હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ છે અથવા નિ:સ્વાર્થી અને સેવાભાવી થયા છીએ ત્યારે બધાં સાંસારિક કર્મો છોડી દેવાનું અને સંપૂર્ણપણે ધર્મ જીવન ગાળવાનું શક્ય છે.
રે, રે, તે એટલી બધી મુશ્કેલ જિંદગી છે કે, આટલી સહેલાઈથી પ્રાપ્ત થાય નહીં. મોટાભાગના કિસ્સાઓમાં ગંભીર ધર્મસાધના સાંસારિક જીવનની સાથોસાથ શરૂ કરવી ઘટે છે. એટલે કે, આપણે એકદમ, એકાએક બાહ્ય સાંસારિક પ્રવૃત્તિઓને છોડી દેવી ન જોઈએ. જલદીથી અને સંપૂર્ણપણે ધર્મજીવનને આલિંગવા મન હઠાગ્રહપૂર્વક ઈન્કાર કરશે. એટલા માટે મનને ક્રમશ: તેની સ્વભાવગત સ્થિતિમાંથી દૂર ખસેડવું જરૂરી છે.
ધાર્મિક જીવનના ઉંબરે આવી પહોંચતા આપણે બે મુદૃાઓ વિષે અત્યંત સાવધાન રહેવું જોઈએ: (૧) આપણી ધર્મસાધના માટેની ઇચ્છા ખરેખર સાચી છે કે માત્ર ‘ખોટી ભૂખ છે,’ અને (૨) ધર્મસાધના એકવાર શરૂ કર્યા પછી એક સરખા અને અડગ ઉત્સાહ સાથે અંત સુધી તે ચાલુ રાખી શકીશું કે કેમ?
ધર્મસાધના માટેની ઇચ્છાને સગવડતા ખાતર વૈરાગ્ય (સાંસારિક પદાર્થો અને વ્યક્તિઓમાં અનાસક્તિ) કહી શકાય. વૈરાગ્ય વિના ધર્મસાધના ન બની શકે. વૈરાગ્ય શું છે? તે સાંસારિક આળપંપાળ, ચિંતાઓ અને સાંસારિક આનંદોમાંથી અનાસક્તિ અને આધ્યાત્મિક જીવન માટેની ઇચ્છા છે. માત્ર સાંસારિક પદાર્થો માટે આપણા મને ઇચ્છા ન કરવી જોઈએ. એટલું જ નહીં પરંતુ તેને તે બધા માટે સહજ, સ્વભાવગત અણગમો થઈ જવો જોઈએ અને સાથોસાથ ઈશ્વરપ્રાપ્તિ માટેની ઝંખના હોવી જોઈએ. અલબત્ત, શરૂઆતમાં આ ઝંખના તદ્ન સુસ્પષ્ટ ન હોય અને તે ઝંખનાનો હેતુ તદ્ન નિશ્ચિત ન હોય. પરંતુ અસંતોષની અને વ્યાકુળતાની લાગણી અવશ્ય હોવી જોઈએ. વિદ્યમાન સ્થિતિ પ્રતિકૂળ અને બેસ્વાદ પ્રતીત થવી જોઈએ.
આ લક્ષણ છે. આ ધૂન એકાએક આવે અથવા અજાણતાં આપણને ખબર પણ ન પડે તે રીતે આવે. જેઓ પ્રતિદિન પ્રાર્થના અને પૂજાવિધિના પાલનમાં નિયમિત અને નિષ્ઠાવાન હોય તેમાંના કેટલાક ધીમે-ધીમે વધુ સૂક્ષ્મ ધર્મજીવનના પ્રદેશોમાં વધુ ઉચ્ચ ચૈતન્ય અને આનંદથી સંયુક્ત એવી આધ્યાત્મિકતામાં પ્રવેશે છે અને દૂરદૂરથી આધ્યાત્મિક આનંદની ઝાંખી થવાથી મન તે વધુ ઉચ્ચ અવસ્થાઓ પ્રાપ્ત કરવા માટે તીવ્ર વ્યાકુળતા અનુભવે છે. તે પ્રાપ્ત કરવા માટેની તેમની ઇચ્છા ક્રમશ: અને સ્થિરતાપૂર્વક વિકસે છે. પરંતુ ઉચ્ચતર ભાવની અનુભૂતિ અચાનક કે એકાએક આવી પણ જાય.
અહીં આપણે અત્યંત સાવધાન રહેવું પડશે. ધર્મ માટેની આવી શીઘ્ર ઇચ્છા કેવળ સ્વજનના મૃત્યુથી, કોઈ નિરાશાથી કે રોગથી ઉદ્ભવતી હોય તો તે કેવળ લધુજીવી હોય છે. એમ હોય કે કોઈ પ્રિય સ્વજન મરી ગયું હોય, મનમાં તેનો અતિ ઉગ્ર પ્રત્યાઘાત પડે અને તેને લઈને મનને આ સંસાર અસાર હોય તેવું ભાસે. ઘણીવાર એવું બને છે કે આવા સંયોગોમાં લોકો ધર્મસાધના તરફ વળે છે અને કેટલીકવાર ગેરુઆ વસ્ત્રો ધારણ કરી પરિવ્રાજક સંન્યાસી બને છે. એવું નથી કે આવાં પગલાં સંપૂર્ણપણે ખોટાં હોય. કેટલીકવાર એવું બને છે કે કોઈ લાગણીપૂર્ણ આઘાત આપણા બંધનને છિન્નભિન્ન કરી નાંખે છે, ગ્રંથિને ભેદી નાખે છે અને આપણું કાયમનું આધ્યાત્મિક કલ્યાણ કરે છે, પરંતુ ઘણુંખરું આપણે માત્ર ક્ષણિક લાગણીને આધીન બની જઈએ છીએ.
આવી ધર્મસાધના અને વૈરાગ્ય કેવળ દંભ બની રહેશે અને થોડો સમય ભટક્યા પછી આપણે ઘેર પણ પાછા ફરીશું અને બેવડા જોમથી સ્થૂળ શરીરના વિષયાનંદોને શરણે આપણી જાતને ધરી દઈશું. તે પછી તે માત્ર સમય અને શક્તિનો નકામો વ્યય છે. અસામાન્ય પરિસ્થિતિના ભીષણ દબાણની નીચે આવી જઈને આપણે કોઈ વગર વિચાર્યું નિર્ણયાત્મક પગલું ભરવું જોઈએ નહીં. જૂના (પરંપરાગત) જીવનના સાંસારિક વ્યવહારોને આપણે વળગી રહેવું જોઈએ. એનો અર્થ એમ નથી કે જે ધર્મસાધના માટેની વ્યાકુળતા આપણે તે સમયે અનુભવતા હોઈએ તેને કચરી નાંખવી કે ભૂખે મારી નાખવી. ઊલટું, આપણી શક્તિમાં હોય તેવાં બધાં સાધનો વડે આપણે તેને પોષવી જોઈએ. આપણે અવશ્ય શક્ય હોય તેટલા વિચારમાં અને વ્યવહારમા પ્રામાણિકપણે ધર્મસાધના કરવી જોઈએ. પરંતુ કોઈપણ અંતિમ પગલું લીધા સિવાય. કેમકે કોઈપણ સંયોગો નીચે કોઈપણ સમયકાળ દરમિયાન કરેલી ધર્મસાધના શ્નોયસ્કર પૂરવાર થાય છે. પરંતુ અંતિમવાદી પગલાંઓ હિતકર નથી. જ્યારે પ્રત્યાઘાત આવે ત્યારે આ અંતિમ પગલાંઓ, લાગણીના અંતિમવાદી પારોઢના પગલાં બની જશે.
સ્વજનનાં મૃત્યુને લઈને આવતા વૈરાગ્યને માટે આટલું બસ છે. પરંતુ ભયંકર રોગ કે સાંસારિક નિષ્ફળતાથી ઉપજતો વૈરાગ્ય વધુ વર્જ્ય છે. આવા લોકો સાચોસાચ જીવનમાં આપણને સતત મળ્યા કરે છે. તેમની સ્વાભાવિક મયાર્દાઓની અંતર્ગત પ્રયત્નથી વિશેષ તેઓ કશું કરતા નથી. તેઓએ ધન, વૈભવ અને પદને માટે વધુ જોખમપૂર્વક પુરૂષાર્થ કરવો જોઈએ અને ઈશ્વર પાછળ દોડવું જોઈએ નહીં અને જો તેઓ રોગગ્રસ્ત હોય તો વૈદ્ય એ જ તેમનો પહેલો અને છેલ્લો ઈશ્વર હોવો જોઈએ.
એટલા માટે, જ્યારે કોઈ ધર્મસાધનાને જીવન સમર્પિત કરવાનું વલણ કે મનોવૃત્તિ અનુભવે ત્યારે તેણે સંભાળપૂર્વક તેના હિતો વિષે સંશોધન કરવું જોઈએ. મન ઘણું મોટું છેતરામણું હોય છે અને તે અત્યંત હોશિયારીપૂર્વક બદહેતુઓને પણ સોનેરી રંગો પહેરાવી પોતાના હેતુને છુપાવી શકે છે.
આપણી સાચોસાચ મનોદશા કેવી છે તે લાંબા અને સાવધાન નિરીક્ષણ દ્વારા શોધી કાઢવી જોઈએ. જો આપણને લાગે કે આપણો વૈરાગ્ય સંગીન છે તો આપણે આગલું પગલું આશાપૂર્વક ભરી શકીએ. પરંતુ જો આપણને ઊંડા સંશોધન પછી લાગે કે આપણી મનોદશા તે માટે તૈયાર નથી તો ઉત્તમ માર્ગ એ છે કે યથાવત્ જીવન વ્યવહાર ત્યાં સુધી ચાલુ રાખવા કે જ્યાં સુધી આપણા મન ઉપર લાગેલી તમામ આસક્તિનો મેલ સદંતર નીકળી ન જાય. સંશયપૂર્ણ પાયાઓ ઉપર આધ્યાત્મિક જીવનનું ચણતર કરવું તે અત્યંત જોખમકારક છે.
આપણે તેની બહુ ભારે કિંમત પાછળથી ચુકવવી પડતી હોય છે. કોઈપણ સ્થાને નિર્બળતા વગર તેનો પાયો સુદૃઢ અને સંગીન રીતે નાખવો જોઈએ. કેવળ તેની ઉપર જ આધ્યાત્મિક જીવનનું ખરેખર ચણતર થઈ શકે.
જ્યારે આપણને ખાતરી થાય છે કે આપણી આધ્યાત્મિક વ્યાકુળતા સંગીન છે ત્યારે આપણું બીજું પગલું તે વ્યાકુળતાના બળની તુલના કરવાનું છે. આના સાચા નિર્ણય ઉપર ઘણો આધાર છે, ઘણું અવલંબે છે. તેના બળ અનુસાર આપણે આપણા જીવનની પદ્ધતિ પસંદ કરવી પડશે. જો આ બળ જીવન પર્યંત ટકી રહેશે તેવું આપણને લાગે તો ઉત્તમ માર્ગ એ છે કે વિધિપૂર્વક સંસારનો ત્યાગ કરવો. પરંતુ જો આપણને આવી ખાતરી ન હોય તો આપણે સંસાર ત્યાગ કરવો ન જોઈએ. આ સંસારમાં રહીને, તેનાં કડવાં અને મીઠાં ફળો ચાખતાં-ચાખતાં આપણું મન પૂરતી રીતે વિશુદ્ધ બને ત્યાં સુધી સંસારનાં બધાં કાર્યો કરવાં જોઈએ.
નવયુવકો વારંવાર એક ભૂલ હંમેશાં કરે છે. નવયુવકોનું મન સરખામણીમાં નિર્દોષ હોય છે. સ્વાભાવિક રીતે જ્યારે આધ્યાત્મિક ઉત્સાહનો પ્રથમ ઉભરો આવે છે ત્યારે તેઓ તેમનું રોજીંદુ કર્તવ્ય છોડી દે છે અને પોતાની જાતને ક્ષણિક આવેશમાં તેને શરણે થઈ જાય છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને અવગણે છે. બીજા પોતાના સાંસારિક કર્તવ્યોને અવગણે છે. પ્રથમ આવી અવગણના નુકશાનકારક ગણાતી નથી. પરંતુ આખરે મોટાભાગના કિસ્સામાં પરિણામ ચોક્કસ ખરાબ આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓએ ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જ્યાં સુધી મન તાજગીથી ભરેલું હોય ત્યાં સુધી આધ્યાત્મિક લાગણીઓ સર્વસ્વ જણાય છે અને બૌદ્ધિક વૃદ્ધિ અત્યંત ક્ષુલ્લક ભાસે છે. પરંતુ તેઓ જ્યારે સંસારમાં પ્રવેશે છે ત્યારે તેઓને કઠોર વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે અને સંસારના ક્રૂર ફટકા તેના ઉપર પડે છે ત્યારે તેને લાગે છે કે તેઓ માનસિક રીતે નિર્બળ છે અને પોતાના વિદ્યાર્થી જીવનનો સમય વેડફી નાખ્યો છે. તેને અપાર પસ્તાવો થાય છે. તેને જીવન પૂરતું ઉપયોગી દેખાતું નથી. ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓના જીવન આ રીતે વેડફાઈ જતાં અમે જોયાં છે.
જ્યારે તેઓ આધ્યાત્મિક સત્યો માટે જિજ્ઞાસા અનુભવે ત્યારે વિદ્યાર્થીઓએ તેમની રોજની ફરજો અને કર્તવ્યો સાથે તેનો સમન્વય સાધવા હંમેશાં પ્રયાસ કરવો જોઈએ. તેઓએ કદી તેમની લાગણીઓને હુલ્લડ મચાવવા અને જીવનના નિયમિત ક્રમને અસ્તવ્યસ્ત કરી નાંખવા ન દેવી જોઈએ. જો કે આવી શિસ્ત-સાધના, દેખીતી રીતે ઉત્સાહને દબાવે છે. પરંતુ હકીકતમાં તે અધ્યાત્મ સાધનાની ઇચ્છાને સુદૃઢ કરે છે અને ઊર્મિઓને ઉન્નત બનાવે છે. કદાચ આપણું વિદ્યાર્થી જીવન પૂરું થતાં આપણે સંસાર(ની આસક્તિનો) ત્યાગ કરી શકીશું. એ જ રીતે બૌદ્ધિક શિસ્ત-સાધના અને શાન શુદ્ધ ધર્મજીવનની સાધનામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થશે. ઓછામાં ઓછું તે આપણને કઠોર જીવનક્રમ અપનાવતાં શીખવે છે કે જેના વિના આધ્યાત્મિક જીવન માત્ર મશ્કરી બની જાય છે અને જો પ્રારબ્ધવશ આપણે સંસારમાં પ્રવેશીશું તો જે જ્ઞાન અને કાર્યક્ષમતા આપણે કઠોર જીવનક્રમને લઈને પ્રાપ્ત કરી હશે તે મોટી મૂડી બની જશે અને સાંસારિક જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચે કોઈ કડી ખંડિત બનશે નહીં.
એક મુદ્દો આપણે આપણી જાત ઉપર અત્યંત સ્પષ્ટ રીતે અને સંપૂર્ણપણે મનમાં ધરબી દેવો જોઈએ: આધ્યાત્મિક જીવન એ અત્યંત મંદ સિદ્ધ થતું પહાડી કાર્ય છે, તે એક ક્રૂર વેઠ છે અને અનંતકાળ માટે છે. આપણાંમાંના ઘણાખરાને કોણ જાણે કેમ એવો ખ્યાલ હોય છે કે (પછી ભલે તે ગમે તેટલો ચેતના સ્તરની અંદર છુપાયેલો હોય) આધ્યાત્મિકતા બહુ અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ શકે તેવી કોઈ બાબત છે અને તે પછી એક લાંબા આનંદી સભર એવો નિરાંતનો તહેવાર કાળ આવશે. સ્વતંત્રતાની કિંમત શાશ્વત જાગૃતિ અને સાવચેતીથી ચૂકવવી પડે છે. આધ્યાત્મિક જીવન અનંતકાળ માટે છે, એટલે કે, આપણે ધારીએ છીએ તેવી નિરાંત કે રજા તેમાં નથી. સહેજ પણ રાહતનો દમ લીધા સિવાય મનનો એક સરખો ઉચ્ચ ઓપ અખંડિત રીતે જાળવવો પડે છે. એક સમાન સાવધાની, એક સમાન સાવચેતી અને એક સમાન જોમ. એટલે ફાંસીની સજા માથે હોય તેવા એક માનવીની જેમ આપણી જાતને આપણે તૈયાર કરવાની છે. તેમાંથી ફરી પાછા ફરવાનું હોઈ શકે નહિ. તે પ્રગંભીર શાંતિ ચિરંતન સત્ય છે. જો આપણે આ હકીકત યાદ રાખીએ તો આપણે આપણા મનને કદી, કેવળ સાંસારિક આનંદ આપતાં કાર્ય કે ઊર્મિથી સંતુષ્ટ થવા દઈશું નહીં. આપણને લાગશે કે નિયમિતતા માટે મનની તાલીમ આધ્યાત્મિક જીવનમાં અતિ મોહક લાગણીવેડા કે ઊર્મિલતા કરતાં વધુ તાકીદની છે. યુવાન લોકોએ આ હકીકત કાળજીપૂર્વક યાદ રાખવી જોઈએ અને તદનુસાર પોતાની જાતને બચાવવી જોઈએ.
સ્વાભાવિક રીતે જોવામાં આવે છે કે આધ્યાત્મિક વ્યાકુળતા અનુભવતા સૌ કોઈ સંસાર ત્યાગ કરવા માટે યોગ્ય હોતા નથી. અથવા તે માટે નિર્માયા નથી અથવા સંપૂર્ણપણે ધર્મજીવન ગાળવા માટે યોગ્ય નથી. તેમાંના ઘણાખરાને સાંસારિક વ્યવસાયોની સાથોસાથ અધ્યાત્મ સાધના ચાલુ રાખવાની છે. તેમને માટે બેવડી રમત રમવાનું અનિવાર્ય છે. તેમણે પોતાના સાંસારિક કર્તવ્યોનું પાલન એવી રીતે કરવાનું હોય છે કે તે તેમના આધ્યાત્મિક જીવન માટે વિપરીત પરિણામ લાવનાર સિદ્ધ ન થાય અને ઊલટાનું તેને ઉપયોગી સિદ્ધ થાય. અલબત્ત, આ સમસ્યા અને તેનો ઉકેલ જુદાજુદા લોકો સાથે જુદાજુદા પ્રકારનો હશે. પરિણીત લોકોની સમસ્યા અપરિણીત લોકોની સમસ્યા કરતાં જુદી હશે અને તેનો ઉકેલ પણ બન્ને કિસ્સામાં ભિન્ન-ભિન્ન હશે.
ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ ય. મહેતા
(‘Spiritual Practice’માંથી સાભાર)
Your Content Goes Here



