શ્રીરામકૃષ્ણ – બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.
‘મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી, તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે, ‘મારો રામ’ ‘મારો હરિ’ એમ કહીને બોલાવે; પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી.’
‘કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે ? કાંઠા પર, જ્યાં તેનાં ઇંડાં પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.’
‘ઈશ્વરભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલાવો તો ઊલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન હેરાન થઈ જાઓ; અને સંસારના વિષયોનું ચિંતન જેમ જેમ વધુ કરો તેમ તેમ આસક્તિ વધે.’
‘હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.’
‘પણ આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાંત હોવું જોઈએ. માખણ કાઢવું હોય તો એકાંતમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ. ત્યાર પછી એકાંતમાં બેસી, બધાં કામ છોડી, દહીંને વલોવવું જોઈએ; તો જ માખણ નીકળે.’
‘વળી જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વર ચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે. પણ સંસારમાં તેને પડ્યું રાખવાથી તે નીચે ઊતરી જાય. સંસારમાં કેવળ કામિની – કાંચનના જ વિચાર આવે.’
‘સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસાર જળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી ન જાય, તર્યા કરે.’
‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ – કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે ? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા, એટલું જ; એથી ભગવાન ન મળે. એટલે રૂપિયા જીવનનું ધ્યેય થઈ શકે નહિ. આનું નામ વિચાર. વિચાર સમજો છો ?’
માસ્ટર – જી, હા. મેં હમણાં ‘પ્રબોધચંદ્રોદય’ નાટક વાંચ્યું છે. તેમાં છે ‘વસ્તુ વિચાર.’
શ્રીરામકૃષ્ણ – હા, વસ્તુ વિચાર. જુઓ, રૂપિયામાંય શું છે અને સુંદર શરીરમાંયે શું છે ? વિચાર કરો કે સુંદર સ્ત્રીના શરીરમાંય માત્ર હાડકાં, માંસ, ચરબી, મળમૂત્ર એ બધું છે. ઈશ્વરને છોડીને માણસ એ બધી વસ્તુઓમાં કેમ મન પરોવે છે ? કેમ ઈશ્વરને ભૂલી જાય છે ? -શ્રીરામકૃષ્ણ કથામૃત ભા-૧, પૃ.૨૨-૨૩
Your Content Goes Here



