શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. – સં.

પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિનો વિચાર કરીએ તો મહાપુરુષોના ગુણોનું ગાન કરવા તત્પર થયેલા વ્યાસદેવનું મંગલાચરણ ‘धाम्ना येन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि’ – યાદ આવી જાય છે. સમગ્ર શ્રુતિઓનો સિદ્ધાંત છે કે સત્ય જ ભગવાન છે. સત્ય જ ચિન્મય; સત્ય જ આનંદ; સત્ય જ પરમાર્થ છે. પરમ-ધામ છે સત્ય.

દેવમાનવ શ્રીરામકૃષ્ણ સત્ય સ્વરૂપ છે. જગન્માતાનાં દર્શન કર્યા પછી જ્યારે એમણે દેહમનનું સર્વસ્વ એટલે કે ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, સારું-ખરાબ, યશ-અપયશ વગેરે બધું જ માતાને અર્પણ કર્યું પણ સત્યને ન અર્પી શક્યા. સત્યનિષ્ઠાનો સૌથી મહાન આદર્શ શું હોઈ શકે, તે એમણે પોતાના મહાન જીવનમાં આચરીને અને અનેક પ્રવચનોમાં ઉચ્ચારીને આપણી સમક્ષ રજૂ કર્યો છે. ક્યારેય પણ એમની વાણી કે વર્તનમાં, આચાર કે વિચારમાં સત્યનો ત્યાગ નજરે પડતો નથી. તે એકાંતિક સત્યનિષ્ઠ હતા. શ્રી શ્રીઠાકુર કહેતા, ‘જેનામાં સત્યનિષ્ઠા છે તે સત્યસ્વરૂપ ભગવાનને પામે છે, મા એની વાત કદી મિથ્યા થવા દેતી નથી.’ તેઓએ ગૃહસ્થાશ્રમીઓને માટે પણ કહ્યું છે, ‘જેઓ નોકરી ધંધા જેવાં વિષય-કર્મ કરે, અર્થાત્ સાંસારિક કામો કરે, એમણે પણ સત્ય પાલન કરવું જરૂરી છે. સત્ય બોલવું એ કલિયુગની તપશ્ચર્યા છે. સત્યમાં દૃઢ વિશ્વાસ હોય તો ઇશ્વરપ્રાપ્તિ થાય.’ આવાં વચનો તેઓ નિરંતર કહેતા રહ્યા છે. સત્યનિષ્ઠાનાં કેટકેટલાં ઉદાહરણો એમના જીવનમાં જોવા મળે છે! જેવાં કે, જે દિવસે જ્યાં જવાનું કહ્યું હોય તે દિવસે જ બરાબર ત્યાં જઈ હાજર થયા છે. જેની પાસેથી જે વસ્તુ લેવાની નક્કી કરી હોય તેની જ પાસેથી તે લીધી છે. બીજા કોઈ પાસેથી લઈ પણ ન શકતા. જે દિવસે જે વસ્તુ નહીં ખાઉં એમ કહ્યું હોય, ‘આ કામ હવે પછી નહીં કરું’ એમ કહ્યું હોય તે દિવસે તે વસ્તુ ન તો ખાઈ શકે ન તો એ કામ કરી શક્યા.

કામારપુકુરમાં ‘ધની’ નામે ગરીબ એક લુહારણ હતી. એને એમણે વચન આપેલું કે જનોઈ વખતે પોતે ‘ધની’ને એમની ભિક્ષા-માતા બનાવશે, એમની પાસેથી ભિક્ષા લેશે. જનોઈ વખતે સહુ સગાં-સબંધીનો સખ્ત નિષેધ – મનાઈ – વિરોધ – અવરોધ છતાં એમણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. ત્યારે એમની વય માત્ર નવ વર્ષની જ હતી. તે વયે પણ એમનામાં સત્યપાલનની એટલી દૃઢતા હતી. તેઓ સમદર્શી ને ઉદાર પણ એવા જ હતા. ઊંચ-નીચ જાત, ધનિક ગરીબ વગેરે ભેદભાવ એમની નજીક પણ ન ફરકી શકતા. ભંગીઓનાં સંડાસ પોતે પોતાના હાથે સાફ કરી, સંડાસની ભોંય પોતાના વાળથી એમણે લૂછી છે.

આ ઉદાર મનોવૃત્તિને લીધે જ તેઓ બોલતા, ‘ક્ષુદ્ર છીછરા જલાશયમાં જ તુચ્છ હિંચે (હિંચે : (સંસ્કૃત હિલમોચિકા) એક તુરી શાકભાજી જે પાણીમાં ઉગે.) ને કલમી (કલમી : સંસ્કૃત કલમ્બી. જલજજ શાક, છીંછરા પાણીમાં ઢગલે ઢગલા ઉગે.) જેવાં શાક ઊગે; વહેતા પાણીમાં ન ઊગે. એમનાં ઝુંડ બંધાય નહીં.’ મતલબ કે મનની સંકુચિતતા જ વાડાબંધી ઊભી કરે છે ઉદારબુદ્ધિ મનુષ્ય ન તો જૂથ બનાવે કે ન તો સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે. સિસ્ટર નિવેદિતાને ઠાકુરની વાત કરતાં સ્વામી વિવેકાનંદે કહેલું ‘Never a word of condemnation for any!’ અર્થાત્ કોઈની કે કશાની તેઓએ કદી નિંદા નથી કરી. નિંદા કરે જ શી રીતે! અધ્યાત્મ જગતના સર્વશ્રેષ્ઠ ભાવ આદર્શોનો સમન્વય કરી એક શ્રેષ્ઠ – સુંદર માળા-હાર ગૂંથી પોતે પોતાના ગળામાં પહેરીને બેઠા હતા ને! ડૉક્ટર મહેન્દ્રલાલ સરકાર કહેતા, ‘પરમહંસદેવ જે બધી વાતો કરે છે, એ આપણા હૃદયને સ્પર્શે છે, કેમ કે એમણે બધા જ ધર્મો હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી, શાક્ત, વૈષ્ણવ, વેદાંત વગેરેને પોતે પાળીને, આચરીને સાક્ષાત્ કરી જોયા છે. મધમાખી વિવિધ ફૂલો પર બેસી મધનો સંચય કરી મધપૂડો બનાવે છે એટલે જ તો મધપૂડો સરસ બને છે.’ આ બધા ધર્મો પોતે આચરીને, એક જ સત્ય પર પહોંચી એમણે કહ્યું છે, ‘સત્ય એક છે, નામ ભલે જુદાં જુદાં હોય, તમે ગમે તે માર્ગે – પંથે જશો, તો પણ બધાં એક જ લક્ષ્ય, એક જ સ્થાને પહોંચશો, ગૃહસ્થાશ્રમી કે સંન્યાસી, સ્ત્રી કે પુરુષ, જાતિ ધર્મના ભેદ વિના, બધાં જ એક જ લક્ષ્ય પહોંચવાના અધિકારી છે.’ શ્રીરામકૃષ્ણનો આ સર્વધર્મ સમન્વયનો ભાવ રવીન્દ્રનાથે સુંદર રીતે એક ગીતની કડીમાં ગૂંથ્યો છે :

‘બહુ સાધકની બહુ સાધનાની ધારા
બધી ભેગી મળી છે ધ્યાનમાં તમારા’

ધર્મ સાધનાના માર્ગો, જે બધા આચરણમાં મૂકવા કઠણ તે બધા જુદા જુદા સમયે આચરાતા અને વિચિત્ર વિવિધ માર્ગો પર વિચરણ કરી, પરમ સત્યની ઉપલબ્ધિ પામી, સર્વ ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ એ ઉપલબ્ધિની વાત – આત્મજીવનની એ ગંભીરતમ અનુભૂતિની વાત એમણે એક નાનકડા વાક્યમાં સમાવીને ‘જેટલા મત તેટલા પથ’ જેવી યુગવાણી સંભળાવી છે. મહામિલનના સૂરે ને બોલે બાંધેલા, એમના જીવન અને વાણીએ બધા દેશના, બધી જાતિના, બંધા ધર્મોના મનુષ્યના મન આકર્ષી લીધાં છે. કેમ કે એમણે તો બીજાના અનુભવની, અનુભૂતિની વાત નથી કરી. એમણે એવો ઉપદેશ પણ નથી દીધો કે જેનું પોતે અક્ષરશઃ પાલન ન કર્યું હોય. ઊલટાનું એમણે તો એમ કહ્યું છે કે પોતે રૂપિયાના સોળે સોળ આના – પૂર્ણપણે પાલન કર્યું છે, પણ જો કોઈ એનો સોળમો ભાગ, માત્ર એક આની પણ પાલન કરશે તોયે ઘણું!

સર્વસ્વ ત્યાગીને તેઓ યુગાચાર્ય થયા છે. સ્વામીજીએ ઠાકુરને ‘ત્યાગીશ્વર’ કહ્યા છે. રૂપિયા, પૈસા અને ધૂળ ઢેફાં એક હાથમાં લઈ ‘રૂપિયા, ધૂળ અને ધૂળ રૂપિયા’ એમ કહીને એમણે એ બંને ગંગામાં પધરાવ્યા હતા, એ વાતથી તો સહુ વિદિત છે. છતાં સહુ એ વાત હરહંમેશ યાદ નથી રાખતા, કે જે કંઈ ધન, દોલત, ચીજવસ્તુ આ ઇશ્વરપ્રાપ્તિના માર્ગમાં પ્રતિકૂળ છે એ બધી જ વસ્તુઓ એમણે તનમનથી સંપૂર્ણપણે ત્યાગી હતી, ત્યારે જ તેઓ થયા હતા ‘समलोष्टाश्मकांचनः’ અર્થાત્ માટીનું ઢેફું અને સોનું જેની નજરે સમાન છે એવા સમદૃષ્ટિ પુરુષ. વ્યક્તિગત સેવા માટે લક્ષ્મીનારાયણ મારવાડીની ભેટ, રૂપિયા દસ હજાર એ જમાના માટે એ કંઈ નાની સૂની ૨કમ ન હતી, એમણે સાવ સહેલાઈથી, મનની કશી અવઢવ કે દ્વન્દ્વ વિના દૃઢતાથી પાછી વાળી હતી. એટલું જ નહિ, પણ તેઓ કોઈ સામાન્ય વસ્તુનો પણ સંચય કે સંગ્રહ કરી શકતા નહીં, એ પણ એમને માટે અસંભવ હતું એ વાત આપણે એમનાં લીલાસંગિની, શ્રીશ્રીમા શારદાદેવીની વાત પરથી સમજી શકીએ. અને ત્યારે આપણને લાગે કે એમનો ત્યાગ સર્વ રીતે ઉજ્જવળ બની કેવો ઝળહળી રહ્યો છે! મા કહેતાં, ‘એમનું ઐશ્વર્ય એમનો ત્યાગ જ હતો.’ પછી એક વાત કરતાં, ‘એક વાર જમીને તેઓ મારી પાસે નોબતખાને આવ્યા. મેં મુખવાસ માટે થોડાં અજમો – વરિયાળી દીધાં અને થોડાં કાગળમાં પડીકું બાંધી હાથમાં આપ્યાં કે પોતાની ઓરડીએ લઈ જઈને ખાઈ શકે. જેવા પોતાની ઓરડીએ જવા નીકળ્યા કે પોતે મારગ જ ન ભાળી શક્યા. નોબતખાનાની દક્ષિણે આવેલા ગંગાના ઘાટ ભણી જવા માંડ્યા. ભાન પણ ન રહ્યું કે પોતે ક્યાં જાય છે, કેવળ અર્ધબાહ્ય અવસ્થામાં બોલતા હતા, ‘મા ડૂબી જાઉં, મા ડૂબી જાઉં છું.’ એવામાં દોડતા આવી હૃદયે ન પકડ્યા હોત તો ગંગામાં પડી જાત. હાથમાં અજમા વરિયાળીનું પડીકું હતું તેથી રસ્તો જ ન દેખાયો! એમનો ત્યાગ એટલે સોળ આના ત્યાગ. ક્યાંય આવો ત્યાગનો નમૂનો કોઈએ દીઠો છે?’ આ રીતે તેઓ ‘ત્યાગીશ્રેષ્ઠ’ થઈને જ ‘અધ્યાત્મ- સમ્રાટ’ પણ થયા હતા. ભગવાનનું ચિંતનમનન કરતાં કરતાં સાધકની એવી એક અવસ્થા થાય છે કે જ્યારે પોતાને સામાન્યમાં સામાન્ય દેહબોધ – દેહનું ભાન પણ ન રહે. એ અવસ્થાને ‘સમાધિ’ કહેવાય. આ એક આશ્ચર્ય અદ્ભુત અવસ્થા, આ સમાધિ અવસ્થા, અધ્યાત્મ જગતમાં અતિવાંછિત અવસ્થા, પણ અતિશય વિરલ, દુર્લભ અવસ્થા. શ્રીરામકૃષ્ણનું મન ઈશ્વરભાવથી એટલું ભરપૂર રહેતું કે એમને વારંવાર સમાધિ થતી. એમના ગુરુ તોતાપુરીજીને આ સમાધિ અવસ્થાની ઉપલબ્ધિ કરવા ચાળીસ વર્ષ સુધી કઠોરતમ તપશ્ચર્યા કરવી પડી હતી, જ્યારે શ્રીરામકૃષ્ણને, એમના શિષ્યને, એ સ્થિતિ ત્રણ જ દિવસમાં પ્રાપ્ત થઈ હતી. શ્રી શ્રીભવતારિણીના સુસ્પષ્ટ ઇંગિતથી તેઓ પછીથી નિર્ગુણ -સમાધિમાં ન રહેતાં હમેશાં ‘ભાવમુખે’ ભાવની સ્થિતિમાં રહેતા, એ એક અપૂર્વ અવસ્થા. એ જાણે નિત્ય સ્વરૂપ અને લીલાનું સંગમસ્થાન, અલૌકિક અને લૌકિક ભૂમિના મિલનનું એક કેન્દ્ર, એક પૂલ. અતીન્દ્રિય અને ઈન્દ્રિયગ્રાહ્યને એકી સાથે જોનાર દ્રષ્ટા. હંમેશાં સાક્ષીભાવમાં અવસ્થિત દેહમાનવ શ્રીરામકૃષ્ણ જાણે મર્ત્યલોકમાં અમૃત્વની છાયા ઉતારી લાવ્યા હતા. માનવહૃદયની સમસ્ત સુષમા અને માધુર્ય એમની આધ્યાત્મિક જીવનગતિમાં અને એમની માનવીય સંવેદના, સહાનુભૂતિ અનુકંપા, અખૂટ પ્રેમ, કલ્યાણની આકાંક્ષામાં પ્રગટ થયાં હતાં. વિશ્વજનની સાથે સદા સર્વદા સ્વાભાવિક શરણાગત શિશુ જેવો સરળ વ્યવહાર કરી, વિસ્તૃત ગૂઢ તંત્ર-ઉપાસના કરી સર્વ ભાવે ભક્તિ સાધના કરી, રામલાલા સાથે રમત રમી, અદ્વૈતમાં પ્રતિષ્ઠા રૂપી સમાધિના શિખરે વિરાજમાન થઈને તેમ જ પોતાની સહધર્મિણીની ષોડશ ઉપચારે પૂજા કરી શ્રીરામકૃષ્ણે વીસમી સદીના જિજ્ઞાસુ લોકોના સકળ સંશય દૂર કર્યા હતા. દ્વિઅર્થી શબ્દો વાપર્યા વિના સ્પષ્ટ અને સરળ ભાષામાં એમણે ઘોષણા કરી હતી : ‘જે રામ, જે કૃષ્ણ, એ જ અત્યારે (આ દેહમાં) રામકૃષ્ણ’ એમને સ્વામી વિવેકાનંદે ‘અવતાર વરિષ્ઠ’ (સર્વોત્તમ અવતાર) કહીને ઘોષણા કરેલી. એ જ રામકૃષ્ણને આપણે બીજાં રૂપોમાં પણ જોઈએ છીએ. જેમ કે ક્યારેક કોઈ આત્મીય સંબંધીના મૃત્યુથી થતા વિયોગની વ્યથાથી શોકવિહ્વળ થાય છે. ભૂખપીડિત લોકોના દુઃખ જોઈ તીર્થયાત્રાને તુચ્છ સમજે છે, શ્રીશ્રીમાને કેવળ શિક્ષણનું જ દાન નહિ, પણ એમને માટે ઘરેણાં પણ ઘડાવે છે. નિત્ય સમાધિ – અવસ્થાના અભિલાષી નરેન્દ્રનાથને ‘બહુજન હિતાય બહુજન સુખાય’ લોકોનાં હિત અને સુખ માટે આત્મસમર્પણ કરવા ઉદ્દીપ્ત કરે છે. કલકત્તાના ગુલામી, જડતા અને યંત્રના મોહથી વિભ્રાંત થયેલાં નરનારીઓના કલ્યાણ માટે વ્યગ્ર થાય છે. સાધનાથી પ્રાપ્ત થયેલી ગહન, ગૂઢ અને અમોઘ આધ્યાત્મિક વિદ્યાને અખિલ વિશ્વમાં વહેંચી દેવા આતુર થાય છે, માનવજાતિનાં જ્ઞાન, બુદ્ધિ અને આધ્યાત્મિક ચેતનાને પુનઃ જાગ્રત કરવા સતત તત્પર રહેતા દેખાય છે. સાથે જ અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ શ્રીરામકૃષ્ણ ભૌતિક દૃષ્ટિએ સંપૂર્ણ ઐશ્વર્યહીન, છતાં સદા ઇશ્વરમય અને નિત્યાનંદમૂર્તિ. આ દેવમાનવ, સામાન્ય મનુષ્યની જેમ હાસ્ય-રુદન, વિનાશ – સર્જન, આશા-આકાંક્ષા, નિત્ય-નૈમિત્તિક વગેરે બધું જ કરતા નજરે પડે છે ખરા, પણ કદી બેસૂર નથી થતા. બેતાલ નથી થતા. એમનું બધું જ મનોરમ સરસતાથી ભરપૂર છે. યુગ- યુગાંતરે પણ કેવળ આધ્યાત્મિક તત્ત્વ જ એકમાત્ર સત્ય છે, વાસ્તવ છે અને જીવનની કામ્ય વસ્તુ પણ એ જ છે. એ જ માનવજીવનને કૃતાર્થ કરવાનું સાધન પણ છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રીરામકૃષ્ણનું પોતાનું જીવન. જેમ રેણ વાપર્યા વિના શુદ્ધ સોનામાંથી ઘરેણાં ઘડી ન શકાય, તે રીતે એમની ઉચ્ચ અવસ્થા શુદ્ધ સુવર્ણ સમ હતી, તેથી એમનાથી પ્રચારકાર્ય કરવું સંભવ નહોતું, એટલા માટે એ મહત્ત્વના ઉદ્દેશ્યને સફળ કરવા માટે તેઓ સપ્તર્ષિ મંડળના ઋષિને અવની પર ઉતારી લાવ્યા હતા.

આધ્યાત્મિક જીવનના ઉત્તુંગ શિખરે વિરાજમાન હોવા છતાં ઠાકુર જીવનની વ્યાવહારિક બાજુની ઉપેક્ષાન કરતા. પરાવિદ્યાની સાથે સાથે તેઓ અપરાવિદ્યાને પણ યથાયોગ્ય મર્યાદા પ્રદાન કરતા, તેઓ કહેતા, ‘જ્યાં સુધી ‘જીવીએ ત્યાં સુધી શીખીએ’ વળી ક્યારેક કહેતા, ‘જે એક વિદ્યામાં પારંગત હોય તેને માટે ઇશ્વર – પ્રાપ્તિ સહજ બને.’ અને પોતે ગુણગ્રાહી હતા તેથી જ તેઓ સમકાલીન શ્રેષ્ઠ ગુણી જ્ઞાનીઓને, જેવા કે વિદ્યાસાગર, બંકિમચંદ્ર વગેરેને ખાસ મળવા ગયેલા. એમનું સર્જન – સ્વામી વિવેકાનંદ પણ ઈચ્છતા કે આ યુગના માણસમાં આધ્યાત્મિકતા સાથે કાર્ય કુશળતા પણ ભળે. ઠાકુર પોતે જ્યારે સંપૂર્ણપણે બાહ્ય દશામાં હોય, ત્યારે કેવળ કર્મ તત્પર જ નહિ પણ કાર્યકુશળ – કર્મપટુ પણ હતા. જીવનમાં અવ્યવસ્થિતતા, લાપરવાહી, બેદરકારી વગેરે તેમને મુદ્દલે પસંદ નહોતાં. એમના ઓરડામાં એમની બધી જ ચીજવસ્તુઓ સુઘડપણે ગોઠવેલી રહેતી. દરેક નાની મોટી ચીજવસ્તુ પર એમની નજર રહેતી. એક વાર ‘કથામૃત’ના રચયિતા મહેન્દ્રનાથ ગુપ્ત, પશ્ચિમની ઓસરીમાં બેસી નાસ્તો કરીને, ઉતાવળે ઠાકુર પાસે આવ્યા. ઠાકુરે તરત પૂછ્યું. ‘પાણીનો લોટો ન લાવ્યા?’ માસ્ટર મહાશય તો લજવાઈ ગયા. વળી એક દિવસ પંચવટી તળે પાઠ કરેલો, પાઠ પૂરો થયો એટલે બધા ઊઠી ઊઠીને ચાલ્યા ગયા. ઠાકુર સહુથી છેલ્લે ઘરમાં આવ્યા અને હસતા હસતા બોલ્યા, ‘તમને કોઈનેય ન થયું કે ચાલો છત્રી લેતા જઈએ!’

એક વાર સ્વામીજી પોતાના ગુરુભાઈઓને સંબોધીને બોલ્યા હતા, ‘અનંતભાવમય ઠાકુરને તમે લોકો શું તમારી સીમારેખામાં બાંધી રાખવા માગો છો? એમના ભાવ – ભાવનાને સમગ્ર પૃથ્વી પર ફેલાવી દઈશ.’ અને સાચેસાચ જ એમણે ઠાકુરના ભાવને આખાયે વિશ્વમાં ફેલાવી દીધો. અસલમાં તો ઠાકુરે પોતાના નરેન્દ્રને અવલંબીને જ યુગધર્મનો પ્રચાર કર્યો છે અને તેઓ કરી રહ્યા પણ છે. સ્વામીજીએ સાચી જ સાંત્વના આપી છે કે શ્રીરામકૃષ્ણના આવિર્ભાવથી વિશ્વવ્યાપી આધ્યાત્મિક નવ વિકાસ અને વિશ્વમૈત્રીના નવયુગની ઉન્નતિ – આબાદી થઈ છે અને જેમ જેમ સમય જશે તેમ તેમ શ્રીરામકૃષ્ણનો પ્રભાવ યુગની પરમ આવશ્યકતા પૂરી કરવા માટે સમસ્ત પૃથ્વી પર ફેલાઈ જશે.

હોશિયાર પાકા મરજીવાની જેમ સ્વામીજી રામકૃષ્ણરૂપી મહાસાગરમાંથી અઢળક ઐશ્વર્ય લાવી, સમસ્ત માનવજાતને બક્ષીસમાં આપી ગયા છે. પ્રચંડ ઝંઝાવાતની જેમ આવી, ગુરુની વાણીરૂપી વર્ષાથી પ્લાવિત કરી ગયા છે. શ્રીરામકૃષ્ણ છે જાણે વેદ અને સ્વામીજી એમનું ભાષ્ય.

આ પરમ પુરુષ શ્રીરામકૃષ્ણનાં સ્મરણમાં કવિએ સુંદર ગાયું છે કે –

‘સીમાની વચ્ચે અસીમ દેશનો આ કોણ અતિથિ આવ્યો રે!’

ઠાકુરે પોતે પોતાને ‘અજાણ્યું વૃક્ષ’ કહી સંબોધ્યા છે. મહાકવિ ગિરિશચંદ્રે ઘૂંટણિયે પડી પ્રણમીને કહેલું, ‘વ્યાસ વાલ્મીકિ જેનાં ગુણગાન કરી, ‘ઇતિ’ નહોતા કરી શક્યા તો મારું કે બીજાનું તો શું ગજું!’ તો હું એમના વિષે વધુ કહી શું શકું, કેવળ એટલું જ કહું છું, ‘સત્ય સ્વરૂપ, પ્રેમમૂર્તિ, ત્યાગીશ્વર, અધ્યાત્મસમ્રાટ, સર્વ ધર્મ સમન્વયકર્તા, પરમ ભાગવત, આનંદધન, અશેષ કલ્યાણમય શ્રીરામકૃષ્ણની કથા શ્રવણ મંગલમય છે.’

શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનાં પાદ-પદ્મ પ્રણામ કરી પ્રાર્થના કરું છું કે પૃથ્વીનાં સર્વ મનુષ્ય એમની અસીમ કૃપાથી શાંતિ અને આનંદ પ્રાપ્ત કરે.

रामकृष्णमहं वन्दे पूर्णं ब्रह्म सनातनम् ।
सच्चिदानन्दरूपोऽपि योऽवतीर्णो युगे युगे ।

બંગાળીમાંથી ભાષાંતર : ડૉ. સુકન્યા ઝવેરી

Total Views: 77
By Published On: November 1, 1997Categories: Atmasthananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram