૧૪મી સદીના સંત થૉમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ સાધકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક અવસ્થામાં પોતાની સાથે સદા માત્ર બે પુસ્તકો રાખતા – ગીતા અને બીજું આ.ક્રિસમસ પ્રસંગે તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં

મરવાની પૂર્વ તૈયારી આજે નહીં કરીએ તો કાલે શું વધારે સારી રીતે કરી શકવાના છીએ? કાલની કોને ખબર છે? તો પછી કાલની આતો શી? ગુણવિકાસ વિનાનું દીર્ઘ જીવન શા કામનું? લાંબી આવરદા ઘણી વાર આપણા ગુણોમાં વૃદ્ધિ કરવાને બદલે પાપ-વૃદ્ધિ જ કરે છે. ઈશ્વર પાસે માગીએ કે આપણે એક દિવસ પણ પૂર્ણપણે સારું જીવન જીવીએ ધર્મદીક્ષા લીધા પછી પણ વર્ષો સુધી ઘણા માણસો લેશમાત્ર સુધરતા નથી. મૃત્યુ એ ભયાનક હોય તો દીર્ઘ જીવન એ કદાચ વધારે ખતરનાક છે. જે માણસ મૃત્યવેળાને સદૈવ પોતાની આંખો સામે રાખે છે અને રોજ મૃત્યુ માટે તૈયાર રહે છે, એ ધન્ય છે.

કોઈને કદી મરતું જોયું છે? તો ખ્યાલમાં રાખીએ, આપણે એ જ માર્ગે જવાનું છે. રોજ સવારે યાદ રાખીએ કે આપણે કદાચ સાંજ ન ભાળીએ અને રોજ સાંજે આપણે આવતી કાલે સવારે હઈશું જ તેવી ખાતરી આપવાની ધૃષ્ટતા ન કરીએ. હર ઘડી મૃત્યુ માટે માટે તૈયાર જ રહીએ, જેથી મૃત્યુ આવે ત્યારે ગફલતમાં હોઈએ એવું ન બને.

ઘણાં એકાએક અને અણધારી રીતે મૃત્યુ પામે છે. આપાને સ્વપ્નેય ખ્યાલ ન હોય તેવી કોઈ ક્ષણે યમ આપણને લેવા આવી ઊભો રહેશે.

મૃત્યુઘંટ વાગશે ત્યારે આપણે ભૂતકાળને જુદી રીતે મૂલવવા લાગી જઇશું અને બેદરકાર અને ઢીલા રહ્યા બદલ ખૂબ દિલગીર થઇશું. મૃત્યુ સમયે જેવા હોવાની ઈચ્છા હોય તેવું જ આખું જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે તે ધન્ય છે. કારણ કે આટલી વસ્તુઓ હોય તો આપણને સન્મૃત્યુ મળે તેવી મોટી આશા રાખી શકાય : (૧) દુનિયા પ્રત્યે સંપૂર્ણ વૈરાગ્ય (૨) નિત્ય વધુ ને વધુ પવિત્ર થતા જવાની ઉત્કટ અભિલાષા, (૩) શિસ્તપાલન માટે પ્રેમ (૪) તપાચરણ (૫) આજ્ઞાધારકતા (૬) તિતિક્ષા (૭) પ્રભુના પ્રેમ કાજે કોઈ પણ કષ્ટ વેઠવાં. સાજા-સારા હોઈએ ત્યારે તો ઘણું સારું કરી શકીએ, પણ માંદગી આવે પછી કશું થઈ શકતું નથી. માંદગી કોઈને સુધારી શકતી નથી. ઝાઝી જાત્રા કરનારાંઓ કાંઈ ને કારણે પવિત્ર બની જતા નથી.

મિત્રો-પાડોશીઓ ઉ૫૨ આધાર ન રાખીએ તેમ જ આપણા આત્માની મુક્તિની વાત ભવિષ્ય પર ન ઠેલીએ, કારણ કે આપણે ધારીએ છીએ તે કરતાં લોકો આપણને વહેલા ભૂલી જશે. બીજાની સહાય ઉપર આધાર રાખવો તે કરતાં આ જીવનમાં પુણ્યસંચય કરી તૈયારી કરવી તે બહેતર છે.

આપણને જ જો આપણા આત્માના કલ્યાણની પડી ન હોય તો બીજું કોણ તે વિશે ચિંતા કરવાનું હતું?

વર્તમાન જ સૌથી કિંમતી કાળ છે, આ સમય તે જ નિયત સમય છે. આજે જ મુક્તિદિન છે. સમયનો વધારે સદુપયોગ કરવાથી મૃત્યુ પછી શાશ્વત જીવન મળે તેમ છે. છતાં આપણે સમયનો સદુપયોગ કરતા નથી તે દુઃખની વાત છે.

ક્યારેક આપણને એમ થવાનું કે સુધરવા માટે એક દિવસ કે એક કલાક પણ મળી જાય તો કેવું સારું! પણ આપણને તેવો સમય આપવામાં આવશે કે નહીં તેની કોને ખબર?

પ્રિય આત્મન્! મૃત્યુને સદૈવ મનમાં રાખી, ઈશ્વરનો ડર રાખી જીવતાં હોઈએ તો આપણે કેવા જોખમ, કેવા ભયમાંથી ઊગરી જઈએ! એટલે અત્યારે જ એવું જીવન જીવવા લાગી જઈએ કે જેથી મૃત્યુ વેળાએ આપણે પ્રસન્ન અને નિર્ભય હોઈએ. જો પ્રભુનું સાન્નિધ્ય અત્યારથી મેળવવા ચાહતાં હોઈએ તો અત્યારથી જ દુનિયાથી સંન્યસ્ત થઈ જઈએ. દુન્યવી વસ્તુઓ તરફ અણગમો કેળવીએ એટલે આપણે મુક્તપણે પરમાત્મા તરફ જઈ શકીશું. આપણા શરીરને અત્યારથી તપ વડે કાબૂમાં લઈ લઈએ, જેથી આપણે મુક્ત થઇશું એવી ખાતરી રાખી શકીએ.

એક દિવસની પણ જ્યાં ખાતરી નથી, ત્યાં આપણે દીર્ઘાયુની ખાતરી શી રીતે રાખી શકીએ? કેટલાયે આ રીતે છેતરાયા છે અને અણધારી રીતે જીવનમાંથી ઝૂંટવાઈ ગયા છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ : ફલાણો તલવારથી મરાયો, અમુક ડૂબી મર્યો, પેલો ઊંચેથી પડ્યો અને રામશરણ થઈ ગયો; કોઈક વળી ખાતાં ખાતાં મૃત્યુ પામ્યો, તો કંઈકના રમતાં રામ રમી ગયા. એક આગમાં મરે છે, બીજો હથિયારથી, ત્રીજો રોગથી અને ચોથો વળી લૂંટારાઓને હાથે ઠાર થાય છે. માણસ માત્ર માટે મૃત્યુ અવશ્યંભાવિ છે. માનવજીવન જોતજોતામાં પલકારા માત્રમાં નષ્ટ થઈ જાય છે.

મરી જઇશું પછી આપણને કોણ સંભારવાનું? કોણ આપણા આત્મા અર્થે પ્રાર્થના કરવાનું? વહાલા આત્મન્! અત્યારે જ કરવાનું કરીએ, કરી શકીએ તે બધું કરીએ, કારણ કે મૃત્યુ ક્યારે આવશે તેની આપણને ખબર નથી, કે મૃત્યુ પછી આપણું શું થશે તેની પણ આપણને ખબર નથી. ટાણું છે ત્યાં સુધી શાશ્વત જીવન માટે સામગ્રી ભેગી કરી લઈએ. આપણા આત્માની મુક્તિની જ ચિંતા કરીએ ને ઇશ્વર સંબંધી બાબતોની જ દરકાર રાખીએ. સંતોને આદર આપીને અને તેમનાં દૃષ્ટાંતોને અનુસરીને તેમની મૈત્રી સાધી રાખીએ, જેથી આપણું ઐહિક જીવન પૂરું થાય ત્યારે શાશ્વત ધામમાં તેઓ આપણું સ્વાગત કરે.

આ દુનિયામાં આપણે એક આગંતુક, એક યાત્રી છીએ અને આપણે આ દુનિયાની બાબતો સાથે કશી લેવા દેવા ન હોય એમ જ વર્તીએ. આપલા હૃદયને આસક્તિમુક્ત અને ઈશ્વરાભિમુખ જ રાખીએ કારણ કે આ કાંઈ આપણું કાયમી નિવાસસ્થાન નથી. દિવ્યલોકની પ્રાપ્તિ માટે જ ઈચ્છા કરી પ્રાર્થતાં રહીએ. જેથી મૃત્યુ વેળાએ આપણો આત્મા આનંદપૂર્વક ઈશ્વર સાન્નિધ્યમાં પહોંચી જવા માટે પાત્ર ગણાય.

(‘ઈસુને પગલે’ પુસ્તકમાંથી સાભાર.)

Total Views: 61
By Published On: December 1, 1997Categories: Thomas Kempis0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram