ભારતમાં ઉદ્યોગધંધામાં નવી સાહસિકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણા વેપારીઓ સામાન્યપણે આળસુ અને એશઆરામી હતા. વ્યાજવટાવથી એમને સંતોષ હતો. પણ રાજકીય સ્વાતંત્ર્યે પોતાનાં અગત્યના નવા ભાવને અને પરિશ્રમ માટે નવી શક્તિને જન્મ આપ્યો છે. થોડાક મહિના પહેલાં ‘ઇન્ડિયા ટુડે’ સાપ્તાહિકે ભારતની નવી સાહસિકતા વિશે મોટો લેખ પ્રસિદ્ધ કર્યો હતો. એ લેખ મને પ્રેરણાદાયક જણાયો હતો. એક માણસ પાસે માત્ર એક હજાર રૂપિયા જ છે. એનું એ રોકાણ કરે છે. પરિશ્રમ કરે છે, ધંધો ઊભો કરે છે અને આજે એ મોટો ઉદ્યોગપતિ બને છે; એવા સેંકડો કિસ્સાઓ છે. ભારત આ ઉત્સાહ, આ સાહસિકતા દર્શાવી રહ્યું છે; કિસ્મતના ખ્યાલને તજી દીધો છે; મારા ભાગ્યમાં જ આ દુર્બળતા લખાયેલી છે, આ ફિલસૂફીને જાકારો મળવા લાગ્યો છે. ગીતાની ફિલસૂફી આવી રહી છે; આવા સેંકડો સાહસિકો ગીતાનું અધ્યયન કરશે ત્યારે, તેઓ નવી સાહસિકતા વિકસાવશે અને, તેમાં રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવનાને જોડશે. ‘સખત મહેનત કરીને હું જે કંઈ કમાઉં છું અને રાષ્ટ્રીય સ્રોતોના વિકાસથી જે પ્રાપ્ત કરું છું તે, સમાજના હિત માટે, સૌના લાભ માટે વાપરીશ,’ એમ તેઓ વિચારશે. ઉદ્યોગ-સાહસવીરો પોતાની પ્રચંડ શક્તિ અને સાહસિકતા સાથે ગીતાનો સંદેશ ઝીલશે ત્યારે, એમની ઉપર આ બીજો આશીર્વાદ ઊતરશે. સાહસ સુંદર છે.
હું હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો ત્યારે, મેકોલેના કથનરૂપ એક નાનું પુસ્તક મેં વાંચ્યું હતું; એમાં એના શિક્ષક જોન સ્ટુઅર્ટ મિલનું પણ કથન હતું. એણે લખ્યું છે, ‘સાહસની બાબતમાં તકની આગળ રહેવું સલાહભર્યું છે, અને ભોગવિલાસની બાબતમાં તકની પાછળ રહેવું સારું છે.’ મોજમજા માટે પાછળ રહો; સાહસ માટે આગળ. એ જ સાચી રીત છે. રસોઈ થતી હોય ત્યારે હું ત્યાં છું; ભોજન માટે ઘંટી બજી છે, હું ત્યાં હાજર છું. કેટલાક લોકો ઘંટી બજે ત્યારે જ આવતા હોય છે. રસોઈ કરવા માટે કેટલાક તત્પર છે. એ પેલાના કરતાં ચડિયાતું છે. સાહસની બાબતમાં મોરચો સંભાળો. મોજમજા વખતે પાછળ ચાલ્યા જાઓ. તમારાં બાળકોને આ શીખવો, તો જ આ રાષ્ટ્રનું ચારિત્ર્ય આપણે ઉત્તમ રીતે ખીલવી શકીશું. અત્યારે એ એવું નથી. આપણાં બાળકોને આપણે શીખવીએ છીએ : મોજશોખ અને નફા વખતે આગળ રહો. સાહસ તમારું અંગત હોય તો જરૂર કરો; રાષ્ટ્રનું હોય તો રહેવા દો અને મૂંગા પડયા રહો. આવું શિક્ષણ આપીને આપણે આપણાં બાળકોના ચારિત્ર્યનું નિકંદન કાઢી રહ્યા છીએ. તેથી ચાલો આપણે શિક્ષણને માત્ર નામરૂપે માનવસ્રોત વિકાસ, મૂલ્ય આધારિત શિક્ષણ એવાં નામે આપેલ નવો અભિગમ આ મહાન ગ્રંથમાંથી મેળવીએ. ગીતા આવા વિચારોથી ભરેલી છે. આ સંદેશ સમાજને, આપણાં બાળકોને, આપણા વિદ્યાર્થીઓને આપીએ.
બીજા અધ્યાયના ૩૮મા શ્લોકનું અધ્યયન આપણે કર્યું. એની પહેલાંના અને પછીના શ્લોકો વચ્ચેની એ ભેદરેખા છે. અસરકારક કાર્ય માટે ચિત્તમાં થોડું સ્થૈર્ય આવશ્યક છે. ઉદૃંડતા અસરકારક કાર્યની સાથીદાર બની શકતી નથી. સ્વસ્થ, શાંત અને સ્થિર કાર્ય જ કાયમી પરિણામ લાવી શકે છે. આપણે શીખવાનું એ છે કે, દોડાદોડી અને ઘોંઘાટ કરનારા લોકો કુશળ હોતા નથી. શાંતિથી કાર્ય કરનારા જ કામ કેમ કરવું તે જાણે છે. કાર્ય કેવી રીતે કરવું તે વાત ગીતાના સમગ્ર બોધમાં સૌથી ઉપર તરે છે. કૌશલથી કાર્ય કેવી રીતે કરવું ? આ વિષય મનની કેળવણીનો વિચાર જગાડે છે. મનની સ્થિતિ કેવી છે ? એ થોડું સ્વસ્થ અને શાંત ન હોય તો, કશું મોટું કાર્ય થઈ શકે નહીં. લાગણીનો ઊભરો કાર્ય નથી; સહેજ વારમાં એ ઊડી જાય છે. મનમાં સ્થિરતા સ્થાપવાનો બોધ શ્રીકૃષ્ણ આરંભમાં આપણને આપે છે. એ સ્થાપવાની શક્તિ આપણી પાસે છે જ. એ શક્તિને આપણે કામે લગાડવાની છે. આપણા મનનો પારો ચડઊતર કર્યા કરે છે. એ મનને થોડી સ્થિરતા આપવાની છે, આંતરિક સ્થિરતા.
થોડાં અઠવાડિયાં અગાઉ એક ફ્રેન્ચ શરીરશાસ્ત્રીનું અવતરણ મેં આપ્યું હતું કે, ‘મુક્ત જીવન માટે આંતરિક સ્થૈર્ય આવશ્યક છે.’ એ આંતરિક સ્થૈર્યમાંથી જ માનવ પરિસ્થિતિના પ્રતિભાવની પ્રચંડ શક્તિ જન્મે છે. શોર મચાવે ને રાડો પાડે તે લોકો કુશળ કાર્યકર્તાઓ નથી હોતા. ભારતમાં આજે કામને સમયે ખૂબ શોરબકોર અને ખૂબ ઘોંઘાટ હોય છે. આપણે સારા કામ કરનારા નથી તે એ બતાવી આપે છે. આપણે કુશળ નથી. કેવળ લાગણીનો ઉશ્કેરાટ છે. ઘોંઘાટના અને દેખાવના કાર્ય અને, સ્વસ્થ, શાંત, સ્થિર તથા કુશળ કાર્ય વચ્ચેનો ભેદ ગીતા આપણને સમજાવશે. વર્ષો પહેલાં હું દિલ્હી હતો ત્યારે, એ સમયે ઓટો રિક્ષા નવી નવી જ ચાલુ થઈ હતી. એ નવા પ્રકારનું વાહન હતું ને ખૂબ ઘોંઘાટ કરતું. હું એમાં બેઠો, મને એમ કે એ ખૂબ શક્તિશાળી વાહન હશે. ધડબડ કરતું એ ચાલુ થયું અને આખે રસ્તે શોર મચાવતું ચાલ્યું; પણ એનો વેગ હતો કલાકે બાર માઈલનો ! પછી મેં ફર્સ્ટ કલાસ મોટરમાં પ્રવાસ કર્યો ત્યારે, એની ગતિ શાંત હતી પણ, એની ઝડપ આશરે કલાકે એંશી માઈલની હતી. યુરોપમાં ૧૦૬ માઈલની ઝડપે પણ મેં પ્રવાસ કર્યો છે પણ તે, હલબલાટ કે ઘોંઘાટ વિના. માનવ વર્તનમાં પણ તમને આ તફાવત જોવા મળશે. કુશળ ન હોય તે વ્યક્તિ ખૂબ શોર મચાવે ને, ઉશ્કેરાટમાં હોય, પુષ્કળ આંતરિક શક્તિ મેળવ્યા પછી વ્યક્તિ સ્વસ્થ અને સ્થિર બને છે અને, બીજાઓના કરતાં એના હાથમાંથી વધારે કામ નીકળે છે. પ્રજા તરીકે આપણે આ પાઠ શીખવાનો છે. મોટા કર્મવીર બનીને આપણી આસપાસની દુનિયાને આપણે યોગ્ય દિશામાં વાળી શકીએ છીએ. એ સર્જનાત્મક કાર્ય છે. ગીતાના બીજા અને ત્રીજા અધ્યાયના મહાન બોધમાં એ વિષય આવવાનો છે. ત્રીજો અધ્યાય કર્મયોગ કહેવાય છે. એટલે, એની પહેલાંના આ અધ્યાયમાં આપણને ચેતવણી અપાઈ છે; ચિાને બને તેટલું સ્વસ્થ અને સમતોલ રાખવા કોશિશ કરો. એમાંથી મોટું પરિણામ નીપજે છે. માત્ર બહારનું મોટું કાર્ય નહીં પણ, અંદરનો, તમારા સાચા સ્વરૂપનો ભેદ જન્મે છે : એ માટે ચિત્તની અદ્ભુત સ્વસ્થતા અને સમતા આવશ્યક છે.
અર્વાચીન જ્ઞાનતંતુશાસ્ત્રમાં સંતુલનના વિચારની ચર્ચા આપણે અગાઉ કરી હતી ત્યારે જાણ્યું હતું કે, શરીરમાં ઉષ્ણતાનું સંતુલન છે. પાછળના કાળનાં સ્તન્ય પ્રાણીઓમાં પ્રકૃતિએ એ સિદ્ધ કર્યું છે. બહારના ઉષ્ણતામાનના ફેરફારની અસર દેહના ઉષ્ણતામાન પર થશે નહીં; એ અચલ રહેશે. એ સંતુલનની દશામાંથી જ પ્રકૃતિએ માનવ મગજનો વિકાસ સાધ્યો છે; પોતાના પુસ્તક ‘ધ લિવિંગ બ્રેઈન’માં, જ્ઞાનતંતુશાસ્ત્રી ગ્રે વોલ્ટર્સ કહે છે કે, ‘એનું (મગજનું) કાર્ય મનુષ્યને મુક્તિ તરફ લઈ જવાનું છે’, બધાં સ્તન્ય પ્રાણીઓ માટે, ‘આ સંતુલન એટલે માત્ર અસ્તિત્વ છે પરંતુ, માનવી માટે એનો અર્થ મુક્તિ છે ! કેવો અદ્ભુત વિચાર છે ! પ્રકૃતિએ આપણને એક પ્રકારનું, દૈહિક, સંતુલન બક્ષ્યું છે. દેહમાં સંતુલન છે. લોહીના પ્રવાહમાં પ્રાણવાયુનું અને, બીજાં તત્ત્વોનું અચલ પ્રમાણ છે. કાર્ય કરતી વખતે તમે એમાં ખલેલ પાડો છો અને, એ સ્વયં પૂર્વવત્ થઈ જાય છે. પ્રકૃતિ માનવને કહે છે : ‘આંતરતંત્રનું આ સ્વસંચાલિત સ્થિર થઈ જવું તે સંતુલન આપ્યું છે; તારા પોતાના પ્રયત્નોથી તારે માનસિક સંતુલન પ્રાપ્ત કરવાનું છે તે માટે , મેં તને આ મોટું મગજ અને તેનું તંત્ર આપ્યાં છે.’ सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ, ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि – શ્લોકનું અધ્યયન કરતી વેળા આ પશ્ચાદ્ભૂમિકા બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ. આ શાંત અને સમત્વયુક્ત અભિગમ સાથે જીવનસંગ્રામમાં પડો તો, મોટી સિદ્ધિ પામશો. હવે ૩૯મો શ્લોક લઈએ.
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि।।39।।
‘આત્મ સાક્ષાત્કારનો બોધ તને અપાયો. હવે તું કર્મયોગ વિશે સાંભળ; એ પ્રાપ્ત કરીને, હે પાર્થ, તું કર્મ બંધનોને તોડી શકીશ.’
શ્રીકૃષ્ણ કહે છે કે, અત્યાર સુધી મેં તને સાંખ્યયોગ-જ્ઞાનયોગ-ની વાત કરી છે. આ જગત મિથ્યા છે. કેવળ આત્મા જ સત્ય છે. એ આધ્યાત્મિક દશામાં તને આત્માનો સાક્ષાત્કાર થશે. આ જગત સદા ચાલતા પડછાયાઓનું જગત છે. જ્ઞાનયોગમાં આ પ્રકારનો બોધ અપાયો હતો. અને, જ્ઞાનયોગના એ બોધનો આધાર લઈ શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા કહેતા હતા. હવે એ કહે છે, एषा तेऽभिहिता सांख्ये, ‘અત્યાર સુધી મેં તને સાંખ્ય વિચારણાનો અભિગમ કહ્યો હતો’, પણ હવે તું મારી પાસેથી યોગ – બુદ્ધિયોગ- ના ચિંતનનો માર્ગ સાંભળ. હવે હું તને કર્મનો, પ્રયત્નનો, યોગ કહું છું; એના વડે પણ તું અધ્યાત્મ પામી શકીશ. એટલે, શ્રીકૃષ્ણ કહે છે, बुद्धिर्योगे त्विमां शृणु, ‘હવે હું તને યોગના નવા દર્શન વિશે કહું છું. કર્મ આધ્યાત્મિક સાક્ષાત્કાર તરફ કેવી રીતે લઈ જાય અને, તારે કર્મ કરવું હોય તો, જે કર્મ છે એ સત્ય છે, જે લોકો સાથે તારે કામ પાડવાનું છે તે પણ સત્ય છે; તને જગત મિથ્યા લાગતું હોય તો, કર્મનો કોઈ આનંદ નથી.’ આપણને, ખરેખર તો, જગત મિથ્યા હોવાનો આ ખ્યાલ શીખવવામાં આવ્યો છે. ને છતાંય એ જગતમાં આપણે કર્મ કરવાનું છે. આપણું કાર્ય મન વગરનું, નિર્જીવ થઈ જશે. આપણા ઘણા લોકો કામ કરતા હોય છે ત્યારે અર્ધા ઊંઘતા હોય છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિઓને બાદ કરતાં લોકોને પોતાના કાર્યમાં રસ નથી. પણ એ અભિગમ શી રીતે આવ્યો ? કારણ, આ ‘જગન્મિથ્યા’ની ફિલસૂફી વિવિધ માર્ગાે દ્વારા ફેલાવવામાં આવી હતી. સબ દુનિયા જૂઠી હૈ. જગતમાં સાર જ નથી, તમારા આત્માને સંભાળો. વિવિધ માર્ગાે દ્વારા ઘણા વખતથી આપણા લોકોને આ બોધ જ પિવડાવાયો હતો. એ બોધનાં બધાં પાસાંને જાણ્યા વિના આપણે ચિત્તવિકૃત થઈ ગયા. પહેલું આવ્યું સ્વકેન્દ્રીપણું અને બીજાઓ માટે લાગણીનો અભાવ. આ બોધે આપણાં મનમાં દૃઢ મૂળ નાખ્યાં, પરિણામે, આપણા માનવસંબંધો શિથિલ થઈ ગયા, એકબીજા માટેની લાગણી વિનાના બની ગયા. મહાન આચાર્યમાં કે મહાન સાધકમાં આ લાગણીહીનતા કદી ન હતી; પણ કરોડો લોકો માટે હ્યદયભાવનાનાં ઝરણાં સૂકાઈ ગયાં. બીજા માટે કશી લાગણી જ નહીં. રાજકારણમાં પણ એ વલણ પ્રકટયું. એ માટે, શ્રીકૃષ્ણનો આ યોગપથ આપણા બધાને માટે આકરું ઔષધ છે. અર્વાચીન વિવેકાનંદ આવ્યા ત્યાં સુધી આપણે એ સમજતા કે અનુસરતા ન હતા.
આ યોગબુદ્ધિનું પરિણામ શું આવશે ? શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે : बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि, તું આ બુદ્ધિ – યોગબુદ્ધિ – નો વિકાસ સાધશે તો, એક મોટું પરિણામ એ આવશે કે, જ્ઞાન દ્વારા પ્રાપ્ત આધ્યાત્મિક મુક્તિ તે જ તું પામશે. તું કર્મ કરતો જ રહે. કર્મ પ્રવૃત્તિ સાથે અને, બીજાં લોકો સાથે તું કામ પાડી શકશે. આ પ્રવૃાિઓથી જે બંધનો ઊભાં થાય છે તે બધાં બંધનોથી મુક્તિ પામીશ. અજ્ઞાનપૂર્વકનું કર્મ બંધન બનાવે છે. પણ આ યોગબુદ્ધિ તને કર્મપ્રવૃત્તિમાં સહાય કરશે અને, જરાયે બાંધશે નહીં. જ્ઞાનયોગી પામે છે તે જ આધ્યાત્મિક મુક્તિ તું પામીશ. પરંતુ વધારામાં, તારી આસપાસના લોકોમાં ઘણો રસ લેતો તું ઉષ્માભર્યા હૃદયવાળો થઈશ. લોકોનું, સમાજનું તું ખૂબ કલ્યાણ કરીશ.
Your Content Goes Here



