એ સમજવું અતિશય કઠણ થઈ પડે છે કે આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે શા માટે આટલો બધો ભેદ પાડવામાં આવે છે. વેદાંત તો એવી ઘોષણા કરે છે કે પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલો છે. તમે હંમેશાં સ્ત્રીઓની ટીકા કર્યા કરો છો. પણ તમે તેમની ઉન્નતિને માટે શું કર્યું છે તે કહેશો? સ્મૃતિઓ વગેરે લખીને અને કડક નિયમોના બંધનમાં નાખીને પુરુષોએ સ્ત્રીઓને માત્ર પ્રજોત્પત્તિના યંત્રો જેવી બનાવી મૂકી છે! જગન્માતાની પ્રતિમૂર્તિ સમી સ્ત્રીઓની ઉન્નતિ જો તમે નહીં કરો તો એમ ધારતા નહીં કે તમારા ઉદ્ધારનો બીજો કોઈ રસ્તો છે! . . .
તમને ક્યા શાસ્ત્રમાં એવી હકીકત મળે છે કે સ્ત્રીઓ જ્ઞાન અને ભક્તિની અધિકારી નથી? અધઃ પતનના કાળમાં જ્યારે પુરોહિતોએ બીજા વર્ણોને વેદના અભ્યાસ કરવાના અધિકારમાંથી બાતલ કર્યા ત્યારે તેમણે સ્ત્રીઓને પણ તેમના સર્વે અધિકારોથી વંચિત કરી. નહિતર તમને જણાશે કે વૈદિક કે ઉપનિષદોના કાળમાં મૈત્રેયી, ગાર્ગી અને અન્ય પ્રાતઃ સ્મરણીય મહિલાઓએ બ્રહ્મચર્ચામાં પોતાની વિદ્વતા દર્શાવીને ઋષિપદ પ્રાપ્ત કરેલું છે. વેદોમાં પારંગત એવા હજાર બ્રાહ્મણોની સભામાં ગાર્ગીએ બ્રહ્મ વિશેના પરિસંવાદમાં યાજ્ઞવલ્કયને હિંમતથી આહ્વાન ફેંક્યું હતું. જો એવી આદર્શ નારીઓને બ્રહ્મવિદ્યામાં ત્યારે અધિકાર હતો તો પછી એ જ અધિકાર સ્ત્રીઓને અત્યારે શા માટે નહીં? જે બાબત એકવાર બની હોય તે ચોક્કસ ફરી વાર બને જ. ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે જ છે. બધી પ્રજાઓએ સ્ત્રીઓ પ્રત્યે યોગ્ય સન્માનની ભાવના રાખીને જ મહત્તા મેળવી છે. જે દેશ અને જે પ્રજાએ પોતાની સ્ત્રીઓનું સન્માન જાળવ્યું નથી તે કદી મહાન થઈ નથી કે ભવિષ્યમાં થવાની નથી. તમારી હિંદુ જાતિ શા માટે આટલી બધી નીચે પડી ગઈ? તેનું મુખ્ય કારણ એ છે કે મહાશક્તિની આ જીવંત પ્રતિમાઓ પ્રત્યે તમને માનની લાગણી જ નથી. મનુ કહે છે ‘જ્યાં સ્ત્રીઓનું સન્માન હોય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન રહે છે. અને જ્યાં સ્ત્રીઓ સન્માનિત નથી ત્યાં સર્વ કાર્યો અને પ્રયત્નો નિષ્ફળ જાય છે.’ જે કુટુંબમાં કે જે દેશમાં સ્ત્રીઓની કશી કિંમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વીતાવે છે, તે પરિવાર કે તે દેશની ઉન્નતિની કશી આશા નથી. એ કારણસર પ્રથમ તેમની ઉન્નતિ કરવાની છે; અને તેમને માટે એક આદર્શ મઠની સ્થાપના કરવાની છે.
– સ્વામી વિવેકાનંદ
(‘ભારતીય નારી’, છઠ્ઠું સંસ્કરણ, ૧૯૯૧, શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પૃ. ૨૯થી ૩૧)
Your Content Goes Here



