‘मक्षिका वृणमिच्छन्ति मधु भुंक्ते च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે અમે આ નવા સ્તંભમાં એવા જ સમાચારો પ્રકાશિત કરીશું – જે ઉત્સાહવર્ધક હોય, પ્રેરક હોય, રસપ્રદ હોય. -સં

ભારતની સહાય ઘટાડવાના પ્રસ્તાવનો અમેરિકી કૉંગ્રેસમાં સજ્જડ પરાજય

માનવાધિકાર સુરક્ષાની નબળી સ્થિતિને ધ્યાનમાં લઈ તેના ૧૯૯૮ના નાણાંકીય વર્ષમાં ભારતને અપાતી અમેરિકન વિકાસ સહાય ઘટાડવાનો સુધારો વિક્રમ સર્જક ૨૬૦ મતથી અમેરિકી ગૃહે ફગાવી દીધો છે.

લગભગ સાડા ત્રણ કલાકની ચર્ચા વિચારણા બાદ લગભગ ૩૪૨ સભ્યોએ સુધારાની વિરુદ્ધમાં અને ૮૨ સભ્યોએ સુધારાની તરફેણમાં મતદાન કર્યુ હતું.

ભારતને અપાતી અમેરિકાની વિકાસ સહાય ૫.૬ કરોડ ડૉલરથી ઘટાડી ૪.૨ કરોડ ડૉલર કરી નાખવાનું સૂચન કરતો સુધારો રિપબ્લિકન કૉંગ્રેસમેન ડાન બર્ટોને રજૂ કર્યો હતો. અમેરિકી સહાયમાં ૨૫ ટકા કાપ મૂકવાનું ૧૯૯૮ના નાણાંકીય વર્ષના અમેરિકન બજેટમાં સૂચન કરાયું છે.

ખાલિસ્તાની અને કાશ્મીરી અલગતાવાદીઓને છાવરી ભારત સરકાર ઉપર ટીકાની ઝડી વરસાવતા અમેરિકન ગૃહમાંના ભારત વિરોધી સાંસદોના જૂથ માટે આ સુધારો ફગાવી દેવાયો એ નિર્ણયાત્મક પરાજય છે. સુધારાને ફગાવી દઈ ગૃહે ખાતરી આપી છે કે અમેરિકી બજેટમાંના સૂચન મુજબ ભારતને ૫.૬ ડૉલરની સહાય મળશે જ. કોઈ પણ પ્રકારે માનવ અધિકારના ભંગને અમેરિકા ચલાવી નહીં લે એવો ભારતને નિર્દેશ આપવા માટે ભારતને અપાતી અમેરિકાની વિકાસ સહાય ઘટાડી ૪.૨ કરોડ ડૉલર કરી દેવાય એવી શ્રી બર્ટોનની ઈચ્છા હતી..

ગૃહમાં મિજાજ ભારત વિરોધી પગલાની વિરુદ્ધનો હતો. લગભગ ૨૭ સાંસદોએ આ મુદ્દે ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાંથી આ ઠરાવ રજૂ કરનાર બર્ટોન સહિત ફક્ત ત્રણ સભ્યોએ જ ઠરાવની તરફેણ કરી હતી. બાકીના ૨૪ રિપબ્લિકન તથા ડેમૉક્રેટિક સભ્યોએ ઠરાવનો વિરોધ કર્યો હતો.

આ ઠરાવનો વિરોધ કરવામાં ગૅરી ઍકરમેન, ફ્રેન્ક પૅલૉન અને જીમ મૅકડોરમોટ વધુ સક્રિય રહ્યા હતા, જેમણે તેમની દલીલમાં જણાવ્યું હતું કે આ પગલાંથી પંજાબ અને કાશ્મીરમાંના અલગતાવાદીઓને બળ મળશે તેમજ હકારાત્મક રીતે ભારત ઉપર વગ રાખવાની અમેરિકાની ક્ષમતા ઉપર અસર કરશે.

છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન ભારત વિરોધી ઠરાવ રજૂ કરતા રહેલા શ્રી બર્ટોન કાશ્મીર, પંજાબ અને નાગાલૅન્ડમાં માનવ અધિકાર ભંગની વકીલાત કરતા રહ્યા છે.

તેમણે મહિલાઓ તથા અસ્પૃશ્ય ઉપર થતા અત્યાચાર ભણી પણ ધ્યાન દોર્યું હતું.

પંજાબમાંની અકાલી સરકાર વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ સાથે જોડાઈ જતાં કેન્દ્રની નવી સરકાર અને ચંદીગઢ સરકાર દમનનો અંત આણવામાં મદદરૂપ થશે.

રિપબ્લિકન સાંસદોના જણાવ્યા મુજબ સહાયમાં કાપ મૂકવાથી ભારતને સમજ પડશે કે અમેરિકા માનવ અધિકાર ભંગને ચલાવી નહીં લે.

વધુમાં ભારત હંમેશાં અમેરિકા વિરોધી રહ્યું છે. શીત યુદ્ધ કાળમાં ભારત સોવિયેત સંઘને ટેકો આપતું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ખુલ્લંખુલ્લા અમેરિકાની વિરુદ્ધમાં મત આપતું હતું. ભારતના આ વલણને જોતાં એને અમેરિકી સહાય શા માટે ફાળવવી જોઈએ એમ તેમણે પૂછ્યું હતું.

આ પ્રશ્નના પ્રતિભાવમાં પૅલૉને કહ્યું હતું કે બર્ટોને ભારતની વિશેષતઃ પંજાબ અને કાશ્મીરમાંની સ્થિતિ અંગે જૂની, બઢાવી ચઢાવીને અને અપૂરતી માહિતી રજૂ કરી હતી. હવે પંજાબ અને ભારતમાં લોકપ્રિય સરકારો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બર્ટોન ફક્ત માનવ અધિકારને મહત્ત્વ આપે છે, પણ વિદેશો વિશેષતઃ પાકિસ્તાનનો લશ્કરી તથા નૈતિક ટેકો મેળવતા મોટા ભાગના આતંકવાદી સંગઠનોના જોખમનો ભારત અવિરત સામનો કરે છે તેને બર્ટોન અવગણે છે.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન વારંવાર આતંકવાદી જૂથોને ટેકો આપી ભારતને અસ્થિર કરવાના સીધા પ્રયાસ કરે છે.

ભારત તરફી કોંગ્રેસી જૂથના જણાવ્યા મુજબ ગૃહમાં ભારત વિરોધી સુધારાનો પરાભવ થયો એ પુરવાર કર છે કે અમેરિકી સાંસદો ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સંબંધો ઈચ્છે છે.

ગત વર્ષે આ જ પ્રકારનો ઠરાવ ૨૯૬ વિરુદ્ધ ૧૨૭ મતોથી પરાજિત થયો હતો, જ્યારે આ વખતે આ ઠરાવ વિક્રમ સર્જક ૩૪૨ વિરુદ્ધ ૮૨ મતોથી નકારી કઢાયો હતો.

(શનિવાર તા. ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ૧૯૯૭ ‘ગુજરાતમિત્ર’)

Total Views: 68
By Published On: November 1, 1997Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram