કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પર કાપા પડે છે જેવા

આંગળીથી માખણમાં આંક્યા

નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં

ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં.

એના હોઠ બે બિડાયા હજી તોરે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું ને સરી

હાથેથી મોગરાની માળા;

આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું

કાનકુંવર શું ઓછા હતા કાળા?

કોઈ જઈને જસોદાને કહો રે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

હરીન્દ્ર દવે

 

 

સનાતન શિશુની કવિતા

આ નાનકડા, નાજુક ગીતમાં કવિએ કૃષ્ણના બાલજીવનની એક પરિસ્થિતિને કેન્દ્રમાં લઈને ભાવસ્પંદનને ગતિ આપી છે. કૃષ્ણનું શૈશવ તો નિમિત્ત છે. અંતે તો એમાં સનાતન શિશુની વાત છે. શિશુની સાથે સંકળાયેલાં તોફાનો અને એ તોફાનોને પરિણામે માની મીઠી સજા – આ પરિસ્થિતિ પ્રત્યેક શિશુ અને માતા માટે પરમ ધન્યતાની ક્ષણ છે. કવિએ આ ક્ષણને શાશ્વતીનું રૂપ આપવાનો-સ્વરૂપ આપવાનો. અહીં પ્રયત્ન કર્યો છે.

કૃષ્ણનાં તો અનેક નામો છે. પણ બેમાંથી કહાન નામ જ પસંદ કર્યું અને એ નામનું લાડકું સંબોધન ‘કાનુડો’ એનો ઉપયોગ નહિ પણ ઉતયોગ કરી બતાવ્યો. જ્યાં સુધી મા-બાપ પોતાના સંતાનના નામને બગાડવાની છૂટછાટ લેતાં નથી ત્યાં સુધી મા-બાપનાં પોતાનાં જીવન પણ ક્યાં સુધરે છે?

કૃષ્ણને નિમિત્તે સનાતન શિશુની વાત છે એટલે તો કવિએ બીજી પંક્તિને બાળુડાને એટલા જ શબ્દફેરે બેવડાવી છે. અહીં આડકતરી રીતે કવિકર્મ પણ પ્રકટ થાય છે. કાનુડાને બાંધવાનો પ્રયત્ન કરે અને એ તરત જ બંધાઈ જાય એવો ડાહ્યો-ડમરો હોત તો એને સજા કરવાનો કોઈ પ્રસંગ જ ન આવત. માતા એને બાંધવાના પ્રયત્નો કરે છે અને બાળક એમાંથી છૂટવાના પ્રયત્નો કરે છે. હીરના દોરના જ નહીં – પંક્તિના પણ બે આંટા લગાવી – કવિએ અહીં માત્ર કાનુડાને જ નહીં, ભાવને અને ભાવકને પણ જુદા અર્થમાં બાંધ્યા છે.

કવિ કોઈ દિવસ સીધી રીતે વાત નહીં કરે. શિશુની કુમાશને કવિ આ કાવ્યમાં કેવી કળાત્મક રીતે પ્રકટ કરે છે! કલાનું કાર્ય પણ આ જ રહ્યું છે ને. ‘ઢાંકી-ઢાંકી પ્રક્ટ કરવું કાર્ય એ તો કલાનું!’ માખણના પિંડમાં આંગળીના લસરકા રહી જાય એવા આ કાપા કૃષ્ણના અંગ પર પડે છે. શિશુ માખણથી પણ વધુ મુલાયમ છે એ વાતને કવિએ જે રીતે કહી છે એનો જ મહિમા છે.

જે તોફાનો માટે કૃષ્ણને સજા થઈ એ માખણ અને દહીંની સામગ્રીનો કવિએ જુદાજુદા સંદર્ભમાં ઉપયોગ કરી પરિસ્થિતિને પોષક એવું વાતાવરણ જમાવ્યું છે. કૃષ્ણના કાળા રંગના વિરોધમાં જ જાણે કે ન મુકાયાં હોય એમ માખણ, દહીં અને મોગરાની માળાનો ઉલ્લેખ કવિની રંગસૂઝને અને વસ્તુને ધારદાર રીતે મૂકવાની આવડતને પ્રગટ કર્યા વિના રહેતો નથી.

કૃષ્ણની કાળપને આપણા કવિઓને ભારે ઉજળી રીતે ગાઈ છે. ‘શ્યામ રંગ સમીપે ન જાઉં’ એ દયારામનું પદ પણ યાદ આવી જાય છે તો નિનુ મઝુમદારની બે પંક્તિઓ પણ ડોકિયાં કર્યા વિના રહેતી નથી:

કાળા કરમનો કાળો મોહન કાળું એનું નામ:

કાજળથી વધુ કાળપ લાગે કરશે કેવાં કામ?

‘હેઠે’ જેવો તળપદો શબ્દ પણ કવિતાની ભાષામાં ક્યાંય પરાયો ન લાગે એમ જાણે કે પોતાના અધિકારની છડી પોકારતો અહીં સ્વાભાવિકતાથી બેસી ગયો છે.

કાવ્યને અંતે બાળકને થતી સજાની આ અસહ્ય પરિસ્થિતિ નથી જોવાતી ત્યારે ‘કોઈ જઈને જસોદાને કહો રે’ એવો આર્તપૂર્ણ ઉદ્ગાર કેટલી સાહજિકતાથી વ્યક્ત થયો છે! આ ઊર્મિકાવ્યનો માખણપિંડ એવો સ-રસ બંધાયો છે કે ક્યાંય આયાસનો કાર્યો સુધ્ધાં દેખાતો નથી.

– સુરેશ દલાલ

Total Views: 80
By Published On: August 1, 1993Categories: Suresh Dalal0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram