યૌવન એટલે થનગનાટ અને તાજગી, ઊર્જા અને ઉત્સાહ, સાહસ અને પરાક્રમ, ખોજ અને મોજ. યુવાનમાં હોય તત્પરતા અને તેજસ્વિતા, ત્યાગ અને તપસ્વિતા, ક્રિયાશીલતા અને સર્જનશીલતા. એક કવિએ ગાયું છે : ‘આભ લગી જેનાં મસ્તક ઊંચાં, પગ અડતા પાતાળ!’ યુવાનના આદર્શાે – સ્વપ્નાં આભ જેવાં વિશાળ અને વ્યાપક હોય, પણ તેના પગ તો ધરતી પર, વાસ્તવની ભૂમિ પર માંડેલા હોય. તે ઉત્સાહથી ભર્યો ભર્યો અને ઉત્તમતાનો આરાધક હોય. યુવાની જ્યારે જ્યારે હેલે ચડી છે કે જાગી છે ત્યારે જગતમાં પરિવર્તનો આવ્યાં છે. સ્વામી વિવેકાનંદે પણ કહેલું : ‘મને મુઠ્ઠીભર નચિકેતા આપો અને હું દુનિયા બદલી દઇશ.’ કહેવાય છે કે કોઈ વૈજ્ઞાનિકે કહેલું : ‘મને પૃથ્વી બહાર ઊભા રહેવાની થોડી જગ્યા આપો તો હું પૃથ્વીને ઊંચી કરી બતાવું!’ અને આવા શકિતના ધોધ જેવા યુવાનો અને તરુણો વિશ્વની કુલ વસતિના ત્રીજા ભાગ જેટલા હશે! કેવી મોટી સંખ્યા છે આ યુવાનોની! અને સ્વામીજીને આસ્થા છે આવા યુવાનો પર, થોડા ક્રાન્તિકારી યુવકો પર, થોડા દૃઢ નિશ્ચયી, સમર્પિત થવા તત્પર, વિચારશીલ યુવકો પર. યુવા પેઢી જ રાષ્ટ્રની કરોડરજ્જુ છે, પાયો છે. આપણે ત્યાં યુવાન માટે કહેવાયું છે : ‘યુવાન સાધુચરિત હોવો જોઈએ, તે અધ્યયનશીલ હોવો જોઇએ, તે આશાવાન, દૃઢનિશ્ચયી અને બળવાન હોવો જોઇએ.’ આવું થાય તો જ યુવાની શોભે, મહોરે, ફળદાયી બને.

સ્વામી વિવેકાનંદ એ વિશ્વની યુવાનીના, જગતની તરુણાઇના પ્રતીક હતા. તેમનું વીરત્વથી છલકતું, અધ્યાત્મથી મહોરતું, રાષ્ટ્રને સમર્પિત જીવન અને તેમના હૃદયથી સ્રવેલા ચૈતન્યસભર, મડદાંને બેઠાં કરનાર સિંહનાદ જેવા પ્રેરક ઉદ્ગારો આપણી સામે અને સાથે છે. અને સ્વામીજીની સાથે તેમના સાથીઓ પણ યુવાનો જ હતા. એ થોડા સમર્પિત-ત્યાગી સાથીઓ થકી જ તેમણે જગતને મહાન સંસ્થા અને ઉત્કૃષ્ટ પરંપરા આપ્યાં; દર્શન અને દિશા આપ્યાં; વિચાર અને વ્યવહાર આપ્યાં; એટલે સ્વામીજી પોતાના સાથીઓને કહેતા : ‘મારી આશા તમારા ઉપર છે.’ અને એ આશાની વેલી પર કેટકેટલાં શીલવંત અને સત્વસભર ફળ બેઠાં તેનો ઈતિહાસ આપણી સામે છે.

ઠાકુરને પણ યુવાનો ખૂબ ગમતા. જે કેટલાક ઉર્જસ્વી તરુણો તેમના પ્રતિ ખેંચાયા તેઓ તેમની પાસેથી ભરપૂર પામ્યા. ઠાકુર આ યુવાનોને જોઇને કહેતા : ‘કાગડાએ ચાંચ નથી મારી, એવાં (આ) ફળ છે.’ અર્થાત્ તેમને હજુ સંસારનો રંગ નથી ચડ્યો. અને કહેતા : ‘પાકો વાંસ વળે નહીં, કાચાને તો (જેમ) વાળીએ તેમ વળે!’

જીવનથી જુદો કોઈ ધર્મ નથી

સ્વામીજીનો પાયાનો સંદેશ છે કે ધર્મના, અધ્યાત્મના કેન્દ્રમાં જીવન છે. આપણી સામે લહેરાતું, અનુભવાતું જીવન એ જ મુખ્ય છે અને એ જ પાયામાં છે. ધર્મ એટલે જીવનમાંથી ભાગવું કે પલાયન થવું તે નથી, પણ ધર્મ એટલે સંબંધમાં આવવું, જોડાવું, જાગવું અને જીવવું. જીવન સંબંધોમાં છે, અને સચરાચર સહુને વચ્ચે એક અખંડ સૂત્ર પરોવાયેલું છે. પરસ્પર તાણા-વાણાથી ગૂંથાયેલું જીવન તેના કર્મ વડે પરસ્પરને અસર કરે છે, પ્રભાવિત કરે છે. સ્વામીજીએ કહેલું કે તમે જ્યારે એક પથ્થર ફેંકો છો ત્યારે આકાશમાં રહેલ તારાઓને પણ તેની અસર થાય છે! વ્યકિતનું કર્મ સમગ્ર સમષ્ટિને પ્રભાવિત કરે છે. તો આવું સંકુલ છતાં વિરાટ છે આપણું જીવન. અને આ સમજદારીથી જીવવું એ ધર્મ. એટલે સ્વામીજીએ પોતાનો જીવન આદર્શ આ શબ્દોમાં સમજાવેલો : ‘માનવજાતમાં રહેલી દિવ્યતાને, તેમના જીવનના પ્રત્યેક કર્મમાં વ્યકત કરવી, તે મારો ઉપદેશ છે.’

એટલે સ્વામીજી સમજને, બુદ્ધિને, વૈજ્ઞાનિકતાને ખૂબ મહત્ત્વ આપતા. ઠાકુર તો કહેતા : ‘જેણે કેવળ દૂધ શબ્દ સાંભળ્યો છે તે જ્ઞાની, અને જેણે દૂધ ચાખ્યંુ તે વિજ્ઞાની!’ સ્વામીજીએ કહેલું :‘જો બધું માની જ લેવાનું હોય તો આપણને બુદ્ધિ શા માટે આપવામાં આવી છે? બુદ્ધિ વિરુદ્ધનું કંઇ માનવું તે શું ઇશ્વરની ભયંકર નિંદા નથી?’

યુવાનોએ ઉચ્ચ પ્રકારનું જીવન જીવવું તેમ સ્વામીજી કહેતા. ‘ઈંદ્રિયોની ગુલામીમાંથી જ જગતનું સઘળું દુ :ખ પેદા થયું છે. નિરંકુશ અને દોરવણી વિનાનું મન આપણને હમેશાં નીચે ને નીચે, ઘણે નીચે ખેંચ્યા કરશે, જ્યારે સંયમિત અને સન્માર્ગે દોરવાયેલું મન આપણને બચાવશે, મુકત કરશે.’ મુકિત એટલે મનની આ ગુલામીમાંથી છૂટવું. સ્વામીજીએ કહેલું : ‘મુકત બનો, કોઇ પણ વ્યકિત પાસેથી કશી અપેક્ષા રાખો નહીં.’

આ દેશનું અધ્યાત્મ કે આ દેશનો ધર્મ એ વૃદ્ધોના સમય પસારનું સાધન- માધ્યમ નથી. માણસ કેવળ શરીર અને મન નથી પણ ચૈતન્યશીલ છે, આત્મતત્ત્વ સંપન્ન છે, તેનો અનુભવ કરીને જીવવાનું છે. અને તે સાહસ કે જોમ વિના કેમ થઇ શકે? એટલે સ્વામીજીએ બળના, નિર્ભયતાના ઉપાસક બનવાનું ઉપદેશ્યું.

અને આ જીવનધર્મ આચરવા માટે, જીવનમાં વિજયશ્રીની મણિમાળ ધારણ કરવા માટે સ્વામીજી યુવાનોને આહ્વાન કરે છે : ‘એક ભાવના લો. એ ભાવનાને તમારંુ જીવન બનાવો. તેનો વિચાર કરો, તેનાં સ્વપ્ન સેવો, એને આધારે જ જીવો. મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, તમારા શરીરના દરેક ભાગને એ ભાવનાથી ભરી દો, રંગી દો અને બીજી બધી ભાવનાને એક બાજુ રાખો. આ જ વિજયનો માર્ગ છે.’

ધર્મ એટલે સેવા અને ત્યાગ

ધર્મના કેન્દ્રમાં જીવન છે, માનવ છે. વાસ્તવિક જીવન છે. ધર્મ આ જીવન માટે છે. એટલે ધર્મ એ જીવનકેન્દ્રી, માનવતાકેન્દ્રી હોય. જીવનનો સાદો અર્થ છે : આપણે શરીર, મન, બુદ્ધિ, અહંકારાદિ પ્રવૃત્તિથી ઉપર ઊઠવાનું છે અને શુદ્ધ, બુદ્ધ મનુષ્ય બનવાનું છે. સ્વામીજી કહે છે કે આ આપણે કરી શકીએ છીએ. આજે બાહ્ય વિકાસ ગતિભેર થઇ રહ્યો છે પણ આંતરિક વિકાસ વીસરાયો છે. અંતરના વિકાસને પણ અસીમ અવકાશ છે. આજે યુવાની નશા-વ્યસન, હિંસા-ઉત્પાત, ઈંદ્રિયજન્ય સુખોની પાછળ વ્યતીત થાય છે અને રાજકીય પક્ષો યા આતંકવાદી સંગઠનો તેનો ખોટો લાભ ઊઠાવે છે. તેમના માટે તો આ યુવાનો એક ‘રાૅ મટિરિયલ’ માત્ર છે ! એટલે સ્વામીજી યુવાનોને લલકારે છે : ‘મનુષ્ય બનો!’ મનુષ્ય બનવું એટલે માનવતાને ખીલવવી, અંદરના આત્મતત્ત્વને પૂછવું અને તેની દોરવણી મુજબ જીવવું. ફૂલને કહેવું નથી પડતું કે તું ફૂલ બનજે, ગાયને કહેવું નથી પડતું કે તું ગાય જ બનજે, પણ મનુષ્યને કહેવું પડે છે કે તું મનુષ્ય બનજે! માનવ બનજે! જાતિ- પાંતિના ભેદથી, વર્ણ- ધર્મના ભેદથી ઉપર ઊઠવાનું છે. પરસ્પર સન્માનમાં જ આત્મ સન્માન છે. સહયોગમાં જ વિકાસ- ઉન્નતિ છે. સ્વામીજીએ કહેલું : ‘ભારતવર્ષના રાષ્ટ્રીય આદર્શાે છે ત્યાગ અને સેવા. આ આદર્શાેમાં દૃઢીભૂત થશો, તો બાકીનું બધું આપોઆપ થઈ રહેશે.’ મનુષ્ય બનવું, ધર્મ જીવવો એટલે જીવનમાં ત્યાગ અને સેવાના આદર્શાે ઉતારવા, દરિદ્રનારાયણનાં આંસુ લૂછવાં, તેથી અહંકાર ન વધે, આસકિત ન આવે તેટલી જાગૃતિ રાખવી.

આવો ધર્મ આચરવા માટે, માનવ બનવા માટે – બળવાન, હિંમતવાન અને શ્રદ્ધાવાન બનવું પડશે. સ્વામીજી યુવાનોને જગાડવા શંખધ્વનિ ફંૂકે છે : ‘મારા નવયુવાન મિત્રો! બળવાન બનો. ગીતાના અભ્યાસ કરતાં ફૂટ-બાૅલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો!’ તેઓ કહે છે : ‘બળ એટલે જીવન, નિર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત- અમર જીવન. નિર્બળતા એટલે સતત તાણ અને યાતના. નિર્બળતા એટલે જીવનનો ક્ષય.’ સેવા કરનારે નિર્બળતાનો ત્યાગ કરવો જ રહ્યો. નિર્ભય વ્યકિત જ ત્યાગી- સેવક બની શકે. આ નિર્ભયતા અને બળ પ્રત્યેક વ્યકિતમાં છે જ. સ્વામીજી ઉદ્બોધે છે : ‘‘નિર્ભયતા રાખવાના ઉપાય એ નથી કે નિર્બળતાનું ચિંતન કરવું. એનો ઉપાય તો એ છે કે બળનું ચિંતન કરવું. વ્યકિતઓમાં જે બળ પ્રથમથી જ રહેલું છે, તેનું તેમને ભાન કરાવવું’

મહત્ત્વની વાત સ્વામીજી કહે છે : આપણે પ્રથમ મનુષ્ય બનવાનું છે. મનુષ્ય બનવું એટલે માનવતાના પાયા પર જીવન ચણવું. માનવતા એ સેવામાં છે અને આ સેવા તે ‘શિવજ્ઞાને જીવસેવા.’ મનુષ્યમાં આ શકિત રહેલી જ છે, તેનું તેને ભાન કરાવવાનું છે. આ ભાન કરાવવું તે મોટો ધર્મ. આ ધર્મનું આચરણ એ જ આપણું જીવતર. એ જ ખરું જીવતરનું રળતર કે મળતર.

જીવન જીવતાં, સેવાકાર્યો કરતાં નિરાશા આવે. સ્વામીજી આપણી સાથે છે. યુવાનો માટે સ્વામીજી અમૃતખજાનો, હિંમત વધારનાર, દિશા ચીંધનાર પ્રેરણાસ્રોત છે. તેઓ કહે છે : ‘નિરાશ થશો નહીં, માર્ગ ઘણો કઠિન છે- અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેવો કઠિન છે. આમ છતાં હિંમત હારશો નહીં. ઊઠો, જાગો અને ધ્યેય સિદ્ધ કરો.’ તેમનો સંદેશ છે : ‘આપણને અપાર શકિત, અનંત ઉત્સાહ, અસીમ હિંમત અને અખૂટ ધૈર્યની જરૂર છે.’ એક અન્ય સ્થળે તેઓ કહે છે : ‘જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દૃઢ ઇચ્છાશકિત હોવાં જોઇએ. જરૂર છે- મર્દાેની, સાચા મર્દાેની. બીજું બધું તો થઇ રહેશે. પણ ખરેખર તો બળવાન, દૃઢ, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઊભરાતા નવયુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો આવી મળે, તો આ જગતની સુરત પલટી શકાય.’

જીવન જીવવાનું છે, જીવવું જ જોઇએ અને યુવાનોમાં તો નિરાશા કે નકારાત્મકતા બિલકુલ ન હોવાં જોઇએ. પણ ખરું જીવન શું અને કેમ જીવવું તેનો નકશો આપણે બનાવવાનો છે. બીજાને સુખ આપવામાં ખરું સુખ છે. આજે ટી.વી., છાપાં આદિએ નિરાશ લોકોની અને નકારાત્મક વિચારતા લોકોની વિરાટ દુનિયા ખડી કરી છે. યુવાનો ટી.વી. કે સિનેમાના પરદા પર દેખાતા ચહેરા સાથે પોતાની સરખામણી કરે છે, જે વાસ્તવિકતા નથી. સ્વામીજી આશા બંધાવે છે : ‘મારાં બહાદુર બાળકો, મહાન કાર્ય કરવાને તમે સર્જાયાં છો એવી શ્રદ્ધા રાખો.’ અને કહે છે : ‘કૂતરાં ભસ ભસ કરે તેથી બીતા નહીં, ટટ્ટાર ખડા રહો અને કામ કરો.’ કારણ કે ‘‘નિરાશા એ બીજું ગમે તે હોય, પણ ધર્મ નથી.’’ માનવની આંતરિક શકિતઓ અમર્યાદિત છે. તેને ખોળવાની અને ખીલવવાની છે. સ્વામીજી કહે છે : ‘કદાપિ ‘નકાર’ ભણશો નહીં. ‘આ મારાથી થઈ શકશે નહીં,’ એવું કહેશો નહીં. કારણ કે તમારામાં અનંત શકિત ભરી પડી છે…તમે ઇચ્છો તે કરી શકો છો, તમે સર્વ શકિતમાન છો.’ એક જગ્યાએ તેમણે કહેલું : ‘તમે જેવા વિચાર કરશો, તેવા થશો. જો તમે તમારી જાતને નિર્બળ ધારશોે, તો તમે એવા બની જશો, અને જો તમે તમારી જાતને સમર્થ માનશો, તો તમે સમર્થ બની જશો.’ સ્વામીજી પોકારીને કહે છે : ‘તમે તો ઈશ્વરનાં સંતાન છો, અક્ષય સુખના ભાગીદાર છો. તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે.’ રણટંકાર કરે છે : ‘અરે ઓ સિંહો! ઊભા થાઓ, અને અમે ‘ઘેટાં’ છીએ એવા ભ્રમને ખંખેરી નાખો. તમે અમર આત્માઓ છો, મુકત છો, ધન્ય છો, નિત્ય છો. તમે જડપદાર્થ નથી. શરીર નથી, જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.’’ એટલે તેઓ ફરી ફરી કહેતા : ‘મને યુવાન પેઢીમાં શ્રદ્ધા છે. મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવવાના છે. સિંહોની માફક તેઓ સમગ્ર પ્રશ્નનું નિરાકરણ કરશે.’ અને પ્રશ્નોનું નિરાકરણ ત્યાગ અને સેવા વિના સંભવિત નથી.

જીવન એટલે જવાબદારી અને સ્વીકાર

જીવન એટલે પ્રગતિ, વિકાસ. સ્વામીજીનો સંદેશ છે કે : ‘હમેશાં વિકસતા રહેવું એનું નામ જીવન. સંકુચિતતા એટલે મૃત્યુ.’ અને વિકાસ એટલે?’ તમારે તમારો વિકાસ અંદરથી સાધવાનો છે. તમને કોઇ બીજું કશું શીખવી ન શકે, આધ્યાત્મિક બનાવી ન શકે. તમારા પોતાના આત્મા સિવાય અન્ય કોઈ તમારો ગુરુ નથી’ આત્મવિકાસ એ જ ખરો વિકાસ.

જીવન એટલે જવાબદારી, સમજદારીભરી જિમ્મેદારી. આ માનવદેહ મળવો એ દુર્લભ છે, અપૂર્વ અવસર છે, તેને વેડફી નાખવો ન પાલવે. જવાબદારીથી જીવવામાં જ તેનું સાર્થકય છે. સ્વામીજીએ યુવાનોને સંદેશ આપેલો : ‘ઊભા થાઓ, હિંમત ધરો, મજબૂત બનો, તમારા પર પૂરેપૂરી જવાબદારી લો અને તમારા ભાગ્યના સ્રષ્ટા તમે જ છો એમ જાણો. તમને જરૂરી હોય તેવી બધી શકિત, બધી સહાય તમારી અંદર જ છે, તેથી તમારું ભવિષ્ય જાતે જ સરજો.’

સ્વામીજીનું દૃષ્ટાંત આપણી સામે જ છે. ‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’ એવી આગાહી તેમણે કરેલી અને તે મુજબ થયું. પણ આ થોડાં વર્ષોમાં કેવું તો વિરાટ કાર્ય તેમણે કરી બતાવ્યું! જીવન વર્ષોથી નહીં, પણ આપણે કરેલાં કાર્યોથી મપાય છે. આપણને જીવનનો જે પણ કાળ મળ્યો છે, તેમાં ઘણું કરી શકીએ તેમ છીએ. સ્વામીજી જ કહે છે : ‘આત્મા માટે અમુક વિચાર અશકય છે એવો વિચાર કદાપિ કરશો નહીં. એવો વિચાર કરવો એ મોટામાં મોટું પાખંડ છે. જો જગતમાં ક્યાંય પાપ હોય તો તે હું નિર્બળ છું એવું કહેવામાં છે.’ અને ‘જગતનો ઈતિહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રદ્ધા હતી એવા મનુષ્યોનો ઈતિહાસ, એવી શ્રદ્ધા મનુષ્યની અંદર રહેલી દિવ્યતા પ્રગટ કરે છે.’ વિફળતાથી ડરવાનું નથી.

આજે દેશને જવાબદાર અને હિંમતવાન નાગરિકો, નેતાઓ, અમલદારો, ધર્મગુરુઓ, સંન્યાસીઓ, માતા-પિતાઓ, વ્યવસાયકર્મીઓની જરૂર છે. મનુષ્ય પોતાની પાસે જે આવડત છે, શકિત છે તેને સમાજ માટે, પરાર્થે સમર્પિત કરે તે જરૂરી છે. દેશ અને દુનિયાની આજની સ્થિતિ સુધારવા જવાબદાર યુવાનો ઘણું કરી શકે છે, યુવાનોએ જવાબદારીથી, પરિશ્રમથી ભાગવાનું નથી. પરિશ્રમ- મહેનત વિના કંઇ ન મળે અને પરિશ્રમ વિના જે મળે તે આપણું ભલું ન કરે. ‘આપણે જેવા છીએ એને માટે આપણે જ જવાબદાર છીએ.’ જવાબદાર વ્યકિત સલામતી નહીં શોધે, પણ સાહસ કરશે. અંદરની શ્રદ્ધાથી તે કર્મ કરતો રહેશે. યુવાનોને સ્વામીજી સમજાવે છે : ‘તમારી સમક્ષ આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય પડેલું છે. વસ્તુમાત્રની મજાક ઊડાડવાનો અને જીવનને અગંભીર દૃૃષ્ટિથી જોવાનો જે ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે, તેનો ત્યાગ કરો.’ ખરો નાગરિક પ્રતિક્રિયા નહીં કરે, પણ સમભાવપૂર્વક પ્રતિભાવ આપશે. વ્યથિત થયા વિના સમજણભર્યો વિકાસ કરશે.

આપણું ભાવિ આપણા હાથમાં છે. યુવાન હોવું એટલે એક ઉજ્જવળ ભાવિ માટે વર્તમાનમાં બી રોપવાં. યુવાન હોવું એટલે આત્મશ્રદ્ધાવાન હોવું, ત્યાગ કરવા તૈયાર રહેવું. યુવાન હોવું એટલે નકારાત્મક વિચાર ત્યજવો, કોઇ પણ વસ્તુ સુધારી શકાય તેમ નથી એવા વિચારનો ત્યાગ કરવો. ઘડપણ એ ઉંમરનો વધારો નથી, પણ વિકાસની પ્રક્રિયા અટકી જવી તે છે. ઊંચા આદર્શાે અને તે મેળવવા સતત કર્મ કરતા રહેવું અને દૃૃઢ નિશ્ચયી બનવું તે કદિ ભૂલાવું ન જોઈએ એ જ યુવાનનાં ભૂષણ છે. અબ્રાહમ લિંકને કહેલું તે યાદ આવે છે : ‘ઈશ્વર આપણે પક્ષે છે કે કેમ તે જ જોવાનું છે.’નિરંતર જાગૃતિ અને સ્વસુધારણાથી આપણે ઈશ્વરને પક્ષે રહી શકીએ છીએ. સ્વામીજી કહે છે : ‘આપણો પ્રત્યેક વિચાર અને આપણું પ્રત્યેક કર્મ અમુક સમય પછી સૂક્ષ્મ બની જાય છે. અર્થાત્ તે બીજનું રૂપ ધારણ કરે છે અને સૂક્ષ્મ શરીરમાં તે સુપ્તાવસ્થામાં રહે છે…અને આ રીતે એ પોતાના જીવનનું ઘડતર કરે છે. મનુષ્ય પોતે જે નિયમો પોતાના માટે ઘડે છે, તે સિવાયના બીજા કોઇ નિયમો તેને બાંધતા નથી.’ સ્વામીજીનો સંદેશ છે : ‘તમારું ભાવિ તમે પોતે જ ઘડૉ. ગઇ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. તમારી સમક્ષ અનંત ભાવિ પડેલું છે. હમેશાં યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો છો, જે દરેક વિચાર તમે સેવો છો અને જે દરેક કાર્ય તમે કરો છો, તે તમારા માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે.’

તો, એક જવાબદાર નાગરિકનું નિર્માણ અનિવાર્ય છે. સ્વામીજી ભાગ્ય, જ્યોતિષ, કૃપાની વાતને વધું મહત્વ ન આપતા. આત્મશ્રદ્ધાથી આગળ વધવાનો તેમનો સંદેશ હતો. ‘એક વિચારને પકડી લો, તેની જ ઉપાસના કરો, ધીરજપૂર્વક તમારા પુરુષાર્થમાં આગળ વધો એટલે તમારે માટે સૂર્યોદય થશે જ.’ સ્વામીજીને વિધેયાત્મક વિચાર પર ખૂબ શ્રદ્ધા હતી. ‘સારા તેમજ નરસા વિચારો એ પ્રબળ શકિત છે, અને એ બંને પ્રકારના વિચારો જગતમાં વ્યાપી રહેલા છે.’ પણ એ વિચારો કાર્યમાં પરિણત થવા જોઈએ તેમ સ્વામીજી કહે છે : ‘આંદોલનની જેમ વિચાર પણ જ્યાં સુધી કાર્યમાં પરિણત ન થાય ત્યાં સુધી વિચારના રૂપમાં જ રહે છે…સારા નરસા વિચારોના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર અને સદ્વિચારોનું સાધન બનાવીશું તો એ સદ્વિચારો આપણામાં પ્રવેશ કરશે.’ માણસ જેવો વિચાર કરે છે, તેવો થાય છે. એક ભજનમાં છે :

જેવા વિચાર કરશો, તેવા તમે થવાના,
સેવો વિચાર નિર્મલ, નિર્મલ તમે થવાના.

તો નવયુવકોને સ્વામીજીનો સંદેશ છે : (૧) આત્મશ્રદ્ધાવાન બનો (ર) તમે જ તમારા ભાગ્યના સ્રષ્ટા છો. (૩) બહારની કોઈ વસ્તુને ભાંડશો નહીં (૪) બીજા કોઈ માણસ કે પરિસ્થિતિ પર દોષનો ટોપલો ન ઓઢાડો (પ) બળવાન બનો અને પરિશ્રમ કરો (૬) ફરિયાદો કરવાની છોડો અને ચારિત્ર્યશીલ બની ઉચ્ચતર કાર્ય કરો (૭) નકલ ન કરો, સ્વસંશોધન કરો અને સાહસિક બનો. આત્મવિકાસને પંથે ચાલનાર માટે તો કવિ ઉમાશંકર જોષી કહે છે તેમ :

જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ,
બની રહો તે જ સમાધિયોગ!

Total Views: 103
By Published On: December 1, 2012Categories: Rameshbhai Sanghvi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram