ગુજરાતી સામયિક ‘સહજ સત્સંગ’ના તંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી અહીં દર્શાવે છે કે સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદ બન્નેના પ્રેરણા સ્રોત હતા – શ્રીરામકૃષ્ણ દેવ. પોતપોતાની રીતે તેઓએ આ યુગાવતાર પાસેથી પ્રેરણા મેળવી રામકૃષ્ણ મિશન અને પોંડિચેરી આશ્રમની સ્થાપના કરી. – સં.

ભારત વિભૂતિઓનો દેશ છે. કારણ કે તે પરમ પ્રભુએ પસંદ કરેલો છે. આ મહાન ભૂમિ પર જેટલા મહાપુરુષો અને અવતારો આવ્યા છે તેમાંના થોડા પણ જગતના અન્ય કોઈ દેશમાં થયા નથી. એ જ બતાવે છે કે પૃથ્વી પર ભારત એ પ્રભુની પસંદગીનો દેશ છે. સ્વયં પ્રભુને જ વારંવાર અવતરવું ગમે, તેમની અલૌકિક લીલાઓ કરે, લોકોનું અત્યાચારમાંથી રક્ષણ કરે, તથા વખતોવખત સમાજને નૂતન દિશા ચીંધી જાય તેવા અવતારી પુરુષો, મહાયોગીઓ અને વિભૂતિઓ આ દેશમાં જન્મ લેતા રહ્યા છે. એમાં પણ ખાસ કરીને ઓગણીસમી સદીના અંતિમ ચરણ બાદ ભારતમાં જે જે મહાન વિભૂતિઓ થઈ તે સૌએ શ્રીરામકૃષ્ણ પરમહંસમાંથી પ્રેરણા લઈ આધ્યાત્મિક સાધના કરી. ભગવાન શ્રીરામકૃષ્ણ એક રીતે જોઈએ તો એક એવી પ્રચંડ આધ્યાત્મિક ધારા જેવા હતા જેમાંથી અનેક અન્ય ધારાઓ વહેતી થઈ, અનેક વિભૂતિઓના તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા.

શ્રી અરવિંદ તો પૂરા અંગ્રેજ સંસ્કાર, રીતભાત અને શિક્ષણમાં ઉછરેલા તેમ છતાં તેઓના માનસ પર શ્રીરામકૃષ્ણ પરમહંસનો પ્રભાવ પડે તે આપણને સૌને આશ્ચર્ય પમાડે તેવી બાબત છે. તેઓ પોતે બંગાળના હોવાને કારણે તેમના માનસ પર શ્રીરામકૃષ્ણ પરમહંસનો પ્રભાવ પડે એવું પણ નથી. એમાં તો આપણે એમ જ માનવું રહ્યું કે ભારતના ભાગ્યના ઘડતરમાં નિયતિની કોઈ અકળ લીલા જ કામ કરતી લાગે છે. સ્વામી વિવેકાનંદજી તો સીધા જ શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય બનીને ભારતના મહાન પ્રેરણાસ્રોત બની રહ્યા. તો શ્રી અરવિંદે જાણે કે બીજે બારણેથી શ્રીરામકૃષ્ણદેવના પૂર્ણ આશીર્વાદ મેળવીને આધ્યાત્મિક જીવનમાં પદસંચાર કર્યો. શ્રી અરવિંદ બંગાળમાંના તત્કાલીન બે પ્રભાવોથી ઘડાયા છે : એક આધ્યાત્મિક, બીજો રાજકીય. શ્રી અરવિંદની ભારતને એક દેશ તરીકે નહિ પરંતુ -ભારતમાતારૂપે પૂજવાની, ધગશ હતી. શ્રી અરવિંદ જાણતા હતા કે જ્યાં સુધી ભારત ગુલામ હશે ત્યાં સુધી ભારતનું જે સાચું સત્ સ્વરૂપ છે તેને પ્રગટ નહિ કરી શકાય. એટલે શ્રી અરવિંદ ભારતમાતાને સૌ પ્રથમ ગુલામીની જંજીરોમાંથી છોડાવવા તલપાપડ બન્યા હતા. તેમને એ પણ પ્રતીતિ થઈ હતી કે યોગશક્તિ વડે આ કાર્ય કરી શકાય તેમ છે. અને તેથી રાજકીય જરૂરિયાતમાંથી જ શ્રી અરવિંદ યોગ તરફ વળેલા હતા એમ આપણે માનીએ છીએ પરંતુ એ કાર્ય સાચી રીતે તો નિયતિએ જ ઘડેલું હતું. ભારતને સ્વતંત્ર કરવા યોગિક-શક્તિઓનો ઉપયોગ કરવાનો તેમનો હેતુ હતો. અર્થાત્ આ એક બાહિક દેખાતું નિમિત્ત જ બની રહેલું. તે પછી શ્રી અરવિંદ જે રીતે યોગના તલસ્પર્શી જ્ઞાન સાથે આગળ વધ્યા તે જોતાં તેમનો જન્મ એક ઋષિકાર્ય અથવા તો અવતાર હેતુ પૂર્ણ કરવાનો હતો તે સ્પષ્ટ થાય છે.

બંગાળના શક્તિપૂજાના સંસ્કારો શ્રી અરવિંદને અનાયાસે મળેલ હતા. પિતા પાશ્ચાત્ય માનસના હોવા છતાં જગન્માતા તરફનું શ્રી અરવિંદના ગહન અને મૌન સમર્પણને તેઓ રોકી શક્યા નહોતા. તેમના પશ્ચિમના શિક્ષણે આ સમર્પણને એક વૈજ્ઞાનિક પાયો પૂરો પાડ્યો. અનેક બૌદ્ધિક ચિંતનનો આધાર આપ્યો.

આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી અરવિંદ એક યુગ-કાર્ય કરવા પધારેલ હતા. અને તેમના યુગ-કાર્યની પૂર્વતૈયારીઓ તેમના આંતરિક જીવનમાં અગમ્ય રીતે થઈ જ રહેલી. પરંતુ તેઓ એક સક્રિય ક્રાંતિકારી અને પત્રકાર તરીકે પણ લોકોમાં નવજાગૃતિ લાવે તેવું કામ કરતા રહેલા. તેમના સ્ફોટક રાજકીય વિચારો બંગાળમાં તે સમયે રાજકીય ધરતીકંપો સર્જી રહેલા. અને તેને લીધે તેમને કાયદાની ચૂંગાલમાં ફસાવવા અંગ્રેજ સરકાર કાવાદાવા ઘડી રહેલ. એમાં એક બોંબ વિસ્ફોટની ઘટના અંગ્રેજ સરકારને શ્રી અરવિંદને જેલમાં ધકેલવા એક સબળ કારણરૂપ બની.

એક દિવસ સવારે શ્રી અરવિંદ જ્યારે ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક સિપાઈઓ તેમના ઘરની જડતી લેવા આવ્યા. આખું ઘર ફેંદી નાખ્યું. બધો સામાન ચીજવસ્તુઓ વેરવિખેર કરી નાંખી. સખ્ત કડકાઈ અને બંદૂકની અણીએ સિપાઈઓએ જડતીનું કામ કર્યું. તે વખતે શ્રી અરવિંદ જ્યાં સૂતા હતા તે ઓરડામાંના એક ખૂણામાં બાંધેલી એક પોટલી સિપાઈઓને મળી આવતા-સિપાઈઓ બોલી ઉઠેલા : અરે, અહીં આમાં જ છે. એ વિસ્ફોટક પદાર્થ… લો પકડી લો અરવિંદને. સિપાઈઓએ પોટલી લઈને ખોલીને જોયું તો એમાં માત્ર માટી હતી. પાછળથી જાણવા મળ્યું કે શ્રી અરવિંદ સાચવીને રાખેલી એ ધૂળ માત્ર ધૂળ નહોતી. એ તો દક્ષિણેશ્વરની પવિત્ર ધૂળને શ્રી અરવિંદે પોતાના ઓરડામાં સાચવીને રાખેલી. અને એ વિસ્ફોટક (!) પદાર્થ હતો. આ વસ્તુ એ સૂચવે છે કે શ્રી અરવિંદની શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રત્યે કેટલી ભક્તિ હતી! કેટલી શ્રદ્ધા! જેમ શ્રી બાલગંગાધર તિલકને ‘ગીતા રહસ્ય’નો અમૂલ્ય ગ્રંથ લખાવવા અંદામાનની કેદ કારણભૂત બની, તેવી જ રીતે પોતાના પૂર્ણ સમર્પિત યોગિક જીવનમાં પ્રવેશવા શ્રી અરવિંદને અલીપુર જેલનો સહવાસ કારણભૂત બની રહ્યો. શ્રી અરવિંદે જેલવાસ દરમિયાન કૃષ્ણનું ચિંતન અને મનન ખૂબ કર્યું. અને જેલમાં જ તેમને સર્વત્ર ‘વાસુદેવ’નાં દર્શન થતાં રહ્યાં. તે અનુભૂતિ તેમના જીવનને જબરજસ્ત વળાંક આપવાને જ બની હતી. શ્રીકૃષ્ણ ભગવાનનો અવાજ જાણે એમના અંતરમાં કહી રહેલો : તું જેને ઝંખે છે તે ભારતની આઝાદી તો હું આપવાનો જ છું પરંતુ તને જે કાર્ય તૈયાર કરવાને હું અહીં (જેલમાં) લઈ આવ્યો છું તે માનવજાતને પ્રકૃતિની ગુલામીમાંથી મુક્ત કરવાનું કાર્ય.

શ્રી અરવિંદને આ ઉપરાંત એક અન્ય પ્રસંગનો અનુભવ થયો. તે પ્રસંગ જાણે શ્રી અરવિંદને તેમની આધ્યાત્મિક યાત્રાને એક સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડવા માટે હોય તેમ આપણને લાગ્યા વિના રહેતું નથી.

શ્રી અરવિંદને જેલવાસ દરમિયાન થયેલા તેમના આ અસાધારણ અનુભૂતિ પ્રસંગને આપણે તેમના જ શબ્દોમાં જોઈએ : ‘એક પખવાડિયા સુધી દરરોજ શ્રી વિવેકાનંદ સ્વામીનો અવાજ મને સંભળાયા કર્યો હતો. એકાંતમાં ધ્યાન વખતે તે સંભળાતો અને તેમની હાજરી પણ અનુભવાતી. એ અવાજ આધ્યાત્મિક અનુભવોમાં સહજજ્ઞાન Intuitionના મર્યાદિત પરંતુ ઘણા જ ઉપયોગી ક્ષેત્રને લગતું જ્ઞાન અને સૂચના આપતો હતો અને એ વિષે જે કહેવાનું હતું તે પૂરું થઈ ગયું એટલે એ સાદ અટકી ગયો.’ સ્વામી શ્રી વિવેકાનંદજીનું જેલમાં થયેલું તેવા પ્રકારનું માર્ગદર્શન વેદાંત વિશેનો એક તદ્દન નવો જ દૃષ્ટિકોણ તથા ભાવિમાં શું શું કરવાનું તેની વિગતો શ્રી અરવિંદને તેમના યોગિક સાહસ માટે મજબૂત પાયા તરીકે પુરવાર થયો. શ્રી શંકરાચાર્યનો માયાવાદ અને અંતિમ સત્ય એક નિષ્ક્રિય અને નિરપેક્ષ બ્રહ્મ છે. એવું અર્થઘટન એટલે એક અર્ધ-દર્શન છે. ખરેખર તો પરમ પ્રભુએ પાર્થિવ સ્તરે પણ અનંતરૂપે પ્રકટ થવાનો સંકલ્પ કરેલ છે અને આ પ્રકટીકરણની પ્રક્રિયા ઉત્ક્રાંતિના માર્ગે થઈ રહી છે. એવું દર્શન આધ્યાત્મિક જ્ઞાન છે એની ખાત્રી શ્રી અરવિંદને સ્વામી વિવેકાનંદના ઉપદેશ બાદ થઈ હતી અને આ દર્શન જ શ્રી અરવિંદમાં ધીમે ધીમે ‘પૂર્ણયોગ’ અને ‘દિવ્યજીવન’ તરીકે પ્રકટ થયું.

શ્રી અરવિંદ જેલવાસમાંથી મુક્ત તો થયા પરંતુ તેમની આ મુક્તિથી અંગ્રેજી સરકાર ડરતી હતી અને શ્રી અરવિંદ એક ભયાનક માણસ છે એમ સમજતી હતી. એટલે અંગ્રેજો ફરી વાર શ્રી અરવિંદની ધરપકડ કરવા અવનવી પેરવીરઓ રચી રહેલા તે વાતની ગંધ શ્રી અરવિંદને હતી જ. પરંતુ પ્રભુને આ વસ્તુ મંજૂર ન હતી. તેઓ શ્રી અરવિંદ પાસે ઘણું મહાન કાર્ય કરાવવા ઈચ્છતા હતા. તેથી એક દિવસ અચાનક શ્રી અરવિંદને પોંડિચેરી જવા માટેનો અંતરમાંથી આદેશ મળે છે અને આ આદેશનો તુરત જ અમલ કરવાને શ્રી અરવિંદે પોંડિચેરી જવા અજ્ઞાત રીતે બધી તૈયારીઓ ઝડપથી શરૂ કરી દીધી. પોંડિચેરી જવા માટે આદેશની ઝાંખી તે જ સમયે સિસ્ટર નિવેદિતાને પણ થયેલી અને એમ કહેવાય છે કે આ આદેશની શ્રી અરવિંદને જાણ કરવા તેઓ વરસતા વરસાદમાં શ્રી અરવિંદની ઓફિસે ગયેલાં. એ પહેલાં તો શ્રી અરવિંદ અજ્ઞાત વેશે ત્યાંથી પ્રયાણ કરી ચૂક્યા હતા. ઑફિસમાંથી નીકળતી વખતે શ્રી અરવિંદે એક ચિઠ્ઠી સિસ્ટર નિવેદિતાને લખી હતી અને પોતે ગુપ્તવાસમાં જાય છે એમ જણાવીને ‘કર્મયોગિન્‌’ પત્ર ચલાવવાનો ભાર લેવા માટે વિનંતી કરી હતી. શ્રી અરવિંદ તો સાધનામાં એવા લીન થઈ ગયા હતા કે એમણે પછીથી એક પણ લેખ ‘કર્મયોગિન્‌’ માટે મોકલ્યો ન હતો.

સ્વામી વિવેકાનંદે ભારતમૈયાની સેવા કરવા લોકોને હાકલ કરી હતી. શ્રી અરવિંદે પણ એ જ કાર્ય કર્યું. શ્રીરામકૃષ્ણ પરમહંસનું યોગદાન એટલે ભારતને વિભૂતિઓ બક્ષવાનું પ્રચંડ આધ્યાત્મિક કાર્ય હતું. શ્રી વિવેકાનંદની દરિદ્રનારાયણની સેવાઓના સંકલ્પે જેમ શ્રીરામકૃષ્ણ આશ્રમ શરૂ થયો તેમ પૂર્ણયોગની સાધના માટે પોંડિચેરીનો શ્રી અરવિંદ આશ્રમ સાકાર થયો. એક શુદ્ધ ભારતીય આશ્રમ પદ્ધતિનો નમૂનો જ્યારે બીજો આધુનિક આશ્રમ છતાં બન્ને આશ્રમોમાં વેદ, ઉપનિષદો, યોગસાધના અને ભારતીય પરંપરાઓને આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આધ્યાત્મિક જાગરણના આ બે પ્રવાહો પોતાનું આગવું મહત્ત્વ આજે પણ ધરાવે છે. આજે ભારતીય જનમાનસને આપણા પુરાતન વારસા પ્રત્યે વધારે સભાન કરી રહ્યા છે. સાચેં જ શ્રીરામકૃષ્ણ મિશન એક એવી પ્રચંડ ધારા બની છે જેમાંથી આપણને અનેક મહાન વિભૂતિઓ મળી છે. આપણી માનુષી દૃષ્ટિએ બાહ્ય રીતે જોતાં આપણને આ બધી વસ્તુઓ જુદી જુદી લાગે છે પરંતુ તેના મૂળમાં ઉતરતાં તે એક મૂળના અનેકવિધ પ્રવાહો જ હોય છે. જેવી રીતે શાશ્વતીની એક ધારામાંથી નીકળતી અનેક ધારાઓ આ વિશ્વનું સંચાલન કરતી જણાય છે તેવી જ રીતે શ્રીરામકૃષ્ણ દેવમાંથી અનેક ચેતનાઓ પ્રેરણા લઈ વિરાટને આંબી શકી છે.

Total Views: 53
By Published On: November 1, 1997Categories: Bhupendra Trivedi0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram