સ્વામી વિવેકાનંદનો સુપ્રસિદ્ધિ સંદેશો છે- ‘Be and Make’ ‘પ્રથમ પોતે મનુષ્ય બનો અને પછી અન્યને બનવામાં સહાયરૂપ થાઓ’ જ્યાં સુધી શિક્ષકોના પોતાના વ્યક્તિત્વનો વિકાસ ન થાય ત્યાં સુધી તેઓ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો વિકાસ ન કરી શકે. આ માટે વ્યક્તિત્વ વિકાસનું મનોવિજ્ઞાન જાણવું આવશ્યક છે. બ્રહ્મલીન સ્વામી અખિલાનંદજી (૧૯૨૬-૧૯૬૨) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવ્યા પછી તેઓને વેદાંતના પ્રચારકાર્ય માટે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. બૉસ્ટન અને પ્રૉવીડન્સ વેદાન્ત સોસાયટીની સ્થાપના કર્યા પછી તે વખતના ત્યાંના ઉત્કૃષ્ટ વિદ્વાનોના સંપર્કમાં તેઓ આવ્યા હતા. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અનન્ય છે. તેમનાં અનેક પુસ્તકોમાંના એક રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બૉસ્ટન દ્વારા પ્રકાશિત ‘Hindu Psychology & Its Meaning for the West’નો અનુવાદ ડૉ. ભાવનાબહેન ત્રિવેદીએ કર્યો છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત આ પુસ્તકના થોડા અંશો શિક્ષક ભાઈ-બહેનોના લાભાર્થે આપેલ છે, જેથી તેઓ પોતાના તેમ જ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે. – સં
વ્યક્તિત્વની સમસ્યા અને સંલ્પનો વિકાસ બંને પરસ્પર સંકળાયેલા છે. જો માણસમાં સુગ્રથિત સંકલ્પ ન હોય, તો તે અન્યના જીવન પર અસર કરનાર પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવી શકે નહીં. એ એક બહુ વિચિત્ર બાબત છે કે જો આપણામાં દૃઢ સંકલ્પ ન હોય, તો આપણે આપણા પોતાના જીવનને લગતી બાબતો અને અન્ય મિત્રો તથા સગાસંબંધીઓના જીવનને લગતી બાબતોની ગોઠવણ કરી શકતાં નથી. આપણે આ કાબેલિયત કે સક્ષમતાને ઘમંડ કે અભિમાન માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં. ઘણી વાર લોકો એમ વિચારતા હોય છે, કે વ્યક્તિત્વ ધરાવવા માટે એક પ્રકારનું અભિમાન હોવું જરૂરી છે અથવા તો જગતને છેતરવાની તેમનામાં આવડત હોવી જ જોઈએ. પણ ના, આમ આપણે કહી શકીએ નહીં. જો કે કેટલાક કિસ્સાઓમાં દંભ અસરકારક નીવડે એમ બની શકે. અબ્રાહમ લિંકનની ઉક્તિ અનુસાર ‘તમે કેટલાક લોકોને હંમેશાં છેતરી શકો, અને બધા લોકોને ક્યારેક છેતરી શકો. પરંતુ બધા જ લોકોને હંમેશાં છેતરી શકાય નહીં.’ દંભ કે મિથ્યાભિમાન મર્યાદા દર્શાવે છે, આપણને જ્યારે અહંકાર કે મિથ્યાભિમાન હોય, ત્યારે આપણે પોતાને બીજાથી જુદા ગણતા હોઈએ છીએ. જ્યારે વ્યક્તિત્વ તો આપણને સંયોજિત કરે છે. વ્યક્તિત્વ ધરાવનાર માણસ બધાયને આકર્ષે છે, જ્યારે દંભી કે મિથ્યાભિમાની માત્ર થોડાક સમય પૂરતો જ લોકોને આકર્ષિત કે નિયંત્રિત કરી શકે છે. તદુપરાંત મિથ્યાભિમાનીની પ્રવૃત્તિઓ અંતે વિસંવાદ તથા ગૂંચવાડો પેદા કરે છે, જ્યારે સાચું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ સંવાદિતાનું નિર્માણ કરે છે અને ઉપયોગી નિર્માણને અનુમોદન આપે છે.
વ્યક્તિમત્તા (Individuality) અને વ્યક્તિત્વ (Personality) બેયમાં ફરક છે. વ્યક્તિમત્તા એ વ્યક્તિને જૂથથી (અન્યથી) જુદો પાડતો ગુણ છે. માણસ ઠીંગુજી છે. તેનું ઢીંગુજી હોવાપણું તેને બીજાથી જુદો તારવે છે. જૂથથી જુદા પાડતી વ્યક્તિની આ ખાસિયત શારીરિક, મનોલક્ષી, બૌદ્ધિક કે આવેગાત્મક યા અન્ય કોઈ પ્રકારની હોઈ શકે. કેટલાક લોકો આ વ્યક્તિમત્તાને વ્યક્તિત્વ માની બેસવાની ભૂલ કરે છે. વ્યક્તિમત્તા આપણને સંકુચિત મર્યાદિત બનાવે છે, જ્યારે વ્યક્તિત્વ આપણને વ્યાપક કે વિશાળ કરે છે અને ધીમે ધીમે એ વિશાળતા સાર્વત્રિકતા તરફ લઈ જાય છે.
હું જાણું છું કે કેટલાક લોકો બીજાને આકર્ષિત કરે એવું કંઈક ધરાવે છે. આ આકર્ષણ શેનું છે? હિંદુઓ આપણને કહે છે, કે આપણું વ્યક્તિગત મન સર્વવ્યાપક મનનો જ અંશ છે. આ દૃષ્ટિએ આપણે સહુ મૂળભૂત રીતે એકમેક સાથે પરસ્પર સંકળાયેલા છીએ. જેવી રીતે આપણો વ્યક્તિગત આત્મા એ સર્વાત્માનો જ અંશ છે, તે જ રીતે આપણું વ્યક્તિગત મન પણ. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં :
‘…..યોગીઓના કહેવા મુજબ મન સળંગસૂત્ર હોય છે. તે સાર્વત્રિક કે સર્વવ્યાપક છે. તમારું મન, મારું મન આ તમામ પરિચ્છેદોવાળું પરિમિત કે ક્ષુદ્ર મન પેલા સર્વવ્યાપક મનના જ અંશરૂપ છે. સમુદ્રના સાર્વત્રિક તરંગની માફક આ સાતત્યને લીધે આપણે આપણા વિચારો એકમેકને સીધા જ પહોંચાડી શકીએ છીએ.’
સંકલ્પના વિકાસને પરિણામે એક મન જ્યારે સમગ્રપણે સક્રિય બને, ત્યારે તે સાર્વત્રિક કે સર્વવ્યાપક મન સાથે જોડાઈ જાય છે. વ્યક્તિવિશેષમાં વિચાર મોજું હોય છે. એ વિચારસ્પંદનો બીજા બધાંને અસર કરે છે. વિશ્વને કોઈ ખૂણે, એકાંત ગુફામાં બેઠેલો અસાધારણ વ્યક્તિત્વ અને પવિત્રતા દર્શાવતો માણસ જો ક્રિયાત્મક વિચારનું સેવન કરે, તો એ વિચાર દુનિયાના બીજા ભાગોમાં રહેતા માણસોના મનને અસર કરે છે. આપણે શું નથી માનતા, કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ઈશુ ખ્રિસ્તના મનમાં કેટલાક તેજસ્વી વિચારો ઊગ્યા! આ વિચારોને તેમણે વાચા આપી પ્રગટ કર્યા. હજુ આજે પણ તેનાં સ્પંદનો આપણને ફરી પ્રભાવિત કરી રહ્યાં છે. ઈશુની લગભગ છ સદી પૂર્વે બુદ્ધે કેટલાક શક્તિશાળી વિચારો પ્રગટ કર્યા, જે આજ દિન સુધી લોકોમાં પરિવર્તન આણી રહ્યા છે. આપણને એ નોંધતાં આશ્ચર્ય થાય છે, કે કૃષ્ણ, બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણના પ્રબળ વિચારો આજે પણ વર્તમાન જગતને કેવા અસર કરી રહ્યા છે! શ્રીરામકૃષ્ણે ધાર્મિક સંવાદિતાનું આચરણ કરી બતાવ્યું. ધર્મોની સંવાદિતા અંગે તેમના પ્રબળ વિચારો આજે જગતભરના લોકોમાં આમૂલ પરિવર્તન આણી રહ્યા છે. પરિણામે અન્ય ધર્મો પ્રત્યેની પોતાની સમજ અને કદરને વધારે ખુલ્લા મનથી અને મુક્તપણે લોકો નિખાલસપણે વ્યક્ત કરી રહ્યા છે. ધર્મને કાપવાને બદલે તેને તેઓ સ્વીકારે છે. રોમાં રોલાં, પ્રૉફે. હૉકિંગ. તથા અન્ય ચિંતકોનાં લખાણો એ દર્શાવે છે, કે શ્રીરામકૃષ્ણના પ્રબળ, પ્રભાવશાળી વિચારોની જગત પર સીધી અસર પડી છે. ‘લિવિંગ રિલિજિયન્સ ઍન્ડ વર્લ્ડ ફેઈથ’ નામક લખાયેલું પ્રૉફેસર હૉકિંગનું પુસ્તક એ દર્શાવે છે, કે જગતના પ્રવાહો કેવા ગતિ કરી રહ્યા છે! પ્રૉફેસર હૉકિંગ અજ્ઞેયવાદી કે માનવતાવાદી હોવા કરતાંય સવિશેષપણે તો એક સન્નિષ્ઠ ખ્રિસ્તી છે. આપણે જ્યારે તેમનું પુસ્તક વાંચીએ, ત્યારે બરાબર સમજી શકીએ છીએ કે અન્ય ધર્મોના એ કેવા પ્રશંસક છે!
રહોડ આઈલૅન્ડ, મૅસૅચ્યુસેટ્સ અને અન્ય રાજ્યોના ધાર્મિક નેતાઓ સાથેના મારા અનુભવો ખુબ જ સુખદ અને આવકારદાયક છે. પ્રૉફેસર બ્રાઈટમેન, ડીન માર્લેટ, ડીન સ્ક્રીનર, ડૉક્ટર કલૅક્સટન, પ્રૉફેસર જહૉનસન, પ્રૉફેસર ડી વૂલ્ફ, ડીન નુડસન, પ્રૉફેસર વાક, રબ્બી બ્રૉડ, રબ્બી બીલ્ગ્રે અને બીજા અનેક ધાર્મિક નેતાઓ તેમ જ ધર્મોપદેશકો મારી સાથે એટલો તો મૈત્રીભર્યો અને મીઠો સંબંધ રાખે છે, કે કોઈ એમ જ માનવા પ્રેરાય કે અમે એક વાતાવરણમાં ઉછર્યા છીએ. અત્રે દર્શાવેલાં નામોમાં બીજા ઘણાં નામોનો સમાવેશ થઈ શકે. આ હકીકત એ જરૂર દર્શાવે છે, કે ઊંડું ચિંતન કરનારા ચિંતકો અને ભક્તોમાં આખું વાતાવરણ જ બદલાઈ રહ્યું છે. પશ્ચિમમાંના અમારા રામકૃષ્ણ મિશનના ઘણા સ્વામીઓનો આવો અનુભવ છે. માત્ર અમેરિકામાં જ નહીં, પણ યુરોપમાં પણ ઘણા પ્રસિદ્ધ અને આગળ પડતા બૌદ્ધિકો, માનસશાસ્ત્રીઓ, તાર્કિકો અને મહાવિદ્યાલયોના વૈજ્ઞાનિક સભ્યોમાં અનુકૂળ મનોવલણ જોવા મળે છે, એ એક વાસ્તવિક હકીકત છે.
વ્યક્તિત્વનું નિર્માણ બૌદ્ધિક અભિવ્યક્તિમાં નહીં, પણ મનના સુગ્રથનમાં રહેલું છે. સ્થૂળ શરીરને લાગે વળગે છે ત્યાં સુધી લિંક્ન કે સંત ફ્રાન્સિસ આકર્ષક વ્યક્તિ નહોતા. અને છતાં આપણે જોઈએ છીએ, કે સંત ફ્રાન્સિસ અને એવા અન્ય વ્યક્તિત્વોએ બીજા પર પ્રભાવ પાડ્યો. એ જ રીતે લિંકનના વિચારો લોકોના મન ઉપર ઊંડી અસર કરે છે. જ્યાં સુધી આ સદીને લાગે વળગે છે, ત્યાં સુધી લિંકને રજૂ કરેલા આદર્શને ટેકો અને સન્માન મળશે અને તેની કદર કરવામાં આવશે. જ્યાં સુધી માનવમન વિચારશક્તિ ધરાવે છે, ત્યાં સુધી એસિસીના સંત ફ્રાન્સિસનો આદર્શ અને સ્વામી વિવેકાનંદનું ચિંતન અસરકારક રહેશે. ભારતના એક મોટા વિદ્વાને એક વાર સ્વામી વિવેકાનંદની પ્રશંસા કરતાં કહેલું : ‘જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ માટેનું સ્વામીજીનું પ્રદાન જીવંત રહેશે.’ ઉદારમતવાદી વિચારસરણીના નહીં, પણ મહાન રૂઢિચુસ્ત હિંદુ વિચારધારાના એક વિદ્વાનના આ શબ્દો છે.
એ ખરું છે કે માણસનું આકર્ષણ તેની શારીરિક કેળવણીમાં નથી, પણ તેના સંલ્કપના વિકાસમાં રહેલું છે. આપણા આવેગો જ્યારે પૂરેપૂરા સુગ્રથિત થઈ જાય, ત્યારે જ સંકલ્પ પૂરેપૂરો સક્રિય બને છે. આ દુનિયામાં દરેક બાળક અને દરેક પુરુષ અસરકારક, પ્રભાવશાળી વ્યક્તિત્વ ઈચ્છે છે. પણ આપણે એ સમજતા નથી, કે મનને અખંડ કર્યા વગર અને આવેગો તથા સંકલ્પને સુગ્રથિત કર્યા વિના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે નહીં. જ્યારે માનવીનું ચરિત્રગઠન તેના સમગ્ર મનના વિકાસની સાથે થયું હોય, તેના વિચારો, આવેગો અને સંકલ્પ સુગ્રથિત થયા હોય, ત્યારે તેના પ્રત્યેક કાર્યમાં તેના વ્યક્તિત્વની છાપ ઊપસી આવે છે. વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ એ છે, કે જે પોતાનો આદર્શ જીવી બતાવે છે. એના વિષે જે બોલે છે, તે નહીં.
ઘણા તેજસ્વી બૌદ્ધિકો ખૂબ જ સરસ રીતે દર્શન, કલા, વિજ્ઞાન અને ધર્મ સમજાવે છે. ઘણા લોકો ધર્મ અને રહસ્યવાદનું સરસ વર્ણન કરે છે. છતાં એ વાતો લોકોને પ્રભાવિત કરતી નથી. કારણ કે વક્તા એ આદર્શોને જીવ્યો નથી. તેમના શબ્દો કદાચ આપણી બુદ્ધિને સંતોષે, પણ ધાર્મિક અનુભૂતિ પામેલી વ્યક્તિના સાદાં, સરળ વચનો પણ માણસોની વિચારસરણી અને જીવન આખું ય બદલી નાખે છે અને અસંખ્ય લોકોની અંદર તે આંતરિક પૂર્ણતા લાવે છે. પોતે જ ન જીવ્યો હોય, તેવો એક પણ શબ્દ તે ઉચ્ચારતો નથી. આથી તેના શબ્દો એક નૂતન સભ્યતાનું સર્જન કરે છે. ઇશુ ખ્રિસ્તના શબ્દોને આટલા શક્તિશાળી બનાવનાર છે એ શબ્દરાશિની પાછળ જીવાઈ રહેલું ઈશુનું જીવન. કૃષ્ણ, બુદ્ધ અને બીજા વ્યક્તિ વિશેષોનું જીવન આ પ્રકારનું છે. કારણ કે તેમની વાણી સુગ્રથિત સંકલ્પથી અસરકારક બની ગયેલી છે.
આપણે વારંવાર જોઈએ છીએ કે અખંડિત વ્યક્તિત્વ ધરાવતી અસંખ્ય મહાન આધ્યાત્મિક વ્યક્તિઓનો પ્રબળ આકર્ષણ ધરાવતો સ્પર્શ વ્યક્તિઓમાં આમૂલ પરિવર્તન આણે છે. એટલું જ નહીં; પણ તેમના શબ્દો તેઓના વિચાપ્રવાહની દિશા જ બદલી નાખે છે. આમ થવાનું એકમાત્ર કારણ છે તેમનું તેજસ્વી આધ્યાત્મિક જીવન (નહીં કે તેમણે કરેલી ઈશ્વરવિદ્યા, દર્શન કે વિજ્ઞાનની ચર્ચા). તેમના સુગ્રથિત, અખંડ વ્યક્તિત્વમાં જ આમૂલ પરિવર્તન લાવવાની શક્તિ હોય છે. મને યાદ આવે છે, કે પોતાના મોટા ભાઈને મઠમાં જોડાતો અટકાવવા માટે અમારા મઠમાં એક માણસ આવેલો. આ માણસ દારૂ પીધેલ હાલતમાં હતો. તેનું જીવન હલકટ પ્રકારનું હતું. ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક પ્રબુદ્ધતા ધરાવતા મઠના એક મુખ્ય સ્વામીને જ્યારે તે મળ્યો, ત્યારે પ્રારંભમાં તો એનું સ્વામી પ્રત્યેનું વલણ ખૂબ જ વિરોધભર્યું અને તોછડાઈથી હલકટ પ્રકારનું હતું. આમ છતાં પેલા સ્વામી પ્રેમાનંદે (જેઓ શ્રીરામકૃષ્ણના શિષ્ય હતા) તેને વાત્સલ્ય અને પ્રેમથી બોલાવીને સાત્ત્વન આપતાં કહ્યું : ‘જો તારા ભાઈને ઘરે પાછા ફરવું હશે, તો તેને ઘેર પાછા જવાની મંજૂરી આપવામાં આવશે.’ પછી તેનો ક્રોધ શાંત કરી તેને ઠંડો પાડવા સ્વામીજીએ તેને થોડો નાસ્તો આપ્યો, કારણ એ દિવસે ઘણી જ ગરમી હતી. પેલા માણસે કદી આટલું સહૃદયતાભર્યું વર્તન અનુભવ્યું નહોતું. તેનું વર્તન ઉદ્ધતાઈભર્યું તથા અપમાનજનક હોવા છતાં સ્વામીજીએ તેની સાથે એવો વર્તાવ કર્યો કે જાણે તેઓ તેના કોઈ ચિરપરિચિત આત્મીયજન હોય. જ્યારે તે માણસ પાછો જવા નીકળ્યો, ત્યારે તેને ફરીથી મઠમાં આવવાનું તેમણે નિમંત્રણ પણ આપ્યું. આવો પ્રેમાળ, હૃદયસ્પર્શી વર્તાવ પેલા યુવકના નાના ભાઈને એવી તો અસર કરી ગયો, કે સ્વામીજીના આકર્ષક વ્યક્તિત્વની મોહિની, તેમનો પ્રભાવ તે ભૂલી શક્યો નહીં. ત્યાર બાદ તે ફરીથી મઠ ઉપર ગયો અને સ્વામીજી પ્રેમાનંદને મળ્યો. એના ભાઈને મઠ છોડવા માટે કહેવાને બદલે અંતે તે પોતે જ ત્યાં જોડાઈ ગયો અને એ સ્વામીજીનો સાચો અનુયાયી બની ગયો. આ આધ્યાત્મિક નેતાના પ્રભાવે માની ન શકાય એ રીતે પેલા માણસનું આમૂલ પરિવર્તન કર્યું, અને તેની અંદરથી એક ઉમદા વ્યક્તિત્વ, બલ્કે વાસ્તવમાં એક ધાર્મિક નેતાનું નિર્માણ કર્યું. અહીં એ નોંધવું રસપ્રદ બનશે કે આ આમૂલ પરિવર્તન પામેલ માણસ આજે પણ ખૂબ જ ધાર્મિક જીવન જીવે છે. એટલું જ નહીં, પણ માનવજાતનો તે સાચો સેવક બની ગયો છે. તેણે મોટી હૉસ્પિટલ કરી છે અને પીડાતી માનવજાતની સુખાકારી તથા કલ્યાણ માટે તેણે રાહતકેન્દ્ર ખોલ્યું છે. સ્વામીજીના પ્રભાવે તેનામાં પડેલા ઉત્તમ અંશને બહાર આણ્યો અને તેને માણસ તથા ઈશ્વરનો સાચો સેવક બનાવ્યો.
સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ અને આપણા વર્તમાન ઇતિહાસના બીજાઓના જીવનમાંથી આવા ઘણા કિસ્સા આપણે ટાંકી શકીએ. શ્રીકૃષ્ણ, બુદ્ધ, ઈશુ અને શ્રીરામકૃષ્ણના જીવનમાંથી આપણે કિસ્સા ટાંકવાની જરૂર નથી. દરેક ઇતિહાસકાર જાણે છે, કે આ અવતારી પુરુષોનાં જીવન આવા દૃષ્ટાંતોથી કેટલાં ભરેલાં હોય છે! આવી સંયોજિત, સુગ્રથિત વ્યક્તિઓનું બળ તેમના ધાર્મિક અનુભવોમાં કે ધર્મને જીવવાની તેમની રીતમાં રહેલું છે. પ્રૉફે. ઍલપોર્ટ બહુ સુયોગ્યપણે કહે છે :
‘ધર્મ બધી જ વસ્તુઓમાં અંતર્નિહિત મૂલ્યની શોધ કરે છે. બધા જ શક્ય જીવનદર્શનોમાંથી ધર્મ સૌથી વધુ વિશાળ વ્યાપ ધરાવતો હોઈ તે બધાને આવરી લે તેવો છે. ઊંડાણથી હૃદયને સ્પર્શતો ધાર્મિક અનુભવ વિસરાતો નથી, પરંતુ વિચાર અને ઇચ્છાનું તે કેન્દ્ર બની રહે, એવી શક્યતા છું.’ (ઑલપોર્ટ : પર્સનાલિટી, અ સાઈકૉલૉજિકલ ઇંટરપ્રિટેશન, પૃ.૨૨૬.)
આથી આપણે જ્યારે બીજાને પ્રભાવિત કરવા હોય, બીજાની અંદર પરિવર્તન આણવું હોય, ત્યારે આપણે આપણા, પોતાના જીવનને બદલી નાખવું જોઈએ : એ માટે આપણા આદર્શોને આપણે સંકલ્પમાં ક્રિયાન્વિત કરી તેમાંથી ફલિત થતી ક્રિયા કે કાર્યમાં તેને રૂપાંતરિત કરવા જોઈએ. માનવ મોહિનીનું આ રહસ્ય છે. સ્વામી વિવેકાનંદ કહે છે :
‘માણસનું વ્યક્તિત્વ બે-તૃતીયાંશ છે. તેની બુદ્ધિ અને તેના શબ્દો માત્ર એક તૃતીયાંશ છે. સાચો માણસ, માણસનું વ્યક્તિત્વ આપણા અંતરતમને સ્પર્શી, પ્રભાવિત કરી જાય છે. આપણાં કાર્યો પરિણામ સ્વરૂપ છે જ્યારે માણસ ત્યાં હોય, ત્યારે કાર્યો પરિણત થવાં જ જોઈએ….
તમામ કેળવણી, તમામ શિક્ષણનો આદર્શ આ માનવઘડતરનો હોવો જોઈએ. જ્યારે હકીકતમાં આપણે હંમેશાં બહિર્ગત પાસાંને ચમકાવવાની કોશિશમાં જ નિરંતર રચ્યાપચ્યા રહીએ છીએ. આખીય તાલીમનું લક્ષ્ય કે ઉદ્દેશ્ય છે માણસને વિકસિત કરવાનું, અન્યને પ્રભાવિત કરી બીજાને તેમ જ સહવાસીઓને પોતાના પ્રભાવથી આંજી દેતી વ્યક્તિ સ્વયં તો યાંત્રિક શક્તિનું રૂપાંતર કરનારું યંત્ર છે. માણસ જો તૈયાર હોય, તો તે ધારે તે પ્રમાણે કંઈ પણ અને બધું જ કરી શકે છે. એ વ્યક્તિત્વનો પ્રભાવ જેના ઉપર પડે તેને તે પ્રભાવિત, પરિવર્તિત, રૂપાંતરિત કરી દે છે.
*****
આજે ભણવાનું સૌ કોઈ જાણે છે, પણ શું ભણવું જોઈએ તે કોઈ જાણતું નથી.
– બર્નાર્ડ શૉ
Your Content Goes Here



