(ગતાંકથી આગળ)

(સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.)

એક રાત્રિએ ઉદ્બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં હતાં ત્યારે રસ્તો બતાવવા માટે એક બ્રહ્મચારી હાથમાં ફાનસ લઈને તેમની સાથે ચાલતા હતા. કુમારી મૅકલીઓડ વિચારમગ્ન હતાં અને કંઈક ગણગણતાં હતાં, “મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે.” એકાએક તેમને ખ્યાલ આવ્યો કે બ્રહ્મચારી તેની સાથે છે. રાજીરાજી થતાં તેમણે બ્રહ્મચારીને કહ્યું “શ્રી શારદાદેવી! મેં તેમને જોયાં છે.” પાશ્ચાત્ય સ્ત્રી ભક્તોમાં સિસ્ટર નિવેદિતાને શ્રી શ્રીમા સાથે ખૂબજ નજીકનો સંપર્ક હતો. એક વખત તેમણે શ્રી શ્રીમાને લખીને જણાવ્યું કે જ્યારે તેઓ મા મૅરીને પ્રાર્થના કરતાં હતાં, ત્યારે શ્રી શારદાદેવીનું સ્વરૂપ તેમણે જોયું. એ જ પત્રમાં તેમણે વધુ જણાવ્યું, “ચોક્કસપણે, તમે ઈશ્વરનું અદ્ભુત સર્જન છો – શ્રીરામકૃષ્ણના માનવપ્રેમનું તમે પ્રતીક છો, શ્રીરામકૃષ્ણે પોતાના બાળકો માટે છોડેલું પ્રતીક છો; અમારે આપની સમક્ષ ખૂબજ શાંત રહેવું જોઈએ.” સિસ્ટર નિવેદિતાએ એક ખૂબજ સુંદર પુસ્તક લખ્યું છે – “The Master as I saw him.” આ પુસ્તકમાં તેમણે લખ્યું છે, “શ્રી શ્રીમા ખરેખર ખૂબજ સરળ અને નિરાડંબરી છે, છતાં તેઓ ખૂબજ પ્રબળ અને મહાન સ્ત્રીઓમાંનાં એક છે.” સિસ્ટર ક્રિસ્ટીન સિસ્ટર નિવેદિતાની સ્કૂલમાં કામ કરતાં હતાં અને તેમને પણ શ્રી શ્રીમાનો સરખો જ પ્રેમ મળ્યો હતો. સિસ્ટર દેવમાતા સ્વામી પરમાનંદના શિષ્યા હતાં. તેઓ પણ પશ્ચિમથી આવેલ હતાં અને શ્રી શ્રીમાનાં પુત્રી હતાં. શ્રી શ્રીમા સાથેની પ્રથમ મુલાકાત વિશે તેમણે લખ્યું છે: “મંદિરના પાછળના ઓરડામાં મેં શ્રી શ્રીમાને એકલાં જોયાં અને શ્રી શ્રીમાને અર્પણ કરવા માટે લાવેલ વસ્તુઓ અને મારી જાતને મેં શ્રી શ્રીમાને ચરણે ધરી. સુખદ આશ્ચર્ય સાથે શ્રી શ્રીમા બે વખત મારું નામ બોલ્યાં. ત્યાર પછી શ્રી શ્રીમા પોતાનો હાથ મારા મસ્તક ઉપર મૂકીને આશીર્વાદ આપ્યા. શ્રી શ્રીમાના સ્પર્શથી મારા હૃદયનાં ઊંડાણમાંથી નવું ચેતન ઊભરાતું જણાયું અને મારા શરીર પર છવાઈ ગયું.” દુભાષિયાની જરૂર ન હતી કારણ કે શ્રી શ્રીમા હૃદયની ભાષામાં આપ-લે કરતાં હતાં. શ્રી શ્રીમાની અદ્વિતીય મહાનતા સમજવાની શક્તિ દેવમાતા પાસે હતી. તેમણે લખ્યું: “દરેક જીવંત વસ્તુ માટે શ્રી શ્રીમા ખૂબજ ચિંતિત હતાં. કોઈપણ માનવીય પગલું તેનો અંદાજ કાઢી શકે નહીં. બધાજ એક સરખી રીતે તેમનાં બાળકો હતાં. શ્રી શ્રીમાનો માતૃપ્રેમ સમગ્ર વિશ્વને આવરી લેતો હતો અને સમગ્ર માનવજાત શ્રી શ્રીમાનું કુટુંબ હતું.”

શ્રી શ્રીમા ભિન્ન-ભિન્ન લોકોના રિવાજો અને રીતભાતોથી પોતાની જાતને અનુકૂળ બનાવી લેતાં. ગરમીના દિવસોમાં, એક યુરોપિયન સ્ત્રી શ્રી શ્રીમાને મળવા આવ્યાં. “એશો” – “અંદર આવ,” એમ કહેતાં શ્રી શ્રીમાએ પોતાનો હાથ લંબાવ્યો અને યુરોપિયન રીતભાત પ્રમાણે તે સ્ત્રીનો હાથ પોતાના હાથમાં લીધો. ત્યાર પછી બંગાળી રિવાજ પ્રમાણે શ્રી શ્રીમાએ તે સ્ત્રીની હડપચીને સ્પર્શ કર્યો. (અને તે રિવાજ કોઈ માતા હેતપૂર્વક પોતાની પુત્રીને ચૂમી ભરે તે બરાબર છે.) તે સ્ત્રીની પુત્રી માંદી હતી અને તેથી શ્રી શ્રીમાના આશીર્વાદ લેવા આવી હતી. શ્રી શ્રીમાએ તેને આશીર્વાદ આપ્યા અને તેની પુત્રી તુરત રોગમુક્ત બની. ત્યાર પછી તે સ્ત્રીએ શ્રી શ્રીમા પાસેથી દીક્ષા લીધી. શ્રી શારદાદેવી માટે કોઈપણ પરદેશી ન હતું.

શ્રી શારદાદેવી ડૉક્ટરોના પણ માતા હતાં. શ્રી શ્રીમાના જીવનકાળ દરમિયાન અલગ-અલગ સમયે અને અલગ-અલગ સ્થળે – જયરામવાટી, કોહાલપરા, કલકત્તા લગભગ એક ડઝન ડૉક્ટરોએ શ્રી શ્રીમાની – સારવાર કરી હતી અને તે પણ ભિન્ન-ભિન્ન પદ્ધતિ પ્રમાણે – એલોપેથીક, હોમિયોપેથીક, આયુર્વેદક. આ ડૉક્ટરો પૈકી ડૉ. બિપીન બિહારી ઘોષ અને ડૉ. સતીષ ચક્રવર્તી (સ્વામી શારદાનંદના ભાઈ) શ્રીરામકૃષ્ણના ભક્તો હતા. બીજા ડૉક્ટરો જેવા કે ડૉ. કાંજીલાલ સજની બાબુ, લાલવિહારી સેન, અને સ્વામી મહેશ્વરાનંદે શ્રી શ્રીમા પાસેથી દીક્ષા લીધી હતી. આ બધા શિષ્યો અને ભકતો પ્રત્યે શ્રી શ્રીમાને પોતાનાં બાળકો જેટલો પ્રેમ હોય તે સ્વાભાવિક હતું. ડૉ. પ્રધાન બોઝ એ દિવસોમાં કલકત્તાના પ્રતિભાસંપન્ન ડૉક્ટરોમાંના એક હતા. તેઓ ખ્રિસ્તી હતા. આવી અજાણી વ્યક્તિને પણ શ્રી શ્રીમા તેવો જ પ્રેમ આપે તે બાબત ખરેખર નોંધપાત્ર છે. શ્રી શ્રીમાની છેલ્લી માંદગી દરમિયાન તેઓનું આગમન થયું. ડૉ. પ્રધાનને ટેક્સીમાં લાવવા પડતા હતા અને દરેક વખતે તપાસવાના સોળ રૂપિયા ચૂકવવા પડતા હતા. થોડા દિવસો માટે ડૉ. પ્રધાને તે રકમનો સ્વીકાર કર્યો. જ્યારે ડૉ. પ્રધાન શ્રી શ્રીમાને તપાસીને નીચે આવતા ત્યારે તેઓ પોતાની ગાડીમાં મીઠાઈઓ, ફળો અને ફૂલો મૂકેલાં જોતા. એ બધી વસ્તુઓ શ્રી શ્રીમાની સૂચનાથી મૂકવામાં આવતી હતી. શ્રી શ્રીમાના પ્રેમ અને ઉદારતાથી ડૉ. પ્રધાન ભાવવિભોર બની જતા. એક દિવસ ડૉ. પ્રધાને સ્વામી શારદાનંદને પૂછ્યું, “આટલા દિવસો હું કોને સારવાર આપતો હતો?” જયારે સ્વામીએ તેમને શ્રી શ્રીમા વિશે માહિતી આપી ત્યારે ડૉ. પ્રધાન તદૃન બદલાઈ ગયા. તે દિવસથી ડૉ. પ્રધાને પોતાની ફી લેવાનું બંધ કર્યું. જ્યારે થોડા દિવસો પછી સારવારની પદ્ધતિ બદલવામાં આવી, ત્યારે ડૉ. પ્રધાન ટેક્સીનું ભાડું પોતે આપીને શ્રી શ્રીમાને તપાસવા માટે આવતા. પ્રખ્યાત ડૉ. નીલરતન સરકાર અને સુરેશચંદ્ર ભટ્ટાચાર્યને શ્રી શ્રીમાના પ્રેમનો અનુભવ થયો હતો. કવિરાજ રાજેન્દ્રનાથ સેન, કવિરાજ શ્યામદાસ વાચસ્પતિ અને કવિરાજ કાલિભૂષણ સેન પ્રખ્યાત આયુર્વેદિક ડૉક્ટરો હતા. શ્રી શ્રીમાની સારવાર કરવાનો વિશિષ્ટ હક્ક એ લોકોને પણ મળ્યો હતો. જ્યારે તેઓ શ્રી શ્રીમાને તપાસવા માટે આવતા, ત્યારે શ્રી શ્રીમા એવી સૂચનાઓ આપતાં કે તેઓને પુષ્કળ ફળો અને મીઠાઈઓ બક્ષીસ તરીકે આપવામાં આવે.

શ્રી શ્રીમા અભિનેતાઓ અને અભિનેત્રીઓના પણ માતા હતાં. આ અભિનેતાઓમાં વિનોદ વિહારી સોમ પદ્મવિનોદ તરીકે ઓળખાતા હતા. જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમને શ્રીરામકૃષ્ણના આશીર્વાદ મળ્યા હતા. “પ્રફૂલ્લા”, “મૅકબેથ” અને બીજાં નાટકોમાં અભિનય કરવા માટે તેમને નામના મળી હતી, પરંતુ તેમને ખૂબજ દારૂ પીવાની ટેવ હતી. દરેક રાત્રિએ, ઘેર જતાં ત્યારે તેઓ શ્રી શ્રીમાના ઘર પાસેથી પસાર થતા. તેઓ નશામાં ચકચૂર રહેતા. ક્યારેક મોટેથી બૂમ મારીને તેઓ પોતાના મિત્ર સ્વામી શારદાનંદને બોલાવતા. સ્વામીની સૂચનાઓ પ્રમાણે શ્રી શ્રીમાના ઘરમાંથી કોઈપણ તેને પ્રત્યુત્તર આપતું નહીં. એક રાત્રિએ બહાર શેરીમાં ઊભા ઊભા, પદ્મવિનોદે ખૂબ જુસ્સાથી એક ગીત ગાવાનું શરું કર્યું, “હે કરુણામયી મા, જાગો! આપની કુટિરના બારણાં ખોલો… એક બાળકનું કરુણાજનક રૂદન જે ગીતમાં છે તે સાંભળીને શ્રી શ્રીમા લાગણીવશ બની ગયાં. શ્રી શ્રીમા ઊભાં થયાં, બારીનો પડદો એક બાજુ કર્યો અને બારી ખોલી નાખી. લથડિયાં ખાતા પદ્મવિનોદ આનંદથી બોલી ઊઠ્યા: “મા, આપ ઊભાં થયાં છો? આપે આપના પુત્રનો સાદ સાંભળ્યો છે? હવે મારા પ્રણામ સ્વીકાર કરો.” આમ કહીને તેઓ દંડવત્ પ્રણામ કરીને શેરીમાં આળોટવા માંડ્યા. ત્યાર પછી એક બીજા ગીતની પંક્તિ ગાતાં અને પોતાના મિત્રની હાંસી ઉડાવતાં પદ્મવિનોદ જતા રહ્યા. શ્રી શ્રીમાએ બતાવેલ કરુણા માટે તેઓ આનંદવિભોર હતા. આ સમગ્ર પ્રસંગ એક કરતાં વધારે વખત ભજવવામાં આવ્યો હતો.

શ્રી ગિરીશચંદ્ર ઘોષના નિમંત્રણને માન આપીને શ્રી શ્રીમાએ ગિરીશના સ્ટાર થિયેટરની મુલાકાત લીધી હતી. એ પહેલાં શ્રીરામકૃષ્ણે પણ સ્ટાર થિયેટરની મુલાકાત લીધી હતી. શ્રી શ્રીમાએ “બિલ્વમંગલ”, “પાંડવ – કૌરવ” અને બીજાં એક-બે નાટકો જોયાં. જિંદગીના દુ:ખો સહન ન થતાં, એક વખતે, શ્રી ગિરીશે સંસારનો ત્યાગ કરવાની શ્રી શ્રીમા પાસે રજા માગી. શ્રી ગિરીશે પોતાની સમગ્ર તર્કશક્તિથી શ્રી શ્રીમાને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો કે તેનો સંસાર છોડવાનો સમય આવી ગયો હતો, પરંતુ શ્રી શ્રીમાએ તે વાત સ્વીકારી નહીં. અને ગિરીશને સંન્યાસૈ થવાની પરવાનગી આપી નહીં. દુર્ગા પૂજા દરમિયાન, જ્યારે શ્રી શ્રીમાએ ગિરીશના ઘરની મુલાકાત લીધી ત્યારે સ્ટાર થિયેટરના બધા અભિનેતાઓ અને અભિનેત્રીઓ શ્રી શ્રીમાનાં પવિત્ર ચરણોનો સ્પર્શ કરવા અને શ્રી શ્રીમાના આશીર્વાદ લેવા આવ્યાં. એક વખત, અભિનેતા અપરેશ મુખોપાધ્યાયની વિનંતિથી શ્રી શ્રીમાએ મિનરવા થિયેટરની મુલાકાત લીધી, અને “રામાનુજ” નાટક જોયું. અભિનેત્રી નિરદસુંદરીએ તે નાટકમાં અગત્યનો રોલ ભજવ્યો હતો. નાટક પૂરું થયા પછી શ્રી શ્રીમા તે અભિનેત્રીને મળવા ઇચ્છતાં હતાં, અને તે એકદમ શ્રી શ્રીમાને મળવા આવી. પરંતુ તેણે પહેરેલાં કપડાં અને શૃંગાર જેમના તેમ રાખ્યાં હતાં. શ્રી શ્રીમા પોતાની પુત્રીને પ્રેમપૂર્વક ભેટમાં. તે અભિનેત્રી ખૂબજ લાગણીવશ બની ગઈ. કારણ કે તેને આવો સાચો પ્રેમ કદી મળ્યો ન હતો. બીજા પ્રખ્યાત અભિનેતા અમૃતલાલ જાહેરમાં કહેતા કે શ્રી શ્રીમા તેમના માટે અંતર-સ્ફુરણાં હતાં. એક વખત, અભિનેત્રી તારાસુંદરી ઉદ્દબોધનમાં શ્રી શ્રીમાને મળવા આવ્યાં. શ્રી શ્રીમાના કહેવાથી ઉદ્બોધનમાં તેણે “જન” નાટકમાં આવતા અભિનેતાનો પાઠ ભજવ્યો અને ત્યાંના સ્ત્રી વર્ગને પોતાના અભિનયથી આનંદ આપ્યો. તે અભિનેત્રી શ્રી શ્રીમાની પુત્રી હોય તેવો વ્યવહાર શ્રી શ્રીમાએ તેની સાથે કર્યો. બીજી એક અભિનેત્રી તીનકોરી કે જેમણે “બિલ્વમંગલ” નાટકમાં પાગલ સ્ત્રીનો રોલ ભજવ્યો હતો તે પણ શ્રી શ્રીમાને મળવા આવતાં. એક વખત શ્રી શ્રીમાએ તેને ગીત ગાવાનું કહ્યું, અને તેણે પાગલ સ્ત્રીનું ગીત ગાયું. તે ગીતની પહેલી પંક્તિ આ પ્રમાણે હતી: “મારો હાથ પકડીને મને દોરો…” આવું ગહન ગીત સાંભળીને શ્રી શ્રીમા ખૂબજ પ્રભાવિત થયાં હતાં અને બોલી ઊઠ્યાં: “મારી પુત્રી, તે કેવું અદ્ભુત ગીત ગાયું!” સુસંસ્કારી સમાજ આવી સ્ત્રીઓને માનની દૃષ્ટિએ જોતો નહીં. જ્યારે આવી સ્ત્રીઓ શ્રી શ્રીમાને મળવા આવતી ત્યારે શ્રી શ્રીમા અંગત રસ લઈને એવી વ્યવસ્થા કરતાં કે તે સ્ત્રીઓને સારો ખોરાક પીરસવામાં આવે અને ભોજન પછી શ્રી શ્રીમા પોતેજ તે સ્ત્રીઓને પાનસોપારી આપતાં. અભિનેતા અપરેશ ચંદ્રે લખ્યું છે: “સામાન્ય લોકો માત્ર બાહ્ય આવરણને ધ્યાનમાં લે છે; અને માત્ર ઈશ્વર જ મનુષ્યમાંનાં આંતરિક સત્ત્વને ધ્યાનમાં લે છે એ હકીકતને કારણે હું આ સત્યને સમજી શક્યો છું: શ્રીરામકૃષ્ણના બધા ભક્તો માટે શ્રી શ્રીમાની કરુણા; પતિત સ્ત્રીઓ, રંગમંચની અભિનેત્રીઓ અને એવી વ્યક્તિઓને શ્રી શ્રીમાએ પોતાના ખોળામાં સ્થાન આપ્યું. એ કરુણા કોઈપણ પ્રકારના ભેદભાવ કે રાષ્ટ્રની ભૌગોલિક મર્યાદાને ધ્યાનમાં લેતી નથી. તે કરુણા કોઈપણ નિયમ કે કાયદો પાળતી નથી. તે કરુણા યોગ્યતા અને અયોગ્યતાના બંધનો સ્વીકારતી નથી. કાંટાવાળો છોડ હોય કે ફૂલોવાળો છોડ હોય, પણ એ કરુણા જેને સ્પર્શ કરે છે તેને શુદ્ધ કરે છે. પવિત્ર બનાવે છે અને દિવ્ય બનાવે છે.”

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી સી. એમ. દવે

Total Views: 86
By Published On: September 1, 1993Categories: Atmasthananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram