(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ)
(સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.)
હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે છે કે અખંડ અદ્વય ચૈતન્ય કેવી રીતે અનેક રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યું છે? શું તે ખંડિત થઈને અનેક રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યું છે? કે તેમાં પરિવર્તન થઈ રહ્યું છે? આ વિષય આજે પણ મીમાંસાનો પ્રશ્ન બની ગયો છે. પરંતુ વિવર્તવાદ, પરિણામવાદ, લીલા વગેરે જુદાજુદા વાદો અને વિચારોની વચ્ચે સ્વામી વિવેકાનંદે કરેલી મીમાંસા આજનાં વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત તથા પૂરેપૂરી તર્કયુક્ત છે. એટલે જ અત્યંત સીંચીન તથા બુદ્ધિવાદી વિચારશીલ લોકોમાં આ મીમાંસા બહુમાન્ય છે. સ્વામીજીએ અસંદિગ્ધ શબ્દોમાં ઘોષણા કરી છે, “બ્રહ્મ જગત છે.” (જ્ઞાનયોગ પાનું ૧૪૦) આ બાબતની સ્પષ્ટતા કરતાં તેમણે એક રેખાચિત્રના માધ્યમ દ્વારા આપણને સમજાવ્યું છે:
(क)
ब्रह्म
(ग)
देश, काल, निमित्त
(ख)
जगत
(ज्ञानयोग, पृष्ठ 140)
“આ બ્રહ્મ દેશ-કાળ નિમિત્તમાં થઈને આવવાથી જગત બની ગયેલ છે.” (એજન, પાનું ૧૪૦)
“આપણે દેશ-કાળ નિમિત્તરૂપી કાચમાંથી બ્રહ્મને જોઈ રહ્યા છીએ અને એ જ રીતે નીચે જોવાથી બ્રહ્મ આપણને જગત રૂપે દેખાય છે.” (એજન, પાનું ૧૪૦)
અહીં આપણે એ યાદ રાખવું પડશે કે જગતનો અર્થ સ્વામીજીની દૃષ્ટિએ અહીં ફક્ત જડ જગત જ નથી પરંતુ સૂક્ષ્મ તથા આધ્યાત્મિક જગતનો પણ તેમાં સમાવેશ થાય છે.
જગત સંબંધી સ્વામીજીના વિચારોનો અભ્યાસ કરતાં આપણને જાણવા મળશે કે આપાત્ પ્રતીયમાન જગત ન તો ભૌતિકવાદીઓની ધારણા પ્રમાણે આ ભૌતિક રૂપમાં જ સત્ય છે અને ન તો અજાતવાદ પ્રમાણે ત્રિકાલ મિથ્યા છે અને ન તો માયાવાદ અનુસાર સ્વપ્નવત્ મિથ્યા છે. આનાથી વિપરીત આપણને જગત બાબતમાં એક વિધેયાત્મક યથાર્થવાદી દૃષ્ટિકોણ આપ્યો છે. જેના મુજબ એક જ અખંડ ચૈતન્ય એક વિશેષ અવસ્થામાં જગત રૂપે પ્રકાશી રહેલ છે. સ્વામીજીના જ શબ્દોમાં – તો આપણે હમણાં આ શું જોયું? એ જ કે જડશક્તિ, મન, ચૈતન્ય કે એવાં બીજાં નામોથી પિરિચત જુદીજુદી જાગતિક શક્તિઓ, આ વિશ્વવ્યાપી ચૈતન્યની જ અભિવ્યક્તિ છે, જે કંઈ તમે જુઓ છો, સાંભળો છો કે અનુભવ કરો છો. તે બધી તેની જ સૃષ્ટિ છે. ખરી રીતે કહીએ તો તેનું જ પરિણામ છે. હજુ વધુ વ્યવસ્થિત કહીએ તો બધું જ પ્રભુ પોતે જ છે.”૧૨
જગત સંબંધી આ ધારણા આપણા વ્યાવહારિક જીવનદર્શનને એક આધાર સ્તંભ પૂરો પાડે છે.
ઈશ્વર:
કોઈ પણ વ્યાવહારિક જીવનદર્શનની સફળતા અને વ્યાવહારિકતા સંપૂર્ણપણે નહીં તો પણ ઘણુંખરું તેની ઈશ્વર અંગેની ધારણા પર આધારિત હોય છે. વિશ્વના ઇતિહાસનું વિહંગાવલોકન કરતાં સ્પષ્ટ જણાશે કે જે ધર્મોએ કે દર્શનોએ ઈશ્વર પ્રત્યેની એકાંગી કે પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણ રાખીને જે જીવનદર્શન આપ્યું તેના દ્વારા ભલે માનવ સમાજના કોઈ વિશેષ સમૂહને લાભ થયો હોય પરંતુ આગળ જતાં અધિકાંશ માનવ સમાજને તો તેનાથી લાભ કરતાં નુકસાન જ વધુ થયું છે. સ્વામીજીએ તો ઇતિહાસનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે તેમની તીક્ષ્ણ દૃષ્ટિથી આ દોષ છૂપો રહી શક્યો નથી. સ્વામીજીએ ઈશ્વર સંબંધી ધારણાઓનો અભ્યાસ કર્યો, તેના પર વિચાર કર્યો તથા છેવટે પોતાના મહાન ગુરુ શ્રીરામકૃષ્ણદેવના નિર્દેશાનુસાર સાધના કરીને ઈશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ કરી. ત્યાર પછી આપણને દુનિયાના કલ્યાણકારી ઈશ્વર સંબંધી ધારણાઓ જણાવી.
ઉપાસકની સાથે ઉપાસ્યની પણ ઉન્નતિ:
ઉપાસકની સાથે ઉપાસ્યની પણ ક્રમશ: ઉન્નતિનો સિદ્ધાંત આપીને સ્વામીજીએ આપણી ઈશ્વર સંબંધી ધારણાઓને એક બહુઆયામી તથા અત્યંત ઉદાર ભાવ આપ્યો છે. “માયા અને ઈશ્વર ધારણાનો વિકાસ” નામક પોતાના વ્યાખ્યાનમાં જુદીજુદી જાતિઓની ઈશ્વર અંગેની ધારણાઓની ચર્ચા કરતાં સ્વામીજી કહે છે “પ્રાચીનકાળની સામાજિક અવસ્થા આજે રહી નથી. જેમ પ્રાચીન યહૂદી આજના તીક્ષ્ણબુદ્ધિ યહૂદીમાં ફેરવાઈ ગયો છે, જેવી રીતે પ્રાચીન આર્ય આજના બુદ્ધિમાન હિન્દુમાં ફેરવાઈ ગયો છે, તેવી જ રીતે જિહોવા અને બીજા દેવતાઓની પણ ક્રમોન્નતિ થઈ છે. આપણે ભૂલ એટલી જ કરીએ છીએ કે કે ઉપાસકની મોન્નતિને સ્વીકારીએ છીએ પરંતુ ઈશ્વરની સ્વીકારતા નથી. આપણે જે રીતે ઉન્નતિનું શ્રેય ઉપાસકોને દઈ શકીએ છીએ તેમ ઈશ્વરને દેવા માગતા નથી.”૧૩
આપણે કંઈક વિશેષ ભાવથી સાધના કરીએ છીએ. આ સાધનાની બાબતમાં આગળ જતાં યોગ્ય સમયે આપણા એ ભાવ પરિપુષ્ટ થઈને ઉન્નત તથા વિકસિત થાય છે. તેની સાથે-સાથે આપણી ચેતનાનો પણ વિકાસ થાય છે. આ ચેતનાના વિકાસની સાથે આપણી ઈશ્વર સંબંધી ધારણાઓ પણ વધુ સ્પષ્ટ અને ઉન્નત થતી જાય છે. ઈશ્વર વિકાસ સંબંધી આ ધારણા પર કેટલાક લોકો આશ્ચર્ય પામે છે. તેના જવાબમાં સ્વામીજી કહે છે: “તમને કદાચ આશ્ચર્ય થશે કે શું કંઈ દેવતા અને ઈશ્વરની ઉન્નતિ હોઈ શકે? તો એના પરથી એમ પણ કહી શકાય કે શું મનુષ્યની ઉન્નતિ થઈ શકે? …આ મનુષ્યમાં જે પ્રાકૃત મનુષ્ય રહેલો છે તે અચલ, અપરિણામી, શુદ્ધ અને સદા મુક્ત છે. જેવી રીતે આ મનુષ્ય પેલા મૂળ મનુષ્યની છાયા માત્ર જ છે તેવી જ રીતે આપણી ઈશ્વર સંબંધી ધારણાઓ પણ કેવળ આપણા મનની જ સૃષ્ટિ છે. તે પેલા પ્રાકૃત ઈશ્વરના આંશિક પ્રકાશનો આભાસ માત્ર જ છે. બધાજ આંશિક પ્રકાશોની પાછળ પ્રાકૃત ઈશ્વર રહેલો જ છે અને તે સદા મુક્ત, શુદ્ધ, અપરિણામી છે.”૧૪
ઈશ્વર અંગેની ધારણાઓને કારણે થનારા કલેશનું નિરાકરણ સ્વામીજીએ આ કેટલાક વાક્યોમાં કાયમને માટે કરી આપ્યું છે. ઈશ્વર અંગેની ધારણાઓના સ્વામીજીએ આપેલા આ સિદ્ધાંતો કોઈ વ્યક્તિ એક વખત સારી રીતે સમજી લે તો પછી તે કોઈ દિવસ કોઈનો વિરોધ પણ નહીં કરે અને કલેશ પણ નહીં કરે. કારણ કે તે સમજી જાય છે કે કોઈ પણ વ્યક્તિની કે જાતિની ઈશ્વર અંગેની ધારણાઓનો આધાર તેની માનસિક ઉન્નતિ અને ચેતનાના વિકાસ પર રહેલો હોય છે. સાથે સાથે તે એ પણ જાણે છે કે ઈશ્વર અંગેની આ ધારણા પાછળ અખંડ, અદ્ભય, સદા શુદ્ધ, અપરિણામી ઈશ્વર વિરાજમાન છે. ઈશ્વર ધારણાના રૂપમાં તેનો જ પ્રકાશ પેલી વ્યક્તિ કે જાતિમાંથી પ્રકાશાન્વિત થઈ રહ્યો છે તથા વિકાસના ક્રમમાં એક સમય એવો જરૂર આવશે કે જયારે તે વ્યક્તિ કે જાતિ ઈશ્વર અંગેની ઉચ્ચતમ ધારણાઓ પ્રકાશિત કરવાનું પૂર્ણ સામર્થ્ય પ્રાપ્ત કરશે.
નિર્ગુણ સગુણ એક જ ઈશ્વર:
ઈશ્વર અંગેની ધારણાઓ માટેના મતભેદ કે ઝઘડાઓનું એક મોટું કારણ તેના સગુણ કે નિર્ગુણ હોવા અંગેનો વિવાદ છે. તે નિરાકાર છે કે સાકાર? આવી પંચાતને કારણે લોકો પોતાનો મૂળ ધર્મ ભૂલીને પોતપોતાના રૂઢ મતોની સ્થાપના અને પ્રતિષ્ઠા ખાતર લોહી વહેવડાવતાં પણ ખચકાતા નથી. સ્વામીજીએ અસંદિગ્ધ શબ્દોમાં આ સમસ્યાનું શાશ્વત સમાધાન આપણને આપ્યું છે. “ઈશ્વરનું દાર્શનિક વિવેચન” નામક તેમના ભક્તિયોગ પરના વ્યાખ્યાનમાં સ્વામીજીએ કહ્યું છે- “ઈશ્વર કોણ છે?” – જેનાથી વિશ્વનો જન્મ, સ્થિતિ અને પ્રલય થાય છે તે જ ઈશ્વર છે. તે અનંત, શુદ્ધ, સદા મુક્ત, સર્વશક્તિમાન, સર્વત્ર પરમ કરુણામય અને ગુરુઓના પણ ગુરુ છે તથા સર્વોપરી આ ઈશ્વર અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ છે. આ બધી બાબતો નિશ્ચિંત રીતે સગુણ ઈશ્વરની જ છે. તો શું બે ઈશ્વર છે? એક સચ્ચિદાનંદ રૂપ જેને જ્ઞાનીજનો ‘નેતિ’, ‘નેતિ’ કરીને પ્રાપ્ત કરે છે અને બીજા તે ભક્તના પેલા પ્રેમમય ભગવાન? ના, પેલા સચ્ચિદાનંદ જ પ્રેમમય ભગવાન છે. તે સગુણ અને નિર્ગુણ બંને છે. એ કાયમ યાદ રાખવું જોઈએ કે ભક્ત જેની ઉપાસના કરે છે તે સગુણ ઈશ્વર પેલા બ્રહ્મથી જરાય જુદા કે પૃથક નથી તે એકમેવ અદ્વિતીય બ્રહ્મ જ બધું છે.”૧૫
સગુણ નિર્ગુણ ઈશ્વર બંને આવશ્યક:
ઘણીવાર એ પ્રશ્ન ઊભો થાય છે કે જો સગુણ-નિર્ગુણ ઈશ્વર એક જ હોય તો શા માટે એકેશ્વરવાદનો પ્રચાર કરીને બધાને ઈશ્વર સંબંધી એક જ ધારણા ન આપી શકાય? ઈશ્વરના સગુણ-નિર્ગુણ રૂપને માનનારા લોકોથી પણ ઘણીવાર આ ભૂલ થઈ જાય છે. આ ભૂલ તરફ ધ્યાન દોરતાં સ્વામીજી કહે છે- “एकं सत् विप्रा बहुधा वदन्ति”- સત્તા એક જ છે પરંતુ મુનિઓએ જુદાજુદા નામથી તેનું વર્ણન કરેલું છે. શ્રુતિમાં ઉલ્લેખાયેલ આ બાબતની જાણ હોવા છતાં આપણા પંડિતોની એવી માન્યતા છે કે આ બધા સંપ્રદાયોમાંથી એક જ સાચો છે અને બાકીના બધા ખોટા છે – ભારતના કેટલાક પંડિતોને બાદ કરતાં આ શબ્દનો ઉપયોગ હું યથાર્થ, ધાર્મિક અને જ્ઞાની વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કરી રહ્યો છું – આપણે સદા સર્વદા આ તત્ત્વને ભૂલી જઈએ છીએ. આપણે જોઈશું તો અધિકાંશ પંડિતો, લગભગ ૭૦% જેટલા એવો મત ધરાવે છે કે કાં તો અદ્વૈતવાદ સત્ય છે, નહીં તો વિશિષ્ટાદ્વૈતવાદ અથવા દ્વૈતવાદ.”૧૬
સ્વામીજી મનુષ્ય સ્વભાવના પરમ પારખુ હતા. પોતાના અનુભવે તેઓ સમજી ગયા હતા કે જુદાજુદા સ્વભાવવાળી વ્યક્તિઓને, તેમના સ્વભાવ પ્રમાણે ઈશ્વર સંબંધી જુદીજુદી ધારણાઓની જરૂરત છે. પોતાના મહાન ગુરુ શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં તેમણે આ તથ્યનો અનુભવ કર્યો હતો. તેમના જીવનનું ઉદાહરણ દેતાં તેઓ જણાવે છે- “તેમના જીવનની આલોચના કરવાથી જ આ અનેક મતોની જરૂરિયાતનો આપણને ખ્યાલ આવી જાય છે. તેઓ ગણિત જ્યોતિષના ભૂકેન્દ્રિય અને સૂર્યકેન્દ્રિય મતોની જેમ છે. સૌ પ્રથમ બાળકને જ્યારે જ્યોતિષનું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે તેને ભૂકેન્દ્રિય મત પ્રમાણે શીખવવામાં આવે છે. પરંતુ જ્યારે તે જ્યોતિષના સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વોના અભ્યાસ કરે છે ત્યારે સૂર્યકેન્દ્રિત મતનું શિક્ષણ તેને માટે આવશ્યક બની જાય છે. પહેલાં કરતાં જ્યોતિષનું તત્ત્વ હવે તે વધારે સારી રીતે સમજી શકે છે.”૧૭
(ક્રમશ:)
ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા
સંદર્ભ:
૧૨. જ્ઞાનયોગ (હિન્દી) – પાનું ૧૭૮
૧૩. જ્ઞાનયોગ (હિન્દી)- પાનું ૧૦૪-૫
૧૪. જ્ઞાનયોગ (હિન્દી)- પાનું ૧૦૫
૧૫. વિવેકાનંદ સાહિત્ય (હિન્દી)- ૪થો ખંડ – ત્રીજી આવૃત્તિ, પાનું ૯-અદ્વૈત આશ્રમ, ૫, ડેહી એન્ટાલી રોડ, કલકત્તા.
૧૬. ભારતમેં વિવેકાનંદ(હિન્દી)-છઠ્ઠી આવૃત્તિ-પાનું ૨૭૩
૧૭. ભારતમેં વિવેકાનંદ(હિન્દી)-છઠ્ઠી આવૃત્તિ-પાનું ૨૭૪
Your Content Goes Here



