નર્મદાતટનાં પવિત્રતમ છ સ્થાનો- ૧. અમરકંટક, ૨. શૂલપાણિ, ૩. વિમલેશ્વર, ૪. ભરૂચ, ૫. કોરલ અને ૬. રેવારિસંગમ (ચાણોદ). કોરલમાં પ્રાચીન તીર્થાે ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ સંત પુનિત મહારાજનો આશ્રમ- અન્નક્ષેત્ર વ. છે. પાસે જ આવેલા સાયર ગામ પાસે નર્મદાતટે નારેશ્વરનું પવિત્રધામ છે. અહીં સંતરાજ પૂ. શ્રી રંગ અવધૂત મહારાજે ચાલીસ વર્ષ સુધી તપશ્ચર્યા કરી જંગલને મંગલ બનાવ્યું છે. ભગવાન નારેશ્વર એ જ પુરાણ પ્રસિદ્ધ કપર્દીશ્વર. અહીંનો આશ્રમ સતત યજ્ઞયાગ, પાદુકાપૂજન, જપ-તપ-પારાયણ વ. થી ધમધમતો રહે છે. નર્મદાતટનું આ એક જાગ્રત સ્થાન છે. અહીં સંત-સાધુ, પરિક્રમાવાસી, યાત્રિક, સાધક સર્વ માટે ભોજન-આવાસની સુવિધા નિઃશુલ્ક છે.

સંત માધવદાસની તપોભૂમિ અને શ્રી ડોંગરે મહારાજના સમાધિસ્થાનથી વિભૂષિત માંગલ્યધામ માલસર, મા અનસૂયાઆશ્રમ અને વ્યાસક્ષેત્ર, વૈશાખ શુક્લ સપ્તમીએ જ્યાં મા ગંગાજી પ્રગટે છે તે દિવ્યક્ષેત્ર ગંગનાથ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, મા આનંદમયી આશ્રમ આદિ તટસ્થિત ધામોની યાત્રા કરતાં ચંડીપુર-ચાંદોદક્ષેત્રમાં પ્રવેશ કર્યાે.

દક્ષિણપ્રયાગ તરીકે સુપ્રસિદ્ધ ગુજરાતનું આ મહાતીર્થ નર્મદાતટનાં ત્રણ અતિદુર્લભ સ્થાનો ઓમકારેશ્વર, ભરૂચ, રેવારિસંગમ-માં ગણાય છે. અહીં અનેકતીર્થાે-આશ્રમો, સદાવ્રત આદિ છે. મા નર્મદાના ચક્રતીર્થમાંથી સ્વયંભૂ પ્રગટેલા ભગવાન શેષશાયી નારાયણનાં અલૌકિક દર્શન વિના યાત્રા અધૂરી ગણાય. ઓરસંગ નદી વટાવ્યા પછીનું કરનાળી ક્ષેત્ર દિવ્ય તપોભૂમિ છે. તિલકવાડામાં પૂ. સ્વામી મહારાજે ચાતુર્માસ કરેલો તેની સ્મૃતિરૂપ સ્થાન વ. દર્શનીય છે. પાસે જ ગરુડેશ્વર ગુજરાતના દત્તભક્તોનું પ્રિયસ્થાન છે. ભારતપ્રસિદ્ધ તપોમૂર્તિ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ અહીં અંતિમલીલા કરી હતી. તેમનું સમાધિ મંદિર, શ્રીદત્તમંદિર, આદિ અનેક પુરાતન-નૂતન તીર્થાે અહીં છે.

ઉત્તરતટની શૂલપાણિની ઝાડીની યાત્રા હવે શરૂ થાય છે. પરંતુ નર્મદા ડેમને કારણે ગુજરાત રાજ્યની હદમાંનાં તટ પરનાં ગામો ઊઠાવી લેવાયાં છે તથા સરદાર સરોવરનાં જળ ભરેલાં હોવાથી કિનારાનો માર્ગ છોડી ઉપરના માર્ગે ક્વાંટ થઈને ઝાડીમધ્યે વિરાજતા હાંફેશ્વર (હંસેશ્વર)ના પરમ રમણીય શિવાલય-આશ્રમમાં પ્રવેશતાં આનંદ થયો. અહીંથી તટના માર્ગે આગળ વધી ઝાડીમાંનાં ગામોની ટાપરીઓમાં ભીલ આદિવાસીઓનું સ્વાગત માણતાં હતનીસંગમે આવ્યા. હવે અહીંથી લૂંટારાઓનો પ્રદેશ છે તથા ઝાડીનો અંત પણ છે. વળી તટનો માર્ગ છોડી કકરાણા, ડહી થઈને સીધા ધર્મરાય નર્મદાતટે એક દિવસની જ યાત્રાથી પહોંચી શકાય છે. અમે તેમ કરીને કોટેશ્વર આદિ તીર્થાેનાં દર્શન કરી માંડવગઢ-રેવાકુંડના ઐતિહાસિક સ્થળે આવ્યા. રાણી રૂપમતીની રેવાભક્તિથી મા નર્મદા અહીં રેવાકુંડમાં પ્રગટેલાં છે.

હોલ્કરવંશની ધર્માત્મા રાણી અહલ્યાબાઈએ જેને રાજધાની બનાવ્યું હતું તે મહેશ્વરનગર રમણીય સ્થાન છે. પ્રાચીન રાજવી સહસ્રાર્જુનની માહિષ્મતી નગરી તે જ આ મહેશ્વર! અહીં પાસે જ સહસ્રધારાનું દર્શનીય સ્થાન છે. રાજા સહસ્રાર્જુને પોતાના સહસ્રબાહુઓથી અહીં નર્મદાનો પ્રવાહ રોકવાની કોશિશ કરી હતી! લાંબે સુધી પથરાયેલા વિશાળ અને સુંદર પાકા ઘાટ શ્રીકાશીનું સ્મરણ કરાવે છે. અનેક સુંદર શિવાલયોની કોતરણયુક્ત છત્રીઓ (સ્મારક સ્થાનો), ૧૦૮ શક્તિપીઠોમાં જેની ગણના થાય છે તે ‘સ્વાહા’ દેવીનું ભવાની મંદિર આદિ દર્શનીય છે. પ્રસિદ્ધ પંચપુરી-પ્રભાસ, હરદ્વાર, અવંતી, મહેશ્વર, કુરુક્ષેત્ર-માં મહેશ્વરની ગણના થાય છે. નર્મદાતટનાં દર્શનીય સ્થાનોમાં તે અન્યતમ છે. અહીં જ આદ્ય શંકરાચાર્ય અને પં. મંડનમિશ્ર વચ્ચે પ્રસિદ્ધ શાસ્ત્રાર્થ થયેલો એમ મનાય છે! પાસે આવેલા મંડલેશ્વરમાં પરકાયા પ્રસંગે શંકરાચાર્યનો દેહ સાચવવામાં આવ્યો હતો એમ કહેવાય છે!

મા નર્મદાના કિનારે-કિનારે ચાલવાનો આનંદ કાંઈ જુદો જ છે. નદીની વિવિધ રૂપ-રમણાઓનું દર્શન સતત થયા કરે છે. સમ-વિષમ કે લીલીછમ મુલાયમ અથવા રેતાળભૂમિમાં ચાલવાનો અવસર બીજે ક્યાં મળવાનો? નર્મદાના જલપ્રવાહની વિવિધતા, સમયે સમયે તેના પલટાતા રંગો, વિશાળ અને સાંકડા પટ, શાંત-ઊંડાં ગંભીર જલ, તો ક્યાંક છીછરાં ને ખૂબ અવાજ સાથે નાદસંગીત પ્રગટાવતાં જળ, વિવિધ જળચર પક્ષીઓનું દર્શન આદિ ખરેખર અવર્ણનીય છે. આ બધું જોવા-માણવા માટે તો ખભે થેલો ભેરવીને મા નર્મદાની આંગળી પકડીને ચાલવું પડે!

ખેડીઘાટ પાસેના બડવાહ નગરમાં શ્રીનાગેશ્વરકુંડમાં મા નર્મદાનું પ્રાગટ્ય હોવાથી તેનાં દર્શન કરી તેને જમણે હાથે રાખી આગળ વધવાનું હોય છે. જંગલમાર્ગે ચ્યવનમુનિ આશ્રમ પાસે થઈને નર્મદાતટે કશ્યપ આશ્રમ, કોઠાવા નીકળી શકાય છે. મારી યાત્રા ચોરલસંગમ-ચારુકેશ્વર આવતાં પૂર્ણ થઈ. ભગવાન સદ્ગુરુ નારાયણની કૃપા તથા વાત્સલ્યમયી મા નર્મદાની અપાર કરુણાથી જ આ શક્ય બન્યું. તા. ૨૯/૩/૯૪થી આરંભેલી પરિક્રમા તા. ૫/૬/૯૫ના રોજ પૂર્ણ થઈ. પરિક્રમાની પૂર્ણતાના અંગરૂપે હવે અહીંથી ચાલીને જ છેક નદીસંગમ સુધી જવું જોઈએ જેને ‘પંચકોશી’ કહે છે. અહીંથી ઓમકારેશ્વરના બીજા છેડે થતો કાવેરી સંગમ લગભગ આઠ કિ.મી. દૂર છે. પૂર્વપરિચિત માર્ગે જંગલમાં સ્થિત ભગવાન કોટેશ્વર તથા કશ્યપાશ્રમ થઈને કાવેરીસંગમે સ્નાન કર્યું. મા નર્મદાનાં પાવન શ્રીચરણોમાં અનંતકોટિ વંદન અનંત વાર. જય શ્રી નર્મદે હર.

કાવેરી નદી વટાવી ઓમકારેશ્વર બેટમાં પ્રવેશ્યા. આમ પણ છેલ્લે ભગવાન શ્રીઓમકારેશ્વરનું દર્શન-અભિષેક-પૂજન પ્રત્યેક પરિક્રમાવાસી માટે અનિવાર્ય હોય છે. સમગ્ર નર્મદાખંડના અધિષ્ઠાતા દેવ જ ઓમકારેશ્વર છે. બન્ને બાજુ ઊંચી પહાડી છે જે હમણાં વૃક્ષો નવપલ્લવિત થયાં હોવાથી રમણીય લાગે છે. અત્રે મા નર્મદા પર ઈજનેરી કળાના વિશેષ નમૂના જેવો એક પણ થાંભલા સિવાયનો પુલ બન્ને તટને સાંકળતો બંધાયો છે. બેટમાં શ્રીઓમકારેશ્વરના પુરાણ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગનું ભવ્ય શિવાલય છે. આરંભમાં જ આ મંદિરની સીડીઓ નીચે આદ્ય શંકરાચાર્યના ગુરુ ગોવિંદ ભગવત્પાદાચાર્યની ગુફા છે. વિશાળ પાકા ઘાટ, અનેક મંદિરો-ધર્મશાળાઓથી આ વિભાગ શોભે છે. શિવાલય પહાડીમાં નર્મદાજીથી ઘણે ઊંચે હોવા છતાં શિવજીની જળાધારીમાં નીચેથી જળ સતત ઊભરાતું રહે છે જે એક આશ્ચર્ય છે. સામા દક્ષિણતટે શ્રી મમલેશ્વર છે. આ બંને મળીને એક જ્યોતિર્લિંગ ગણાય છે, ઓમકારમમલેશ્વરમ્ ॥

સમગ્ર ભારતનાં શિવમંદિરમાં નર્મદાજીમાંથી નીકળતાં બાણોનો ભારે મહિમા છે. નજીકના ધાવડીકુંડમાંથી શિવલિંગો મળી આવે છે. અહીંની દુકાનોમાં વિવિધ આકાર-રંગ-કદનાં શિવલિંગો મનને મોહિત કરી દે તેવાં જોવા મળે છે. મા નર્મદામાં તો ‘કંકર એટલા શંકર.’ તેથી પરિક્રમામાં ઘણાં તીર્થાેમાં પ્રાકૃતિક શિવલિંગો અર્થાત્ વ્યવસ્થિત આકારમાં ઘડ્યા વિનાનાં જોવા મળે છે. પરિક્રમાવાસીઓ પણ જાતજાતનાં રંગબેરંગી શિવલિંગો એકત્રિત કરતા હોય છે. ઓમકારેશ્વરની યાત્રા સાથે મા નર્મદાની પરિક્રમા સર્વાંગપણે સંપૂર્ણ થઈ- નર્મદે હર.

નર્મદા પરિક્રમા કરવાની અંતરતમની ચિરવાંછિત અભિલાષા અંતે મા નર્મદાએ જ સાકાર કરી-સફળ બનાવી. ગુજરાતી માણસ સામાન્ય રીતે સુંવાળા ગણાય છે. બીજાઓની તુલનામાં તેમની સહનશક્તિ મર્યાદિત અને શારીરિક સામર્થ્ય તો ઘણું અલ્પ! પરિક્રમામાં મોટે ભાગે મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશના જ લોકો વિશેષ જોવા મળ્યા!

આમ તો છેક કાશ્મીર, કર્ણાટક, બંગાળ, તામિલનાડુના પણ હોય છે ખરા. અહા! મા નર્મદા ક્યાં-ક્યાંથી પોતાનાં પ્રિય બાળકોને પોતાની ગોદમાં ખેલવા બોલાવે છે! છતાં, સમગ્ર પરિક્રમા માત્ર પગે ચાલીને જ કરનારા ઘણા થોડા હોય છે. મોટે ભાગે ક્યાંક ને ક્યાંક ઓછા યા વધુ પ્રમાણમાં વાહનનો ઉપયોગ કરી લેનારા જ વધુ હોય છે. ખાસ કરીને લક્કડકોટનો જંગલમાર્ગ અથવા શૂલપાણિની ઝાડીના બન્ને તટે આમ બનતું હોય છે.

મેં તો આરંભથી જ મા નર્મદાની શરણાગતિ સ્વીકારી હતી કે ‘મા! તું પરિક્રમા કરાવે તો થાય!’ હા, મા નર્મદાએ પોતાની અપાર વત્સલતા દાખવી અત્યંત સહજ રીતે મને પોતાની ગોદમાં રાખીને જ પરિક્રમા કરાવી! આ અસીમ માતૃવાત્સલ્ય પરિક્રમાપંથે ક્ષણે-ક્ષણે, ડગલે ને પગલે મેં અનુભવ્યું છે એમ કહું તો તેમાં જરાયે અતિશયોક્તિ નથી અને આ જ મારા જીવનભરની અખૂટ કમાણી છે, સમગ્ર યાત્રાની ફલશ્રુતિ છે. અસ્તુ. જયશ્રી નર્મદે હર.

 

Total Views: 139
By Published On: May 1, 2012Categories: Atmakrushna Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram