‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારા કેટકેટલાંયને નવજીવન બક્ષી રહ્યું છે, તેની થોડી વિગતો માર્ચ’૯૬ના અંકમાં આપેલ છે, વાચકોના આગ્રહથી કથામૃતની આ અમીધારાના થોડા અંશો અવારનવાર આ સામયિકમાં આપવાનો પ્રયત્ન કરીશું. બંગાળના શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક જુદા જ પ્રકારના શિક્ષક હતા. એક શિક્ષક સમાજમાં કેવું પરિવર્તન લાવી શકે, કેટકેટલાયના આશરારૂપ બની શકે તેનું અભિનવ દૃષ્ટાંત તેઓ છે. શ્રીરામકૃષ્ણદેવની સાથેનો તેમનો વાર્તાલાપ અત્યંત રસપ્રદ છે, જેના થોડા અંશો અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.
આજ શનિવાર, અષાઢ વદ છઠ, ૫મી ઑગસ્ટ ઈ.સ.૧૮૮૨. લગભગ ચાર વાગ્યાનો સમય.
ઠાકુર શ્રીરામકૃષ્ણ કલકત્તાના રાજમાર્ગ પર થઈને ભાડાની ગાડીમાં બાદુડબાગાન તરફ આવી રહ્યા છે. સાથે ભવનાથ, હાજરા અને માસ્ટર. શ્રીરામકૃષ્ણ વિદ્યાસાગરને ઘેર જવાના છે.
ઠાકુરની જન્મભૂમિ હુગલી જિલ્લાનું કામારપુકુર ગામ, વિદ્યાસાગરની જન્મભૂમિ વીરસિંહ ગામની નજીક આવેલું છે. શ્રીરામકૃષ્ણ નાનપણથી વિદ્યાસાગરની ખ્યાતિ સાંભળતા આવ્યા છે. દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં રહેતી વખતે પણ તેમનું પાંડિત્ય અને દયાની પ્રશંસા લગભગ હંમેશાં સાંભળ્યા કરે. માસ્ટર વિદ્યાસાગરની સ્કૂલમાં ભણાવે છે એ સાંભળીને ઠાકુરે એક વાર તેમને કહ્યું : ‘મને વિદ્યાસાગરની પાસે લઈ જશો? તેમને મળવાની મને બહુ જ ઈચ્છા છે.’ માસ્ટરે વિદ્યાસાગરને એ વાત કહેલી. વિદ્યાસાગરે ખુશી થઈને તેમને એક દિવસ શનિવારે ચાર વાગ્યે સાથે લઈ આવવાનું કહેલું. માત્ર એક વાર પૂછેલું કે ‘એ પરમહંસ કેવા છે? એ શું ભગવાં વસ્ત્ર પહેરે છે?’ માસ્ટરે જવાબ આપેલો કે ‘જી ના, એ એક અદ્ભુત પુરુષ છે. તેઓશ્રી લાલ કિનારનું ધોતિયું, પહેરણ અને વાર્નિશ કરેલી સપાટ પહેરે છે. રાણી રાસમણિના કાલીમંદિરની જગામાં એક ઓરડામાં રહે છે. એ ઓરડામાં એક પલંગ મૂકેલો છે. તેના ઉપર બિછાનું, મચ્છરદાની છે; એ બિછાનામાં સૂએ છે. બાહ્ય કશું ચિહ્ન નથી, પણ ઈશ્વર સિવાય બીજું કાંઈ જાણતા નથી. અહર્નિશ ઈશ્વરનું જ ચિંતન કરે છે.’
ઠાકુર ગાડીમાંથી ઊતર્યા. માસ્ટર રસ્તો બતાવીને ઘરની અંદર લઈ જાય છે. આંગણામાં બગીચા વચ્ચે થઈને આવતાં ઠાકુર બાળકની પેઠે બટન પર હાથ મૂકીને માસ્ટરને પૂછે છે : ‘પહેરણનાં બટન ઉઘાડાં રહી ગયાં છે, એમાં કોઈ અસભ્ય નહિ દેખાય ને?’ ઠાકુરના શરીર પર એક માદરપાટનું પહેરણ, કેડે લાલ કિનારનું ધોતિયું, તેનો છેડો ખભા પર નાખેલો; પગમાં વાર્નિશ કરેલી સપાટ, માસ્ટરે કહ્યું, ‘આપ એને માટે ચિંતા ન કરો. આપને કશાનો દોષ નહિ. આપને બટન બીડવાની જરૂર નહિ.’ એટલે નાના બાળકની પેઠે ઠાકુર શાંત થયા.
દાદરો ચડીને સૌથી પ્રથમના ઓરડામાં ઠાકુર ભક્તો સાથે પ્રવેશ કરે છે. વિદ્યાસાગર ઓરડાની ઉત્તર બાજુએ દક્ષિણાભિમુખ થઈને બેઠા છે; સામે એક ચોખૂણિયું લાંબું પોલિશ કરેલું ટેબલ, ટેબલની પૂર્વ બાજુએ એક પાછળથી ઢળતી પીઠવાળો બાંકડો, ટેબલની દક્ષિણ બાજુએ અને પશ્ચિમ બાજુએ કેટલીક ખુરશીઓ. વિદ્યાસાગર એક બે મિત્રો સાથે વાતચીત કરી રહ્યા છે.
ઠાકુરે પ્રવેશ કર્યો એટલે વિદ્યાસાગરે ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું. ઠાકુર પશ્ચિમાભિમુખ, ટેબલની પૂર્વ બાજુએ ઊભા છે. ડાબો હાથ ટેબલની ઉપર; પાછળ બાંકડો, જૂની ઓળખાણ હોય તેમ વિદ્યાસાગરની સામે એકીટશે જોઈ રહ્યા છે, અને ભાવમાં હસી રહ્યા છે.
વિદ્યાસાગરનું વય આશરે ૬૨-૬૩. શ્રીરામકૃષ્ણના કરતાં ૧૬-૧૭ વરસે મોટા હશે. પહેરવેશમાં વગર કિનારનું ધોતિયું, પગમાં સપાટ, શરીર ઉપર એક અર્ધી બાંયનું બાંડિયું. માથે ઓરિસાવાસીઓની પેઠે ફરતી ગોળ હજામત કરાવેલી. વાત કરતી વખતે દાંતનું ચોકઠું ચકચકિત દેખાય. માથું ખૂબ મોટું. લલાટ ઉન્નત અને જરાક ખર્વ આકૃતિનું. જાતે બ્રાહ્મણ એટલે ગળામાં જનોઈ.
વિદ્યાસાગરમાં ઘણા ગુણ હતા. પ્રથમ વિદ્યાનુરાગ. એક દિવસ માસ્ટરની પાસે એમ બોલતાં બોલતાં સાચેસાચ રડી પડેલા કે ‘મારી તો ખૂબ ઈચ્છા હતી કે હજીયે ભણું; પણ એ ક્યાં બન્યું? વહેવારમાં પડ્યો એટલે જરાય સમય મળ્યો નહિ!’ બીજો ગુણ દયા, સર્વ જીવો પર દયા. વિદ્યાસાગર દયાના પણ સાગર. વાછરડાંને તેમની માનું દૂધ મળતું નથી, એ જોઈને પોતે કેટલાંક વરસ સુધી દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. છેવટે શરીર અત્યંત માંદું રહ્યા કરવાથી ઘણા વખત પછી વળી દૂધ શરૂ કરેલું. ઘોડાગાડીમાં ચડતા નહિ. કારણ કે ઘોડા પોતાનું કષ્ટ બોલી બતાવી શક્તા નથી. એક દિવસે જોયું કે એક મજૂર કૉલેરાથી પીડાતો રસ્તામાં પડેલો છે, બાજુમાં તેનો ટોપલો છે. એ જોઈને પોતે તેને ઊંચકીને ઘેર લાવ્યા અને સેવા કરવા લાગ્યા. ત્રીજો ગુણ સ્વાતંત્ર્યપ્રિયતા. વ્યવસ્થાપકોની સાથે સહમત ન થવાથી સંસ્કૃત કૉલેજના પ્રિન્સિપાલનું પદ છોડી દીધું. ચોથો ગુણ લોકમત પ્રત્યે બેપરવાઈ. એક શિક્ષક પર તેમનો સ્નેહ હતો. તેની દીકરીના વિવાહ પ્રસંગે કન્યાને માટે સાડી લઈને જાતે તેને ઘેર પહોંચ્યા. પાંચમો ગુણ માતૃભક્તિ અને સંક્લ્પ બળ. તેમની માએ કહ્યું હતું કે ‘બેટા ઈશ્વર! જો તું આ વિવાહ (ભાઈના વિવાહ)માં નહિ આવે તો મને મનમાં બહુ જ દુઃખ લાગશે.’ એટલે છેક ક્લકત્તાથી ચાલીને દેશમાં ઘેર ગયા. વચમાં દામોદર નદી. તે વખતે હોડી હાજર ન હતી. એટલે તરીને સામે કાંઠે પહોંચી ગયા. ભીંજેલે કપડે વિવાહની રાત્રે જ વીરસિંહ ગામે માની પાસે હાજર થયા અને કહ્યું, ‘મા! હું આવી પહોંચ્યો છું!’
ઠાકુર ભાવમાં આવતા જાય છે. અને થોડી વાર ભાવમાં ઊભા છે. ભાવ દબાવવા સારુ વચ્ચે બોલે છે, ‘પાણી પીવું છે.’ જોતજોતામાં ઘરનાં છોકરાંઓ અને સગાંવહાલાં કુટુંબીઓ પણ આવીને ઊભાં.
વિદ્યાસાગરે ઉતાવળે એક જણને પાણી લાવવા કહ્યું અને માસ્ટરને પૂછ્યું, ‘કંઈક ખાવાનું લાવે તો એ ખાશે?’ માસ્ટરે જવાબ આપ્યો, ‘જી, મંગાવોને!’ વિદ્યાસાગર ઉતાવળથી અંદર જઈને કેટલીક મીઠાઈ લઈ આવ્યા અને બોલ્યા, ‘આ બર્દવાનથી આવી છે.’ ઠાકુરને થોડીક આપવામાં આવી. હાજરા અને ભવનાથને પણ થોડીક મળી. માસ્ટરને આપવા આવ્યા એટલે વિદ્યાસાગર બોલ્યા, ‘એ તો ઘરનો છોકરો, એના સારુ કંઈ અટકી રહેતું નથી.’ ઠાકુર એક ભક્ત છોકરાની વાત વિદ્યાસાગરને કહે છે. એ છોકરો અહીં ઠાકુરની સામે બેઠેલો હતો. ઠાકુર બોલ્યા, ‘આ છોકરો ખૂબ સારો અને અંતઃસાર જાણે કે ફલ્ગુ નદી; ઉપર રેતી, પણ જરાક ખોદો એટલે અંદર પાણી વહે તે દેખી શકાય.’ મીઠું મોઢું કર્યા પછી ઠાકુર હસતાં હસતાં વિદ્યાસાગરની સાથે વાતો કરે છે. જોતજોતામાં આખો ઓરડો માણસોથી ભરાઈ ગયો; કોઈ બેઠેલા, કોઈ ઊભેલા છે.
શ્રીરામકૃષ્ણ – આજ તો સાગરમાં આવીને મળ્યો. આટલા દિવસો સુધી તો નહેર, તળાવ, વધુમાં વધુ નદી જોઈ છે; આ વખતે તો સાગર જોઉં છું. (સૌનું હાસ્ય)
વિદ્યાસાગર (સહાસ્ય) – ત્યારે ખારું પાણી થોડુંક લઈ જાઓ! (હાસ્ય)
શ્રીરામકૃષ્ણ – ના રે! ખારું પાણી શાનું! તમે અવિદ્યાના સાગર નથી, તમે તો વિદ્યાના સાગર! (સૌનું હાસ્ય.) તમે ક્ષીરસમુદ્ર. (સૌનું હાસ્ય)
વિદ્યાસાગર – એ તમે કહી શકો ખરા.
વિદ્યાસાગર મૂંગા રહ્યા. ઠાકુર વાત કરે છે.
‘તમારું કર્મ સાત્ત્વિક કર્મ, સત્ત્વગુણથી દયા થાય. દયાને લઈને જે કર્મ કરાય તે કર્મ રાજસિક ખરું, પરંતુ એ રજોગુણ સત્ત્વનો રજોગુણ, એમાં દોષ નહિ. શુકદેવ વગેરે એ લોકોપદેશ કરવા સારુ દયા રાખી હતી, ઈશ્વર સંબંધી ઉપદેશ આપવા સારુ, તમે વિદ્યાદાન, અન્નદાન કરો છો; એ પણ સારું. નિષ્કામભાવે કરી શકાય તો એનાથીયે ભગવત્પ્રાપ્તિ થાય. કોઈ કરે નામના સારુ, પુણ્ય સારું. તેમનું કર્મ નિષ્કામ નહિ. અને સિદ્ધ તો તમે છો જ.’
વિદ્યાસાગર – મહાશય, કેવી રીતે?
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) –બટાટા, પરવળ વગેરે સિદ્ધ થાય એટલે કે બફાય ત્યારે નરમ થાય. તમે પણ ખૂબ નરમ છો, તમારામાં આટલી બધી દયા છે! (હાસ્ય)
વિદ્યાસાગર (સહાસ્ય) – વાટેલી અડદની દાળનાં મૂઠિયાં બાફો તો કઠણ થાય! (સૌનું હાસ્ય)
શ્રીરામકૃષ્ણ – તમે એવા નથી ભાઈ! જેઓ એકલા જ પંડિતો છે તેઓ અર્ધા કાચા અને અર્ધ બળી ગયેલા! નહિ આણીકોર કે નહિ પેલીકોર. ગીધ ખૂબ ઊંચું ઊડે, પણ તેની નજર ઉકરડા પર. જેઓ એક્લા પંડિત હોય, તે સાંભળવા પૂરતા જ પંડિત. પરંતુ તેમની આસક્તિ કામ કાંચનમાં જ. ગીધડાંની પેઠે સડેલું મડદું શોધે, તેમને અવિદ્યાના સંસારમાં આસક્તિ હોય. દયા, ભક્તિ, વૈરાગ્ય એ વિદ્યાનું ઐશ્વર્ય,
(શ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૧ પૃ.૩૮ થી ૪૩) માંથી સંકલિત)
Your Content Goes Here



