શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમંત સ્વામી શિવાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તા. ૨૩-૩-૧૯૧૬ના રોજ બેલડ મઠના પ્રાંગણમાં નવયુવકોને ઉદ્દેશીને તેમણે જે પ્રેરણાદાયી વાતો કરી હતી તે આજના યુવાવર્ગ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેના અંશો અહીં પ્રસ્તુત છે. -સં.

તમને જે બે મહિનાની રજા મળી છે, તેમાં તમારે ગામ જઈને એ રજાઓનો કેવો ઉપયોગ કરશો? વાતોના તડાકા મારવા, ગપ્પાં મારવાં અને પાનાં રમવાં એ કંઈ ઠીક છે કે? એમ જ હોય તો મઠમાં આવવાનું પ્રયોજન જ શું? ગામ જતાં પહેલાં જ્યારે મઠમાં આવ્યા છો, ત્યારે માત્ર મઠનું મકાન જોઈને અને થોડોક પ્રસાદ મેળવી લેવાથી મઠ જોવાઈ જતો નથી. અહીંની કંઈકે ભાવના લઈ જઈને થોડુંઘણું સક્રિય કામ કરવાનો પ્રયત્ન કરો, સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકો તો તમે વાંચ્યાં છે, તેમાં જે છે અને હું કંઈ કહું છું તેમાંથી પણ જેટલું બની શકે તેટલું કરવાનો પ્રયત્ન કરો.

તમે જાતે બેત્રણ રૂપિયા ખર્ચીને ગામડે જતી વખતે એક હોમિયોપથીની પેટી ખરીદીને લેતા જાઓ. ત્યાં જઈને જે ગામમાં ગરીબ દુ:ખીઓ રહેતા હોય, તે ગામમાં જઈને, ગરીબોની દવા કરી, તેમની સેવા કરો, તેમની સાથે છૂટથી ભળો. તેમને શી શી બાબતની તકલીફ છે, તે પૂછી પૂછીને જાણો. તમે જો હલકી ગણાતી જાતિના પીડિત માણસોનાં શરીર ઉપર હાથ મૂકીને એકાદ વાત કહેશો, એટલે તેઓ તો તમારા ગુલામ થઈ જશે એ જાણો છો? એ ઉપરાંત જો તેમની સેવા કરશો અને દવા વગેરે આપશો, તો તમે તેમનાં હૃદય જીતી લઈ શકશો. તેમને ભણાવવા માટે રાત્રિશાળા સ્થાપો. તેમની આગળ સાથે સાથે બને તેટલી સ્વામીજી અને શ્રીરામકૃષ્ણ પરમહંસની તેમજ દેશ સંબંધી વાતો કરો અને નીતિનું શિક્ષણ આપજો. આરોગ્ય અને શિક્ષણ એ બધી બાબતોમાં પણ કંઈક કંઈક શિક્ષણ આપજો, વચ્ચે વચ્ચે કીર્તન અને ભજન પણ કરજો. બેચાર આનાનાં પતાસાં લાવી ભગવાનને ભોગ ધરાવી હરિકીર્તન કરાવો અને પ્રસાદ આપજો. આ રીતે તેમને શિક્ષણ આપવું જોઈશે. તેમને જાગૃત કરવા પડશે. કદાચ તેઓ શરૂઆતમાં તમારે કશો સ્વાર્થ હશે, એમ ધારીને તમારી સાથે ભળશે નહિ. પછી જ્યારે જોશે કે તમારો કંઈ પણ સ્વાર્થ નથી, ત્યારે તેઓ તેમના પ્રાણ દેવાને પણ તૈયાર થશે. વળી સાથે સાથે તમે પણ નિઃસ્વાર્થ થતાં શીખજો. આ પ્રમાણે નિઃસ્વાર્થપણે કામ કરતાં કરતાં ચિત્તશુદ્ધિ થશે. ત્યાર પછી ભગવાનના ભાવથી-ભગવાનના પ્રેમથી તમારું હૃદય ભરાઈ જશે. એમ ન બને અને ચિત્તશુદ્ધિ થાય નહિ તો તો હજાર વાર નામ લો, તો પણ કંઈ પત્તો ખાશે નહિ. સ્વાર્થપરાયણતા, હિંસા અને દ્વેષબુદ્ધિ મનમાં રાખીને માત્ર નામજપ કરવાથી શું થશે? દેશ તમોગુણથી ઘેરાયેલો છે, એમ સમજીને જ સ્વામીજી મહારાજે આ પ્રમાણે કામ કરવાનું કહેલું છે. પરીક્ષા આપી, પાસ થયા, લખતાં વાંચતાં શીખ્યા પણ જો, ‘બહુ જનહિતાય’ (ઘણા માણસોના હિતને ખાતર) સ્વાર્થત્યાગ કરી શક્યા નહિ તો ધૂળ પડી એ ભણતરમાં અને પરીક્ષામાં! માત્ર ગુલામી કરવાથી શું વળવાનું છે? તમે આર્ય ઋષિમુનિઓનાં સંતાન છો, હજી પણ તમારી નસોમાં પવિત્ર હિન્દુ લોહી વહે છે. બીજાઓની ગુલામી કરતાં તમને શરમ નથી આવતી? તમે સ્વદેશાભિમાન, સ્વદેશાભિમાન કર્યા કરો છો, તો આના જેવું રચનાત્મક સ્વદેશાભિમાન બીજું ક્યું હોઈ શકે? તમે નવભારતના યુવકો છો, સ્વામીજી તમારા ઉપર ખૂબ વિશ્વાસ રાખી ગયા છે.

જાતે જાગીને બીજાઓને જગાડો, આ પ્રમાણે સમાજને કેળવણી, આરોગ્ય અને નૈતિક ચારિત્ર્યનું શિક્ષણ આપીને સત્યને માર્ગે લઈ જાઓ, પ્રત્યેક ગામમાં અને પ્રત્યેક વિભાગમાં, પ્રત્યેક ઝૂંપડે ઝૂંપડે હરિજનો વગેરે પછાત કોમોમાં કેળવણી અને આરોગ્ય વગેરેનો પ્રચાર કરો, સ્વામીજી કહી ગયા છે કે તમારી નિઃસ્વાર્થપરાયણતા જોઈને દેશ જાગી ઊઠશે. આ પ્રમાણે બધી રજાઓમાં યોજાઈ જાઓ. તેમની સાથે રમતગમતમાં પણ ભાગ લેવો. રજામાં કેટલાક દિવસો આ પ્રમાણે કર્યાથી એક પ્રકારનું સ્થાયી કાર્ય થયેલું જણાશે. ઈચ્છા હોય તો તમારામાંથી કોઈ ગામડાંની મુલાકાતે ઊપડો અથવા પહાડો, વનો અને જંગલોમાં ઘૂમો. પર્વતે પર્વત ખૂંદી વળો. જાઓ, આળસમાં દિવસો ગુમાવશો નહિ.

Total Views: 133
By Published On: May 1, 1996Categories: Shivananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram