રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને દિલ્હી કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્ર. સ્વામી બુધાનંદજીએ ૧૯૮૨માં રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રમાં અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનમાળાનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ક્રોધનું માઠું પરિણામ

ભૂમિકા : કેટલાક વિરલ અપવાદોને છોડી દઈએ તો આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્રોધ નામની ઉત્તેજના અને તેની તીવ્રતા અને તાપનો તેમજ તેને લીધે જન્મતાં ઉન્માદ અને ઉર્જાનો ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે. આપણામાંથી કેટલાક તો આવા ક્રોધને કારણે થનારા ત્રાસનો સ્થાયી શિકાર પણ બન્યા છીએ.

ક્રોધનો અનુભવ કરનાર બધા લોકો આ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એટલું જ નહીં પરંતુ મોટા ભાગના લોકો તો પોતાના ક્રોધ વિશે યુક્તિ-પ્રયુક્તિઓ બતાવ્યે રાખે છે. આવા લોકો પોતે બીજા લોકોમાં એની ઉપસ્થિતિને ન્યાય સંગત ઠરાવવા કેટલી હદ સુધી જઈ શકે છે- જાણે કે આખા જગતનું કલ્યાણ એના ક્રોધ પર જ આધારિત ન હોય. આજકાલ ‘ક્રોધિત પેઢી’ના સમર્થનમાં એમનો અવાજ સંભળાય એ સાથે એને રજૂ કરવાની પણ જાણે કે એક ફેશન થઈ ગઈ છે. જે ક્રોધ વ્યક્તિગતરૂપે વિધ્વંસક ગણાય છે તે જ ક્રોધ જો સામુદાયિકરૂપ ધારણ કરી લે તો પ્રશંસનીય બની જાય છે. વસ્તુત : ક્રોધ એક આધુનિક સામાજિક દૃષ્ટિકોણ, એક રાજનૈતિક હથિયાર અને વસ્તુસ્થિતિને બદલવાનું એક સામુહિક બહાનું કોઈ એક ગેરપરંપરાગત સ્વાર્થને સિદ્ધ કરવાનું ઉપયોગી સાધન બની ગયો છે. સમાજના વંચિત અને પીડિત અને વિશેષ કરીને એમના નેતાઓ, મજૂર સંગઠનો, છાત્રસંઘો વગેરે જાણી, સમજીને ક્રોધના નારાને પોતાની રણનીતિ અને લાભ મેળવવા માટેની સોદાબાજીનો મૂળમંત્ર બનાવી લે છે. ‘આટલું આટલું કરો નહીં તો એનું ફળ ભોગવવું પડશે.’ અને એવા નારા લગાવવા મંડી જાય છે. લોકો માને છે કે જાણે એનાથી પોતાનું કામ થઈ જશે.

કેટલાક લોકો ક્રોધને એક પ્રકારનો પુરુષોચિત ગુણ પણ માને છે. અસામાજિક તત્ત્વોની વચ્ચે ‘દાદાના રૂપે’ સ્વીકૃત થવા નેતાગીરીનો બિલ્લો પણ ધારણ કરી લે છે. અપરાધીઓના ગોપનીય જગતમાં ફ્રિજમાં સંરક્ષિત ક્રોધને સન્માનસૂચક માનવામાં આવે છે. વ્યક્તિ એ ક્રોધને પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે ફ્રિજના આઈસબોક્સમાંથી કાઢીને પોતાના ઉદ્દેશના સ્ટવ પર એને તપાવી લે છે.

એનાં નાકનાં ટેરવાં ફડકવા માંડે છે,

એના હોઠ સંકોચાતા જાય છે,

એના ગાલો પર લાલીમા છવાઈ જાય છે,

એનાં ભવાં વાંકાંચૂકાં વળી જાય છે,

એની છાતી ફૂલે છે અને સંકોચાય છે,

જાણે કે લુહારની ધમણ ન ચાલતી હોય!

એનું હૃદય ધધકવા લાગે છે અને,

એનો એક ધંૂબો કોઈને પણ પકડીને તેને,

એની મજા ચખાડવા સર્વદા તત્પર રહે છે.

આ શબ્દોમાં ક્રોધનું સુંદર રીતે વર્ણન કર્યું છે. સંક્ષેપમાં એનું જીવનદર્શન આ શબ્દોમાં નિરૂપિત કરી શકાય, ‘ક્રોધ બધાયને હથિયાર હાથમાં સોપી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોહીતરસ્યો બની જાય છે. ત્યારે કોઈ પણ ચીજવસ્તુ એને ભાલાનું કામ આપી દે છે.’

વિજ્ઞાપનો, વર્તમાનપત્રો, જાહેરપ્રચારપ્રસારના ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં આપણે ક્રોધ એવં હિંસાનું વિશદરૂપે ચિત્રણ જોઈએ છીએ. એનો પ્રભાવ જનતા માટે ખરેખર હાનિકારક છે. આમછતાં પણ ‘ક્રોધ’રૂપી વસ્તુના જાહેરમાં નિરૂપણ કે બજારીકરણનો ભાગ્યે જ કોઈ વિરોધ કરે છે એટલે જ, ક્રોધરૂપી તત્ત્વ પર વિજય મેળવવા માટે રણનીતિ બનાવતાં પહેલાં એના સામાજિક તથા વ્યક્તિગત પક્ષ પર વિચાર કરી લેવો જરૂરી છે.

ક્રોધ અને તેનું પરિણામ

ચાલો હવે આપણે ક્રોધની કેટલીક વ્યાખ્યાઓ પર વિચાર કરીએ. ‘ક્રોધ એક ક્ષણિક ગાંડપણ છે.’ એક બીજી પરિભાષા છે, ‘ક્રોધ એક એવું દર્પણ છે કે જેમાં તમે પોતે પોતાનો ચહેરો જોવાનું સાહસ ન કરી શકો.’ ઓક્સ્ફર્ડના શબ્દકોશમાં ક્રોધને એક્સ્ટ્રિમ પ્લેજર-ચરમ નારાજગી એ રૂપે વર્ણવ્યો છે. સ્વામી તુરીયાનંદ ઈચ્છાઓના ઘનીભૂત રૂપને ક્રોધ કહે છે.

જો કે ક્રોધની સટીક વ્યાખ્યા કરવી કઠિન છે, છતાં પણ એ એટલો સર્વવ્યાપી છે કે લગભગ બધા લોકો જાણે છે કે ક્રોધ એટલે શું? આપણને ઘરમાં, રસ્તા પર, કચેરીઓમાં, સામાજિક અનુષ્ઠાનોમાં, ચૂંટણીના બૂથ પર, વિધાનસભા-લોકસભામાં, ખેલના મેદાનોમાં, આંતરરાષ્ટ્રિય સંમેલનોમાં, વધારે માત્રામાં પોતાની ભીતર આ ક્રોધનો ભેટો થાય છે.

મોટા ભાગની બાબતોમાં ક્રોધ બીજાના કરતાં પોતાને જ વધારે નુકસાન પહોંચાડે છે. વ્યક્તિના પોતાના જ સ્વભાવમાંથી ઉત્પન્ન થવાના કારણે ક્રોધ એક સ્વાભાવિક અને સબળ ભાવ છે અને એની અત્યંત વિધ્વંસાત્મક સંભાવનાઓ છે. પ્રત્યેક વ્યક્તિના સ્વભાવમાં રજોગુણનું મિશ્રણ હોવાના કારણે દરેક વ્યક્તિમાં આ ક્રોધ ગુપ્ત રહે છે, જેમ દરેક લાકડાના ટુકડામાં અગ્નિ હોય છે તેમ. બધા લોકો ક્યારેક ને ક્યારેક સામાન્ય કે પ્રબળરૂપે ક્રોધના આવેશમાં આવી જાય છે. ક્રોધ સંક્રામક પણ છે. ક્રોધના અગ્નિભર્યા શબ્દો બીજામાં પણ ક્રોધ ઉપજાવી શકે. આ પ્રબળ ઉત્તેજનાની આગ હોલવવા માટે કોમળ અને વિનમ્રતાભર્યા શબ્દોના જળના ફુવારાની આવશ્યકતા છે.

ક્રોધનાં માઠાં પરિણામ અનેક છે. પહેલી વાત તો એ છે કે ક્રોધી વ્યક્તિ પોતાના જીવનમાં શીખેલા વિવેકના બોધપાઠને ભૂલી જાય છે. ત્યાર પછી તે પોતાના વિચારો અને ભાવો પર પણ નિયંત્રણ ગુમાવી બેસે છે. તેનો અત્યંત ઉત્તેજિત અહંકાર સક્રિય બની જાય છે અને એનો એ એકમાત્ર માર્ગદર્શક બની રહે છે. એ પોતાની વિવેકશક્તિ અને સંતુલન ગુમાવી દે છે અને આક્રમક બની જાય છે. એ એના પોતાના હિતની વિરુદ્ધનું કાર્ય છે. જ્યારે ક્રોધ વ્યક્તિનો સહજ સ્વભાવ બની જાય ત્યારે તેના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનમાં પણ ઉણપ સર્જાય છે.

એની આંતરિક શાંતિ ક્ષણભરમાં હવામાં ઊડી જાય છે. ક્રોધ મિત્રતા, પરિવાર, વ્યાવસાયિક ભાગીદારીઓ, રોજગારના અવસરોને બરબાદ કરી નાખે છે. સાંપ્રદાયિક તથા જાતિના દંગા, સળગાવી મારવું , યુદ્ધ, આત્મહત્યાઓ અને અપરાધ જેવાં અનેક રૂપ મૂળત : ક્રોધની જ ઉપજ છે.

ક્રોધને પરિણામે એક સુંદર વ્યક્તિ પણ કુરૂપ દેખાય છે. જે વ્યક્તિ પોતાના ક્રોધના આવેગો વિશે પસ્તાવો કરે છે તેણે પોતાની કચેરીના ટેબલની સામે એક અરીસો રાખવો જોઈએ. વારંવાર ક્રોધના આવેગમાં આવનારા કોઈ વ્યક્તિમાં જો હાસપરિહાસની પણ અભિરુચિ થાય તો આ દર્પણ ચિકિત્સા એને માટે ઉપયોગી નીવડશે.

Total Views: 101
By Published On: February 1, 2013Categories: Budhananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram