‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો માર્ચ અંક મળ્યો. હૉલિસ્ટિક વિજ્ઞાન અને વેદાંત’ શ્રી કેશવલાલ વી. શાસ્ત્રીનો લેખ અતિ ઊંડા ગહન ચિંતનવાળાથી જ સમજી શકાય તેવો કહી શકાય. મારા જેવા સામાન્યનું ગજું નથી. આધુનિક યુગના આધ્યાત્મિક આદર્શ શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી ભૂતેશાનંદજીના લેખનું સમજી શકાય તેવી સરળ ભાષામાં શ્રી દુષ્યંત પંડ્યાએ ભાષાંતર કર્યું છે, સમાજ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય, ડૉ. નરોત્તમ વાળંદનો લેખ, આજના સમયમાં યુવાનોને માર્ગદર્શક સમાન છે. લોકભોગ્ય ભાષામાં ડૉ. નરોત્તમભાઇ આવા લેખો પીરસતા રહે એવી અપેક્ષા સાથે ધન્યવાદ. હરિ ૐ

– કણબી ગોપાલ, મેંગ્લોર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ આધ્યાત્મિકતાનું અખંડ સ્રોત અને બાયલાને મરદ બનાવતું માસિક છે.

– ઉત્પલ ડી. આચાર્ય, વાસણા – ધંધુકા

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માધ્યમથી સ્વામી વિવેકાનંદજી તેમ જ અન્યોના સુંદર સાહિત્યના વાચનનો લાભ મળે છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સુંદર છે. સૌને અભિનંદન.

– નારાચણ સ્વામી રામસ્વરૂપાચાર્યજીની આજ્ઞાથી થાણા ગાલોલ, તા. જેતપુર.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ફેબ્રુઆરી અંકમાં સ્વામીશ્રી બ્રહ્મેશાનંદના પ્રશ્ન-જવાબ સાધકોના પ્રશ્નોના ઉત્તર વાંચી ખુબ આનંદ થયો. ઘણી બધી માહિતી મળી. દરેક અંકમાં ઘણું બધું આધ્યાત્મિક જાણવાનું મળે છે, આપ દર બે માસે સાધકોના પ્રશ્નોના ઉત્તરનો સમાવેશ કરો એવી અમારી આપને હૃદયથી માગણી છે. અમે થોડું ઘણું જાણતા હોઇએ તો અમે પણ બીજી વ્યક્તિને આ બાબતે માહિતી આપી શકીએ. દરેક અંક સર્વ શ્રેષ્ઠ હોય છે.

– પ્રદીપ, અમરેલી

આપનું ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિક મારા મિત્રે ગાંઠના પૈસા ભરીને લવાજમ ભરી મોક્લી દીધું. વાંચી ખરેખર ખૂબ જાણવાનું મળ્યું. ‘સ્વામી વિવેકાનંદ’ વિશે વધુ જાણકારી લખશો. એકી સાથે અંક વંચાઇ જાય છે. ત્યારબાદ પછી મહિનો રાહ જોવી પડે છે. પખવાડિક બની જાય તો કેટલું સારું? બાળ વિભાગ ખૂબ જ ગમે છે. આપના અંક સમયસર મળે છે.

– પ્રકાશ જે. સરવૈયા, સાવલી

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના લેખો, વાર્તાઓ ખરેખર ઘરમાં બધાંને વાંચવા ખુબ ગમે છે. ભક્તિની સાથે સાથે જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. તેમ જ માનસિક સાંત્વના મળી રહે છે. બાળકોને પણ બાળવાર્તા દ્વારા ઘણું જાણવાનું મળી રહે છે.

– આજ્ઞાબહેન એન. મહેતા, વડોદરા.

ફેબ્રુ.-’૯૭ અંક નં-૧૧ મળ્યો. વાંચ્યો. પોરબંદર અંગેની માહિતી વાંચીને આનંદ થયો. ‘સ્મરણરાક્તિની કળા’ લેખ વાંચીને વિશેષ આનંદ થયો. આજના વિદ્યાર્થીનો એક સામાન્ય પ્રશ્ન હોય તો એ છે કે તે વાંચે છે તે યાદ રહેતું નથી. તો તેઓને ખ્યાલ આવશે કે વાંચવું તો કેવી રીતે વાંચવું, તેમાં પણ ઇન્દ્રિયોના સંયમની પણ કેટલી આવશ્યકતા છે તેનો ખ્યાલ આવશે.

– સાધુ સત્યપ્રકાશદાસ, ગઢડા (સ્વામીના).

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વિશે કશું કહેવા સમર્થ નથી પણ હા તેને વાંચીને મન ક્યાંક અગોચર વિશ્વમાં ઉડાન કરવા પહોંચે છે અને એક પરમ શાંતિનો અનુભવ કરું છું, જાણે આત્મા તેની મંઝિલની ઓર એક કદમ આગળ વધ્યો હોય, જાણે વર્ષોથી ઘર ભુલેલાને ઘરના દૂરથી દીદાર થયા હોય તેવી તેમાં રહેલી વિવિધતા ગમે છે. અને આવી જ રીતે વિવિધતાથી સભર બનાવો જેથી દરેક ઉંમરની વ્યક્તિને એક અલૌકિક આનંદ પ્રાપ્ત થાય.

– અમિષા ઉપાધ્યાય, વેરાવળ.

માર્ચ-૯૭નો ચાલુ વર્ષનો છેલ્લો અંક ‘મધુરેણ સમાપયેત્’ જેવો સુંદર છે. જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી થાય એવા વિવિધ લેખોનું સંપાદન ખરેખર સ્તુત્ય છે. ખાસ તો, શ્રી વાલ્મીકભાઇ દેસાઇના સૌજન્યથી આ અંકમાં પ્રકાશિત થયેલ વર્ણાનુક્રમ સૂચિને લીધે આખા વર્ષમાં પિરસાયેલ સાહિત્યમાંથી વિશેષ પસંદગીનું વાંચન ઇચ્છનાર વાચક માટે એ આશીર્વાદરૂપ છે અને વાચનાલય માટે એક આદર્શ સંદર્ભ-સુચિ પણ બની શકશે. વાચકોની આ અપ્રતિમ સેવા બદલ કોટિ કોટિ ધન્યવાદ. આના સંદર્ભમાં એક સૂચન કરવાનું મન થાય છે. આ સૂચિના ક્રમની સામે જે – તે પાનાનો નંબર આપેલ છે, તેની સાથે કૌંસમાં સંબંધિત અંકની સંખ્યા (જેમ કે ૫૨૩ (૧૨) –૫૩૯ (૧૨) વિ.) પણ આપી શકાય તો વધુ સુગમ બનશે.

– નિલકંઠ અંતાણી, મંત્રી, શિવાનંદ પરિવાર, વીરનગર.

ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં માસિકોમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું સ્તર ઘણું જ ઊંચું છે. ફેબ્રુ.-૯૭ના અંકમાં સ્વામી વિવેકાનંદજીના કાવ્ય ‘પિયાલા’ અને નરોત્તમ પલાણનો ‘પોરબંદરનાં એક હજાર વર્ષ’ આ બંને લેખો ખરેખર અમૂલ્ય છે.

– લક્ષ્મીશંકર બી. ભટ્ટ, ચાંદલોડીયા, અમદાવાદ.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો ફેબ્રુ.-૯૭નો અંક એકી બેઠકે વાંચ્યો. પોરબંદર વિષયક તેમ જ સ્વામી શ્રી વિવેકાનંદના નિવાસસ્થાન વિષેના લેખો ઘણા જ માહિતી સભર અને રુચિર લાગ્યા. સ્વામીશ્રી બ્રહ્મેશાનંદના ‘સાધકોના પ્રશ્નોના ઉત્તર’ તેમજ ‘પિયાલો’ (ધ કપ) કાવ્યનો રસાસ્વાદ આ અંકનું નવલું નજરાણું ગણી શકાય. ‘પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ’ વિષયક સંપાદકીય લેખ આ સમગ્ર અંકમાં એક વિશિષ્ટ ભાત પાડે છે. આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો બહુ જ સાહજિકતાથી અંકમાંથી મળી જાય છે.

– ડૉ. દિનેશભાઇ મો. જાની, જામનગર

બિલિમોરાથી અમો પૂના આવતા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક – ૧૦ (જાન્યુઆરી -૧૯૯૭) અંક મારી સાથે લઇ આવ્યો હતો. અંકમાંનાં બધા જ અંશો ખૂબ જ સુંદર છે. અંક વાંચતાં પૂ. શ્રી ઠાકુર પ્રત્યેની ભક્તિમાં કેટલાંય શ્રદ્ધારૂપી પુષ્પો ખીલી ઊઠ્યાં છે. એ હું શબ્દોમાં કેવી રીતે વર્ણવું એ સમજાનું નથી. તેમાંય ‘હું જીવન વલ્લભ’ કાવ્ય રચના વાંચી અનુભવ્યું કે એ તો મારા અંતર આત્મામાં ઊમટી રહેલી ઠાકુર પ્રત્યેની ભાવનાઓ છે કે જેને હું મારા હૃદયમાં અનુભવું છું. ‘હે જીવન વલ્લભ’ કાવ્ય રચનાના વાચન પછી લાગે છે કે મારા હૃદયમાં ઉમટી રહેલી ઠાકુર પ્રત્યેની ભાવનાઓને શબ્દોરૂપી રચના મળી ગઈ છે. શબ્દોની સાંકળમાં આટલી સુંદર હૃદયસ્પર્શી સ્વીન્દ્રનાથ ઠાકુરની કાવ્ય રચના રજૂ કરવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.

બસ હવે તો આ મનરૂપી વાટિકામાં નિરંતર શ્રદ્ધારૂપી જળનું સિંચન કરી ભક્તિરૂપી પુષ્પો ખીલતાં રહે અને આ હૃદય મંદિરમાં બીરાજેલ ઠાકુરના ચરણોમાં હું એ પુષ્પો નિરંતર અર્પણ કરતો રહું.

– ગૌરાંગ જોષી, પુણે

Total Views: 64
By Published On: April 1, 1997Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram