પોતે કુટુંબમાં કમાણી કરીને પાલન પોષણ કરનાર હોવાથી ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માતપિતા પ્રત્યેની ફરજો પણ બજાવવાની હોય છે. શ્રી‘મ’ અને એમનાં પત્નીને પોતાનાં સંયુક્ત કુટુંબીજનો સાથે બનતું ન હતું એટલે તેઓ સંયુક્ત કુટુંબમાંથી નીકળીને એક અલગ ભાડાના મકાનમાં રહેતાં હતાં.

શ્રી ઠાકુરે કહ્યું, ‘શું માતા અને પિતા માત્ર ઉડાવી દેવા જેવાં છે? જો તેઓ ખુશ ન રહે તો આધ્યાત્મિક સાધનાનું કોઇ ફળ મળતું નથી.’

(શ્રી‘મ’ને ઠપકો આપતા હોય એ રીતે કહે છે) : ‘અને હું તમને આટલું કહેવા માગંુ છું. તમારાં માતા અને પિતાએ તમને મોટા કર્યા છે. તમે પોતે પણ ઘણાં સંતાનોના પિતા છો. આમ છતાં પણ તમે તમારાં પત્ની સાથે ઘર છોડી દીધું. તમે તમારાં માતપિતાને છેતર્યાં છે. તમે તમારાં પત્ની અને સંતાનો સાથે ઘરમાંથી નીકળી ગયા અને તમને એમ લાગે છે કે તમે એક સજ્જન બની ગયા! તમારા પિતાને તમારી પાસેથી પૈસાબૈસા જોઇતા નથી. જો એમ ન હોય તો ‘ડૂબી મર, જા!’ એમ કહેત.’

આવી રીતે શ્રીઠાકુરનો ઠપકો સાંભળીને શ્રી‘મ’ પોતાના પૈતૃક ઘરે ગયા. રામકૃષ્ણ એ જોઇને રાજી થયા અને તેમણે શ્રી‘મ’ને કહ્યું, ‘તમે ઘણું સારું કર્યું. એ ઘરે રહેવું તમને સુખચેનવાળું બની રહેશે. તમારાં માતપિતા સાથે રહે છે એટલે તમારે કુટુંબની બહુ ચિંતા પણ ન કરવી પડે.’ શ્રીઠાકુરનો ઇરાદો શ્રી‘મ’ને એમનાં પત્ની અને સંતાનોની જવાબદારીમાંથી થોડા મુક્ત કરવાનો હતો. જેથી તેઓ વધારે સમય આધ્યાત્મિક સાધનામાં અને સાધુસંતોની સાથે રહેવામાં ગાળી શકે.

સ્થળ, કાળ અને સંજોગો પ્રમાણે દરેક માણસને પોતપોતાની જવાબદારીઓ હોય છે. આ જવાબદારીઓ કે ફરજો કેટલીક વખત માણસ પોતાના અંતરાત્મા પ્રમાણે બજાવે છે. વળી શું સાચું અને ખોટું છે તેનો વિવેકપૂર્વકનો નિર્ણય શાસ્ત્રો અવારનવાર કરી આપે છે. વ્યક્તિએ વ્યક્તિએ, સમાજેસમાજે, દેશ અને ધર્મ પ્રમાણે આ ફરજો જુદીજુદી હોય છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ફરજની સર્વલક્ષી વ્યાખ્યા આપવી અશક્ય છે. વસ્તુલક્ષી દૃષ્ટિએ ફરજની વ્યાખ્યા આપી શકાય. જે કર્મ કે કાર્ય આપણને ઇશ્વર તરફ દોરી જાય તે સત્કાર્ય છે અને એ આપણી ફરજ છે. અને જે કાર્ય આપણને અધોગતિ તરફ દોરી જાય તે અનિષ્ટ કાર્ય છે અને એ આપણી ફરજમાં નથી આવતું.’

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં શ્રી ‘મ’એ સદ્ગૃહસ્થોની ફરજો વિશેના શ્રીઠાકુરના વૈશ્વિક સંદેશોને કાળજીપૂર્વક નોંધ્યા છે. એને લીધે વિશ્વભરના લોકો તેનું અનુશીલન કરી શકે. એક સબ જજ્જે એક વાર શ્રીઠાકુરને પૂછ્યું, ‘મહાશય, અમે તો ગૃહસ્થો છીએ. અમારે ક્યાં સુધી ગૃહસ્થની ફરજો બજાવવી જોઇએ?’

શ્રીઠાકુરે કહ્યું, ‘તમારે ફરજો તો બજાવવાની જ છે. તમારે તમારાં સંતાનોને મોટાં કરવાનાં છે, તમારાં પત્નીને સહાય કરવાની છે. તમારા મૃત્યુ પછી એમને ટેકો મળી રહે એવું કરવાનું છે. જો તમે આ ન કરો તો હું તમને નિર્દય કહીશ.’

સબ જજ્જ : ‘સદ્ગૃહસ્થે ક્યાં સુધી પોતાનાં સંતાનોને સહાય કરવી જોઇએ?’

શ્રીઠાકુર : ‘જ્યાં સુધી તેઓ પુખ્ત વયનાં ન થાય ત્યાં સુધી.’ જ્યારે પક્ષીનું બચ્ચું પરિપક્વ બની જાય અને પોતાની સંભાળ પોતાની રીતે લેતું થાય એટલે માદા પક્ષી એને ચાંચ મારીને દૂર ધકેલી દે છે, તેને નજીક આવવા દેતી નથી.

સબ જજ્જ : ‘ગૃહસ્થની પત્ની પ્રત્યેની ફરજ કઇ છે?’

શ્રીઠાકુર : ‘જો પત્ની પતિવ્રતા હોય તો તમારે તેને આધ્યાત્મિક માર્ગદર્શન આપવું જોઈએ, જીવન દરમિયાન તેને સહાયભૂત થવું જોઇએ અને તમારા મૃત્યુ પછી તે સુખશાંતિથી રહી શકે એવી સુવિધા પૂરી પાડવી જોઇએ. પણ જો તમે ઇશ્વરજ્ઞાન કે ભક્તિમાં લીન થઇ ગયા હો તો પછી તમારી કોઇ ફરજો રહેતી નથી. જો તમે ઇશ્વરમાં લીન હો તો ઇશ્વર પોતે તમારા કુટુંબનું વિચારશે.’

જો કે શ્રીઠાકુર મોટે ભાગે આધ્યાત્મિક ભાવમાં જ રહેતા, આમ છતાં પણ તેઓ તેમની પાસે આવતા ગૃહસ્થ ભક્તોને વ્યવહારુ સલાહ આપતા. શ્રી‘મ’એ આ બધા ઉપદેશોની નોંધ પોતાના માટે અને બીજા લોકો માટે પણ કાળજીપૂર્વક કરી છે. ખરાબ કે દુષ્ટજનો સાથેની સોબત અંગે શ્રીઠાકુરે એક બ્રહ્મચારી અને સાપની વાત કરી છે. બ્રહ્મચારીએ સાપને અહિંસક રીતે રહીને દંશ ન દેવાની સલાહ આપી. પરિણામે કેટલાક ભરવાડના છોકરાઓએ તેને પથ્થરથી માર્યો અને લોહીલુહાણ કરી દીધો. પછીથી બ્રહ્મચારીને બધી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો એટલે તેણે સાપને કહ્યું, ‘મેં તને કોઇને કરડવાની ના પાડી હતી, પણ ફૂંફાડો મારીને છોકરાઓને ડરાવવાની ના ન હતી પાડી. જો કોઇ તને નુકસાન પહોંચાડે તો તારે ફૂંફાડો મારવો જોઇતો હતો.’ ઇશ્વર તો બધામાં વસે છે. પણ કોઇએ વાઘદેવતાને ભેટવા જવું ન જોઇએ. એમને તો દૂરથી જ સલામી સારી.

વળી આ સંસારમાં રહીને સહિષ્ણુતાની શક્તિ કેળવવી પડે. બીજાને માફ કરતાં પણ શીખવું જોઇએ. શ્રીઠાકુરે કહ્યું, ‘ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો; જે માફ કરે છે તે જ ઉન્નત થાય છે. અને જે માફ નથી કરતો તે લુપ્ત થઇ જાય છે.’ આપણા સામાજિક જીવન માટે આ એક વ્યવહારુ અને આદર્શ બોધપાઠ છે.

વળી દૈનંદિન જીવનમાં સંજોગો પ્રમાણે અનુકૂળતા સાધવી અને નમ્ય બનવું એ પણ અગત્યનું છે. જો આમ ન થાય તો ડગલે ને પગલે વિરોધ કે મુશ્કેલી આવવાની. એટલે શ્રીઠાકુરે કહ્યું છે, ‘સમય, સ્થળ અને વ્યક્તિ પ્રમાણે દરેકે અનુકૂલન સાધતાં શીખવું જોઇએ.’

શ્રીઠાકુરે શ્રી‘મ’ને જેના દ્વારા એમનું આધ્યાત્મિક જીવન ઘડાય એ માટે કેટલીક મહત્ત્વપૂર્ણ સૂચનાઓ ખાનગીમાં આપી હતી. ઇશ્વર પ્રત્યેની ભક્તિ કેળવવા અને પોતાના મનને પવિત્ર કરવા અગિયારસના દિવસે ઉપવાસ રાખવાનું શ્રી ઠાકુરે શ્રી‘મ’ને કહ્યું હતું. સંપૂર્ણ ઉપવાસ રાખવો એ શ્રી‘મ’ માટે કઠિન બની રહે એમ હતું એટલે શ્રીઠાકુરે તેમને તે દિવસે દૂધ સાથે થોડા પૌઆ લેવાનું કહ્યું. ભોજન માટે શ્રી ઠાકુરે એમને સાત્વિક ખોરાક લેવાની સલાહ આપી હતી. એ માટે શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં આપેલા આદેશનું ‘યોગ એટલે અતિઆહાર પણ નહીં અને અત્યંત અલ્પઆહાર પણ નહીં’ પાલન કરવા કહ્યું હતું. પોતાની સાધના દરમિયાન શ્રી‘મ’ શ્રીઠાકુરે આપેલી સૂચના પ્રમાણે થોડા ભાત ઘી અને દૂધ સાથે લેતા.

શ્રીરામકૃષ્ણે અંગ્રેજી કેળવણીથી કેળવાયેલા શ્રી‘મ’ને પવિત્ર લોકોના સંગાથે રહેવાનું શીખવ્યું હતું. એને લીધે એમના સંગાથથી ઇશ્વર પ્રત્યેની આતુરતા વધે છે. પરંતુ ગૃહસ્થે સાધુને ખાલી હાથે ન મળવું જોઇએ. સાધુને પણ સંસારની કેટલીક પ્રાથમિક જરૂરતોની આવશ્યકતા રહે છે. (ક્રમશ 🙂

Total Views: 104
By Published On: November 1, 2012Categories: Chetanananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram