જો તમે ખરેખર મારાં બાળકો હશો, તો કોઈ વસ્તુનો તમે ડર રાખશો નહિ અને ક્યાંય પણ અટકશો નહિ. તમારે સિંહ જેવા બનવાનું છે. આપણે ભારતવર્ષને અને સમસ્ત જગતને જાગ્રત કરવાનું છે. ડરપોક ન બનો. હું તમારી ‘ના’ સાંભળવાનો જ નથી, તમે સમજો છો ? મરણપર્યંત સત્યનિષ્ઠ બની રહો! …. આનું રહસ્ય છે ગુરુભક્તિ – મરણપર્યંત ગુરુમાં શ્રદ્ધા ! તમારામાં એ ગુરુભક્તિ છે ? હું તો હૃદયપૂર્વક એમ માનું છું કે તમારામાં એ ગુરુભક્તિ છે જ; અને તમે પણ જાણો છો કે મને તમારામાં શ્રદ્ધા છે. માટે કાર્ય કરવા મંડી પડૉ. તમને સફળતા પ્રાપ્ત થવાથી જ છે. મારી પ્રાર્થનાઓ અને આશીર્વાદ તમારાં પ્રત્યેક પગલાંની પાછળ રહેલાં છે. સંપીને કાર્ય કરો. પ્રત્યેક મનુષ્ય સાથે ધીરજથી વર્તાે. પ્રત્યેક મનુષ્ય મારા પ્રેમનો અધિકારી છે. હું તમારાં કાર્યનું નિરીક્ષણ કરી રહ્યો છું. આગેકૂચ કરો; હજુ આગળ ! આ તો માત્ર શરૂઆત જ છે. મારું અહીંનું નાનું સરખું કાર્ય પણ ભારતવર્ષમાં જબરો પડઘો પાડે છે, એ તમે જાણો છો ? આ કારણે, હું ઉતાવળ કરીને ત્યાં પાછો ફરવાનો નથી. અહીં કંઈ સ્થાયી કાર્ય કરીને પછી જ ત્યાં આવવાનો મારો ઈરાદો છે અને આ હેતુથી જ હું દિનપ્રતિદિન કાર્ય કરી રહ્યો છું. હું દરરોજ અમેરિકન લોકોના અધિક ને અધિક વિશ્વાસને પાત્ર બનતો જાઉં છું. … આ વિશાળ વિશ્વ જેટલાં જ તમારાં હૃદય અને આશાઓને વિસ્તારો. સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરો, ખાસ કરીને વેદાંત ઉપરનાં ત્રણ ભાષ્યોનો. તૈયાર રહેજો, કારણ કે ભવિષ્યને માટે મેં અનેક યોજનાઓ વિચારી રાખી છે. આકર્ષક વક્તા થવાનો પ્રયાસ કરો. લોકોને ઉત્સાહથી થનગનાવી મૂકો. જો તમારામાં શ્રદ્ધા હશે તો બધું તમને આવી મળશે. આ હકીકત શ્રી કિડીને તથા ત્યાંના મારા સર્વ શિષ્યોને કહેશો. યોગ્ય સમયે, જગતને દિંગ કરી નાખે એવાં મહાન કાર્યો એ લોકો કરવાના છે. હિંમત રાખો અને કાર્ય કરો. મને બતાવી આપો કે તમે કંઈક કાર્ય કરી શક્યા છો. કોઈ મંદિર, છાપખાનું, વર્તમાનપત્ર કે રહેવા માટેનું મકાન મને કરી બતાવો મદ્રાસમાં મારા માટે જો એક ઘર તમે બનાવી ન શકો તો મારે ઊતરવું ક્યાં ? ઉત્સાહથી લોકોને થનગનાવી મૂકો. ફંડ એકઠું કરો અને લોકોમાં પ્રચાર કરો. તમારા જીવનકાર્યને વફાદાર રહો. અત્યાર સુધી તમારી ઉપર સારી આશા બાંધી શક્યો છું, એટલે તમારાં કાર્યમાં આગળ વધો અને અધિકાધિક સારું કરતા રહો.

…. લોકો સાથે વિવાદમાં ઊતરશો નહીં; કોઈને શત્રુ બનાવશો નહીં. કોઈ છગન કે મગન ખ્રિસ્તી બની જાય તો તેના પર આપણે શા માટે ધ્યાન આપવું ? તેમને જે ધર્મ અનુકૂળ લાગે તે તેઓ ભલે પાળે. વાદવિવાદમાં તમારે શા માટે સંડોવાવું જોઈએ ? દરેક વ્યક્તિના વિવિધ મતો પ્રત્યે સહિષ્ણુ બનો. ધૈર્ય, પવિત્રતા અને ખંતનો સદા જય થવાનો છે.

(યુ.એસ.એ.થી ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ આલાસિંગા પેરુમલને લખેલ પત્ર. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ૬.૩૫૫ )

Total Views: 119
By Published On: May 1, 2013Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram