ભારતમાં નારીનો આદર્શ છે માતૃત્વ : પેલી અદ્ભુત, નિઃસ્વાર્થ, સર્વસહિષ્ણુ, સદા ક્ષમાશીલ માતા. પત્ની તેની પાછળ ચાલે, છાયા પેઠે. તેણે માતાના જીવનનું અનુકરણ કરવું પડે; એ તેનું કર્તવ્ય છે. પરંતુ માતા પ્રેમનો આદર્શ છે; કુટુંબની માલિકી તેની છે. બાળક કંઈક તોફાન કરે ત્યારે ભારતમાં પિતા બાળકને ફટકારે અને તમાચો મારે છે, પણ માતા હંમેશાં બાળક અને પિતાની વચ્ચે પડે છે. (૬.૨૧૮) ભારતમાં સામાન્ય માનવીને મન સ્ત્રીત્વનું સમસ્ત બળ માતૃત્વમાં એકઠું થયેલ છે. (૬.૨૧૭) ભારતમાં માતા કુટુંબનું કેન્દ્ર છે અને અમારો સર્વો આદર્શ છે. અમારા માટે માતા ઈશ્વરના પ્રતિનિધિ છે. કારણ ઈશ્વર આ સમગ્ર બ્રહ્માંડના માતા છે. ઈશ્વરનું ઐક્ય શોધનાર પ્રથમ ઋષિ નારી હતાં અને વેદોના પ્રથમ સૂક્તોમાંના એકમાં એમણે આ સિદ્ધાંત આપ્યો છે. અંગ્રેજી ૨.૫૦૬) સીતાના આદર્શ જેવો, સમગ્ર પ્રજાને આવરી લેતો, જીવનના પ્રત્યેક ભાગમાં પ્રવેશી રહેતો અને પ્રજાના લોહીના બુંદેબુંદમાં થનગની રહેલો આવો આદર્શ બીજી કોઈ પૌરાણિક કથા રજૂ કરતી નથી. (૪.૧૨)

સીતા અપ્રતિમ છે… એક સંપૂર્ણ નારીત્વના સર્વ ભારતીય આદર્શો સીતાના એ એક જીવનમાંથી વિકસ્યા છે, અને આર્યાવર્તની ભૂમિના ચારે ખૂણામાં દરેક નરનારી અને બાળકથી સન્માનિત એ સીતા હજારો વરસથી એમની એમ પૂજાતી આવી છે. ખુદ પવિત્રતા કરતાં વધુ પવિત્ર, ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ, આ મહિમામંડિત, સીતા સદાસર્વદા ટકી રહેવાની છે. એક શબ્દ સરખોય ઉચ્ચાર્યા સિવાય કષ્ટમય જીવન વિતાવનારી, સદા પવિત્ર અને સદાચારિત્ર્યશીલ પત્ની, લોકોનો આદર્શ, દેવતાઓનો આદર્શ, એ મહાન સીતા, આપણી રાષ્ટ્રદેવતા સીતા, હંમેશને માટે ટકી રહેવી જ જોઈએ. (૨.૧૩૨)

બધાં બાળકો- ખાસ કરીને છોકરીઓ- સીતાની પૂજા કરે છે. સીતા સમાં પવિત્ર, પતિપરાયણ અને સહનશીલ બનવાનું સ્ત્રીઓનું પરમ ધ્યેય છે. આ પાત્રોનો તમે અભ્યાસ કરશો તો પશ્ચિમ કરતાં ભારતના આદર્શમાં કેટલો તફાવત છે તે તમે જોઈ શકશો. આખીય પ્રજા માટે સીતા સહનશીલતાની મૂર્તિ છે. પશ્ચિમ કહે છેઃ ‘કાર્ય કરો ! તમારી શક્તિ કાર્ય કરીને બતાવો.’ ભારત કહે છે ‘સહન કરો; સહન કરીને તમારું બળ બતાવો.’ મનુષ્ય કેટલું વધારે મેળવી શકે તે પ્રશ્નનો પશ્ચિમે ઉકેલ કર્યો છે; ભારતે માણસ કેટલા ઓછામાં ચલાવી શકે છે તે પ્રશ્નનો ઉકેલ કર્યો છે. તમે જોઈ શકશો કે આ બંને અંતિમ છેડાઓ છે. સીતા ભારતનું ખાસ પ્રતીક છે- આદર્શભૂત ભારતભૂમિ છે. (૪.૧૨) ચારિત્ર્યબળ, સેવાભાવના, સ્નેહ, કરુણા, સંતોષ અને પૂજ્યભાવ ભારતની આ પવિત્ર ભૂમિમાં – સીતા અને સાવિત્રીની આ જન્મભૂમિમાં, આપણી સ્ત્રીઓમાં હજુ પણ જોવા મળે છે. (૮.૨૭૦) આપણી સ્ત્રીઓને આધુનિક બનાવવાનો કોઈ પણ પ્રયત્ન, સ્ત્રીઓને સીતાના આદર્શથી દૂર લઈ જવાનો પ્રયાસ કરવા માંડતાં તરત જ નિષ્ફળ નીવડે છે, એ આપણે રોજ જોઈએ છીએ. ભારતની નારીઓએ સીતાને પગલે ચાલીને આગળ વધવાનું છે અને વિકાસ સાધવાનો છે; પ્રગતિનો એ એક જ માર્ગ છે.(૨.૧૩૩)

આપણે ભારતની આવશ્યકતાને પહોંચી વળવા માટે મહાન નિર્ભય નારીઓ – સંઘમિત્તા, લીલા, અહલ્યાબાઈ, મીરાંબાઈ વગેરેની પરંપરા ચાલુ રાખે એવી પવિત્ર અને નિઃસ્વાર્થ ઈશ્વરના ચરણસ્પર્શથી મળતા બળથી બળવાન બનેલી, વીર પુરુષોની જનની થઈ શકે એવી નારીઓ તૈયાર કરીશું. (૬.૪૩)

સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (૨૦૦૯)ના વિવિધ ભાગોમાંથી સંકલિત

Total Views: 90
By Published On: March 1, 2012Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram