કલકત્તાના માર્ગ પર ઘોડાગાડી દોડી રહી છે. અંદર બેઠા છે શ્રીરામકૃષ્ણદેવ. સાથે છે – રાણી રાસમણિના જમાઈ શ્રી મથુરનાથ વિશ્વાસ. અચાનક ઘોડાઓ થંભી ગયા અને નીચે બેસી ગયા. અકસ્માત સર્જાતા રહી ગયો. ગાડીવાન બેબાકળો બની ગયો. મથુરબાબુ પણ ગભરાઈ ગયા. “બાપુ, હવે શું થાશે?” આમ કહી તેઓ શ્રીરામકૃષ્ણ તરફ વળ્યા. પણ જોયું તો શ્રીરામકૃષ્ણદેવ ઊંડી ભાવસમાધિમાં મગ્ન છે! ત્યારે કોણ કોની વાત સાંભળે? મથુરબાબુનો તો શ્વાસ અદ્ધર થઈ ગયો. થોડીવાર પછી ઘોડા પાછા પહેલાંની માફક રસ્તા પર ધીમે ધીમે દોડવા માંડ્યા. ત્યારે મથુરબાબુને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “જાણો છો? મેં શું જોયું? ભાવાવસ્થામાં હું સીતા સાથે એકરૂપ થઈ ગયો. જોયું કે રાવણ સીતાને રથમાં બેસાડીને ભગાડીને લઈ જઈ રહ્યો છે. અને જટાયુ રથ રોકી રહ્યો છે.” અદ્ભુત! ભાવાવસ્થાની ઘટનાની અસર બાહ્ય ઘટનાઓ પર પડે તેની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવતો આ વિરલ પ્રસંગ છે.
શ્રીરામકૃષ્ણદેવનું જીવન એટલે અસંખ્ય ભાવાવસ્થાઓની અમર કહાની. શ્રીરામકૃષ્ણદેવ જાણે કેટકેટલીય ભાવાવસ્થાના વિશાળ સાગર. બાળપણમાં ઈશ્વરના ભાવાવેશમાં વિભિન્ન ભાવોથી મત્ત બની જતા. પછી ૧૨ વર્ષની સાધનાના ગાળામાં વિભિન્ન સાધાનાઓમાં વિભિન્ન દેવ-દેવીઓનાં દર્શનોમાં અને અનુભૂતિઓમાં જાણે નિમગ્ન બની ગયા અને છેલ્લાં ૧૨ વર્ષ લોકકલ્યાણાર્થે દિવ્યભાવમાં આરૂઢ થયા. આમ સદા તેઓ ભાવોન્મત્ત રહેતા. પણ આ સાધારણ ઉન્માદ નહોતો, દિવ્ય ઉન્માદ હતો. શ્રીરામકૃષ્ણ કહેતા- “શું ચૈતન્ય પર ધ્યાન કરવાથી કોઈ અચૈતન્ય થાય? “જ્ઞાનમય ભાવોના સમુદ્રરૂપ શ્રીરામકૃષ્ણને ઉદ્દેશીને સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ની પાંચમી પંક્તિમાં કહે છે:
‘ભાસ્વર ભાવ સાગ૨, ચિર-ઉન્મદ પ્રેમપાથાર’
“તમે જ્ઞાનમય ભાવસમુદ્ર છો, સદા ઉન્મત્ત પ્રેમના વારિધિરૂપ છો.”
જેઠ કે અષાઢ માસની વાત. ગદાધરની ઉંમર ત્યારે છ કે સાત વર્ષની. કામારપુકુરના એ રમ્ય ગ્રામના ખેતરના પાળા ઉ૫૨થી, હાથની છાબડીમાંથી મમરા ખાતો ખાતો ગદાધર જઈ રહ્યો છે. આકાશમાં તેને દેખાય છે એક સુંદર જળભર્યું કાળું વાદળું. ત્યાં જ હારબંધ સફેદ દૂધ જેવા બગલા ત્યાંથી પસાર થાય છે. એક અજબનું વાતાવરણ જામી ગયું! આમ જોતાં જોતાં અપૂર્વ ભાવમાં તન્મય થઈ જવાથી ગદાધર બેભાન બની ઢળી પડ્યો…મમરા બધા વેરવિખેર થઈ ગયા. લોકો ટીંગાટોળી કરી તેને ઘરે લઈ ગયા. આ હતી શ્રીરામકૃષ્ણદેવની પ્રથમ ભાવસમાધિ.
કામારપુકુરથી એક કોસ દૂર આનૂડ ગ્રામમાં આવેલ વિશાલાક્ષીદેવીના મંદિરના દર્શન માટે કામારપુકુરથી કેટલીક સ્ત્રીઓ જઈ રહી છે. ૮ વર્ષના ગદાધરે હઠ કરી એટલે તેને પણ સાથે લીધો છે. વિશાલાક્ષીદેવીનું માહાત્મ્ય કીર્તન કરતાં કરતાં ખેતર વટાવતાં પહેલાં જ ગદાધર ગાતાં ગાતાં થંભી ગયો, એના અંગ-પ્રત્યંગો અવશ અક્કડ થઈ ગયાં, આંખોમાંથી અવિરત આંસુની ધાર વહેવા લાગી. આંખે માથે પાણી છાંટવાથી પણ બાળ ગદાધરને હોંશમાં ન આવતો જોઈને બધી સ્ત્રીઓ ચિંતામાં પડી ગઈ. પ્રસન્નમયી (કામારપુકુરના જમીનદાર ધર્મદાસ લાહાની વિધવા પુત્રી) ગદાધરને ખૂબ વહાલ કરતી અને તેનામાં ભગવદ્ બુદ્ધિ રાખતી. અચાનક એના મનમાં ઝબકારો થયો કે આ સરળ મનના શ્રદ્ધાવાન બાળકમાં દેવી તો નથી આવ્યાંને? હવે બધી સ્ત્રીઓ મળીને પ્રસન્નમયીના કહેવાથી મા મા વિશાલાક્ષીદેવીનું નામ સંકીર્તન કરવા લાગી અને ગદાધરને સંબોધીને કહેવા લાગી, “મા, વિશાલાક્ષી, પ્રસન્ન થાઓ, મા રક્ષા કરો” આશ્ચર્ય! આમ કરતાં થોડી જ વા૨માં ગદાધરનું મુખમંડળ સુમધુર હાસ્યથી ખીલી ઊઠ્યું.
શિવરાત્રીની વાત. કામારપુકુરના સીતાનાથ પાઈને પોતાના ઘરે પાસેના ગ્રામની મંડળીના નાટકનો બંદોબસ્ત કર્યો છે, જેથી ગ્રામવાસીઓ વ્રત જાગરણનું આનંદથી પાલન કરી શકે. પણ સાંજના સમાચાર મળ્યા કે જે છોકરો શિવનો પાઠ ભજવવાનો હતો તે બીમાર પડી ગયો છે તેથી નાટક નહિ થઈ શકે. લોકો નિરાશ થઈ ગયા. કેટલાકને વિચાર આવ્યો કે ગદાઈ (ગદાધર) તો શિવ-પૂજામાં મગ્ન રહે છે, શિવસ્તોત્રો ગાય છે. તેને આ પાઠ ભજવવા આપ્યો હોય તો? નાટક મંડળીવાળા રાજી થઈ ગયા. સહુના આગ્રહથી ગદાઈ પણ સંમત થયો. રાત્રે નાટક શરૂ થયું. ગદાઈ જ્યારે મંચમાં હાજર થયો ત્યારે લોકો તેનો જટાજૂટવાળો વિભૂતિથી શોભતો વેશ જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. પણ ગદાઈ શિવના ઊંડા ચિંતનમાં મગ્ન થઈ ભાવાવાશેમાં આવી બેભાન થઈ ગયો. કહેવાય છે કે ત્રણ દિવસ સુધી ગદાઈ આમ ભાવાવસ્થામાં રહેલો. આમ નાનપણથી જ શ્રીરામકૃષ્ણદેવ ભાવસાગરમાં મગ્ન રહેતા.
કલકત્તાના દક્ષિણેશ્વર મંદિરમાં શ્રીરામકૃષ્ણ મા ભવતારિણીની પૂજા કરી રહ્યા છે. જેમ જેમ દિવસો જાય છે, માનાં દર્શન માટેની વ્યાકુળતા વધતી જાય છે. “મા, તું ચિન્મયી છો કે મૃણ્યમયી? જો ચિન્મયી હોય તો હું તને કેવળ મૃણ્યમયી (માટીની મૂર્તિ) રૂપે કેમ જોઉં છું? મા, તેં રામપ્રસાદને, કમલાકાન્તને દર્શન આપ્યાં તો મને કેમ નથી આપતી?” આવી પ્રાર્થના કરતાં કરતાં શ્રીરામકૃષ્ણ વ્યાકુળ થઈ જાય છે. એક દિવસે તો આ વ્યાકુળતા એવી વધી ગઈ કે પૂજા કરતી વખતે “માનાં દર્શન ન થયાં તો હવે જિંદગીની શી જરૂર?” આમ વિચારી પોતાને મારવા માટે માના મંદિરમાં લટકાવેલ ખડગ હાથમાં લઈ લીધું. બસ ત્યારે જ માના અદ્ભુત દર્શન થયાં અને બેહોશ થઈને ઢળી પડ્યા. આ દર્શનનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવે કહેલું, “ઘર-બાર કે મંદિર બધુંયે જાણે કે ક્યાંયે અલોપ થઈ ગયું. ક્યાંય જાણે બીજું કશું છે જ નહિ! અને જોઉં છું કે એક અસીમ અનંત ચૈતન્યજ્યોતિનો વિશાળ સમુદ્ર! જે કોઈ દિશામાં જેટલે દૂર લગી નજર નાખું છું તો ચારે દિશાઓથી એના હારબંધ ઉજ્જવળ તરંગો ઘૂઘવતા ઘૂઘવતા ગ્રસી લેવા માટે મહાવેગે ધસી રહેલા છે! જોતજોતામાં તો એ મારી ઉપર ફરી વળ્યા અને કોણ જાણે ક્યાંયે તદ્દન ડુબાડી દીધો! હાંફતો હાંફતો ડૂબકાં ખાતો ભાન ગુમાવીને પડી ગયો!’ આ હતું શ્રીરામકૃષ્ણદેવનું ચૈતન્યમય ભાવોના સાગરમાં પ્રથમ ડૂબવું. પછી તો ભાવદર્શનોની વણઝાર ચાલી, તેઓ પોતે જ ભાવોના સાગ૨રૂપ બની ગયા.
દાસ્યભાવની સાધના કરતી વખતે તેઓ પોતાનામાં હનુમાનનું આરોપણ કરતા. આહાર-વિહાર બધો હનુમાનની માફક કરતા. ઝાડ ઉ૫૨ જ ઘણો વખત રહેતા, ‘રઘુવીર’ ‘રઘુવી૨’ એમ ગંભીર સ્વરે કિકિયારી કરતા. આ ભાવમાં એટલા તન્મય થઈ ગયા કે તેઓ કહેતા કે તેમનો કરોડનો છેલ્લો ભાગ ત્યારે લગભગ એક ઈંચ વધી ગયેલો (જાણે કે પૂંછડી આવી હોય!) આ સાધના પૂરી કર્યા બાદ ફરી કરોડનો ભાગ પહેલા જેવો પોતાની મેળે થઈ ગયો. આ કાળે તેમને પંચવટી તળે નરી આંખે સીતામાતાનાં અદ્ભુત દર્શન થયાં. તેઓ સીતામાતાને પગે લાગવા ગયા ત્યાં તો તેઓ વીજળીવેગે શ્રીરામકૃષ્ણદેવના શરીરમાં પ્રવેશી ગયાં. આનંદ અને વિસ્મયથી શ્રીરામકૃષ્ણદેવ બાહ્ય જ્ઞાન ગુમાવી બેઠા.
વાત્સલ્યભાવની સાધના વખતે શ્રીરામકૃષ્ણદેવે જટાધારી નામના રામાયત સાધુ પાસેથી રામમંત્રની દીક્ષા લીધી અને તેમની પાસે રહેલા રામલાલા (બાળ રામચંદ્રની અષ્ટધાતુની મૂર્તિ)ની પૂજા કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં શ્રીરામચંદ્રની બાલગોપાલ મૂર્તિનાં દિવ્યદર્શન હ૨૫ળે કરવા માટે તેઓ સમર્થ બન્યા. વાત્સલ્યભાવની સહાયથી એ દિવ્યસ્વરૂપના સતત ધ્યાનમાં નીચેના હિન્દી દોહાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો –
જો રામ દશરથ કા બેટા, વો હી રામ ઘટઘટમેં લેટા।
વો હી રામ જગત પસેરા, વો હી રામ સબ સે ન્યારા।।
“શ્રીરામચંદ્ર કેવળ દશરથના પુત્ર જ નથી, પરંતુ પ્રત્યેક શરીરનો આશ્રય કરીને જીવભાવે પ્રગટી રહેલા છે અને વળી એ રીતે અંતરમાં પ્રવેશીને જગતરૂપે નિત્યપ્રકાશિત બનીને રહ્યા હોવા છતાં તેઓ જગતના તમામ પદાર્થોથી નિરાળા, માયારહિત નિર્ગુણ સ્વરૂપે હંમેશાં રહેલા છે.”
શ્રીરામકૃષ્ણદેવમાં સ્ત્રી અને પુરુષ બન્ને ભાવોનો અદ્ભુત સમાવેશ હતો. મથુર ભાવની સાધના વખતે તેઓ પોતાનામાં રાધારાણીનું આરોપણ કરતા. ત્યારે તેઓ સ્ત્રીનો વેશ ધારણ કરતા. છ માસ સુધી તેમનું હલનચલન, હસવું, બોલવું, કટાક્ષ, અંગમરોડ, શરીર-મનની એકએક ચેષ્ટા – બધું નારી સુલભ બની ઊઠેલું. આ ભાવમાં તેઓ એવા તન્મય થયેલા કે તેમના શરીરમાં પણ નારીનાં બધાં લક્ષણો પ્રગટ થયેલાં! શ્રીમતી રાધારાણીની કૃપા વગર શ્રીકૃષ્ણનાં દર્શન પામવાં અશક્ય છે એમ જાણીને તેઓ તેમની પ્રેમઘનમૂર્તિનાં સ્મરણ, મનન તથા ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતાં. આ પછી તેમને રાધારાણીનાં દર્શન થયાં અને દરેક દર્શનની જેમ આ વખતે પણ તેમની મૂર્તિ શ્રીરામકૃષ્ણદેવના દેહમાં સમાઈ ગઈ! શ્રીકૃષ્ણના વિરહમાં હવે તેઓ એટલા વ્યાકુળ રહેતા કે એમના શરીરનાં રૂવાડાંનાં છિદ્રોમાંથી ઘણીવાર ટીપેટીપે લોહી ટપકતું, શરીરના સાંધાઓ લગભગ ભાંગી જ ગયા હોય તેવા ઢીલા ઢીલા જણાતા અને હૃદયની અપાર યંત્રણાને લીધે ઈન્દ્રિયો પોતપોતાનાં કાર્યો કરતી સાવ અટકી પડવાથી દેહ ક્યારેક ક્યારેક મડદા જેવો નિશ્ચેષ્ટ અને ભાનરહિત બનીને પડ્યો રહેતો. આ મહાભાવનો ઉલ્લેખ કરીને શ્રીરામકૃષ્ણદેવે કહેલું, “ઓગણીસ પ્રકારના ભાવો એક આધારે પ્રગટ થાય તેને મહાભાવ કહેવાય, એવી વાત ભક્તિશાસ્ત્રમાં છે. સાધના કરીને એક એક ભાવમાં સિદ્ધ થવામાંયે લોકોની જિંદગી પૂરી થઈ જાય! અહીંયા (પોતાનું શરીર દેખાડીને) એક આધારે એકીસાથે એ જાતના ઓગણીસે ભાવોનો પૂર્ણ આવિર્ભાવ.” આ મહાભાવની ચરમ સીમાએ તેમને શ્રીકૃષ્ણનાં પાવન દર્શન થયાં. શ્રીકૃષ્ણની મૂર્તિ પણ તેમના શ્રીઅંગમાં ભળી ગઈ. ભૈરવી બ્રાહ્મણી પાસેથી ચોસઠ તંત્રોની સાધના કરતી વખતે તેમને કેટલાય અદ્ભુત અનુભવો થયા.
પદ્મલોચન વગેરે પંડિતોએ શ્રીરામકૃષ્ણદેવના અદ્ભુત આધ્યાત્મિક અનુભવો વિશે સાંભળી કહેલું, “આપની ઉપલબ્ધિઓ તો વેદપુરાણને ઓળંગી જઈને ઘણી આગળ નીકળી ગયેલ છે!”
પુરાણોમાં લખેલું છે કે વારાણસીમાં મૃત્યુ થવાથી મુક્તિ પ્રાપ્તિ થાય છે પણ કેવી રીતે, તેનું વર્ણન મળતું નથી. શ્રીરામકૃષ્ણદેવ જ્યારે વારાણસી તીર્થદર્શન માટે ગયા હતા ત્યારે તેમને મણિકર્ણિકા ઘાટ પાસે નાવમાં બેઠાં બેઠાં દિવ્ય દર્શન પ્રાપ્ત થયાં. એ અદ્ભુત દર્શનની વાત કરતાં શ્રીરામકૃષ્ણદેવે મથુરબાબુને કહ્યું “દીઠું કે પિંગળા વર્ણની જટા ધરાવતા દીર્ઘાકૃતિવાળા એક શ્વેતકાય પુરુષ ગંભીરગતિથી ડગલાં ભરતા સ્મશાનની પ્રત્યેક ચિતાની બાજુમાં આગમન કરે છે અને પ્રત્યેક દેહીને સંભાળપૂર્વક ઊંચકીને તેના કાનમાં તા૨ક- બ્રહ્મમંત્ર પ્રદાન કરે છે! સર્વશક્તિમયી શ્રીજગદંબા પણ સ્વયં મહાકાલીરૂપે જીવની બીજી બાજુએ એ જ ચિતાની ઉપર બેસીને તેનાં સ્થૂલ, સૂક્ષ્મ, કારણ વગેરે બધા પ્રકારનાં સંસ્કારબંધનો છોડી રહેલી છે અને નિર્વાણનાં દ્વાર ખોલી દઈને સ્વહસ્તે તેને અખંડના ઘરે મોકલી રહી છે.”
કાશીમાં શ્રીરામકૃષ્ણદેવને અનેક દિવ્ય દર્શનો પ્રાપ્ત થયાં, તેવી જ રીતે વૃંદાવનમાં પણ તેમને અનેક અદ્ભુત દર્શનો થયાં. બાંકેબિહારીની મૂર્તિનાં દર્શન કરીને ત્યાં તેમને અદ્ભુત ભાવાવેશ થયો, સુધબુધ ભૂલી જઈને તેમને આલિંગન કરવા દોડી ગયા! ધ્રુવઘાટ ૫૨ તેમને વસુદેવ જમુના પાર કરી રહ્યા છે તેવાં દર્શન થયા.
આવાં અસંખ્ય દર્શનો શ્રીરામકૃષ્ણદેવને ક્યારેક ભાવાવસ્થામાં અને ક્યારેક તો નરી આંખે થતાં! આધુનિક માનવ આ બધા ૫૨ વિશ્વાસ કરશે? આપણું મન સંશયાત્મક છે તેથી આ બધું માન્યામાં ન આવે, એ સ્વાભાવિક છે. આપણા વતી નરેન્દ્રનાથે (સ્વામી વિવેકાનંદજીએ) તો શ્રીરામકૃષ્ણદેવને કહી પણ નાખ્યું, “મહાશય, આ બધાં દર્શનો આપનો ભ્રમ છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે કે વ્યક્તિ જેવા વિચારો અચેતન મનમાં કરે તેવાં જ દર્શનો થાય.” શ્રીરામકૃષ્ણદેવ વ્યાકુળ થઈ જગન્માતા પાસે રડીને કહેવા લાગ્યાં, “તો મા, શું તેં મને છેતર્યો? શું આ બધું મિથ્યા છે?” જગન્માતાએ આશ્વાસન આપ્યું કે આ બધાં દર્શનો સત્ય છે ત્યારે જ તેઓ નિશ્ચિંત થયા. તેમ છતાં લોકો તેમનાં દર્શનો વિશે સંશય સેવતા ત્યારે તેઓ ચિંતિત થતા. એકવાર તેઓ દક્ષિણેશ્વરમાં નૌબતખાનાની સામે બેઠા હતા ત્યારે તેમણે મનોમન કહ્યું, “જો આ સામેનો મોટો પથ્થર ત્રણ વાર પોતાની મેળે ઉછળે તો જ હું માનીશ કે મારાં દર્શનો મિથ્યા નથી.” આશ્ચર્ય! ખરેખર એ મોટો પથ્થ૨ ત્રણવાર પોતાની મેળે ઉછળ્યો!
હલધારી (શ્રીરામકૃષ્ણદેવના કાકાના દીકરા શ્રી રામતા૨ક ચટ્ટોપાધ્યાય) શ્રીરામકૃષ્ણદેવનાં આ દર્શનો વિશે સંદેહ સેવતા અને ક્યારેક તર્ક દ્વારા આ બધું મિથ્યા છે એમ પુરવાર કરવાનો પ્રયત્ન કરતા. એક દિવસ કુઠી (બાબુઓના બંગલા)માં શ્રીરામકૃષ્ણદેવ વ્યાકુળ થઈને રડવા લાગ્યા અને જગન્માતાને કહેવા લાગ્યા, “મા હું, અભણ મૂરખ એટલે મને આવી રીતે છેતરવાનો હોય!” થોડી વાર પછી તેમણે જોયું કે અચાનક ફ૨સમાંથી ધુમ્મસના જેવો ધુમાડો નીકળીને સામેની થોડીક જગ્યામાં છવાઈ ગયો! એની અંદર હતું – છાતી સુધીની – લાંબી દાઢીવાળું એક ગૌરવર્ણું જીવંત સૌમ્ય મુખ! એ મૂર્તિએ શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, “અરે, તું ભાવમુખે રહે, ભાવમુખે રહે, ભાવમુખે રહે!” શ્રીરામકૃષ્ણદેવ શાંત થયા. ફરી એક વાર આવો સંદેહ થવાથી તેમણે જગન્માતાની પૂજા કરતી વખતે આ સંશયના નિરાકરણની જીદ ધરી, ત્યારે મા ‘રતિની મા’ નામની એક સ્ત્રીના વેશે ઘટની બાજુમાં પ્રગટ થઈને બોલેલાં, “તું ભાવમુખે રહે!” તોતાપુરી પાસેથી વેદાંતની સાધના કર્યા પછી શ્રીરામકૃષ્ણદેવ છ માસ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. ત્યારે પણ એ સાધનાના અંતે તેમણે જગન્માતાની અશરીરી વાણી સાંભળી, “તું ભાવમુખે રહે!”
શ્રીરામકૃષ્ણદેવનું મન સદા ઉચ્ચતમ ભાવાવસ્થામાં અવસ્થિત રહેતું, આશ્ચર્ય! જે અવસ્થામાં પહેાંચવા માટે સાધકોને આજીવન પરિશ્રમ કરવો પડે છે, તે અવસ્થામાં શ્રીરામકૃષ્ણદેવનું મન સદા રહેતું, અત્યંત પરિશ્રમ દ્વારા તેમને આ મન સાધારણ અવસ્થામાં લાવવું પડતું જેથી જીવનવ્યવહાર ચાલી શકે. એક સાધારણ ઘટના – સાધારણ ઉદ્દીપન – તેમના મનને સમાધિ અવસ્થામાં આરૂઢ કરી દેતું. એક વાર કલકત્તામાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહ જોવા ગયા પણ સિંહ તો મા દુર્ગાનું વાહન છે, આમ વિચારતાં માના ધ્યાનમાં નિમગ્ન બની ગયા, સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા. સિંહના દર્શન તેઓ કરી ન શક્યા. કલકત્તામાં ‘મેદાન’માં એક વૃક્ષ તળે એક યુરોપિયન છોકરાને ત્રિભંગ મુદ્રામાં જોયો, તેમને શ્રીકૃષ્ણના ભાવનું ઉદ્દીપન થયું, સમાધિમાં ચાલ્યા ગયા. એક વેશ્યાને નીલરંગની સાડી પહેરીને જતી જોઈ, તેમને લાગ્યું જાણે સીતા રાવણના સકંજામાંથી છૂટીને રામને મળવા જઈ રહી છે. સીતાના ભાવથી વિહ્વળ થઈ તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. દક્ષિણેશ્વરમાં મા કાલીની પૂજા કરતી વખતે જોયું કે રમણી નામની વેશ્યા જઈ રહી છે તેમાં પણ તેમને જગન્માતાનાં દર્શન થયાં. “ઓહ મા, આજે તું રમણીનું રૂપ ધરી આવી છો. ભલે તો આજે આ રૂપમાં પૂજા સ્વીકાર કર.” આમ કહી માના ચિંતનમાં નિમગ્ન થઈ સમાધિમાં ચાલ્યા ગયા. સંગીત સાંભળતાં જ, માના નામનું ભજન સાંભળતાં જ તેઓ સમાધિ અવસ્થામાં ચાલ્યા જતા. કીર્તન સાંભળતાં જ દિવ્ય આવેશમાં તેઓ ભાવોન્મત્ત થઈ નૃત્ય કરવા લાગતા. શ્રીરામકૃષ્ણદેવના કૅમેરા દ્વારા લીધેલ ચાર ફોટાઓ ઉપલબ્ધ છે. ચારે વખતે તેઓ સમાધિ અવસ્થામાં હતા.
શ્રીરામકૃષ્ણદેવના અનુભવો આધુનિક મનોવિજ્ઞાનને શોધકાર્ય માટે ઘણી સામગ્રી આપી શકે તેમ છે. એક વાર ગંગા કાંઠે તેઓ ઊભા હતા ત્યારે દૂર ગંગા ૫૨ એક નાવમાં બે નાવિકોને તેમણે ઝઘડતા જોયા. એક નાવિકે બીજા નાવિકની પીઠ પર ધબ્બો માર્યો. શ્રીરામકૃષ્ણદેવ ત્યારે અદ્વૈતભાવમાં હતા. તેમણે ચીસ પાડી. તેમનો સેવક (ભાણેજ) હૃદય દોડતો આવ્યો. જોયું તો શ્રીરામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ છે. “મામા, કોણે તમને માર્યું? જલદી બતાવો, તેને મજા ચખાડું.” શ્રીરામકૃષ્ણદેવ તો ત્યારે સમાધિ અવસ્થામાં હતા. સહજવસ્થામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે પેલા નાવિકે બીજા નાવિકની પીઠ પર માર્યું તેથી તેમને દુઃખ થયું, તેમની પોતાની પીઠ લાલચોળ થઈ ગઈ. કેવી અદ્ભુત અદ્વૈતાનુભૂતિ! કાશીપુરના બગીચામાં એક દિવસ તેમનું મન અદ્વૈત ભાવમાં હતું ત્યારે તેમણે જોયું કે એક માણસ દુર્વા ઘાસ પર ચાલતો આવે છે. તેમને લાગ્યું જાણે તેમની છાતી પર તે ચાલે છે, તેઓ પીડાથી ચીસ પાડવા માંડ્યા.
ઈસ્લામ ધર્મની સાધના વખતે શ્રીરામકૃષ્ણદેવ ‘અલ્લા’ મંત્રનો જપ કરતા, મુસલમાનોની માફક ખુલ્લી કાછડીએ ધોતિયું પહેરતા, દિવસમાં ત્રણ વખત નમાજ પઢતા. આ સાધનાના અંતે તેમને લાંબી દાઢીવાળા સુગંભીર જ્યોતિર્મય પુરુષનું દિવ્ય દર્શન થયું. પછી સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને તુરીય નિર્ગુણ બ્રહ્મમાં તેમનું મન લીન થઈ ગયું. ખ્રિસ્તી ધર્મની સાધનાને અંતે તેમને પંચવટી તળે ઈશુ ખ્રિસ્તનાં દર્શન થયાં. ઈશુ શ્રીરામકૃષ્ણદેવને આલિંગન કરી તેમના શરીરમાં ભળી ગયા. બાહ્યજ્ઞાન ગુમાવીને શ્રીરામકૃષ્ણદેવનું મન સગુણ વિરાટ બ્રહ્મની સાથે ઘણીવાર સુધી એકાકાર રહ્યું.
વિભિન્ન ધર્મોની સાધનાઓ કરી, વિભિન્ન દેવી દેવતાઓનાં દર્શનો મેળવી વિભિન્ન રૂપે વિભિન્ન ભાવોમાં આરૂઢ થવાથી શ્રીરામકૃષ્ણદેવ વિભિન્ન લોકોના ભાવોને સમજવાને સમર્થ થયા હતા, તેઓના પોતપોતાના ભાવપ્રમાણે તેઓનું માર્ગદર્શન ક૨વા સક્ષમ થયા હતા. તેથી જ સ્વામી શારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણલીલાપ્રસંગમાં લખે છે, “શ્રીરામકૃષ્ણના ચરિત્રને ચારે બાજુએથી નિહાળતાં જણાઈ આવે છે કે જાણે કે તેઓ સર્વ પ્રકારના ભાવોની મૂર્તિમાન સમષ્ટિ હતા. ભાવરાજ્યનો આટલો મોટો રાજા માનવજગતમાં બીજે ક્યાંય જોવામાં આવ્યો નથી. ભાવમય શ્રીરામકૃષ્ણ ‘ભાવમુખે’ રહીને નિર્વિકલ્પ અદ્વૈતભાવથી માંડીને સર્વજાતના સવિકલ્પ ભાવોનો પૂર્ણ પ્રકાશ પોતાનામાં દેખાડીને, તમામ શ્રેણીના ભક્તોને પોતપોતાનો માર્ગ અને ગંતવ્યવ સ્થળ ચીંધી દઈને અંધકારમાં અપૂર્વ જ્યોતિ, નિરાશામાં અવનવી આશા તેમ જ સંસારનાં ઘો૨ દુઃખકષ્ટોની અંદર અનુપમ શાંતિ આણી દેતા. શ્રીરામકૃષ્ણ કેવા સૌના ભરોસાનું પાત્ર હતા તે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. મનોરાજ્યમાં તેઓશ્રીનો કેવો તે પ્રબળ પ્રતાપ અમે દીઠો છે તે કહેવું અશક્ય છે.”
સ્વામી વિવેકાનંદજી કહેતા, “મનની બહારની જડ શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર (Miracle) બતાવવો એમાં કશી મોટી વાત નથી પણ આ પાગલ બ્રાહ્મણ (શ્રીરામકૃષ્ણ) લોકોનાં મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો, ટીપતો, ઘડતો ને સ્પર્શમાત્રથી નવાં બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો, એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે ક્યાંયે દીઠો નથી.”
શ્રીરામકૃષ્ણદેવનું આ કાર્ય આજે પણ ચાલુ છે. એટલે જ તો દેશ-વિદેશથી અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણદેવના ભાવાદર્શોથી, તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ રહ્યા છે, શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. પોતપોતાના ભાવ પ્રમાણે માર્ગદર્શન મેળવી રહ્યા છે. તો ચાલો, આપણે પણ અનંત ભાવોના સાગરરૂપ દિવ્ય ઉન્માદમાં આરૂઢ શ્રીરામકૃષ્ણદેવ પાસે જઈને માર્ગદર્શન પ્રાપ્ત કરીએ, શાંતિ પ્રાપ્ત કરીએ, માનવજીવન સફળ કરીએ.
Your Content Goes Here



