આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છો અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્ય વિદ્યા અને એવી છાની-છાની બાબતો આપણામાં ઘૂસતી આવે છે. તેમાં કદાચ મહાન સત્યો હશે, પણ એ બધી વિદ્યાઓએ આપણને લગભગ નિર્માલ્ય બનાવી દીધા છે. તમારા જ્ઞાનતંતુઓ બળવાન બનાવો. આજે આપણે જરૂર છે લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાનતંતુઓની. ઘણા કાળ સુધી આપણે રોતાં રહ્યાં છીએ; હવે રોવાનું મૂકીને તમારા પોતાના પગ ઉપર ખડા થાઓ અને મર્દ બનો. મનુષ્યને મર્દ બનાવે તેવા ધર્મની આપણને જરૂર છે, એને મર્દ બનાવે તેવા સિદ્ધાંતોની આપણને જરૂર છે અને એને સર્વપ્રકારે મર્દ બનાવે એવી કેળવણીની જરૂર છે. જે કંઈ તમને શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ દુર્બળ બનાવે, તેને ઝેર સમજીને દૂર કરો. એવી વસ્તુમાં જરાય પ્રાણ નથી; એ સાચું હોઈ શકે જ નહિ. સત્ય એટલે પવિત્રતા, સત્ય એટલે પૂર્ણ જ્ઞાન! સત્ય તો પ્રકાશ આપે, સ્ફૂર્તિ આપે, શક્તિ આપે. આ બધી ગુપ્તવિદ્યાઓ, તેમનામાં સત્યનો કંઈક અંશ હોવા છતાં મોટે ભાગે નિર્બળ બનાવનારી વિદ્યાઓ હોય છે. મારું કહેવું સાચું માનજો; મને એ બધાંનો આખી જિંદગીનો અનુભવ છે; એને પરિણામે હું એ નિર્ણય પર આવ્યો છું કે એ બધી માણસને દુર્બળ બનાવે છે. મેં આખા ભરતખંડનો પ્રવાસ કર્યો છે, તેની ગુફાએ ગુફા ઢૂંઢી વળ્યો છું અને હિમાલયમાં પણ વાસ કરી ચૂક્યો છું. હિમાલયમાં આખી જિંદગી પડ્યા રહેનારાઓને હું ઓળખું છું. હું મારા રાષ્ટ્રને, મારા દેશબાંધવોને ચાહું છું, હું તેમને આથી વધારે અધોગતિએ જતા, વધારે દુર્બળ બનતા જોઈ શકતો નથી. એટલે તમારી ખાતર અને સત્યની ખાતર મારે મારા રાષ્ટ્રની આ અધોગતિ સામે પોકાર ઉઠાવવો જ પડે છે. ‘હવે બસ કરો’. આ બધાં છાનગપતિયાં છોડી દઈને બળવાન બનો. તમારાં ઉપનિષદો તરફ, તમારા પ્રકાશપૂર્ણ, શક્તિશાળી અને તેજસ્વી તત્ત્વજ્ઞાન તરફ પાછા વળો; બધી રહસ્યમય બાબતોથી અલગ થઈ જાઓ. આ તત્ત્વને અપનાવી લો કે જગતમાં મહાન સત્યો સાવ સાદાંમાં સાદાં હોય છે; અરે, આપણા પોતાના અસ્તિત્વ જેટલાં સાદાં હોય છે. ઉપનિષદનાં સત્યો તમારી સમક્ષ આ રહ્યાં. એમને અપનાવો, એ પ્રમાણે જીવન જીવો, એટલે ભારતની મુક્તિ હાથવેંતમાં હશે!

સ્વામી વિવેકાનંદ

(‘મારી ભાવિ યોજના’માંથી, પૃ. ૨૭-૨૮)

Total Views: 65
By Published On: May 1, 1993Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram