(શ્રી અમૂલખ ભટ્ટ સારા નાટ્યવિદ્ છે. ‘ચિલ્ડ્રન થિયેટર’નામની સંસ્થા ચલાવે છે.)

દૃૃશ્ય ૧

શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી, અને પદ્માસનવાળી બેઠેલી મૂર્તિને ઘાટ આપી રહ્યા છે. થોડીવારે મૂર્તિને સિંહાસનમાં પધરાવી. બિલીપત્ર, ચંદન, ફૂલ અને ભસ્મથી પૂજા કરી રહ્યા છે. તન્મય થઇને શ્લોકનું ગાન કરતાં કરતાં પૂજા કરે છે. આસપાસની દુનિયા ભૂલી જાય છે. દૂર ઊભા ઊભા મથુરબાબુ આ સઘળું જુએ છે. હૃદયરામ પાસે આવે છે. તેને પૂછે છે, ‘આ મૂર્તિ ખરેખર રામકૃષ્ણે બનાવી છે ?’

હૃદયરામ : હા, મારા મામાએ જ આ મૂર્તિ બનાવી છે. તેમને મૂર્તિઓ બનાવવાનું અને ભાંગેલી મૂર્તિઓ સમી કરવાનું કામ ખૂબ સારી રીતે આવડે છે.

મથુરબાબુ : ભગવાન શિવની પૂજા થઈ જાય પછી આ મૂર્તિ મારી પાસે લઇ આવજો.

(બંને જાય છે : મથુરબાબુનો નોકર આવે છે.)

નોકર : ઠાકુર, આપને મથુરબાબુ બોલાવે છે.

(જાય છે.)

રામકૃષ્ણ : મારે બાબુ પાસે નથી જવું. શું કામ બોલાવે છે, એની મને ખબર છે. હું નહિ જાઉં.

હૃદયરામ : પણ મામા, એમાં તમને શું વાંધો છે ?

રામકૃષ્ણ : હું જઇશ કે તરત જ મથુરબાબુ મને આ ઠેકાણે રહેવાનું અને નોકરી કરવાનું કહેશે.

હૃદયરામ : મામા, જુઓ આવા દેવસ્થાનમાં મોટા માણસોના આશ્રયે કામમાં જોડાવું એ તો સારું કહેવાય. તમે શા માટે ના પાડો છો ?

રામકૃણ : પછી મારે તો હંમેશને માટે નોકરીના બંધનમાં બંધાઈ રહેવાનું ને? એવી મારી ઇચ્છા નથી. એવી ગુલામી હું ન કરું.

હૃદયરામ : પણ એમાં ગુલામી ક્યાં છે ? બંધન જેવું છે શું? મંદિરમાં સેવા કરવી એમાં નાનપ શાની? મોટા મામા સેવા નથી કરતા ?

રામકૃષ્ણ : એ રીતે જિંદગી આખી બંધનમાં રહેવું નથી. કાલીમંદિરમાં નોકરી સ્વીકારવાથી માથે મોટી ગંભીર જવાબદારી લેવી પડે. કારણ કે મા કાલીનાં કિમતી અલંકારો, વસ્ત્ર્ાો સાચવવાની જવાબદારી માથે આવી પડે. અને મને હમેશાં તેની ચિંતા થયા કરે. મારાથી એ નહિ બને. હા, એક વાત છે, એ કામની જવાબદારી તારા માથે લે તો, અને અહીં મારી સાથે તું રહે તો મને માત્ર પૂજા કરવામાં વાંધો નથી.

હૃદયરામ : ઓહોહો! એટલી જ વાત છે ને! એ જવાબદારી મારી. હવે તો મથુરબાબુ પાસે આવશોને !

રામકૃષ્ણ : હા, હા. ચાલો જઇએ. (બંને જાય છે.)

દૃૃશ્ય ર

રામકૃષ્ણ ઉદાસ ચહેરે બેઠા છે. થોડી થોડી વારે ઉપર આભમાં નજર નાખે છે. પાછા મંદ મંદ હસતાં જાય છે. વળી પાછા મૌન અને ગંભીર બને છે. અને ચહેરો ઉદાસ બને છે.

રામકૃષ્ણ : (સ્વગત) પાંચ તત્ત્વનું આ ખોળિયું, પણ ઉપાધિ કેટલી! સ્નેહ, મમતા, દ્વેષ, ક્રોધ. પણ આ ખોળિયું પાંચ તત્ત્વમાં ભળી જાય પછી?

રામકૃષ્ણ : માણસને પીડે છે, એ જ મમતા. મોટાભાઇનું અવસાન થયું ? શું મેળવ્યું ? સ્વજનોની વિદાય એનું દુ :ખ, બીજી બાજુ જગતનાં અનિષ્ટો, એનાં પાપ. તેનો અંત છે ખરો ? જ્યાં સુધી ઇશ્વરનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આ પીડા, દુ :ખો અને અનિષ્ટોનો અંત નહિ આવે.

હૃદયરામ : મામા, શું ચિંતામાં પડી ગયા ? આટલા ઉદાસ કેમ છો ?

રામકૃષ્ણ : આપણી આસપાસનું જગત નાશવંત છે. મૃત્યુ તો આવવાનું જ. એ જાણવા છતાં માણસ સંસારમાં કેટલો રચ્યો, પચ્યો રહે છે! પણ જેવો એનો અંત આવ્યો પછી ?

હૃદયરામ : હું જાણું છું. મોટા મામાના અવસાનથી તમે બહુ વ્યથિત છો, પણ એનો ઉપાય શું ?

(રામકૃષ્ણ પલાંઠીવાળીને બેઠા છે. સાથળ ઉપર જોરથી થાપો મારીને બોલે છે.)

રામકૃષ્ણ : એનો ઉપાય છે, હૃદયરામ એનો ઉપાય છે! ઇશ્વરનો સાક્ષાત્કાર. મા જગદંબાનો સાક્ષાત્કાર. આ સાથેજ મા કાલી હાજરા હજૂર છે. એ કેવળ પથ્થરની મૂર્તિ નથી, ભવતારિણી મા જગદંબા રૂપે બિરાજે છે.

હૃદયરામ : એક વાત પૂછું ? મને સાચો જવાબ આપશો ને ?

રામકૃષ્ણ : હા. કેમ નહિ. તને જે કાંઇ શંકા હોય તેનું સમાધાન કરીશ. બોલ, શું પૂછવું છે ?

હૃદયરામ : તમે રાત્રે મંદિરની ઉત્તરે પંચવટીનું જંગલ આવેલું છે ત્યાં કેમ જાઓ છો ?

રામકૃષ્ણ : માત્ર રાત્રે જ નહિ, બપોર વેળાએ પણ ત્યાં જાઉં છું. ત્યાં આંબાનું મોટું ઝાડ છે, એની નીચે બેસીને હું મા કાલીનું ધ્યાન ધરું છું. એકાંત હોય, ચારે બાજુ શાંતિ હોય, આવી જગ્યા ધ્યાન માટે ખૂબ અનુકૂળ છે.

હૃદયરામ : મામા, મારા મનમાં ચિંતા હતી, કારણ કે એ જંગલમાં ભૂત વસે છે. એ જાણીને હું તમારી પાછળ લપાતો છુપાતો જોવા આવતોે. તમારી પીઠ મારી તરફ હતી. તમે ધ્યાનમાં લીન થઇ ગયા હતા, પણ મેં દૂરથી જોયું અને હું ચમકી ગયો!

રામકૃષ્ણ : એમાં ચમકી કેમ ગયો ?

હૃદયરામ : તમારા શરીર ઉપર એકેય વસ્ત્ર્ા નહોતું, તમે દૂર ફેંકી દીધું હતું અને શરીર ઉપર જનોઇ પણ નહોતી. એ પણ તમે કાઢી નાખી હતી! આવું કેમ ?

રામકૃષ્ણ ધ્યાનમગ્ન. સમાધિમાં લીન હતા. તેથી તેમણે કાંઇ સાંભળ્યું નહિ. જવાબ પણ ન આપ્યો. જ્યારે ઠાકુર ભાવસમાધિમાંથી બહાર આવ્યા ત્યારે હૃદયરામે ફરીથી એ જ સવાલ પૂછ્યો.

રામકૃષ્ણ : પ્રભુનું ધ્યાન એકચિતે ધરવું હોય તો મનુષ્યે બધાં જ બંધનોમાંથી મુકત્ત થવું જોઇએ.

હૃદયરામ : બંધનો. ક્યાં ક્યાં બંધનો ?

રામકૃષ્ણ : જન્મની સાથે જ આપણને આઠ બંધન વળગ્યાં છે. ઘૃણા, લજ્જા, કુલાભિમાન, ભય, મનની એષણા, અહંકાર જેવાં બંધનોથી આપણે બંધાયેલા છીએ. અને જનોઇનો એટલા માટે ત્યાગ કરું છું કે જનોઇ ધારણ કરવાથી આપણને ઉચ્ચજ્ઞાતિના બ્રાહ્મણ છીએ, એવું અભિમાન થાય છે. જનોઇના ત્યાગથી એ અભિમાનનો છેદ ઊડી જાય છે. પણ ધ્યાન પૂરું થયા પછી જનોઇ ધારણ કરી લઉં છું. તારી શંકાનું સમાધાન થયું હોય તો હવે હું જાઉં. મા, કાલી રાહ જોતી હશે કે મારો પુજારી હજી આવ્યો નહિ.

હૃદયરામ : હા, હા. જઇએ.(બંને જાય છે)

દૃૃશ્ય ૩ જું

સ્થળ : કાલિમંદિરમાં મા કાલીની મૂર્તિ છેે. રામકૃષ્ણ હાથમાં ફૂલોની થાળી લઇને મા કાલી સામે ઊભા છે. ઠાકુર ભકિત પદો ગાતાં ગાતાં, માને ફૂલનો હાર પહેરાવે છે. અને ફૂલ ચડાવવા જાય છે ત્યાં ઊભા રહી જાય છે. પદો ગાતાં ગાતાં રડવા જેવા થઇ જાય છે અને પોકારીને કહેે છે.

રામકૃષ્ણ : ઓ મા, તું ક્યાં છે ? મને દર્શન આપ. રામપ્રસાદે તારો સાક્ષાત્કાર કર્યો. તારી દિવ્ય કરુણાનો પ્રસાદ પ્રાપ્ત કર્યો : હું શું એવો હીન-હલકો છું કે તું મારી પાસે આવતી નથી. મારે આનંદપ્રમોદ ન જોઈએ, ધન દોલત નથી જોઇતા, મને તો દર્શનની લગની લાગી છે.

રડતા અવાજે, આ બધું બોલતા જાય છે. ઘડીકમાં મા પાસે આળોટવા લાગે છે અને બોલતા જાય છે. મા એ મા, તું કેમ બોલતી નથી ? ‘‘દયા કર ને મા, મારા પર દયા કર.’’

રામકૃષ્ણ : મા,તું કેમ બોલતી નથી ? દયા કરને મા, મારા પર દય કર (બેઠા થઇને) મા, સૂરજ ઊગીને આથમી ગયો. આમ એક પછી એક દિવસ વીતી જાય છે. પણ તારાં દર્શન થતાં નથી, (કાલાવાલા કરીને) હે મા! હું તને હૃદયથી વિનવું છું હો. મને તારાં દર્શન આપીશને !! તારા બાળકની સંભાળ તો લે. મા…ઓ..મા!

(બેચાર દર્શનાર્થીઓ આ જોયા કરે છે.)

પહેલો માણસ : બિચારો કેટલો દુ :ખી થાય છે!

બીજો માણસ : બિચારાની મા મરી ગઇ હશે!

ત્રીજો માણસ : અરેરે, આવા અનાથોનું કોઈ નાથ છે?

(ત્રણેય જાય છે પછી પૂજા કરતાં કરતાં)

રામકૃષ્ણ : તેં સાંભળ્યુને મા! તારાં દર્શને આવેલાને પણ મારી દયા આવી. પણ તને ? ઠીક છે, જેવી તારી ઇચ્છા. પણ જો, મા, આજે નહિ તો કાલે તારાં દર્શન કરવાનો છું હો!

રામકૃષ્ણ : (સ્વગત) જગદંબા એ કેવળ કલ્પનાની તરંગ લીલા ન હોય. જેમણે માનાં દર્શન કર્યાં છે એવા ઘણા ભક્તો છે, તો મને એમનાં દર્શન કેમ થતાં નથી ? દિવસો, મહિનાઓ ઝડપથી પસાર થતા જાય છે. ધીમે ને ધીમે હું મૃત્યુની વધુ ને વધુ નજીક જતો જાઉં છું. પણ જગદંબા, મા, મને ક્યાંય દેખાતાં નથી. જીવનમાં જો પ્રાપ્ત કરવાનું હોય તો તે ઇશ્વર જ છે. પ્રભુનો સાક્ષાત્કાર થાય તો જ જીવન સાર્થક બને.

(એક પછી એક ત્રણ-ચાર દર્શનાર્થીઓ પ્રવેશ કરે છે. રામકૃષ્ણ તેમને આવકાર આપે છે.)

દર્શનાર્થી : ઠાકુર, આપ શું વિચાર કરો છો ?

રામકૃષ્ણ : વિચાર તો એ કરું છું કે મા જગદંબાનો વિરહ મારે ક્યાં સુધી સહન કરવાનો ? માનાં દર્શન કરવા હું રાત દિવસ તડપું છું. વિરહની પીડા થાય એ કુદરતી છે. તમને એક ઉદાહરણ આપું. એક ઓરડામાં સોનામહોર ભરેલી થેલી પડી છે, અને બાજુના બીજા ઓરડામાં ચોર ભરાયા છે. બંને વચ્ચે એક માત્ર પાતળી દીવાલ છે. આવા સંજોગોમાં ચોરને ઊંઘ આવે ખરી ? પેલી સોનાની ભરેલી થેલી હાથ કરી લેવા માટે આ ચોર દીવાલ તોડવાની મહેનત નહિ કરે ? ભાઇઓ, મારી દશા પણ આવી જ છે! જેની પાસે જગતની બધી વસ્તુઓ તુચ્છ છે, એવી પરમાનંદમયી જગદંબા મારી નજીક છે. આવા સંજોગોમાં મને બીજી કઈ વસ્તુથી સંતોષ મળે? મારે તો માનો સાક્ષાત્કાર કર્યે જ છૂટકો. જગદંબાનાં દર્શન પાછળ હું ઘેલો ઘેલો બન્યો છું. ચાલો, હું મા પાસે જાઉં.

(રામકૃષ્ણ ઊભા થઇને કાલીમાતા પાસે આવે છે. તેમને ફૂલો ચડાવતાં, નૈવેદ્ય જમાડતાં જગદંબા સાથે વાતો કરે છે.)

રામકૃષ્ણ : લે મા, તને ગુલાબના ફૂલ બહુ ગમે છે ને ? લે તારા શિર પર મૂકું અને હાથમાં અને તારા ચરણમાં ફૂલો ધરીને તને પ્રાર્થના કરું છું, હવે મને તારાં દર્શન આપ. મને શા માટે તલસાવો છો? મારા કાલાંવાલાં તું કેમ સાંભળતી નથી? તારી ભકિત્તભાવે પૂજા કરું. તને મનગમતાં ભજનો સંભળાવું, તોય તને તારા આ બાળકની દયા નથી આવતી? મા, તારા વિના મને બધું વ્યર્થ લાગે છે! દર્શન આપવાની કૃપા કેમ કરતી નથી? મા, મા, હવે મને ડર લાગે છે. મારું જીવન આમ ને આમ પૂરું થઈ જશે? હું તારાં દર્શન નહિ કરી શકું? હવે મને જીવવામાં જરાય રસ નથી. મોત કાલ આવતું હોય તો ભલે આજે આવે, હા, સામે જ ખડ્ગ પડ્યું છે. હવે તો જીવનનો અંત આમ જ આવશે. લાવ, ખડ્ગ લઇને મારું માથું જ ઉતારી દઉં!

(આમ બોલીને ખડ્ગ લઈને ગળા પર ઝીંકવા જાય છે. ત્યાં એકાએક મોટો વીજળી જેવો ઝબકારો થાય છે, સર્વત્ર પ્રકાશ પથરાય છે. એકાએક મા જગદંબા ઠાકુરનો હાથ પકડી લે છે. તેને બચાવે છે. રામકૃષ્ણ બેભાન થઈને નીચે પટકાય છે.)

રામકૃષ્ણ : (બેભાન અવસ્થામાં) વાહ! મારી મા વાહ!! મા, એ મા, આ હા..હા..હા..! કેવા સુંદર તારાં દર્શન થયાં! (રડતાં રડતાં) મા, મારા ઉપર તેં બહુ ઉપકાર કર્યો. જો, જો, હું કેવો હળવો ફૂલ થઈ ગયો ! (હસતાં હસતાં) જુઓ મા! મારી બધી પીડા, વેદના મટી ગઈ. હવે તું દર્શન આપતી રેજે, હો મા!

દૃૃશ્ય ૪ થું

શ્રીરામકૃષ્ણની ભાવોન્મત અવસ્થા.

સ્થળ : મા કાલીનું મંદિર. ઠાકુર ફૂલોની થાળી લઇને મૂર્તિ સામે ઊભા છે. શરીર કાબૂમાં નથી. શરીર આમથી તેમ ડોલે છે.

રામકૃષ્ણ : હે મા, હવે તો હું તારે શરણે છું. તારું નાનકડું બાળક છું. મને કાંઇ આવડતું નથી. મારે શું કરવું? શું બોલવું ? એ તું મને શીખવ ને! મા તારી ઇચ્છા પ્રમાણે જ બધું થાય છે અને એમાંજ તારા આ બાળકનું કલ્યાણ છે. છે કે નહિ? હ્ં તો પછી! લે હવે પૂજા કરું.

રામકૃષ્ણ એક પછી એક ફૂલો, બિલી પત્ર લઇને માતાની મૂર્તિને ચડાવે છે. પોતાના શરીર અને માથા પર રાખીને ચડાવે છે.

જોે ફૂલ પડી જાય છે. હલવાનું નહિ, જો હવે બિલીપત્ર ચડાવું છું. જો મા તું એમથી તેમ ડોલે છે તેમાં ફૂલ બિલીપત્ર પડી જાય છે! બસ હવે, આમ ને આમ બેસી રહેજે હો. શાબાશ, લે હવે તને જમાડું. આજ તો ખીરને પૂરી છે! જો કેવી સુગંધ આવે છે! લે ખા!

(રામકૃષ્ણ મૂર્તિના મુખે કોળિયો મૂકવા જાય છે)

લે, ખાને! બહુ વાર લગાડે છે. તને જમાડીને પછી હું જમીશ, બસ! તો હવે? કેમ, શું પહેલાં હું ખાઉં ? એમ ઇચ્છે છે? (ખડખડાટ હસીને) મા, તું પણ ગજબની છે હો. હવે પ્રેમનો ધોધ મારા પર વરસ્યો ખરો. ચાલ તું રાજી રહે તેમ.

(રામકૃષ્ણ ભોજનની થાળી લઇને જાય છે)

ક્રમશ :

Total Views: 99
By Published On: November 1, 2012Categories: Jagadatmananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram