(ગતાંકથી આગળ)

૧૨. હવે વૃંદાવનના બંસીધારી કૃષ્ણનું ધ્યાન કરવાથી કંઈ નહીં વળે, એનાથી જીવનો ઉદ્ધાર નહીં થાય, અત્યારે જરૂર છે ગીતાના સિંહનાદકારી શ્રીકૃષ્ણની, ધનુર્ધારી શ્રીરામચંદ્રની, મહાવીરની, મા કાલીની પૂજા કરવાની… (વિવેકાનંદના સાંનિધ્યમાંથી)

૧૩. આ અધ :પતનનું મૂળ આપણી સ્વાર્થવૃત્તિ છે. જહાજમાં ચડતા હો ત્યારે બધા એ જુએ છે કે પોતાનો જીવ તો સલામત રહે, સંગીતના આમોદ પ્રમોદના અન્ય કાર્યક્રમોમાં પ્રત્યેક વ્યક્તિ આત્મ પ્રદર્શન કરવાના પ્રયત્નમાં રહે છે. આ બધી આપણી સ્વાર્થપૂર્ણ મનોદશાની અભિવ્યક્તિ છે. આત્મત્યાગ અને સંયમનો અભ્યાસ જ આને દૂર કરી શકે… આત્મત્યાગ જ મૂળત : સભ્યતાની આધારભૂમિ છે…

ત્યાગને ભારતનું પ્રધાન વૈશિષ્ટ્ય દર્શાવવા માટે સંગીત શાસ્ત્રમાંથી રૂપક લે છે. અનેક પ્રકારના મતમતાંતરોના વિભિન્ન સૂરોથી ભારતનું ગગન ગૂંજી રહ્યું છે. એ વાત સાચી છે કે આ સૂરોમાંથી કેટલાક તાલમાં છે અને કેટલાક બેતાલ છે; પરંતુ આટલું તો સ્પષ્ટ સમજાય છે કે એ બધામાં એક પ્રધાન સૂર જાણે કે ભૈરવરાગના સપ્તમ સ્વરે ઊઠીને બીજા સૂરો ને કર્ણગોચર થવા દેતા નથી. અને એ જ પ્રધાન સૂર છે. (વિવેકાનંદના સાંનિધ્યમાંથી)

૧૪. યોગ પર ઉપદેશ આપતી વખતે મનની એકાગ્રતા સમજાવવામાં પણ તેઓ સંગીતનો આશ્રય લે છે :

આપણે સહુ જેને ચાહીએ છીએ તે વસ્તુ પર આપણા મનને એકાગ્ર કરીએ છીએ. જ્યારે આપણે મધુર સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણાં મન તેમાં તલ્લીન થઈ જાય છે. એટલે આપણે તેમને ત્યાંથી ખેંચી લઈ શકતા નથી. જેઓ પોતાનાં મન, જેને શાસ્ત્રીય સંગીત કહેવામાં આવે છે તેના પર એકાગ્ર કરે છે, તેમને હળવું સંગીત ગમતું નથી; આથી ઊલટું જેઓ હળવા સંગીતમાં એકાગ્ર થાય છે, તેમને શાસ્ત્રીય સંગીત ગમતું નથી. જે સંગીતમાં સૂરો ઝડપથી એકબીજાની પાછળ આવે છે, તે તરત જ મનને પકડી રાખે છે. બાળકને મનોહર સંગીત વિશેષ ગમે છે, કારણ કે તેના સૂરોની ઝડપ મનને ભટકવાની તક આપતી જ નથી. જે માણસને હળવું સંગીત ગમે તેને શાસ્ત્રીય સંગીત નથી ગમતું; કેમ કે તે વધુ ગૂંચવણભર્યું હોય છે, તેને સમજવામાં વધુ માત્રામાં એકાગ્રતાની જરૂર પડે છે.

આવી એકાગ્રતાનું મોટું દુ :ખ એ છે કે મનને આપણે અંકુશમાં રાખી શકતા નથી, મન આપણને અંકુશમાં રાખે છે. જાણે કે, આપણી બહારનું કંઈક મનને પોતાના તરફ ખેંચી જાય છે અને પોતાને ઠીક લાગે ત્યાં સુધી મનને પકડી રાખે છે. આપણે મધુર સૂરો સાંભળીએ કે કોઈ સુંદર ચિત્ર જોઈએ તો મન તેમાં ચોંટી રહે છે; આપણે તેને ખેંચી લઈ શકતા નથી. (રાજયોગ)

૧૫. બધાં કાવ્યો, ચિત્રકળા અને સંગીત શબ્દરંગ અને ધ્વનિના માધ્યમ દ્વારા ભાવનાની જ અભિવ્યક્તિ છે. (ગ્રં.મા.માંથી)

૧૬. તૂર્ક જાતિની સ્વભાવગત રણકુશળતા, ઉદારતા, વગેરે ગુણ હંગેરિયનમાં પણ ખૂબ જોવા મળે છે. સાથે ને સાથે મુસલમાન ન હોવાના કારણે સંગીત વગેરે દેવદુર્લભ શિલ્પને શેતાનની કલા ન સમજવાને લીધે સંગીતકલામાં હંગેરિયન લોકો અત્યંત પટુ તથા યુરોપભરમાં પ્રસિદ્ધ છે. (યુરોપનાં સંસ્મરણોમાંથી- ગ્રં.મા.)

૧૭. સમગ્ર સંગીતની ભીતર ‘સોઽહં સોઽહં’ આ એક જ સ્વર બજતો રહે છે. બીજા બધા સ્વર તેનાં વિભિન્ન રૂપ માત્ર છે. એટલે એ એનાથી મૂળ સ્વરમાં-મૂળ તત્ત્વમાં કોઈ ભેદ પડતો નથી. (ગ્રં.મા.માંથી)

૧૮. ભારતરાષ્ટ્ર ક્યારેય બળવાન, બીજાને પરાજિત કરનારું રાષ્ટ્ર નહીં બને, ક્યારેય નહીં… રાષ્ટ્રોની સંગીત સંગતિમાં ભારત આ પ્રકારનો (રાજનૈતિક) સ્વર ક્યારેય ન બજાવી શકે. તો પછી આખરે ભારતનો સ્વર કયો હશે? એ સ્વર હશે ઈશ્વર, અને કેવળ ઈશ્વરનો જ. (મારું જીવન અને ધ્યેય-ગ્રં.મા. માંથી)

૧૯. ભાષા એ વિચારોનું વાહન છે. સૌથી અગત્યના છે વિચારો; ભાષા તો પછી આવે… તમને તરત જ જણાઈ આવશે કે માણસ જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી તે જીવંત ભાષામાં જ બોલે છે; જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે મૃત ભાષામાં બોલે છે. મૃત્યુ જેમ જેમ નજીક આવતું જાય તેમ તેમ મૌલિક વિચારની શક્તિ વધુ ક્ષીણ થતી જાય છે; પછી એકાદ બે સડેલા વિચારોને પુષ્પો અને હારના ઢગ તળે ઢાંકી દેવાનો પ્રયત્ન વધતો જાય છે. ઓ ભગવાન! લોકો પણ કેવું પ્રદર્શન કરે છે! મોટાં મોટાં વિશેષણોથી દશ પાનાં ભર્યા પછી એકાએક ‘‘એક હતો રાજા’ ટપકી પડે છે! ઉપજાવી કાઢેલાં વિશેષણો, રાક્ષસી કદના સમાસો અને ચતુરાઈભર્યા શ્લેષોનો કેવો જબરો ઠઠારો! એ બધાં મૃત્યુનાં ચિહ્નો છે. જ્યારે દેશ સડવા લાગ્યો ત્યારે આ બધાં ચિહ્નો બહાર તરી આવ્યાં. ફક્ત ભાષાની બાબતમાં જ આમ થયું એવું નથી; કલાઓના તમામ વિભાગોમાં એ દેખાવા લાગ્યું….

અને સંગીતમાં ? એ ગાયન હતું, રુદન હતું કે ઝઘડો હતો, એ કોઈ જાણી શકે તેવું જ નહોતું. નાટયકલાના આદિ સ્રષ્ટા ખુદ ભરતમુનિ પણ તે સમજી ન શકે! અને એ સંગીતમાં પણ કેટલી બધી આંટીઘૂંટી! માણસના તમામ જ્ઞાનતંતુઓને થકવી નાખનાર તાનપલટાઓની ભુલભુલામણી પણ કેટલી! ઉપરાંત મુસલમાન ગવૈયાઓના અનુકરણમાં દાંત દબાવીને નાકમાંથી આ સંગીત કાઢવામાં આવતું. વર્તમાનકાળે આમાં સુધારો કરવાના પ્રયત્નો થાય છે. લોકો હવે ધીરે ધીરે સમજતા થશે કે જે ભાષા, કલા અગર સંગીત કંઈ અર્થ વ્યક્ત ન કરે અને નિર્જીવ હોય, તે તો જરાય સારું નથી. હવે તેઓ સમજશે કે રાષ્ટ્રીયજીવનમાં જેટલું વધારે બળ રેડો તેટલા જ પ્રમાણમાં ભાષા, કલા, સંગીત વગેરે બધાં, વિચારો અને જીવનથી સમૃદ્ધ તથા સહજ સંસ્કારરસમાં થઈ ઊઠશે. રોજબરોજના વ્યવહારના માત્ર બે જ શબ્દો જેટલા વિશાળ અર્થનું સૂચન કરશે, તેને તમે બે હજાર જેટલાં વિશેષણોમાં શોધવા જશો તો પણ નિરર્થક નીવડશે.

(‘બંગાળી ભાષા વિશે’ ઉદ્બોધનમાં લખાયેલ લેખમાંથી-ગ્રં.મા. ૬.૧૧૧) (ક્રમશ 🙂

Total Views: 102
By Published On: March 1, 2013Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram