(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ)

એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના કેટલાય જુદાજુદા પ્રકારો વર્ણવ્યા. સામાન્ય રીતે પ્રવચન બાદ કેટલાક ભક્તો, સ્વામીજીને તેમના મિજાજ તથા વાતાવરણની ગરમી કે ઠંડી પ્રમાણે કાં તો ‘લીટલ ઈટલી’ તરીકે જાણીતા સાનફ્રાંસિસ્કો વિભાગમાં આવેલ જૂલ્સ રેસ્ટોરાંમાં અથવા તો કેટલીક વાર તેમને રહેણાંકના વિસ્તારોમાં ચાલતા રેસ્ટોરાંમાં લઈ જતા. એ દિવસે સખત ઠંડીને લઈને સ્વામીજી પોતાના ઓવરકોટમાં સજજ હોવા છતાં ધ્રૂજતા હોવાથી બોલ્યા, “જો આને નરક ન કહેવાય તો પછી બીજું નરક વળી શું હશે એની મને ખબર નથી.” આવી કડકડતી ઠંડી ૠતુ હોવા છતાં તેમણે પોતાને ખૂબ જ ભાવતો આઈસ્ક્રીમ લેવો પસંદ કર્યો. તે સમય કાફે બંધ થવાનો હોવાથી તેની માલિકણને આઈસ્ક્રીમ માટે ફોન કરવો પડ્યો અને અમને રાહ જોવાનું કહેવામાં આવ્યું. જેવી તે આઈસ્ક્રીમ લેવા ગઈ કે સ્વામીજીએ તેને પાછળથી કહ્યું, “અચ્છા, મોડું ન કરતાં, નહિ તો તમને ફક્ત ચોકલેટ આઈસ્ક્રીમનો થોડો જ જથ્થો મળશે.”

એક બીજા પ્રસંગે ભૂલથી પરિચારિકા સ્વામીજીને ન ભાવતી આઈસ્ક્રીમ સોડા લઈ આવી. સ્વામીજીએ તેને બદલી લાવવા કહ્યું. જેવી તે તેમ કરવા પાછી ગઈ કે સ્વામીજી તે છોકરી ઉપર ગુસ્સે થતા વ્યવસ્થાપકને જોઈ ગયા અને પોતાને કોઈ સાંભળે છે કે નહિ તેની પરવા રાખ્યા વિના મોટેથી બોલવા લાગ્યા, “તમે તે છોકરીને ઠપકો આપશો તો હું અહીંની બધી જ આઈસ્ક્રીમ-સોડા ખાઈ જઈશ.”

ખ્રિસ્તી દેવળોમાં થતાં સમૂહગાનને તેઓ ‘બૉટલ બ્રેકીંગ બિઝનેસ’ (શીશી તોડવાનો ધંધો) કહેતા. ‘બ્યૂલાર્ટ લૅન્ડ’ શીર્ષક હેઠળના ગાનની ખૂબ જ મજાક ઉડાવતા. જેની પંક્તિઓ આ રહી :

“હું ધાન્ય અને મદિરાની ભૂમિ પર પહોંચી ગયો છું અને બધી જ સમૃદ્ધિ ફક્ત મારી જ છે.”

તેમને ખૂબ જ આનંદ આપતો બીજો શ્લોક તે ‘મિશનરી હીમ’નો હતો:

‘ગ્રીનલેન્ડના હિમાચ્છાદિત પર્વતોથી ભારતીય પરવાળાના ટાપુના કાંઠા સુધી…’

આ આખું જ ગાન તેઓ પોતાના ખૂબ જ સુંદર કંઠે ગાતા. પછી થોડું થોભીને નાટકીય ઢબે પોતાને જ ઈંગિત કરી હસતા-હસતા કહેતા, “જેને બચાવવા તેઓ આવેલા તે હીધન (અસંસ્કારી માણસ) તો હું છું.”

ન્યૂયૉર્કમાં તે વખતે સ્વામી અભેદાનંદજીની મદદ કરી રહેલા સ્વામી તુરીયાનંદજીને સ્વામીજીએ ૩૦ માર્ચે લખ્યું, “હું આવતે અઠવાડિયે શિકાગો જવા રવાના થાઉં છું” પણ ત્યાર બાદ ઘણાં બધાં પ્રવચનો થયાં અને ૨૩મી એપ્રિલે તેમણે મૅરી હૅલને લખ્યું, “હું આજે જ નીકળી ગયો હોત, પરંતુ જતાં પહેલાં કૅલિફૅાર્નિયાનાં ઊંચાં રેડવુડ વૃક્ષો તળે તૈયાર કરેલા તંબુમાં રહેવાની મારી લાલચને હું રોકી શકું તેમ નહોતો. તેથી ચાર-પાંચ દિવસો માટે મેં તે મુલતવી રાખ્યું.” એમાં ફેરફાર પહેલેથી થયો હોત તો તેમણે આમ લખ્યું હોત, “ત્રણ કે ચાર અઠવાડિયાં,” કેમ કે ૨૩મી મે સુધી તેમણે તે અખાતનો જીલ્લો છોડેલો નહિ.

આ જગ્યાના માલિક શ્રી જૂલે ઉનાળુ વૅકેશન માટે તે તંબુ કુમારી બેલને આપેલ અને તેણે સ્વામીજીને આ કૅમ્પમાં આવવા આમંત્રણ આપ્યું. કુ. બેલે શ્રીમતી ઈલૉઈસ રૂરબેક અને મને પોતાની સાથે આવવા આમંત્રણ આપ્યું. ઘણા બધા પત્રો દ્વારા જાણી શકાય છે કે સ્વામીજી તર્ક-સ્ટ્રીટ ઍપાર્ટમેન્ટમાં ૧૯ એપ્રિલ સુધી રહેલા, પછી કેટલાક દિવસો સુધી અખાતની બીજી બાજુ આવેલ આલામેડામાં રહીને ત્યાં કામ કર્યું, આમ તેઓ ૨જી મે સુધી રેડવુડ કૅમ્પમાં પહોચ્યા નહોતા.

૨૨મી એપ્રિલે કુ. બેલ, શ્રીમતી રૂરબેક અને હું સાન ફ્રાન્સિસ્કોથી થોડા માઈલ દૂર આવેલ કૅમ્પ ઈરવીંગમાં (કૅમ્પ ટેયલરની ધાર પર આવેલ શ્રી જૂલના કૅમ્પનું નામ) સ્થિર થયેલાં. ગાડીના પાટા અને નાની નદીની વચ્ચેના રસ્તા ઉપરના સાંકડા પટ્ટા પર તે મુકામ હતો. એક છેડે તે ગોળાકારમાં વૃક્ષોનાં ઝાડાં-ઝાખરાં હતાં જેનો ઉપયોગ અમે વર્ગો લેવા માટે તેમ જ ધ્યાન માટેના મંદિર તરીકે કરતાં. બીજા છેડે રસોડું હતું જેનો સરસામાન હતો ઝાડ નીચેનો પ્રાયમસ, પીરસવા માટે ઝાડનું થડ, એક ખરબચડું ટેબલ અને તેની બન્ને બાજુએ બેંચો! ઝાડ ઉપર લગાવેલ ખીંટીમાં કેટલાંક વાસણો લટકાવવામાં આવતાં. આમ આધ્યાત્મિક અને ભૌતિક ખોરાકની આ બન્ને જોગવાઈઓ વચ્ચે ચાર તંબુઓ હતા અને અગ્નિ માટે અમારા આ મુકામમાં ખુલ્લી જગ્યા પણ હતી.

જ્યારે સ્વામીજી આ મુકામે પહોંચ્યા, ત્યારે શાન્તિને પણ ઘણા પ્રયત્નમાંથી અહીં આવવા માટે સમજાવીને પોતાની સાથે તેડતા આવેલા. આ વિષે થોડાં વર્ષો બાદ હું જ્યારે સાનફ્રાન્સિસ્કોમાં હતી ત્યારે શાંતિએ મને જણાવેલું. તેણે મને કૅમ્પમાં જવા માટેના પોતાના માનસિક સંઘર્ષ વિષે કહેલું. તે, એક ઇચ્છા તો સ્વામીજી સાથે કૅમ્પમાં જવાની તેમ જ બીજી ઇચ્છા લૉસ એન્જલસમાં ત્રણ મહિનાથી પોતાની ગેરહાજરીમાં રહેલી પોતાની દીકરીને મળવા જવાની – આ બે ઇચ્છાઓ વચ્ચે તે નિર્ણય કરી શકતી નહોતી અને ભાંગી પડી હતી. સ્વામીજીએ તેને કહ્યું, “લૉસ એન્જલસ જશો નહિ. મારી સાથે કૅમ્પમાં આવો. હું તમને ધ્યાન કરતાં શીખવીશ.” આલામેડાથી કૅમ્પ ઈરવીંગ જવા માટે બે નાવ ભાડે કરવી પડતી. એક ઉપસાગરથી સાનફ્રાન્સિસ્કો સુધી અને એક ત્યાંથી ઉત્તરે મૅરીન કાઉન્ટી સુધી. આલામેડામાં ફક્ત થોડે થોડે અંતરે ગાડીની બે લાઈનો હતી – એક પહોળી ગેજ અને એક સાંકડી ગેજ. આ બંને દ્વારા મુસાફરોને વહાણ સુધી પહોંચાડાતા. સ્વામીજી અને શાંતિએ એક ટ્રેઈન ગુમાવી તેથી બીજી દ્વારા તેઓ ત્યાં પહોંચ્યાં. ગાડીમાં બેઠાં-બેઠાં જ તેમણે ચર્ચા કરી કે તેઓ આલામેડાથી સાનફ્રાન્સિસ્કોથી જતી નાવમાં નાસ્તો કરશે કે પછી સાનફ્રાન્સિસ્કોથી મૅરીન કાઉન્ટી નાવમાં લેશે અને પછી ખબર પડી કે તેઓ જે ગાડીમાં બેઠાં હતાં તેને એન્જિન જ જોડવામાં આવેલ નહિ. તે લોકો ઘરે પાછાં ફર્યો અને ત્યાં જ્યારે પોતાનો નાસ્તો કરતાં હતાં ત્યારે સ્વામીજીએ કહ્યું, “આપણને ગાડી મળી નહિ કેમકે તમારું હૃદય લૉસ એન્જલસમાં હતું અને બ્રહ્માંડમાં એવું કોઈ બળ કે શક્તિ નથી કે જે માનવ-હૃદયને ખેંચી શકે!”

શાંતિએ મને કહેલું કે તેણે કેવી રીતે બે વર્ષ સુધી સ્વામીજીનાં પુસ્તકો વાંચ્યાં અને પછીથી સૌ પ્રથમ વાર ૧૮૯૯થી ૧૯૦૦માં શિયાળામાં તેમનાં પ્રવચનો સાંભળેલાં અને એકદમ જ તે તેમના કામમાં મદદરૂપ થવા આતુર થઈ ગઈ! એક મંડળની સ્થાપના કરવામાં આવી જેની પ્રથમ મંત્રી શાંતિને બનાવવામાં આવી. બ્લૅનચર્ડ હૉલ ખાતે, લૉસ એન્જલસમાં ‘સત્ય-ગૃહ’ ખાતે, પસાડેનાના શૅક્સપીઅર કલબ ખાતે તેમજ બીજી જુદીજુદી જગ્યાઓએ તેમનાં પ્રવચનો થતાં હતાં. સ્વામીજી શ્રીમતી એસ.કે. બ્લૉગૅટને ત્યાં રહેતા હતા. સાઉથ પસાડેનામાં મીડ ભગિનીઓને ત્યાં પણ તેઓ મહેમાન થયેલા, જેમાંની એક શાંતિ હતી. બીજાં બે હતાં – શ્રીમતી કૅરી મીડ વાયકૉફ, જેણે પછીથી પોતાનું હૉલીવુડનું ઘર સધર્ન કૅલિફૉર્નિયાની વેદાંત સોસાયટીના મુખ્ય મથક તરીકે અર્પણ કરી દીધેલું અને બીજાં હતાં હૅલન મીડ, કે જેણે સ્વામીજીનાં લૉસ એન્જલસનાં પ્રવચનો શોર્ટહેન્ડમાં લઈ લીધેલાં. જ્યારે સ્વામીજી ઑકલેન્ડ જવા નીકળ્યા ત્યારે બોલ્યા હતા: “તમે ત્રણેય બહેનો હંમેશ માટે મારા મનના ભાગરૂપ બની ગયાં છો. શાંતિએ મને કહેલું, કે સ્વામીજી પોતે ખૂબ જ સાદા હતા. તેઓ ગમે તેને પણ પોતાને સમકક્ષ જ ગણતા હતા. તેમણે મને એક વાર કહેલું, તારે માન રાખવા જેવું કંઈ છે જ નહિ.” જ્યારે આ વાત મેં સ્વામી તુરીયાનંદજીને કહી ત્યારે તેમણે કહ્યું, “હા, તેમણે તેમ કહ્યું, પરંતુ તે પણ છે કે તને માન જેવું કંઈ છે નહિ તેની તેમને ખુશી હતી. જ્યાં સમાનતા છે, ત્યાં અરસપરસનો પૂર્ણ પ્રેમ છે. પૂર્ણ પ્રેમની લેવડ-દેવડ છે. જ્યાં મોટા નાનાપણું નથી ત્યાં જ આવું સંપૂર્ણ ઐકય (જોડાણ) શક્ય છે.

જ્યારે સ્વામીજીને ઑકલેન્ડમાં યુનિટેરિયન ચર્ચમાં પ્રવચન આપવાનું આમંત્રણ મળ્યું ત્યારે તેમણે શાંતિને તે ઉત્તર તરફ તેમની સાથે જશે કે કેમ તે પૂછતાં કહ્યું, “જો તું મારી સાથે આવવા ઇચ્છતી હો તો તને કોઈ આવતાં રોકશે નહિ.” આમ, શાંતિ સાનફ્રાન્સિસ્કો ગઈ અને છેલ્લે કૅમ્પ ઈરવીંગ ગઈ. ત્યાં તે સ્વામીજીની જરૂરિયાત અને સગવડતાની કાળજી લેવામાં ખૂબ જ પ્રયત્નશીલ હતી. એક સવારે વર્ગનો સમય થવા છતાં સ્વામીજીએ તેને રસોડામાં રસોઈની તૈયારીમાં પડેલી જોઈ પૂછ્યું, “તમે ધ્યાન કરવા અંદર નથી આવવાનાં કે?” તેણે જવાબ આપ્યો, “હા, આવું છું પણ પહેલાં મારે આ કઢી ધીરેધીરે ઉકાળીને તૈયાર કરવાની છે; ત્યાર બાદ આવું છું.” પછી સ્વામીજી બોલ્યા, “અચ્છા, કંઈ વાંધો નહિ. મારા ગુરુ કહેતા, સેવા માટે તમે ધ્યાનને છોડી શકો છો.”

મારા લાંબા જીવનની ક્યારેય ભૂલી ન શકાય તેવી બે રાતો ખૂબ જ સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. તેમાંથી ગમે તે એકના વિષે વિચારવાથી કોઈ પણ પ્રકારની ખરાબી દૂર કરી શકાય છે. તેમાંની એક છે જેના વિષે મેં અગાઉ લખ્યું છે તે સ્વામી તુરીયાનંદજી સાથેની, જયારે બીજી છે ઈ.સ.૧૯૦૦ના ૨જી મેની કૅમ્પ ટેઈલર ખાતેની સ્વામીજીની પહેલી રાત્રિ: મારી આંખો બંધ કરતાં હું તેમને શાંત અંધકારમાં, અગ્નિની જવાળાના ઝરતા તણખલા વચ્ચે તથા ઉપર એક દિવસનો ચંદ્રમા પ્રકાશે છે તેવી જગ્યાએ ઊભેલા જોઉં છું. તેઓ પ્રવચનોની લાંબી હારમાળાથી થાકેલા છતાં ત્યાં (તે કૅમ્પમાં) હોવાથી આરામદાયક સ્થિતિમાં તેમ જ ખુશ હતા. તેમણે કહ્યું, “જેવી રીતે અમારું જીવન જંગલમાં શરૂ થાય છે તેવી જ રીતે અમારું જીવન પૂર્ણ પણ જંગલમાં જ થાય છે પરંતુ આ બંને સ્થિતિની વચ્ચેના ગાળામાં અનુભૂતિનું જગત સાથે જ હોય છે.” ત્યાર બાદ થોડી વાતચીત પછી, જ્યારે અમે દરરોજના ધ્યાનમાં બેઠાં ત્યારે, તેમણે કહ્યું “તમે જેના ઉપર ધ્યાન કરી શકો તેના ૫૨ કરો, પરંતુ હું તો સિંહના હૃદય ઉપર જ ધ્યાન કરીશ. જેનાથી બળ મળે છે.” ધ્યાન પછી મળતો પરમાનંદ, શક્તિ અને શાંતિ અનિર્વચનીય કહી શકાય.

બીજા દિવસે આખો દિવસ વરસાદ પડ્યો. તે દિવસે સ્વામીજીને તાવ હોવા છતાં સવારે નાસ્તા પછી તેઓ કુમારી બેલના પલંગ પર બેસી લાંબા સમય સુધી વાતચીત કરતા રહ્યા. તે રાત્રીએ તેઓ એવા તો સખત બીમાર હતા કે તેમણે પોતાનું વસિયતનામું પણ બનાવી નાખ્યું; જેમાં પોતાની બધી જ વસ્તુઓને પોતાના સંન્યાસી ગુરુભાઈઓને આપવાનું લખેલું. શાંતિ અને કલ્યાણીએ તેમની ખૂબ જ કાળજી લીધી. હું હજુ પણ શાંતિને વરસતા વરસાદમાં પલળવાની દરકાર કર્યા વગર બરાબર મારા અને કુમારી બેલના તંબૂની સામે આવેલા સ્વામીજીના તંબૂ પર કેનવાસનો વધારાનો કકડો પાથરતી જોઉ છું!

બીજે દિવસે શનિવાર હતો. અને કુ. બેલ તથા મારે સાનફ્રાન્સિસ્કો જવાનું હતું. જ્યારે રવિવારે અમે પાછાં ફર્યાં ત્યારે સ્વામીજીને સારું હતું. તેમને કૅમ્પમાં આરામ કરવા આમંત્રણ આપવામાં આવેલ પરંતુ દરરોજ નાસ્તા પછી તેઓ કુ. બેલના પલંગ પર બેસી લાંબો સમય અમારી સાથે વાતો કરતા, વાર્તાઓ કહેતા તેમજ પ્રશ્નોના જવાબ આપતા; તેઓ પૂર્વ અને પશ્ચિમની વધુ સારી સમજૂતી અને તેનાથી અરસપરસ થતા લાભ માટેની પોતાની મહાન આશાઓ વિષે કહેતા. ટૉમસ એ. કૅમ્પીસ માટેના પોતાના પ્રેમ વિષે તેમજ કેવી રીતે તેમણે પૂરા ભારતવર્ષના ભ્રમણ વખતે ‘ગીતા’ અને ‘ઈમીટેશન ઑફ ક્રાઈસ્ટ’ સાથે રાખેલી તેના વિશે પણ કહેતા. સાન ફ્રાનસિસ્કોમાં પોતાનાં પ્રવચનોમાંના એકને પૂરું કરતી વખતે તેમણે ‘ઈમીટેશન ઑફ ક્રાઈસ્ટ’માંથી આ વાક્ય લઈને તે પૂરું કરેલું. “બધા જ ગુરુઓ, બધી જ ચોપડીઓ તમે ખામોશ રહો! તું ફક્ત મારા આત્મા સાથે જ વાતો કર.”

(ક્રમશ:)

ભાષાંતર: કુ. સીમા માંડવિયા

Total Views: 126
By Published On: February 1, 1994Categories: Ida Ansell0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram