(શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.)

(ગતાંકથી આગળ)

ગિરિશ હતા નાટ્યકાર, મહાકવિ અને અભિનેતા. શ્રીરામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં ‘‘ચૈતન્યલીલા’’ જોવા ગયા એ પછી શરાબી ગિરિશ ભકતગિરિશ બની ગયા હતા. ભૈરવઅંશજાત સવાયો વિશ્વાસ, વિશ્વાસની પરાકાષ્ટા કહો; કહો કે મૂર્તિમંત વિશ્વાસ સમા ગિરિશને જો કે ‘‘પ્રણામ’’રૂપી અસ્ત્રથી શ્રીરામકૃષ્ણ પરાજિત કરેલા. સ્ટાર થિયેટરમાં શ્રીરામકૃષ્ણને મળ્યા તે પહેલાં પણ ગિરિશ ઘણી વાર શ્રીરામકૃષ્ણને મળેલા. પણ ઘનિષ્ઠતા બંધાઈ નહોતી. વળી, ગિરિશ પણ શ્રીરામકૃષ્ણથી સહેલાઈથી નહોતા પકડાયા. ઠાકુરની ઘણીધણી રીતે એમણે ચકાસણી કરેલી. ત્યાર પછી ઠાકુરને શ્રીચરણે પોતાને સોંપી શરણાગતિ સ્વીકારેલી. તેથી જ સ્વયં શ્રીરામકૃષ્ણ પોતે ગિરિશની જવાબદારી લીધી હતી અને ગિરિશે પણ મુખત્યારનામું (પોતાના અધિકારનું પ્રતિનિધિત્વ—Power of attorney) આપી ‘હું’ અને ‘મારું’ કહેવાનો અધિકાર ગુમાવ્યો હતો. એ પછી પોતાનાં સુખદુ:ખ કે હર્ષ-વિષાદ પામવાની પરવાનગી એમને રહી ન હતી. ડગલે ને પગલે દરેક શ્વાસોચ્છ્‌વાસે ઠાકુર પર જ જીવનનો ભાર મૂકી સહજ મુખત્યારનામાની કઠિન-કઠોર પરીક્ષા તેઓ જીવનની અંતિમ ક્ષણ સુધી આપતા રહ્યા.

ગિરિશના ઠાકુર શ્રીરામકૃષ્ણ અપૂર્વ ઠાકુરની લીલા ! કોઈ પણ કાર્ય માટે કદી પણ એમણે ગિરિશને મના નહોતી કરેલી. ઠાકુર કહેતા, ‘એ બધું જ છોડીને એની મેળે ઉપર ઊઠશે.’ તેથી ગિરિશે પણ એમને પરમ આશ્રયદાતા રૂપે માની લીધા હતા. ચિક્કાર દારૂ પીને નશામાં ચકચૂર બની એક દિવસ ગિરિશ ઘોડાગાડી કરી દક્ષિણેશ્વરે આવી પહોંચ્યા. દારૂની બાટલી ગાડીમાં જ પડી રહેલી. ઠાકુરે સેવક લાટુને મોકલી દારૂની બાટલી મંગાવી. ફરી એ જ રીતે દક્ષિણેશ્વરમાં દોસ્ત સાથે એમ જ નશામાં મત્ત બની ગિરિશ ઠાકુરના ખેંચાણે આવી પહોંચ્યા. ગિરિશનો સાદ સાંભળી ઠાકુર ઘરમાંથી બહાર આવ્યા. નશામાં બેહોશ ગિરિશનો હાથ પકડી હરિનામની ધૂન કરતા ઠાકુર નાચવા માંડયા. એ સ્નેહના સ્પર્શથી દ્રવીભૂત થયું ગિરિશનું મન. ગિરિશ પછીથી કહેતા, “એમણે મારા જેવાને સ્પર્શ કર્યો. મને ક્યારેય જિંદગીમાં બંધુ મળ્યો નહોતો! પણ તેઓ મારા પરમ બંધુ બન્યા હતા અને તેથી જ એમણે મારા દોષોને ગુણમાં પલટી નાખ્યા.’’ ગિરિશ ઇચ્છતા હતા કે ઠકુર એમને ત્યાં એમના દીકરા બની જન્મે. ઠકુરે હા ન પાડી તેથી ગુસ્સે થઈ ગિરિશે બેફામ બની જેવી જીભે ચડી તેવી અકથ્ય ગાળો ભાંડી. ઠાકુરે તેની સામે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. દક્ષિણેશ્વરમાં જ્યારે એ પ્રસંગ વિશે વાત નીકળી ત્યારે ભક્તપ્રવર રામચંદ્ર દત્ત કહે, ‘‘ગિરિશને વિષ જ મળ્યું છે અમૃત પામે ક્યાંથી?” તે જ પળે ઠાકુર ગાડી લઈ ગિરિશને મળવા ચાલી નીકળ્યા. જેવા ગિરિશ પાસે પહોંચ્યા કે તરત જ ગિરિશ બોલી ઊઠ્યા, “આ જ બરાબર. સમજી ગયો! તમે તે જ, તમે તે જ!” કાશીપુરમાં ઠાકુરની તબિયત ખૂબ ખરાબ. પથારીમાંથી ઊઠી પણ ન શકતા ત્યારે ગિરિશ આવ્યા તો ઠાકુર લાટુને કહે કે હુકકો ભરી દે. પછી તેમણે ફાગુની દુકાનેથી કચોરી મંગાવીને તેમને ખવડાવી. પોતે માંદા-માંદાય ઊઠયા અને તેમને કૂજામાંથી પાણી પીવા આપ્યું. શ્યામપુકુરમાં (દિવાળીના દિવસે ૧૮૮૫) કાલિપૂજાને દિવસે જયારે શ્રીરામકૃષ્ણના દેહમાં જગદંબાનો આવિર્ભાવ થયો ત્યારે પ્રથમ પુષ્પાંજલિ ગિરિશે અર્પેલી.કાશીપુરમાં ઠાકુર કલ્પતરુ બનેલા. તે દિવસે અગ્રણી ભૂમિકા ગિરિશે જ ભજવેલી. ઠાકુરના સવાલના જવાબમાં ગિરિશે કહેલું, “વ્યાસ-વાલ્મીકિ જેવા જેની સીમા જાણી શક્યા નહિ એમના વિશે આથી વધુ હું તો શું કહી શકું?” ગિરિશને તો એટલી હદ સુધી વિશ્વાસ હતો કે ઠાકુરની ગાંઠમાંથી લોહી નીકળે અને જો એ કીડા-કીડીઓ ખાય તોય એમનો ઉદ્ધાર થઈ જાય. ગિરિશે ઠાકુર શ્રીરામકૃષ્ણની સેવા માટે પોતાના ઘરની છેલ્લી ઈંટ પણ પોતે વેચી નાખશે એમ કહેવામાં પણ પાછી પાની નહોતી કરી. સ્વામી સારદાનંદજીએ યોગ્ય જ લખ્યું છે, ‘‘ઠાકુર તો અદ્‌ભુત! આપણે જેમને તુચ્છ, ઘૃણાસ્પદ કે અસ્પૃશ્ય કે જોવા માટે પણ અયોગ્ય નાલાયક વસ્તુ કે વ્યક્તિ કહીએ એ બધાને જોઈને પણ એમને ઈશ્વર ઉદ્દીપનાથી જયાં અને ત્યાં, જ્યારે અને ત્યારે ભાવસમાધિ થઈ જતી.’’

વાસ્તવમાં શ્રી રામકૃષ્ણ સહુના ઠાકુર હતા. જેમ કે કામારપુકુરમાં શંભુ કુંભાર, મધુ જૂગી, ચંડ ઓઝા (ભૂવો), વગેરે ઠાકુરના સંસર્ગમાં આવી એમના પ્રેમબંધનમાં બંધાયેલા, તેમ જ દક્ષિણેશ્વરના ભર્તાભારી માળી, રસોયો ઈશ્વર ચાટુજજે, કાશીપુરનો રસોયો ગાંગુલી, મીઠાઈવાળો ફાગુ, ગાડીવાળો વેણી સાહા, વગેરે શ્રીરામકૃષ્ણની કૃપા પામ્યા હતા. એ જ રીતે, તેલોભેલો વગડાના ડાકુ, બાગદી દંપતી કે જેમણે શ્રીમાની અંદર મા કાલીનાં દર્શન કરેલાં તેમનાં ચરિત્રો ઠાકુરનો સંસર્ગ પામીને સુધરી ગયાં હતાં. વળી, વારાંગના લક્ષ્મીબાઈ અને રમણીએ શ્રીરામકૃષ્ણને સાક્ષાત્ ઈશ્વરને જાણનાર પુરુષરૂપે જોયા હતા. એ રીતે શ્રીરામકૃષ્ણ ખ્રિસ્તી સાધુ, પ્રભુદયાલ મિશ્ર, રેવરેન્ડ જોસેફ કૂક, મિસ પિગટ, વગેરેના પણ ઠાકુર બનેલા.

અભણ શાસ્ત્રહીન ચીનુ શાંખારીથી માંડીને સમકાલીન આચાર નિયમ પાલન કરનાર વિધવા બ્રાહ્મણી ‘ગોપાલની મા’, પ્રતાપશાળી ભોગપરાયણ તીક્ષ્ણબુદ્ધિ મથુરમોહન, અઠંગ શરાબી અને વિલાસી નટ ગિરિશ તથા ત્યાગી વિવેકનંદ, બ્રહ્માનંદ, શિવાનંદ અને જગતજનની મા શારદાદેવી સકળના ઠાકુર હતા શ્રીરામકૃષ્ણ.

શ્રીરામકૃષ્ણ સહુના ઠાકુર થયા હતા તે માટે એમણે બહુતંત્ર, અનેક મંત્ર વડે કેટકેટલી સાધના કરેલી! કેટલી મૂર્તિઓમાં એમને ઈશ્વર દર્શન થયેલાં. ક્યારેક તેઓ નીરખતા કે સીતાની ઉજજવળ તેજસ્વી મૂર્તિ આવી પોતાના અંગમાં સમાઈ ગઈ. કયારેક વળી જરાક ચપટા નાકવાળા ઈશુ ખ્રિસ્ત સામે પ્રકટ, અને પોતાનામાં લીન થઈ ગયા. વળી, તીર્થયાત્રાએ નીકળેલા ત્યારે તેમણે જોયું કે પોતાનામાંથી બે તેજસ્વી દેવશિશુ—ગૌર-નિતાઈ બહાર નીકળ્યા. રમત ગમત કરી પોતાનામાં જ સમાઈ ગયા. તેમણે શ્રીરાધાનાં પણ દર્શન કર્યા હતાં. તે પણ તેમના અંગમાં જ અંતર્ધાન થયેલાં. આ રીતે જીવનભર મનુષ્યોના ઠાકુર જાતજાતના નામે શ્રીરામકૃષ્ણને દર્શન દઈ એમનામાં લીન થઈ ગયેલા. બધા જ ભગવાન-ઠાકુરનું મિલન ઠાકુર શ્રીરામકૃષ્ણમાં થયેલું. તેથી તો પાછળથી તેઓ સહુના ઠાકુર બનેલા. સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ.

શ્રીરામકૃષ્ણે, તેમના સાધન પથ દરમિયાન દરેક ધર્મમતને અનુસરી તે પંથે તપશ્ચર્યા કરી સત્યની ઉપલબ્ધિ કરી હતી. તેઓએ સર્વ મતને ભેળા કરી-સમન્વય કરો એક નવો મત ઊભો કર્યો નહોતો. દરેક માર્ગ બદલીને કે બંધ કરીને કોઈ નવતર માર્ગ સજર્યો ન હતો. દરેક મતની (પથની) વિશિષ્ટતાને શ્રીરામકૃષ્ણે સ્વીકૃતિ આપી હતી. પણ તેઓ એટલું જરૂર કહેતા કે સૌ પ્રથમ એક મતને ગ્રહણ કરવાનો, સ્વીકારવાનો. એ પછી એ પથ પર નિષ્ઠા મૂકી આગળ વધવું જોઈએ, તો જ ઈષ્ટ લાભ થાય. શ્રીરામકૃષ્ણે દરેક મતની સાધના કરી, દરેક માર્ગ પર ચાલી, તે તે ઈષ્ટદેવના (ખાસ) વિશેષ રૂપની ઉપલબ્ધિ કરી. બધા જ મત અને બધા જ પથની સાધનાને અંતે તેમણે નિર્વિશેષ નિત્ય સત્યની સત્તા અનુભવી હતી. શ્રીરામકૃષ્ણે સર્વધર્મનો સમન્વય કરી, વિભિન્ન ધર્મમત અને વિભિન્ન વિવિધ પથની વિચિત્રતાનું એકીકરણ કે નવીનીકરણ નથી કર્યું. શ્રીરામકૃષ્ણ-ધર્મ એટલે સકળ ધર્મના આધારરૂપ, વર્તમાનયુગમાં સકળ ધર્મની સભ્યતાનું પ્રમાણ સ્થળ. પણ રામકૃષ્ણધર્મ કોઈ ખાસ એક ધર્મમાં આબદ્ધ કે સીમિત નથી. શ્રીરામકૃષ્ણ-ધર્મ સર્વવ્યાપી, સર્વગ્રાસી, એક જ માત્ર એક જ અને અનન્ય છે.

તેથી જો કોઈ પોતાને ગમે તે સંપ્રદાયમાં માની પોતાના પંથે ચાલી પોતાના ઠાકુરને જો પામે તો તે અસલમાં સાધક શ્રીરામકૃષ્ણને જ પામે છે. ખાસ કરીને શ્રીરામકૃષ્ણ ખાસ પથ અને મત પ્રમાણે વિભિન્ન સાધકના ઠાકુર બની દર્શન દે તેથી સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ.

ક્ષુદીરામને (ખુદીરામને) અને તેમનાં પત્નીને દીકરા ગદાધરના જન્મ પહેલાં પણ કેટકેટલા અનુભવો અને કેટકેટલી ઉપલબ્ધિ થયેલી! ગયામાં ક્ષુદીરામે જાણે જાગૃત અવસ્થાથી વધુ સત્ય એવું સ્વપ્નમાં જોયું કે નારાયણ સ્વયં ક્ષુદીરામના સંતાનરૂપે ચંદ્રમણિની ગોદ ઉજજવળ કરી માટીની પૃથ્વી પર પધાર્યા હતા.

ચંદ્રમણિને દર્શન થયાં કે જુગીઓનાં શિવમંદિરમાંથી જયોતિરંગે નીસરી એમને ભીંજવી નાખ્યાં. હરહંમેશ ચંદ્રમણિને કેટકેટલાં દેવદર્શન થતાં અને તે બધાં જ પોતાની અંદર સમાઈ જતાં. એક ઠાકુર કેટકેટલા ઠાકુરની મૂર્તિઓ રૂપે દર્શન દઈ એમની અંદર સમાઈ જતા, છૂપાઈ જતા! એમના ચહેરા પર હતી અપૂર્વ પ્રસન્નતા. ચંદ્રમણિના ચહેરા પર હતી દેવકાંતિ. સહુના ઠાકુરે ગદાઈનું રૂપ ધારણ કરી જન્મ લીધો આપણા  યુગમાં એટલે જ તો સહુના ઠાકુર છે શ્રીરામકૃષ્ણ.

શ્રીરામકૃષ્ણ સાથે કેટકેટલા માણસોનો પરિચય થયો હતો એનો કોઈ હિસાબ નથી. નિર્મલકુમાર રાયે પોતાના પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ સંસ્પર્શે’માં એ રીતે લગભગ છસ્સો વ્યક્તિઓનો પરિચય આપ્યો છે. ‘કથામૃત’, ‘લીલાપ્રસંગ’, ‘પૂંથી’ વગેરે પ્રામાણિક પુસ્તકોમાં આ બધી વ્યક્તિઓનાં નામો જોવા મળે છે. એ બધાંમાં અંતરંગ-નિકટના પાર્ષદો સિવાય એક તરફ તે સમયની લગભગ બધી જ વિખ્યાત વ્યક્તિઓ, રાજાઓ, ઠાકુરના આત્મીય સુપરિચિત ભક્તો, શ્રીશ્રીમાના આત્મીયો અને ભકતો, ધાર્મિક સાધકો, આચાર્યો, પંડિતો, શિક્ષકો, અધ્યાપકો, ખબરપત્રીઓ (સાંવાદિકો), ચિત્રકારો, ગવૈયાઓ, વાદકો, દાકતરો, વૈદ્યો, વકીલો, મુખત્યારો (એટર્ની), એંજિનિયરો, જમીનદારો, વ્યવસાયી ધંધાદારી, વ્યાપારી, મહેતર, માળી, નોકર, ચાકર, દાસ-દાસી, રસોયા. દારૂડિયા, ગુંડા, ગાનારી, નાચનારીઓ, દાયણો, ચાકરડીઓ, વેશ્યાઓ, નટનટીઓ, નીચ હલકી જાતની સ્ત્રીઓ, આ બધી અસંખ્ય વ્યક્તિઓ જેમનો ઠાકુર રામકૃષ્ણ સાથે પરિચય થયેલો તેવી બધી અસંખ્ય વ્યક્તિઓમાંથી મેં કેવળ થોડી વ્યક્તિઓની જ વાત લખી છે.

વળી, શ્રીરામકૃષ્ણ ઘણા ભક્તોને ઘેર પણ ગયેલા. કેટલાક આદરસત્કાર સાથે તેમને લઈ ગયા તો કયારેક પોતે જ સામે ચાલીને અકાતર અકારણ કૃપા વિતરણ કરવા ગયેલા. ઘણા ભક્તો સાધકો, પંડિતો પાસે પોતે જ જઈને ઠાકુરે ઓળખાણ પિછાણ કરી વાતચીત કરી છે. કોઈ વળી એમની પાસે પણ સામે ચાલીને આવ્યા હતા. ભક્તોના ઘર સિવાય પણ ઠાકુર આદિ બ્રાહ્મસમાજ, સાધારણ બ્રાહ્મસમાજ અને નવવિધાન બ્રાહ્મસમાજમાં દોડી ગયેલા. ધર્મતલાના મેથોડિસ્ટ ચર્ચમાં, આર્મહર્સ્ટ સ્ટ્રીટના લોંગસાહેબના ગિરજાઘરમાં, મછુઆ બજારમાં ગેંડાતલાની મસ્જિદમાં, દક્ષિણેશ્વરના મુલ્લાપાડાની મસ્જિદમાં, બડાબજારના જૈન મંદિરમાં, ચૈતન્યસભામાં, હરિસભામાં, વિભિન્ન મંદિરોમાં, વૈષ્ણવોના અખાડામાં, નવરસિક સંપ્રદાયના અખાડામાં પણ ગયેલા. ગામની સાર્વજનિક પૂજામાં, ફોટો સ્ટુડિયોમાં, થિયેટરમાં, પ્રાણીબાગમાં, શહેરના કિલ્લાના મેદાનમાં, ફોર્ટ વિલિયમ મ્યુઝિયમમાંયે ગયા છે. જમીનદારોના બંગલે, એશિયાટિક સોસાયટીમાં પણ ગયેલા છે, સકળ સ્થાનોના સકળ ધર્મના, સકળ સંપ્રદાયના સકળ લોકોના ઠાકુર હતા શ્રીરામકૃષ્ણ.

‘‘તમે તો કંઈ કેવળ મારા ઠાકુર નથી. તમે તો સહુના છો.’’ તે દિવસે જ્યારે શ્રીશ્રીમાએ આ વાક્ય ઉચ્ચારેલું ત્યારે તેનો અર્થ કોણ સમજેલું? પણ આજે એ વાક્યનો પ્રકાશ ધીમે ધીમે વધુ ને વધુ પ્રકાશમાન થતો જાય છે. જીવંત જાગૃત શ્રીરામકૃષ્ણ પોતાની દિવ્ય શક્તિથી સર્વત્ર ઉચ્ચ અને શુદ્ધ મનબુદ્ધિમાં આજ દીપ્તિમાન છે. શ્રીરામકૃષ્ણ અધ્યાત્મના દ્રૂતપૂરથી આજ સમગ્ર વિશ્વ પ્લાવિત, તરબોળ છે. આ સ્નિગ્ધ સલિલના આનંદપ્રવાહમાં જો પૃથ્વીના મનુષ્યો અવગાહન કરી શકશે તો ધન્ય બનશે.

ભાષાંતરકાર : ડૉ. સુકન્યા ઝવેરી, મુંબઈ

Total Views: 176
By Published On: April 1, 1990Categories: Atmasthananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram