(ગતાંકથી આગળ)

સવારના પ્રવચન તથા ધ્યાન પછી, સ્વામીજી ભોજન તૈયાર કરવામાં રસ દાખવતા. કેટલીક વખત તેઓ તેમાં મદદ પણ કરતા. તેમણે અમારા માટે કઢી બનાવેલ અને ભારતમાં મસાલા કેવી રીતે ખાંડવામાં આવે છે તે પણ બતાવેલું. તેઓ તંબૂમાં જમીન પર બેસી, પોતાના ખોળામાં છીછરો પથરો રાખી બેસી જતા, અને બીજા લીસા ગોળ પથ્થરથી તેઓ મસાલો એટલો ઝીણો પીસતા કે જે અમે તપેલીમાં પીસવાના નાના દસ્તાથી પણ ન પીસી શકીએ. આનાથી તે કઢી અમારા માટે તો ઘણી જ તીખી બનતી. પરંતુ સ્વામીજી તો બાજુમાં વધારાનો લાલ મરચાંનો ભૂકો લઈને ખાતા. તેઓ પોતાનું માથું પાછળ નમાવી પોતાના હાથમાં ગોળાકાર હલનચલનથી તે મોઢામાં ફેંકતા. એક વખત તેમાંથી થોડું મરચું લઈને મને આપતાં તેમણે કહ્યું “આ ખા. તેનાથી તને ફાયદો થશે. લોકો સ્વામીજીએ આપેલ ઝેર લેવા પણ રાજી થતા તેથી મેં માન્યું અને તેનું પરિણામ અતિશય કષ્ટદાયક નીવડયું. એનાથી તેમને ખૂબ રમૂજ મળેલી. બપોરે વિરામના સમયે તેઓ પૂછ્યા કરતા, “કેમ? તારી ભઠ્ઠી કેમ છે?” બીજી એક વખતે તેમણે અમારા માટે રૉક કૅન્ડી (એક પ્રકારની મીઠાઈ) બનાવેલ, અને સમજણ આપેલી કે બધા જ પ્રકારની કૅન્ડીમાં આ કૅન્ડી સૌથી શુદ્ધ છે, કેમકે તેને વધુ ને વધુ ઉકાળવાથી તેમાં રહેલી મલિનતા (અશુદ્ધિ) દૂર થઈ જાય છે.

બધાં જ જમણ આનંદદાયક તથા અનૌપચારિક હતાં, એમાં મશ્કરીઓ તથા વાર્તાઓનો તો અંત જ નહોતો. શાંતિ અલાસ્કા ગયેલી; તેનું અણઘડપણું એ એની એક આદત બની ગયેલી. તેની નિશ્ચિંતપણાની સ્થિતિ તથા રૂઢિઓ પ્રત્યેની તેની બેકાળજીથી સ્વામીજી ખુશ થતા. એક વખત નાસ્તાના સમયે સ્વામીજી તેની પાસે પહોંચ્યા અને તેની થાળીમાંથી થોડો ખોરાક લેતાં બોલ્યાં: “આપણે એક જ થાળીમાંથી ખાઈએ તે બરાબર છે; આપણે બન્ને અલગારી છીએ.” ફરી એક વાર પણ તેમણે તેને કહેલું, “તમે તો હંમેશ માટે મારા જીવનના એક ભાગરૂપ બની ગયાં છો!” અને કલ્યાણીને પણ એક વાર ટકોર કરતાં તેમણે કહેલું કે જો તે ઉચ્ચમાં ઉચ્ચ પર્વત પર રહેતી હશે તો પણ તેણે સ્વામીજીની સંભાળ લેવા નીચે આવવું જ પડશે. “સ્વામીજી, મને તે ખબર છે.” તેણે જવાબ આપેલો.

સ્વામીજીની નજરમાંથી કંઈ જ છટકી શકતું નહિ. એક જગ્યાએ મૅકસીકન કે અમેરિકન ભારતીય દ્વારા કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે સ્વામીજીએ અમને નાસ્તો કરતાં જોઈ લીધેલાં. પછીથી એક છોકરાએ પોતાને કૉફી નહોતી મળી તેની ફરિયાદ કરી એટલે સ્વામીજીએ તેની સાથે વાતચીત કરી હતી. તે છોકરાએ ભાંગી તૂટી અંગ્રેજી ભાષામાં કહ્યું, “કાળા લોકોને કૉફી ભાવે છે, ગોરા લોકોને કૉફી ભાવે છે અને લાલ લોકોને પણ કૉફી ભાવે છે.” સ્વામીજીને આમાં ખૂબ જ રમૂજ પડી. તેમણે તે છોકરાને થોડી કૉફી આપવા માટે વિનંતી કરી અને પછી આખી બપોર તેમણે તે છોકરાની વાતને જ વાગોળીને હસ્યા કર્યું.

સાંજને સમયે લાંબા રસ્તે ફરવા જવાનું થતું. આખા દિવસની પ્રવૃત્તિઓની ભવ્ય પરાકાષ્ઠા તો હતી સાંજની અગ્નિ પાસેની વાતચીત અને ત્યારબાદ ધ્યાન, વાર્તા કહ્યા બાદ તથા પ્રશ્નોના ઉત્તરો આપ્યા પછી સ્વામીજી અમને પઠન શરૂ કરતાં પહેલાં ધ્યાનમાં દૃઢતા અને નિર્ભયતા જેવા ધ્યાનવિષયો આપતા. એક સવારે તેમણે “શુદ્ધ સત્ય, સંપ, સ્વતંત્રતા” ઉપર ભાષણ આપી અમને ખૂબ જ પ્રેરણા આપી તેમજ સાંજના ધ્યાનનો વિષય હતો: “હું અખંડ સચ્ચિદાનંદ છું.”

આ રીતે ગંભીર સવાર, આનંદિત બપોર તથા ઉદાત્ત સાંજની સાથે-સાથે અમારા દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા હતા.

જ્યારે કુમારી બૅલે મને પોતાની સાથે કૅમ્પ ઈરવીંગ ખાતે ઉનાળો ગાળવા આમંત્રિત કરી ત્યારે અમે નક્કી કરેલું કે દર શનિવારે સવારે મારે સાન ફ્રાન્સિસ્કો જઈ બપોરે સંગીતના વર્ગો લેવા અને રવિવારે તેમના પ્રવચન પછી કે જે હું શૉર્ટ હેન્ડમાં લેવા પ્રયત્ન કરતી હતી, તે લઈ પાછા ફરવું. બીજા અઠવાડિયાના અંતે કોઈ કારણસર જે હું ભૂલી ગઈ છું, કુમારી બૅલ શુક્રવારે બપોરે એકલાં જ સાન ફ્રાન્સિસ્કો ગયાં અને તે પણ એવી સમજ સાથે કે હું તેમની પાછળ જવાની જ છું.

હવે જ્યારે હું દર વખતની જેમ ટ્રેઈન પકડવા તૈયાર થઈ રહી હતી ત્યાં સ્વામીજીએ કહ્યું, “તું શા માટે જાય છે?”

“મારે જવું જ જોઈએ, સ્વામીજી” મેં જવાબ આપ્યો; “મારે સંગીતના પાઠ ભણાવવાના છે” આ જવાબ આપવા માટે હંમેશાં અફસોસ થતો કેમકે ત્યાં જવા માટેની મારી ઉત્તેજના પાઠ આપવા માટે મને મળતા ડૉલરની નહોતી; પરંતુ સાચી ઉત્તેજના તો કુમારી બૅલનું પ્રવચન હતું.

સ્વામીજીએ કહ્યું, “તો જા, અને અર્ધો લાખ ડૉલર કમાઈ તે મને ભારતના મારા કામ માટે મોકલી આપજે.” તેઓ મને સીધા ચઢાણના પગથિયે લઈ જઈ રેલવેના પાટા પાસે લઈ ગયા અને મને ગાડી ચીંધી દીધી. સ્વામીજીની ગાડી ખૂબ જ ભવ્ય હતી. તેમની દૃષ્ટિ હંમેશાં આકાશ તરફ મંડાયેલી રહેતી, નીચેની તરફ ક્યારેય નહિ. કોઈએ એમના વિષે કહેલું કે તેઓ ટેલિગ્રાફના થાંભલાથી નીચે તો ક્યારેય જોતા નહિ.

જ્યારે ગાડી ધીમી પડી ત્યારે અમારી પાસેથી એક એન્જિન પસાર થયું. તેમાં રહેલા ફાયરમેન ઈજનેરને પૂછતાં મેં સાંભળ્યો “અરે! આ ‘સ્કાય-પાયલટ’ કોણ છે?” મેં આવો શબ્દ ક્યારેય સાંભળેલ નહિ. તેથી પહેલાં તો તેના અર્થ વિષે મૂંઝવણમાં પડી ગઈ. પછી હું સમજી કે તેનો અર્થ ધાર્મિક નેતા હોવો જોઈએ અને તે તો કોઈ સ્વામીજીને જે કોઈ જુએ તેના માટે એ માનવું સહજ હતું કે સ્વામીજી આવા જ કોઈ નેતા છે.

તે અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કો જવું એ મને હંમેશાં દુ:ખજનક બાબત લાગેલી કેમકે તે પછી તરત જ સ્વામીજી કૅમ્પ ઈરવીંગથી નીકળી ગયેલા. ભારતના તેમના કાર્ય માટે અર્ધો લાખ ડૉલર હજુ સુધી થયા નથી, પરંતુ બાળક જેવી એ આશા મેં ક્યારેય છોડી નથી કે કોઈપણ ચમત્કારિક રસ્તે પણ તે કાર્ય સિદ્ધ થશે જ. સ્વામી તુરીયાનંદજી ઘણી વાર કહેતા, “મા તો અશક્યને પણ શક્ય બનાવી શકે છે.”

સ્વામીજી કૅમ્પ ઈરવીંગથી ક્યારે નીકળેલા તેની કોઈ ચોક્કસ તારીખ હું જાણતી નથી પણ તેમણે લખેલા ઘણા પત્રોમાંથી જોઈ શકાય છે કે ૨૬મી મેના દિવસે તો તેઓ હજુ સાન ફ્રાન્સિસ્કોમાં જ હતા અને ત્યાં તેઓ ડૉ. એમ. એમ. લોગનને ત્યાં તેમની કાળજી નીચે રહેતા હતા અને ત્યાં તેમણે ૨૬, ૨૮, અને ૨૯મેના રોજ ‘ગીતા’ ઉપર ત્રણ પ્રવચનો આપેલાં. જૂનની ૧૭મીએ તેમણે લૉસ એન્જલસથી લખેલું, “થોડા દિવસોમાં શિકાગો જવા રવાના થાઉં છું” અને જુલાઈની ૧૧મીએ તેઓ ન્યૂયૉર્કમાં હતા.

ટૉમ ઍલન અને તેમની પત્ની ઍડીથ (અજય અને વીરજા) એ બંને મારા ખૂબ જ જૂના મિત્રો છે અને તે લોકોએ મને ઘણી વાર તેમની સ્વામીજીની પોતા પર પડેલી પહેલી છાપ, પોતાના સ્વામીજી સાથેના અનુભવો અને તેમની પાસેથી મળેલા ઘણા-ઘણા લાભ વિષે કહ્યું છે. જ્યારે ઈ.સ. ૧૯૦૦માં સ્વામીજી ઑકલેન્ડ આવ્યા ત્યારે ઍડીથ ખૂબ જ માંદી હતી અને ટૉમ એકલો જ છાપામાં આવેલી પ્રવચનની જાહેર ખબર વાંચી તે હિંદુ સંન્યાસીને સાંભળવા ગયેલો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે ખૂબ જ આનંદના આવેશમાં આવી જઈ પોતાના ઉત્સાહને કાબૂમાં રાખી શકતો નહોતો. તેણે કહ્યું, “હું એવી વ્યક્તિને મળ્યો છું કે જે માનવી નથી પણ તે ઈશ્વર જ છે! અને તે ‘સત્ય’ બોલ્યા છે!” ઍડીથે તેને આટલી અસરમાં આવી જાય તેવું શું સાંભળ્યું તે પોતાને કહેવા કહ્યું અને ખૂબ જ ચકિત કરી દે તેવા બે વિચારો આ હતા: સારું નરસું એ બંને એક જ સિક્કાની બે બાજુ છે; અને એક વિના તમે બીજાને મેળવી શકો નહિ. અમને ‘સત્ય ગૃહ’માં શિખવવામાં આવેલું કે બધું સારું જ છે; કંઈ ખરાબ છે જ નહિ. ટૉમ ઉપર ઊંડી છાપ મૂકે તેવો બીજો વિચાર એ હતો કે ગાય ક્યારેય જૂઠું બોલી શકી નથી જ્યારે માણસ બોલે છે. પરંતુ ગાય હંમેશાં ગાય છે, જ્યારે માણસ દિવ્ય બની શકે છે!

ટૉમે તો તરત જ સ્વામીજીનાં પ્રવચનો દરમિયાન દ્વારપાળ તરીકેની સેવા બજાવવી શરૂ કરી દીધી અને ઍડીથ જેવી સાજી થઈ કે તરત જ તેમનાં પ્રવચનોમાં જવા માંડી. એક વાર જ્યારે ટૉમે સ્વામીજીના પ્રવચનમાં એકઠું થયેલું ભંડોળ ગણી રહ્યો હતો અને ઍડીથ દરવાજા પાસે તેના આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે સ્વામીજીએ તેને જોઈ અને બોલાવી, “બહેન, અહીં આવો.” તે ત્યાં જતાં સ્વામીજીએ કહ્યું, “તમે જો મને ખાનગીમાં મળવા માગતાં હો તો મારા ફલૅટ પર આવો. ત્યાં કાંઈ પૈસા લેવામાં નહિ આવે, બધું જ મફત છે.”

“હું ક્યારે આવું?” તેણે પૂછ્યું.

“આવતી કાલે સવારે નવ વાગે.”

બીજે દિવસે સવારે તે ત્યાં પહોંચી ગઈ અને ઝરૂખા બારી પાસેની એક બાજુએ બેઠી. સ્વામીજી પઠન કરતાં-કરતાં આવી તે બારીની બીજી બાજુએ બેઠા. “અચ્છા બહેન”, તેમણે કહ્યું. ઍડીથ એટલી બધી લાગણીવશ થઈ ગઈ કે કે તે કંઈ જ બોલી શકી નહિ અને લાંબા સમય સુધી રડવાનું પણ બંધ કરી શકી નહિ. પછી સ્વામીજીએ કહ્યું, “આ જ સમયે આવતી કાલે સવારે આવજે.” આધ્યાત્મિક માર્ગદર્શન માટે તે તેમની પાસે ઘણી વખત ગઈ. સ્વામીજીએ તેને સાદી પ્રાણાયામની સાધના કરવા કહ્યું અને તે પણ પોતાની હાજરીમાં જ. સ્વામીજીએ તેને કહ્યું કે તેમની દૃષ્ટિએ તે વખતે પશ્ચિમમાં આવેલા ‘સત્ય-ગૃહ’નું કાર્ય ઉત્તમ ગણી શકાય; તેમજ તેમણે તે હકીકતની પ્રશંસા પણ કરી કે ત્યાંના કાર્યકરો બીજાની જેમ આધ્યાત્મિક મદદ માટે કંઈ જ પૈસા લેતા નથી.

એક વખત સ્વામીજીએ કહ્યું, “હું એક એવા માણસનો શિષ્ય છું જે પોતાનું નામ પણ લખી શકતા નહિ, પરંતુ તેમના જોડા કાઢવા માટે પણ હું લાયક નથી. કેટલીય વાર મેં એવું ઇચ્છ્યું છે હું આ બુદ્ધિને ગંગામાં ફેંકી દઉં.” “પણ સ્વામીજી”, એક બહેને વિરોધ કરતાં કહ્યું, “અમને તમારામાં તમારી બુદ્ધિ જ ખૂબ ગમે છે.” “એટલે જ તમે પણ મારી જેમ મૂર્ખ જ છો.” સ્વામીજીએ જવાબ આપ્યો.

વર્ગોની છેલ્લી સભાના અંતે જ્યારે ઍડીથ શાંતિથી જઈ રહી હતી ત્યારે સ્વામીજીએ બૂમ પાડી, “બહેન, તમે પાછાં આવો. અંદર જમવાના ઓરડામાં જઈ બેસી જાઓ.” જ્યારે તેમણે બધાંને વળાવવાનું પૂરું કર્યું ત્યારપછી અંદર જઈ તેને રોકાવા કહ્યું. પછી પોતે રસોઈ બનાવવી શરૂ કરી અને ઍડીથને બટાટા, ડુંગળી ફોલવા આપ્યાં. રસોઈ કરતાં-કરતાં પોતે ‘ગીતા’ના શ્લોકો બોલી રહ્યા હતા અને એક વખત અટકી તેમણે અઢારમાં અધ્યાયનો એકસઠમો શ્લોક અંગ્રેજીમાં કહ્યો: “ઈશ્વર બધાં જ પ્રાણીઓના હૃદયમાં બિરાજે છે. તેઓ માયાના ચક્રમાં તેને (જીવને) ગોળગોળ ઘુમાવ્યા કરે છે.” પછી તેમણે કહ્યું: “તમે જુઓ છો, બહેન! તેણે (ઈશ્વરે) આપણને ચક્રમાં ચડાવ્યા છે. આપણે શું કરી શકીએ?”

(ક્રમશ:)

ભાષાંતર: કુ. સીમા માંડવિયા

Total Views: 131
By Published On: March 1, 1994Categories: Ida Ansell0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram