દેશવિદેશમાં ખ્યાતિ પામેલ મૅનેજમૅન્ટ કન્સલટન્ટ પ્રૉ. ઍન. ઍચ. અથ્રેય ઍમ.ઍમ.સી. સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટ, મુંબઈના સંસ્થાપક અને ડાયરૅક્ટર છે. તા. ૨૫મી એપ્રિલ ૧૯૯૭ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત મૅનૅજમૅન્ટ વર્કશૉપમાં તેમણે જે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું તેનો સાર વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.
આજે જ્યારે શ્રેષ્ઠત્વ (Excellence) પર વાત કરવાની છે ત્યારે સૌ પ્રથમ હું થોડા પ્રશ્નો આપના વિચારાર્થે મૂકવા માગું છું –
૧. શ્રેષ્ઠત્વ શું છે?
૨. પાત્રાભિનય (Role-Playing) શું છે?
૩. જવાબદારીપૂર્ણ પાત્રાભિનય એટલે શું?
મારા મત પ્રમાણે નીચેની ચાર વસ્તુઓ શ્રેષ્ઠત્વ માટે મહત્ત્વપૂર્ણ છે :
૧. અન્ય લોકો માટે લાગણી (Concern for others.)
૨. અથાક પરિશ્રમ કરવાની ક્ષમતા (Stamina)
૩. ઉચ્ચતર અને ઉચ્ચતમ લક્ષ્ય મેળવવાની મહત્ત્વાકાંક્ષા
૪. શ્રેષ્ઠત્વ માટે અંતઃસ્ફૂર્ત પ્રેરણા (Self-propelled inspiration)
પાત્રાભિનયની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ચાર પાત્રો મહત્ત્વપૂર્ણ છે:
૧. ગ્રાહકરૂપેનું પાત્ર (વસ્તુ તેમ જ સેવા)
૨. અન્યપાત્રોના અંગરૂપનું પાત્ર
૩. મૅનૅજમૅન્ટના અંગરૂપનું પાત્ર
૪. પોતાનું પાત્ર
આ બધાં જ રૂપોના પાત્રાભિનયમાં શ્રેષ્ઠત્વ લાવવા માટે નીચેના મુદોઓ મહત્ત્વપૂર્ણ છે :
૧. ગ્રાહક રૂપેનું પાત્ર ભજવતી વખતે શ્રેષ્ઠ વસ્તુ તેમ જ શ્રેષ્ઠ સેવા મેળવવાનો આગ્રહ રાખો.
૨. સંસ્થાના અન્ય પાત્રોની સાથે ભેગા મળીને શ્રેષ્ઠત્વના પ્રયત્નોમાં સહાયરૂપ નીવડો. (Assist)
ઉદાહરણરૂપે માર્કેટિંગ વિભાગે ગ્રાહકોને વસ્તુની ગુણવત્તાની ખાતરી આપી હોય તો પ્રોડક્શન વિભાગે પોતાનો ભાગ ભજવવો અને આમ કરવા જતાં અન્ય વિભાગોએ પણ એમાં સહકાર આપવો.
૩. મૅનૅજમૅન્ટના એક ભાગરૂપે શ્રેષ્ઠત્વ મેળવવાની પ્રક્રિયાને નિરંતર સરળ બનાવવી. (consistently facilitate)
૪. તમારે પોતાને જે પાત્ર ભજવવાનું છે – પછી તે સુપરવાઈઝરનું હોય, ઑપરેટરનું હોય કે ઝાડુવાળાનું હોય, તે પાત્ર ભજવતી વખતે શ્રેષ્ઠત્વ માટે ખંતપૂર્વક પ્રયત્નશીલ રહેવું. (Persist)
પાત્રાભિનય (Role-Playing)ની વાત થાય છે ત્યારે મને રામાયણનું સ્મરણ થાય છે. આપણને બધાને ‘રામાયણ’ ગ્રંથ આટલો બધો ગમે છે, એનું કારણ શું છે? કારણકે તેનાં પાત્રાભિનય શ્રેષ્ઠ રીતે ભજવવામાં આવ્યા છે. શ્રીરામના પાત્રને જુઓ, મિત્રરૂપે, ભાઈરૂપે, પુત્રરૂપે, પતિરૂપે, દરેક પાત્રમાં તેઓ શ્રેષ્ઠ છે. એટલું જ નહિ રાવણના શત્રુરૂપે પણ તેઓ શત્રુધર્મ શ્રેષ્ઠ રીતે બજાવે છે. મને લાગે છે કે રામાયણના પાત્રાભિનય પર કોઈ પી.એચડી. મેળવી શકે.
અંતમાં ફરી એક વાર કહીશ કે શ્રેષ્ઠત્વ માટે સંસ્થામાં તેને અનુરૂપ વાતાવરણ નિર્મિત કરવું અતિ આવશ્યક છે. તમે માનવસંબંધો કેવા રાખો છો તેના પર પણ ઘણો આધાર છે. લોકો આવે ત્યારે તેમનું ઉમળકાથી સ્વાગત કરો. સ્વાગત કરવામાં બે પ્રકારો છે – પાશ્ચાત્ય પદ્ધતિ પ્રમાણે હસ્તધૂનન (hand shake) કરવાનો રિવાજ છે. એનું કારણ જાણો છો? હાથ મિલાવીને પૂરવાર કરવું કે હાથમાં કોઈ હથિયાર નથી, જેથી સામેવાળો ગભરાઈ ન જાય! પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે ‘નમસ્તે’ કહી બે હાથ જોડી આવકાર આપીએ છીએ, સામેવાળાના અંતરમાં નિહિત દિવ્યત્વને સન્માન આપીએ છીએ. તેવી જ રીતે વિદાય આપતી વખતે આપણે ‘આવજો’ કહીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ.
સંસ્થામાં શ્રેષ્ઠત્વનું વાતાવરણ નિર્મિત કરવા માટે એક મહત્ત્વની વસ્તુ છે – શ્રેષ્ઠત્વની ઉજવણી (Celebrating Excellence) જ્યારે કોઈપણ વ્યક્તિ શ્રેષ્ઠ કાર્ય સંપાદન કરે – નિરંતર કરે અથવા ક્યારેક કરે – ત્યારે તેને શાબાશી આપવી જોઈએ, તેની પ્રશંસા કરવી જોઈએ, તેને ઉચિત સન્માન આપવું જોઈએ. ઘણા લોકો આમ કરતાં અચકાય છે, એમ માનીને કે આમ બધાની સામે આની પ્રશંસા કરીશું પછી એ વધુ પગાર માગશે તો, વધુ અધિકારો માગશે તો? આવી ભ્રામક ધારણાઓ છોડી દો. કારણ કે દરેક વ્યક્તિની અંદર દિવ્યત્વ છે, જે તેને આવી શાબાશીથી વધુ ‘શ્રેષ્ઠત્વ’ મેળવવા માટે પ્રોત્સાહિત ક૨શે. આથી અન્ય લોકોને પણ શ્રેષ્ઠત્વ મેળવવાને પ્રેરણા મળશે.
Your Content Goes Here




