”
ભટ્ટજી તો પોકે પોકે રડી પડ્યા અને બોલ્યા કે, અમારા શાસ્ત્રમાં કહે છે કે, રોગનું નિદાન બરાબર કરી શકાય તો રોગી મરે નહીં. હું આપના રોગનું નિદાન બરાબર કરી શક્યો નહિ. તેથી ચિકિત્સા કરીને કશું કરી ન શક્યો. આજે દેશમાં હિન્દુ રાજા હોત તો મને સજા થાત. આપ મને ભેટ આપો છો તે હું કેવી રીતે લઉં !” અને રડતાં રડતાં ભટ્ટજી પાછા ચાલ્યા આવ્યા. ત્યારે એમને માથે લગભગ લાખ રૂપિયાનું દેવું હતું. જામનગરના રાજા તમામ દેવાની ભરપાઈ કરી દેવા ઇચ્છતા હતા, પરંતુ ભટ્ટજીએ એમની મદદ ન લીધી.
વળી, બીજી એક વાર એક બીજી વાત સાંભળેલી. એક દિવસ ભટ્ટજીને ઘેર એક બ્રાહ્મણ ‘જય રઘુનાથજી’ કહીને મૂઠી ભિક્ષા માંગવાને આવેલો. આ ભિક્ષુક બ્રાહ્મણો પાસે દસમુખી ઝોળી હોય. એમાંથી એક ખાનામાં ચોખા, બીજામાં દાળ, ત્રીજામાં વળી લોટ એમ જુદી જુદી ચીજોથી ઝોળીનાં દસ ખાનાં ભરાય.
ભટ્ટજીના ઘરના ચોકમાં એઠાં વાસણોનો ઢગલો પડેલો હતો. બ્રાહ્મણે જોયું કે, ત્યાં કોઈ કરતાં કોઈ માણસ હતું નહિ. ચૂપચાપ એક એઠી વાડકી લઈને થેલીના એક ખાનામાં સરકાવી દીધી. બ્રાહ્મણ તરોતરત ચાલ્યો જતો હતો, પણ મેડીએથી ભટ્ટજીએ બધું જોયેલું. તરત જ એને ઉપર બોલાવીને કહ્યું. “મહારાજ, તમારી ઝોળી અહીં મૂકો અને આ ગાદી પર બેસો.” બ્રાહ્મણ તો બીકથી સજજડ થઈને બેઠો. ભટ્ટજીએ એક ચાકરને કહ્યું કે, “એક નવી થાળી અને નવી વાડકીમાં સીધું પૂરીને લઈ આવો અને સાથે એક નવો લોટો પ્યાલો પણ લાવો.” ચાકર તરત જ કહ્યા મુજબ બધું લઈ આવ્યો.
બ્રાહ્મણે મનમાં વિચાર્યું, ‘હાશ, ભટ્ટજીની નજરે કશુંય નથી પડયું, બચી ગયો !’ ઝોળીનાં ખાનાંમાં સીધાની સામગ્રી ભરી લેવાને માટે જલદી જલદી ઝોળી લાવવાને ઊભો થાય છે એટલામાં ભટ્ટજી બોલ્યા કે, ઝોળી ન લાવશો, આ બધાં વાસણ તમારે માટે જ છે. મહારાજ, જરૂર આપને ઠામવાસણનો તોટો છે, નહિ તો તમે એઠી વાડકી શું કરવા લો! વાંક અમારો છે કે, અમે આપની જરૂરિયાતની કશી ખબર નથી રાખતા. આપ આ બધું લઈ જાઓ.’ બ્રાહ્મણ તો ત્યારે રડી પડયો અને ભટ્ટજીના પગ પકડી લઈને બોલ્યો, “આપ માણસ છો કે દેવ!” એ બ્રાહ્મણનું જીવન ત્યારથી બદલાઈ ગયું.
એક દિવસ ફરતાં ફરતાં ભટ્ટજીને ઘેર આવીને જોયું તો આખે શરીરે દાદરથી ભરેલો એક કદરૂપો બ્રાહ્મણ ભટ્ટજીની પથારીમાં સૂતેલો છે અને એક સ્ત્રી ત્યાં બેસીને એને શરીરે તેલ માલિશ કરી રહી છે. બાજુમાં ભટ્ટજી બેઠાબેઠા આયુર્વેદનાં પોથીનાં પાનાં ઉથલાવી રહેલા છે.
મેં કહ્યું. “આ શું, ભટ્ટજી?” એમણે કહ્યું, ‘‘આ માણસને કામોન્માદ છે. વૈદકશાસ્ત્રનું વિધાન છે કે, આવા રોગમાં સપડાયેલી વ્યક્તિને વૈદ્યની સંમુખે નરમ બિછાનામાં સુવડાવીને રમણીને હાથે તેલ માલિશ કરાવવું. એ પ્રમાણેની ગોઠવણ કરીને હવે ઔષધ શોધી રહ્યો છું.” મેં કહ્યું કે, “પણ તે આપના બિછાનામાં શું કરવા?” ભટ્ટજી બોલ્યા કે, “નરમ બિછાનાનો જોગ કરીને પાથરવા કરવામાં વિલંબ થાય, એટલે આવી ગોઠવણ કરી છે.”
ધીમેધીમે કરતાં એ ઉન્માદી માણસ ભટ્ટજીના કુટુંબનો એક જણ થઈ પડયો.
ભટ્ટજીની ઉપર કહ્યા પ્રમાણે અનિયમિતતાને કારણે જે તબિયત બગડેલી તે ઝટ દઈને સારી ન થવાથી તેઓ હવાફેર માટે મને લઈને ગામની બહાર આવેલા એક બંગલામાં રહેવા ગયા.
એક દિવસ બપોરે બંને જણા ખાઈ પરવારેલા અને હાથમોં ધોઈ રહ્યા હતા, એવામાં દૂર સીમમાંથી એક બાઈનો અવાજ સંભળાયો. મને તો કશું સમજાયું નહિ. પણ ભટ્ટજી સાંભળતાની સાથે પગમાં ચાખડીઓ ચડાવીને હાંફળાફાંફળા દોડયા. હું તો ઘરમાં બેસીને એમની રાહ જોવા લાગ્યો.
તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે એમનું મોઢું રાતુંચોળ થઈ ગયેલું અને શરીરથી દડદડ પસીનો ઝરી રહેલો. મેં પૂછ્યું, “શું થયું? ક્યાં ગયેલા?” ભટ્ટજીએ કહ્યું, “સીમમાં એક બાઈએ છાણ ભેગું કરેલું તે માથા પર ભાર ચડાવી દેવાને માટે એક વટેમાર્ગુને એણે વિનવણી કરી. પણ એણે એ વાત કાને ધરેલી નહિ.” ભટ્ટજી આઘેથી એ જોઈને એ બાઈને મુશ્કેલીમાં મુકાઈ ગયેલી દેખીને એનો ભાર ચડાવી દેવાને માટે ગયેલા. ત્યારે તેમની ઉંમર સાઠ અને સિત્તેરની વચમાં હશે.
સેવાવ્રતનું શિક્ષણ: વૃદ્ધ ભટ્ટજી એક શ્લોક બોલતા. શ્લોક તો અત્યારે યાદ નથી, પણ તેનું તાત્પર્ય એવું હતું કે, “એવું સ્વર્ગ કે વૈકુંઠ મારે નથી જોઈતું કે જયાં માણસોની સેવા કે ઉપકાર કરવાનો સુયોગ ન મળે.’’* એક વાર મારે મોઢેથી શ્લોક સાંભળીને સ્વામીજીની આંખોમાંથી આંસુ દડદડી પડેલાં.
મનુષ્યની સેવા કરવી અને મનુષ્યને પ્રેમ કરવો તે સૌથી શ્રેષ્ઠ, એ મારા દિલમાં ભટ્ટજીનું જીવન જોઈને વિશેષપણે કોતરાઈ ગયેલું. બીમારીને સમયે એ મહાપુરુષની સેવા કરીને મને ઘણો આનંદ થતો.
આ જ જામનગરમાં મેં ચરક, સુશ્રુત અને ઉપનિષદ્ તથા યજુર્વેદનો અભ્યાસ કરેલો.
ખંભાળિયામાં ભૂતિયા મકાનમાં: સાજા થઈને ભટ્ટજી ઘેર પાછા આવ્યા તે પછી ખંભાળિયા ગામેથી એક ભાટિયા શેઠ એમની પત્નીની ચિકિત્સા કરાવવા માટે એને લઈને જામનગર આવેલા. એમણે મને કહ્યું કે, “આપ એક વાર ખંભાળિયે પધારો, ત્યાં ઘણાય લખપતિઓ જન્મ્યા છે. અને કીર્તિ પામી ગયા છે.”
શેઠિયાની જોડે ત્યાં ગયો. પણ એમના મકાનમાં જગા ન હોવાથી એમણે મને એક મોટામસ સૂના ઘરમાં ઉતારો આપ્યો. ત્યાં રાત્રે એકલો સૂતો, ઉપરને મજલે જે ઓરડામાં હું રહેતો હતો. તેમાં પેસવાનું બારણું એટલે મેડીની ભોયે એક બાજુનું એક ચોરસ બાકોરું. એને બરાબર અડીને નીચે ઊતરવાની સીડી જોડેલી, એને બંધ કરવાનાં બે ગરગડીવાળાં પાટિયાં, એને ખેંચીને બંધ કરીએ એટલે દાદરાનું મોટું વસાઈ જઈને ઓરડાની ભોંય જડે સમથળ થઈ જાય. અંગ્રેજીમાં એને ટેપ ડોર કહે અને દેશી ભાષામાં ‘દાદરો’ કહે. ગુજરાત અને કાઠિયાવાડમાં ઘણુંખરું મોટાં મોટાં ઘરોમાં આવા જ દરવાજા હોય છે.
હું એક દિવસે નીચેનું મુખ્ય બારણું વાસીને ભોયે સૂતેલો, દાદરો ઉધાડો હતો. ઘરમાં માણસને પેસવાનો એકેય રસ્તો ખુલ્લો નહોતો. જરાક ઝોકું આવતાં હજી સહેજ જ આંખ મિચાયેલી એવામાં મેં જોયું તો એક કદરૂપો માણસ, જોડે બે ત્રણ ઘેટાં, મારી ચારે બાજુએ ફરી રહેલો અને મને ધક્કો મારવાના પ્રયત્નો કરી રહેલો, પણ અડકી નહોતો શકતો. બાજુમાં જ એક સળગતું લાકડું પડેલું. આંખો ખોલીને જોયું તો, એ કદરૂપો માણસ જરાક આધે બેઠેલો, પણ ઝાંખા ઝાંખા ઉજાસમાં એનો ચહેરો સ્પષ્ટ વરતાતો નહોતો. આંખો ખોલી પછી ઘેટાં કે સળગતું લાકડું કશું જોવામાં આવ્યું નહિ. બે-ત્રણ વાર “કૌન હૈ? કૌન હૈ?” કહેવા છતાં જવાબ ન મળ્યો એટલે એને પકડવા ઊઠયો, પણ તેવો જ તે કયાંક હવામાં ભળી ગયો.
તરત જ નીચે ઊતરીને એને ખૂણેખૂણે શોધો, પણ ક્યાંય જોવામાં ના આવ્યો અને વળી મુખ્ય દરવાજો તો બંધ જ હતો. જો કે માણસ હોય તો પછી ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો? એટલે વળી પાછો ઉપર આવીને પથારીમાં બેસીને મોટે મોટેથી ‘રામ રક્ષા સ્તવરાજ’નો પાઠ કરીને બોલ્યો કે, “બાપુ! તું જો ભૂત હો તો હું તારો મહેમાન છું. જે થોડાક દિવસ અહીં રહું, તે દરમ્યાન મહેમાન ગણીને કશું કરીશ નહિ.”
એને બીજે દહાડે સવારે બધાંને રાત્રે બનેલું તેની વાત કરી તો એમણે કહ્યું કે, “એ ઘરને લોકો ભૂતિયું ઘર કહે છે. તમે નજરે દીઠું છે ત્યારે હવે અમને શંકા નથી રહી, ચાલો, બીજે ઘેર તમને ઉતારો આપીએ.” એની મેં ના પાડી એટલે એક ડોસા મારી સાથે સૂવા માટે તૈયાર થયા. પણ એની પણ મેં હા ન ભણી એના પછી પણ બીજા પાંચ દહાડા એ મકાનમાં રહ્યો. પણ તે પછી ફરી વાર એકેય દિવસ કશું દેખાયું નહિ.”
જામનગરથી ભાવનગર, નડિયાદ, મુંબઈ: ભાટિયાઓની નામના જોઈને ફરી પાછો જામનગર આવ્યો. થોડાક દિવસ પછી ભટ્ટજીની સાથે વડોદરા રાજ્યના કુંડલા ગામે ગયો, ત્યાંથી ભટ્ટજી પાછા વતન ગયા અને હું ભાવનગર ગયો.
રસ્તામાં જૈનોના તીર્થ પાલિતાણાના શેત્રુજ્ય પહાડ ઉપરનું સુંદર જૈન સ્થાપત્ય નિહાળ્યું. ભાવનગર પહોંચ્યો ત્યારે સમાચાર મળ્યા કે, સ્વામીજી અમેરિકા ગયા છે. ત્યાં પંદરેક દિવસ રહીને મુંબઈ તરફ રવાના થયો. રસ્તામાં નડિયાદમાં જૂનાગઢમાં નવાબનો દીવાન હરિદાસભાઈ બિહારીદાસને ઘેર ભિક્ષુ કૃષ્ણાનંદજીની જોડે થોડાક દિવસ રહ્યો અને વૈદિક ચર્ચા કરી. હરિદાસભાઈ બિહારીદાસ સ્વામીજીના ખૂબ ભક્ત તથા મોટા જમીનદાર હતા. નડિયાદથી મુંબઈ ગયો.
ભાષાંતરકાર : શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ
Your Content Goes Here



