(સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.)

(ગતાંકથી આગળ)

ચાર પુરુષાર્થ

પ્રાચીન ભારતમાં જીવનના ચાર આદર્શોને અથવા પુરુષાર્થનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું હતું અને એનું વિવેચન પણ કરવામાં આવ્યું હતું. એ છે ધર્મ એટલે કે ફરજ, અર્થ એટલે કે મનોરંજનના પદાર્થો, કામ એટલે ઇચ્છાઓ અને વાસનાઓ અને મોક્ષ એટલે કે બધી ઇચ્છાઓમાંથી અને વાસનાઓમાંથી સંપૂર્ણ મુક્તિ. આ ચારેય પુરુષાર્થનું એક સરખું મહત્ત્વ નથી.

પ્રાચીન સમયના દૃષ્ટિકોણ પ્રમાણે આ લોક અને પરલોકમાં તમામ સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે ધર્મ એક સાધન છે. જે અંતે સર્વોચ્ચ સાક્ષાત્કારને પંથે લઈ જાય એ જ ધર્મનો માર્ગ છે. જો ધર્મનું આચરણ કરવામાં આવે તો બીજા બે પુરુષાર્થ કામ અને અર્થ મોક્ષમાર્ગે લઈ જાય છે. ધર્મ બીજાઓ તરફની એટલે કે જેઓ સાથે આપણે જીવન જીવતા હોઈએ એમના તરફની આપણી શી ફરજો છે એનું સૂચન કરે છે. આપણે વ્યક્તિઓ છીએ એ સંબંધે સમાજમાં રહીએ છીએ અને બીજા બધા લોકો સાથે જીવન જીવીએ છીએ. આપણી પોતાની અને આપણી આજુબાજુના પર્યાવરણ વચ્ચે કોઈક પ્રકારનો સંબંધ હોવો જ જોઈએ. આપણે જેમની સાથે રહીએ છીએ તેમની સાથે એક પ્રકારનું બંધન હોવું જોઈએ. આ જગતમાં આપણે એકલતામાં જીવી જ ન શકીએ. આપણી આસપાસ રહેતા લોકો સાથે આપણું જીવન સંકળાયેલું છે, અને તેથી જ આપણી અને તેમની વચ્ચે કોઈક પ્રકારનો સંબંધ હોવો જોઈએ. એ લોકો પ્રત્યેનો આપણો અભિગમ કેવો હોવો જોઈએ ? જે લોકો નિર્બળ છે એમને આપણા તરફથી રક્ષણ મળવું જોઈએ; જે લોકો આપણાથી મોટા છે અને વડીલ છે એમના પ્રત્યે આપણો આદરભાવ હોવો જોઈએ અને એવામાંથી જેમને ખરેખર જરૂરિયાત છે તેવા લોકોને આપણી સેવા મળવી જોઈએ. આપણે આપણી પાસેનું કશું પણ અનામત ન રાખીને બીજાઓને જેટલું વધારે આપીશું તેટલા પ્રમાણમાં અખંડ વ્યક્તિત્વની ધન્યતા આપણને પ્રાપ્ત થશે.

જે લોકોને સુખોપભોગની ખેવના છે તેમને માટે અર્થ અને કામ એ બે હેતુઓ છે. જે માણસ લોભી હશે અને સ્વાર્થવૃત્તિથી ભરપૂર હશે તેને એવા સંસારની ઈચ્છા થશે જેમાં એને બધા પ્રકારના પૂરતા મોજશોખ મળતા રહે. આ પ્રકારનો માણસ પણ જો જીવનમાં સંતોષ મેળવવા ઈચ્છતો હશે તો તેણે ધર્મની મારફત સુખોપભોગની શોધ કરવી પડશે. છેવટે અંતિમ ઉદ્દેશ તો મોક્ષનો જ છે એટલે કે, તમામ ઈચ્છાઓમાંથી, તમામ અજ્ઞાનમાંથી અને તમામ નિયંત્રણોમાંથી મુક્તિનો જ છે.

આ વિવિધ પ્રકારના જીવનનાં આ તમામ લક્ષ્યોને એક સ્થાન તો છે જ અને એ બધું અગત્યના પણ છે છતાં પણ કેટલીક વાર એ બધાં એકબીજાથી વિરોધી હોય એમ દેખાય છે અને પરિણામે આપણને મૂંઝવણમાં પણ મૂકી દે છે. પરંતુ જે માણસના જીવનમાં આ પ્રકારની વિસંગતતાઓ નથી અને જેણે પોતાની આખીય જિંદગીની અને સાથે સાથે જીવનનાં ઉચ્ચત્તમ ધ્યેયોની કાળજીભરી વિચારણા કરી છે એવા માણસને કોઈપણ પ્રકારની મૂંઝવણો સતાવતી નથી. જીવનની અવિધ ભલે લાંબી હોય પણ એ તો શ્રેષ્ઠ મૂલ્યો ધરાવતી બાબતોને પોતાના અંતરતમ ખૂણામાં સાચવી મૂકશે અને નાનાં નાનાં લક્ષ્યોનો પડછાયો પણ એના ઉપર પડવા નહિ દે. સર્વોચ્ચ લક્ષ્યો માટે એ દૃઢતાપૂર્વક સંઘર્ષ કરતો રહેશે. ખરેખર, પોતાના વ્યક્તિત્વનો આ વધુ સારો ઉપયોગ છે.

શ્રેષ્ઠતાનો માર્ગ

આપણા પ્રાચીન ઋષિઓએ પ્રત્યક્ષ દર્શન કર્યું કે આદર્શ જીવન ચાર અવસ્થાઓ અથવા સમયગાળામાં વિભક્ત થએલું છે. પ્રથમ, જીવનનો શરૂઆતનો સમય તે બ્રહ્મચર્ય. એ સમયગાળો પ્રારંભિક અવસ્થાનો અને વિકાસશીલ છે અને એ વખતે યુવાન વ્યક્તિ એના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપતી હોય છે તથા એ સમય દરમ્યાન વ્યક્તિ પોતાની ઈંદ્રિયો ઉપરનો સંયમ કેળવે છે અને પવિત્રતા જાળવવાનો પ્રયત્ન પણ કરે છે. પ્રાચીન કાળમાં આ સમય લગભગ પચીસ વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જતો હતો. ત્યાર પછીનાં પચીસ વર્ષનો ગાળો આદર્શ ગૃહસ્થ તરીકેનું જીવન જીવવામાં સમર્પિત થતો હતો. લગ્ન કરીને અને સંતતિ ઉત્પન્ન કરીને ગૃહસ્થ સંયમી જીવન ગુજારતો હતો અને સાથે સાથે ત્યાર પછીની અવસ્થા માટે થનાર વધારે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓ માટે પોતાને તૈયાર કરતો હતો. ત્યાર બાદ એ ત્રીજી અવસ્થામાં એટલે કે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતો હતો. એ જીવન નિવૃત્તિનું અને એકાંતવાસનું હતું. દરેક માણસના જીવનમાં એક એવો સમય આવે છે જયારે વ્યક્તિએ સાંસારિક સંબંધોથી ગુંથાએલા જીવનમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ, અને પોતાની જાતને ઈશ્વર પ્રાપ્તિ અથવા અજ્ઞાનમુક્તિ જેવાં વધારે ઊંચાં મૂલ્યો માટે સમર્પિત કરી દેવી જોઈએ. આથી દરેક માણસે ક્રમે ક્રમે પોતાની જાતને એવા પ્રકારની તાલીમ આપવી પડશે કે જેથી તે શરુઆતની નિમ્ન પ્રકારની પ્રવૃત્તિઓમાંથી છૂટી જઇ શકે. વાનપ્રસ્થાશ્રમની પ્રવૃત્તિઓ ગૃહસ્થાશ્રમની પ્રવૃત્તિઓથી તદ્દન ભિન્ન છે. વાનપ્રસ્થીએ જૂની ટેવોથી અને જૂના વાતાવરણથી પોતાની જાતને દૂર રાખવાની છે અને બની શકે તેટલું સમાજથી અલગ રહેવાનું છે તથા આંતરિક વૈભવની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. આ બધાને અંતે છેવટે એણે સંન્યાસ માટે તૈયાર થવાનું છે. સંન્યાસ એ જીવનની છેલ્લામાં છેલ્લી અવસ્થા છે જેમાં ચિરસ્થાયી સારતત્ત્વને સાકાર કરવા માટે સર્વસ્વનો ત્યાગ કરવાનો છે. આ ચિરસ્થાયી સારતત્ત્વ છે શાશ્વત શાંતિ, નિરંતર સુખ, અનંત આનંદ અને વધારે મહત્ત્વપૂર્ણ એવું પરમ ઉત્તમોત્તમ જ્ઞાન અને શાશ્વત અસ્તિત્વ.

આપણે બધા અમર થવા ઇચ્છીએ છીએ. કદાચ આપણને એ ખબર નથી કે આપણે આ ભૌતિક શરીરથી અમર થઈ શકીએ નહિ. આપણે તો આપણા જીવનના સમયગાળાને વધારે ને વધારે લંબાવવાનો પ્રયત્ન કર્યા કરીએ છીએ. આપણા ભૌતિક અસ્તિત્વનાં જે મર્યાદિત સુખો છે તેને જતાં કરવાં આપણે કદી તૈયાર થતા નથી. આથી જીવન જીવવાનું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ ઈદ્રિયોમાં અને આ પંચભૌતિક શરીરમાં શાશ્વત જીવન જીવવું એ માણસના હાથની વાત નથી. આપણા અંગના વિવિધ અવયવો અને તેના જુદા જુદા ભાગોનું જે સંયોજન થએલું છે તેનું એક દિવસ તો વિચ્છેદન તો થવાનું જ છે. અને પરિણામે તેનો અંત જરૂર આવવાનો જ છે. એમાંથી બચવું શક્ય જ નથી. પરંતુ એક એવી અવસ્થા છે જે ચિરસ્થાયી છે અને જેનો કદી પણ અંત આવતો નથી અને એ અવસ્થામાં પ્રવેશવાનો જ આપણો પુરુષાર્થ છે. પણ આપણે તો માત્ર એવા અમરત્વને પામી શકીએ જે પારલૌકિક છે. એ ભૌતિક નથી. એ છે આપણી અંદર રહેલા અમર્ત્ય આત્માનું અમરત્વ, આપણું વિદ્યુષ્ક વ્યક્તિત્વ. એ માત્ર શરીર પૂરતું જ મર્યાદિત નથી, એ ઈદ્રિયો પૂરતું સીમિત પણ નથી, તથા અસ્તિત્વની એ કોઈ અવસ્થા પણ નથી. એ પ્રત્યક્ષ અસ્તિત્વ પોતે જ છે – સત્ – ચિત્ – આનંદ. આપણે બધા જાણ્યે અજાણ્યે પરિપૂર્ણ ઉપલબ્ધિને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છીએ. જો કે ઘણી વાર આપણે એના ખરેખરા અર્થથી અનભિજ્ઞ હોઈએ છીએ છતાં પણ આપણું અંતિમ લક્ષ્ય તો એ જ છે.

જીવનની શરૂઆતની અવસ્થાથી જ માણસે આવી દૃઢ પ્રતીતિ અને જીવનના આધ્યાત્મિક લક્ષ્યમાં સંપૂર્ણ શ્રદ્ધા કેળવવાં જોઈએ. જેમ એનો જલદી વિકાસ થાય તેમ વધારે સારું અને જેટલી કાર્યશક્તિ એના ઉપર વધારે ને વધારે કેન્દ્રિત કરીશું એટલા જ વધારે ને વધારે આપણે સિદ્ધ કરવાના લક્ષ્ય સ્થાનની નજીક ને નજીક પહોંચવા માટે પ્રગતિ કરીશું. આથી જ તમામ અસ્થાયી ઉદ્દેશ્યોને બાજુ ઉપર રાખી એક અંતિમ લક્ષ્યની અગત્યતા અને પ્રાધાન્ય ઉપર અમે ખૂબ ભાર દઈએ છીએ. જીવનની આ સંપૂર્ણ અખંડિતતાને પ્રાપ્ત કરવા માટે, આ શાશ્વત સત્ – ચિત્ અને આનંદની અવસ્થાએ પહોંચવા માટે આપણે આપણી સ્વાર્થવૃત્તિને તિલાંજલિ આપવી પડશે. કારણ કે આપણા જીવનને ખંડિત કરતું કોઈ મહત્ત્વનું તત્ત્વ હોય તો તે છે સ્વાર્થવૃત્તિ.

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

(‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર ’૯૧માંથી સાભાર)

Total Views: 81
By Published On: June 1, 1993Categories: Bhuteshananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram