બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં.
આપણા દેશમાં ઈશ્વરના અવતારો અથવા પ્રબુદ્ધ ધર્માચાર્યોના આવિર્ભાવને કારણે ધર્મ સંસ્થાઓની અર્થાત્ મઠોની સ્થાપના થઈ. આ મહાત્માઓના શિષ્યો અહીં રહેતા અને અહીંથી એમના ઉપદેશ અને સંદેશનો પ્રચાર કરતા. પાછળથી શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન તરીકે પ્રસિદ્ધ થયેલ, જે મઠ સ્વામી વિવેકાનંદે શરૂ કર્યો, તે શું તે જ પ્રકારનો છે કે, અગાઉના મઠથી કોઈ પણ રીતે અલગ પ્રકારનો છે? અગાઉના સમયમાં મઠનો ઉદ્દેશ ઈશ્વરનો સાક્ષાત્કાર હતો. સ્વામીજીએ સ્થાપેલા મઠનો મુખ્ય ઉદ્દેશ પણ આ પ્રકારનો છે. આ બાબતમાં બંને વચ્ચે કોઈ ભેદ નથી. આપણો પ્રાચીન આદર્શ યથાસ્થિત રહે છે. પરંતુ જૂના મઠ અને સ્વામીજીએ સ્થાપેલા મઠ વચ્ચે સહેજ ભેદ છે. પ્રાચીન મઠવાસીઓ કેવળ જપ, ધ્યાન, પૂજા, શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રચર્ચા કરતા. તેઓ ભક્તો પાસે શાસ્ત્રવિવરણ કરતા. બહારના લોકો સાથે તેમનો સંબંધ માત્ર આટલા પૂરતો જ હતો. આ સિવાય સમાજ સાથે તેઓ ભાગ્યે જ સંપર્કમાં આવતા. સ્વામીજીએ આ વલણમાં થોડો ફેરફાર કર્યો. તેમના આદેશ પ્રમાણે મઠના સાધુસંતોએ દેશની પ્રગતિ માટે જુદા જુદા પ્રકારનું કામ કરવાનું હોય છે. તે માટે માંદાની સાર સંભાળ લેવાની તથા અભણને કેળવણી આપવાની પ્રવૃત્તિ કરવાની હોય છે; આમ વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજનું વધુ સારી રીતે પુનઃઘડતર થશે. અને આ કાર્ય વિશાળ પાયા ઉપર કરવું પડશે. સમાજે અત્યાર સુધી સાધુઓની સેવા કરી છે. અને તેમની આધ્યાત્મિક સાધનાઓ માટે અનુકૂળતા કરી આપી છે. આજે એ જ સમાજની પડતી થઈ રહી છે; તેથી હવે પ્રવૃત્તિના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું, સમાજના દૂષણોને દૂર કરવાનું અને તેને ફરી એક વખત દૃઢતર ભૂમિકા ઉપર સ્થાપવાનું સાધુઓનું કર્તવ્ય બની રહે છે.
બીજી રીતે જોતાં, જ્યારે કોઈ મનુષ્ય પ્રવૃત્તિનું ક્ષેત્ર અપનાવે ત્યારે મૂળ આદર્શને ભૂલવાનો ભય ઊભો થાય છે. આવું ન બને એ માટે તેણે સાવધાન રહેવું પડે છે. આ દૃષ્ટિએ સ્વામીજીએ આધ્યાત્મિક સાધનાના નવા માર્ગનું આયોજન કર્યું. પ્રાચીન પરંપરા પ્રમાણે સાધુઓ જપ, ધ્યાન, પૂજા તથા શાસ્ત્રાભ્યાસ જેવી આધ્યાત્મિક સાધનાઓ કરશે. તેઓ નામ અને રૂપથી પર એવા ઈશ્વરનું ધ્યાન ક૨શે. પરંતુ તે જ ઈશ્વર તો આ વિશ્વના સ્વરૂપે પણ આવિર્ભૂત થયેલ પ્રત્યેક વ્યક્તિ માત્રમાં રહેલો છે. માનવની સેવા એ ઈશ્વરની સેવા છે. એ દૃષ્ટિથી જો કોઈ માનવ જાતની સેવા કરે તો તે ઈશ્વરની જ સેવા બની જાય. જપ અને ધ્યાનના સમયે આપણે જે ઈશ્વરનું ધ્યાન ધરીએ છીએ તેણે પોતે જ મનુષ્યોનું રૂપ ધારણ કર્યું છે. આ સમજણથી જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તે સેવા દ્વારા પણ ઈશ્વરનું ધ્યાન ધરાય છે. પરિણામે ઈશ્વરનું ધ્યાન, પૂજન અને તેના વ્યક્તરૂપો તરીકે થતી મનુષ્યોની સેવા આ બંને વચ્ચે કોઈ ભેદ નથી, કારણ કે જુદા જુદા પ્રકારની આ બધી જ ક્રિયાઓમાં સદાય આપણે ઈશ્વરના ધ્યાનમાં પ્રવૃત્ત રહીએ છીએ. આ રીતે મૂળ આદર્શથી અંત થવાની અહીં કોઈ સંભાવના નથી. તેથી જ સ્વામીજીએ આરંભેલા સેવાનાં કાર્યો અને ધ્યાન ચિંતન વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. ‘સેવા એ જ પૂજા.’ સ્વામીજીએ શીખવ્યું કે, ઈશ્વરની પૂજા તરીકે કરેલું સેવાકાર્ય એ સમાજ માટે અત્યંત કલ્યાણકારી નીવડશે.
સ્વામી વિવેકાનંદજીએ આપેલ મંત્ર ‘आत्मनो मोक्षार्थं जगद्धिताय च -’ આ શબ્દોના હાર્દનું પૃથક્કરણ કરીએ. આનો અર્થ એવો નથી થતો કે વિશ્વકલ્યાણના- લોક કલ્યાણના સાધન તરીકે અથવા માત્ર સમાજ સેવા તરીકે કાર્ય કરવાનું છે. તેનો અર્થ એ થાય છે કે, ઈશ્વરસાક્ષાત્કારની સાધના તરીકે અને જગત, સમાજ તથા મનુષ્યોની સેવા દ્વારા ઈશ્વરની સેવા તરીકે કાર્ય કરવું. પણ કાર્ય કરવું એ ધ્યેય નથી, માનવજાતની સેવા એ પણ ધ્યેય નથી. ધ્યેય તો છે ઈશ્વરનો સાક્ષાત્કાર. કાર્ય એ તો આ ધ્યેયને પહોંચવાનું સાધન માત્ર છે. ધારો કે કોઈ એક કારખાનાનો મુખ્ય ઉદ્દેશ પોલાદનું ઉત્પાદન છે. અને તેની સાથોસાથ અન્ય કેટલીક આડપેદાશો (byproducts) પણ થાય છે અને બજારમાં તેની કિંમત પણ ઉપજે છે. પણ આડપેદાશોનું ઉત્પાદન એ આ કારખાનાનો ઉદ્દેશ્ય નથી. તેવી જ રીતે આપણી જુદી જુદી પ્રવૃત્તિઓ તથા સમાજ સેવાનાં કાર્યો એ કોઈ સ્વયં પર્યાપ્ત ધ્યેય નથી. ધ્યેય તો છે ઈશ્વરનો સાક્ષાત્કાર. ઈશ્વરના આ સાક્ષાત્કાર માટે સ્વામીજીએ આધ્યાત્મિક સાધનાની એક એવી યોજના ઘડી છે કે, એના દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કારનો પ્રયત્ન કરતાં કરતાં સમાજ સેવા તથા સમાજ ઉદ્ધારની ઉપપેદાશોની પણ પ્રાપ્તિ થઈ જાય. આમ આપણે જોઈએ છીએ કે આ આધ્યાત્મિક સાધના દ્વારા એક બાજુ આપણને ઈશ્વર પ્રાપ્તિનું તાત્કાલિક સાધન પ્રાપ્ત થાય છે. અને બીજી બાજુ એ જ સમયે વિશ્વનું કલ્યાણ પણ પ્રાપ્ત થાય છે. તેથી જ સ્વામીજીએ આ આદર્શ સ્થાપ્યો ‘પોતાની મુક્તિ અને જગતના કલ્યાણ માટે.’
માત્ર આપણને જ નહીં પણ સમગ્ર જગતને પણ આ આદર્શની જરૂર છે કારણ કે ‘સેવા એ જ પરમ ધર્મ – પરમ શીલ’ એ સત્યની એમાં આખરી પ્રતીતિ છે.
આપણા શ્રીરામકૃષ્ણ સંઘને શ્રી શ્રીમાનું પ્રદાન અમાપ છે. શ્રી શ્રીમા ન હોત તો શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો એક સંસ્થામાં નિષ્ઠા રાખી સમૂહમાં રહી શક્યા હોત કે નહીં તે શંકાસ્પદ છે. તેઓ કદાચ જુદી જુદી જગ્યાએ જઈને વસ્યા હોત અને આખું જીવન તપશ્ચર્યામાં પસાર કર્યું હોત. શ્રી શ્રીમાના પ્રેમે જ તેમને એક ધર્મ સંઘમાં એકત્રિત રાખ્યા. વળી જ્યારે તેઓ ગયાજી ગયા અને બુદ્ધગયામાં મઠ જોયો ત્યારે તેમણે શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરી કે, ‘મારા બાળકો માટે પણ આવા જ મઠનો પ્રબંધ થાય કે, જ્યાં તેઓ બધા એકી સાથે રહી શકે.’ આજે તમે જે જુઓ છો – આ મઠ અને મિશન – એ શ્રી શ્રીમાની પેલી પ્રાર્થનાનું ફળ છે. વળી શ્રી શ્રીમા જે રીતે શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીને સમજતા હતા તે રીતે એમને સમજવાનું ખરેખર અન્ય કોઈને માટે શક્ય ન હતું. એક ગામડાની સ્ત્રી જેવાં લાગવા છતાં પણ એમનામાં બધું જ સમજવાની અનુપમ શક્તિ હતી. પશ્ચિમમાંથી પાછા ફર્યા બાદ જ્યારે સ્વામીજીએ સાધુઓ દ્વારા સેવા કાર્યો કરાવવાનું શરૂ કર્યું. ત્યારે એ એમના ખુદ ગુરુભાઈઓ સહિત અનેકને લાગ્યું કે, આ બધા પશ્ચિમના વિચારો છે. અને તે શ્રીરામકૃષ્ણના વિચારો સાથે સુસંગત નથી. અલબત્ત આ પછી તુરત જ, સ્વામીજીનો આ વિચાર એમના સંન્યાસી બંધુઓ – ગુરુભાઈઓએ સ્વીકાર્યો. પરંતુ બીજા કેટલાકના મનમાં આ વિચાર અંગે શંકા ટકી રહી. મહેન્દ્રનાથ ગુપ્ત (શ્રી ‘મ’ – શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક) પણ આ રીતે વિચારતા હતા. શ્રી ‘મ’ના શબ્દો સાંભળીને અન્ય કેટલાક સાધુઓના મનમાં પણ આ જ શંકા પ્રવેશી, પછી તેમણે આ વિષે શ્રી શ્રીમાને પૂછ્યું. એમણે કહ્યું, ‘શ્રી ‘મ’ ને યોગ્ય લાગે તેમ તે ભલે કહે, પરંતુ નરેન જે કાંઈ કરે છે, તે સંપૂર્ણ રીતે શ્રીરામકૃષ્ણના વિચારોને અનુરૂપ છે.’ પછી તેઓએ પૂછ્યું, ‘આ ‘ઉદ્બોધન’ પત્રનું તથા અન્ય ગ્રંથોનું પ્રકાશન પણ શ્રીરામકૃષ્ણના આદર્શોને અનુરૂપ છે?’ શ્રી શ્રીમાએ ઉત્તર આપ્યો – ‘હા, એમ જ છે.’ અને આ રીતે માત્ર એક જ વાક્યમાં એમણે સ્વામીજીના મૂળ મંત્ર ‘आत्मनो मोक्षार्थं जगत् हिताय च’ નું સમર્થન કર્યું.
આમ શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામીજી આ ત્રણ આવ્યા, આદર્શ જીવન જીવ્યા અને આધુનિક પરિસ્થિતિને અનુરૂપ એવા આદર્શોનું પોતાના જીવનમાં પ્રત્યક્ષ ઉદાહરણ આપીને આજના જગતને જે કાંઈ જોઈતું હતું તેનું પ્રદાન કર્યું. આ બધું આપણી નજર આગળ સુસ્પષ્ટ છે. એમના વિચારો અને આદર્શોને અપનાવીને એક નવો યુગ શરૂ થશે. એક નવી સંસ્કૃતિનું ઘડતર થશે. કાર્ય શરૂ થઈ ગયું છે; ધીમે ધીમે બધું સિદ્ધ થશે. સ્વામીજીએ કહ્યું છે, ‘શ્રીરામકૃષ્ણના આ આદર્શને સમગ્ર વિશ્વે સ્વીકારવો પડશે.’
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધુનિક યુગમાં આધ્યાત્મિક આદર્શો’માંથી સંકલિત)
Your Content Goes Here




