ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના એક શિષ્યને આ પ્રમાણે સમજાવવા લાગ્યા: ‘હું તારી સામે બેઠો છું. હવે હું જો મારા મોંની સામે એક કપડું આડું કરી લઉં તો તું મને જોઈ નહીં શકે. હું દેખાઉં નહીં પણ રહીશ તો પહેલાંની જેમ તારી સામે જ. પરમેશ્વર આપણી સૌની બહુ જ સમીપ છે. આમ છતાં અહંકારરૂપી પડદાની આડને લીધે આપણે તેને જોઈ શકતા નથી. આંખની સામેનો મોટો પર્વત સુધ્ધાં કપડાના એક નાના ટુકડાથી દેખાતો બંધ થઈ જાય છે. અહંકાર તથા ગર્વને આપણે જયાં સુધી દૂર ન કરીએ ત્યાં સુધી પરમેશ્વરનો સાક્ષાત્કાર નહીં થઈ શકે. ‘અહં’ને દૂર કરો તો ઈશ્વરનું દર્શન સાફ સાફ થઈ જાય.’
બધાં કામો ઈશ્વર જ કરે છે. દુનિયામાં જે ઘટનાઓ બને છે તે બધી એ જ નટરાજની લીલા છે. જે માણસ આ સમજી લે છે તે જ્ઞાની છે અને જીવનમુક્ત થઈ જાય છે, એટલે કે, શરીર ન છોડવા છતાં બંધનોમાંથી છૂટી જાય છે. જ્ઞાની પુરૂષને શોક કે ભયનો અનુભવ નથી થતો.
ધ્યાનમાં લીન થઈ ગયેલો ભક્ત વારંવાર કહે છે: ‘હે પ્રભુ, કર્તા, કારણ, જે કંઈ હોય તે બધું તું જ હું તો નિમિત્તમાત્ર છું. બધી વસ્તુઓમાં તારો જ મહિમા છે. મારાથી જો કોઈ સારું કામ થઈ જાય તો તેનો યશ તને જ છે. આ ઘર, આ કુટુંબ, બધું તારું જ છે. હું તારો સેવક છું. તારી સેવામાં જ આનંદ છે.’
આ વાતો વારંવાર યાદ કરીને જો આપણે ભક્તિમય જીવન ગુજારીએ તો અહંકારનો પડદો દૂર થશે અને સામેનું દિવ્ય દૃશ્ય સાફ સાફ દેખાશે.
***
‘હું’ બે પ્રકારના હોય છે. એકમાં ભક્તિની પરિપક્વતા હોય છે. ‘હું ઈશ્વરનો સેવક છું. કોઈ પણ વસ્તુ મારી પોતાની નથી. બધું તેનું જ છે. એની સેવામાં જ મારો આનંદ છે’ – આવા પ્રકારના વિચાર ભક્ત કરે છે. તેનું જીવન પણ એવું જ બની જાય છે. અને તેનો ‘અહં’ પરિપક્વ હોવાને લીધે પાકેલા ફળની જેમ આપોઆપ ગળી પડે છે. એવા ભક્ત જીવતાં-જીવતાં જ મોક્ષ પ્રાપ્ત કરે છે.
બીજા પ્રકારનો ‘અહં’ પણ હોય છે. જેમ કે, ‘મારું’ ઘર, ‘મારાં’ છોકરાં, ‘મારું’ શરીર વગેરે. આ અહંકાર કાચા ફળની જેમ ચોંટી રહે છે. એ ઈશ્વર અને આપણી વચ્ચે એક મોટો પડદો છે. એ દૂર કરવાથી જ આપણે ભગવાનને જોઈ શકીએ છીએ. એને દૂર કરવો એ રમત વાત નથી. ભણતર કે ફિલસૂફીનું જ્ઞાન એને માટે પૂરતું નથી. એ અહંકારને તો આપણે ભક્તિથી જ દૂર કરી શકીએ. ભક્તોનો ‘હું’ બાળકોના અહંકારની જેમ નિર્દોષ હોય છે. તેના ‘અહં’માં સેવકનો ભાવ હોય છે. એ ભગવાનની પાસે પહોંચવામાં મદદ કરે છે. એટલા માટે ભક્તિમાર્ગ જ સર્વોત્તમ છે.
***
એક ડિગ્રીવાળા દાક્તર એક બીમાર બાળકને જોવા ગયા અને બાળકની માને કહેવા લાગ્યા: ‘તમે જરા પણ ચિંતા કરશો નહીં. બાળકને સારો કરવાની જવાબદારી મારી છે.’
શ્રીરામકૃષ્ણ કહે છે કે વૈદ-દાક્તરોની આવી વાતો સાંભળીને ઈશ્વર હસે છે. કોઈને પણ બચાવવો ન બચાવવો એ તેના હાથમાં છે. એમાં દાક્તર કે વૈદ શું કરી શકવાનો હતો?
બે ભાઈઓ પોતાના વડવાઓની જમીન આપસમાં વહેંચી લઈને જુદા થઈ જવાનું નક્કી કરે છે અને દોરડાથી જમીન માપીને એકબીજાને કહે છે: ‘‘જો, અહીં સુધીની જમીન મારી છે, બાકીની તારા ભાગની છે.’ શ્રીરામકૃષ્ણ કહે છે, જે માણસ હરેક રીતે પરાધીન છે તે આવી વાત કરે છે તો, એ સાંભળીને પરમેશ્વર તેની મૂર્ખતા પર હસ્યા વિના કેવી રીતે રહી શકે?
***
વરસો પહેલાં યુરોપમાં એક જુવાન સંન્યાસી સંન્યાસીઓના મઠમાં રહેવા ગયો. ત્યાં તેનું કામ બીજા સંન્યાસીઓને માટે ખાવાનું બનાવવું, કપડાં ધોવાં, વાસણ માંજવાં વગેરે હતું. સેવાનાં બધાં કામો તે ઘણા જ ઉમંગથી કરતો હતો. પોતે પરમાત્માને માટે જ કરી રહ્યો છે એમ સમજીને તે એ બધું કરતો હતો. તે પોતાની નજીક સદા ઈશ્વરના અસ્તિત્ત્વનો અનુભવ કરતો હતો. જાણે પરમાત્મા તેની સાથે કામ કરે છે, રમે છે, સૂએ ઊઠે છે એમ તેને લાગતું હતું. તે સંન્યાસી પ્રાર્થના યા જપ માટે જુદો સમય રાખતો નહોતો, તેની ભક્તિપરાયણતા જોઈને બીજા સંન્યાસીઓ તાજુબ થતા હતા. એ સાધુપુરુષનું નામ બંધુ લૉરેન્સ હતું. એનું જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ ત્યારે ગોપીઓની કથાઓ અને રામકૃષ્ણ ચરિત યાદ આવે છે. હરેક જમાનામાં અને હરેક દેશમાં કોઈ કોઈ મહાત્માઓ પેદા થાય છે જેઓ જીવતાં જીવતાં જ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે, પરમાત્માના સાન્નિધ્યનો અનુભવ કરે છે.
Your Content Goes Here



