(ગતાંકથી આગળ)
શાસ્ત્ર અને બ્રહ્મતત્ત્વ
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘તેઓ શાસ્ત્રો, વેદો, પુરાણો અને તંત્રોથી પર છે.’ શાસ્ત્રોથી પર શા માટે ? એ એટલા માટે કે શાસ્ત્ર મનુષ્યને ઈશ્વરાભિમુખ કરવાનો પ્રયાસ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદના ૩.૮.૮ માં કહ્યું છે, અસ્થૂલમ્ – અનણુમ્ – અહ્રસ્વમ્ – અદીર્ઘમ્ – તેઓ સ્થૂળ, સૂક્ષ્મ, હ્રસ્વ કે દીર્ઘ નથી. આવા નથી, આવા નથી એમ કહેવાય છે. એ ઉપરાંત તેઓ શું છે, એ પણ કહી શકાતું નથી. જ્યાં ‘નહીં’ કહેવાનું બંધ થઈ જાય ત્યાં જ તેઓ છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘જ્યાં નેતિ નેતિનો પણ વિરામ છે.’ નિષેધની શૃંખલા જ્યાં સમાપ્ત થઈ જાય ત્યાં જ તેઓ છે. જ્યાં તેઓ પ્રકાશમાત્ર છે, એ પ્રકાશની વ્યાખ્યા કયા માધ્યમથી કરીશું ? વ્યાખ્યા કરવાથી તે પ્રકાશ વિશેષ પ્રકાશ બની જાય છે. અને એ વિશેષ પ્રકાશ હોવાથી વળી પાછો તે શુદ્ધ પ્રકાશ રહેતો નથી. શાસ્ત્રો કહે છે કે ત્યાં વેદ અવેદ થઈ જાય છે, અજ્ઞાત થઈ જાય છે. જ્યાં સુધી આપણે દ્વૈત રાજ્યમાં છીએ ત્યાં સુધી વિચાર ચાલતો રહે છે.’ શ્રીરામકૃષ્ણની અનુપમ ભાષામાં કહીએ તો, ‘મીઠાની પૂતળી સમુદ્રને માપવા ગઈ અને એમાં જ ગળી ગઈ. હવે પાછા આવીને એની ખબર કોણ આપવાનું ?’ એમનું ચિંતન કરતાં કરતાં જીવનું જીવત્વ સમાપ્ત થઈ જાય છે, પછી એની વ્યાખ્યા કોણ કરે ? જીવ ક્યાં રહી ગયો ? બ્રહ્મ સુધી પહોંચવું સંભવ નથી. તેઓ શાસ્ત્રોથી પર છે, આ વાત વારંવાર કહેવાય છે. શબ્દ દ્વારા એનું પ્રતિપાદન કરી ન શકાય. વેદ પણ શબ્દરાશિ છે, એ પણ બ્રહ્મનું પ્રતિપાદન કરી ન શકે. આમ છતાં વેદ તેની દિશા દેખાડી શકે. ઈશ્વર તો ત્રિગુણાતીત છે. સત્ત્વગુણ બ્રહ્મસ્વરૂપનો પથ બતાવી દે છે. પરંતુ ત્યાં સુધી પહોંચાડી દેવાનું સામર્થ્ય એમાં નથી.
આ વિશે શ્રી ઠાકુર કહે છે, ‘જે પાંડિત્ય લઈને રહે છે, તેઓ રાજર્ષિ બની શકે, બ્રહ્મર્ષિ નહીં. કોઈના હાથમાં જો હું એક પુસ્તક જોઉં છું તો એ જ્ઞાની હોવાથી હું એને રાજર્ષિ કહું છું. બ્રહ્મર્ષિનું કોઈ બાહ્ય લક્ષણ રહેતું નથી.’ સાચા જ્ઞાની માટે શાસ્ત્ર તુચ્છ બની જાય છે. શાસ્ત્રથી પર જે તત્ત્વ છે તે તત્ત્વની એમણે પ્રાપ્તિ કરી લીધી છે, એટલે સામાન્ય લોકો માટે શાસ્ત્રની જે મર્યાદા છે તે એમને માટે નથી. શાસ્ત્ર જાણે કે એક પત્ર છે. એમા લખ્યું છે, ‘પાંચ શેર મીઠાઈ અને એક ધોતિયું મોકલજો.’ શાસ્ત્રનું કાર્ય છે કેવળ આ સમાચાર આપી દેવા. જે સાધક છે તે એ જ માર્ગે ચાલવાનું શરૂ કરી દે છે. પછી એને શાસ્ત્રની કોઈ જરૂર નથી. કેવળ પથ પર ચાલતા રહેવાનું છે.
ઈશ્વરીય પ્રકાશ અને પ્રાપ્તિ
અવતાર વિશે શ્રી રામકૃષ્ણ કહે છે, ‘ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે. એ સાચું છે કે તેઓ સર્વત્ર અને બધાં પ્રાણીઓમાં રહેલા છે. છતાં પણ અવતાર વિના જીવોની આકાંક્ષા પૂરી થતી નથી. એમની આવશ્યકતાઓ પણ સંતોષાતી નથી.’ આમ તો તેઓ બધા પ્રાણીઓમાં છે પણ એ રૂપે એમની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ કારણે મનુષ્યની આવશ્યકતા સંતોષાતી નથી. ઈશ્વરે અવતરીને આવવું પડે છે. એક સ્થાન પર વિશેષ શક્તિનો પ્રકાશ બતાવવો પડે છે. એ શક્તિનો પ્રકાશ જોઈને માનવ ઈશ્વરની ધારણા કરી શકે છે. શ્રી રામકૃષ્ણે ગાયના આંચળની ઉપમા આપી છે. અવતારમાં ઈશ્વરનું સ્વરૂપ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. શાસ્ત્ર કહે છે ઈશ્વર સર્વજ્ઞ છે, પણ એનાથી આપણને શો ફાયદો થાય છે? શું આપણે કંઈ જોઈ શકીએ છીએ ? પરંતુ જે સ્થળે તેઓ વિશેષરૂપે પ્રગટ છે ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં એમની અભિવ્યક્તિ થાય છે. એટલે ત્યાં જોવાથી એવું લાગે છે, ‘હા, આ ઈશ્વર હોઇ શકે છે. એમના સ્વરૂપની અભિવ્યક્તિની પૂરી ધારણા ન થાય છતાં પણ એટલું તો સમજું છું કે આ વ્યક્તિ આપણા લોકો જેવી નથી. શાસ્ત્રમાં કહેલ ઈશ્વરનાં લક્ષણ ઠીક ઠીક પ્રમાણમાં એમનામાં વ્યક્ત થતાં દેખાય છે.’ જો ભગવાન ન અવતરે અથવા પોતાની જાતને એક આવરણમાં ઢાંકીને ન આવે તો અનાવૃત થઈને આપણી સમક્ષ એમના આવી જવાથી, એમને જાણી શકવાનું કે એમની ધારણા કરી શકવાનું સામર્થ્ય શું આપણામાં છે ? એટલે એમનું આ આવરણ છે.
હવે પ્રશ્ન એ આવે છે કે આ બધાના અતીત છે, તેઓ એવો પ્રયાસ કેમ કરે છે ? આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. એમની ઈચ્છા છે કે તેઓ જગતને લઈને આવી જાતનો ખેલ કરે. ચોર-ચોરના ખેલમાં તેઓ જ ચોર બને છે, તેઓ જ પોલીસ બને છે અને મુક્ત કરનારા પણ તેઓ જ બને છે. કોઈનો તેઓ ઉદ્ધાર કરે છે અને કોઈને બંધનમાં ફસાવી દે છે. તેઓ જ વિભિન્નરૂપે આ ખેલ ખેલી રહ્યા છે. એટલે સાધક જ્યારે બધી વસ્તુઓમાં એમને જ જોઈને કહે છે, ‘તમે સારા છો, તમે નઠારા પણ છો’ – ત્યારે એની અનુભૂતિ પૂર્ણતાને પામે છે. આટલું સમજવું પડશે કે તેઓ જ સર્વ કંઈ થયા છે, પરંતુ અવતારમાં એમની વિશેષ અભિવ્યક્તિ છે.
શ્રી રામકૃષ્ણ સંકેત કરે છે કે અવતારને પકડૉ. તેઓ જ અવતાર બનીને આવ્યા છે. એમના પાર્ષદોમાંથી પણ શું બધા એમને સમજી શક્યા હતા ? ના, સમજી શક્યા ન હતા. શ્રી રામકૃષ્ણે પોતે પણ કાંઈ સ્પષ્ટ રીતે બતાવ્યું નથી. ક્યાંક્ ક્યાંક માત્ર સંકેત આપ્યો છે. સ્વામી વિવેકાનંદ જેવા વિરલને જ કોઈ કોઈની સામે સમસ્ત આવરણ હટાવીને એમને દર્શન દીધાં છે, ‘જો, તું ઓળખી શકે છે કે નહીં.’ આ રીતે પોતાને ન પકડાવા દેવા માંગતા હોવાથી કોનામાં એવું સામર્થ્ય છે કે એમને પકડી શકે.
પ્રકરણ ચાર
(કથામૃત દિનાંક : ૨૬ ઓક્ટોબર ૧૮૮૫)
ત્રણ મહિનાથી શ્રી રામકૃષ્ણને ગળાનો અસાધ્ય રોગ – કેન્સર થયું છે. આટલી મોટી બીમારી અને લોકો તો ટોળાબંધ દર્શન કરવા આવે છે. અહૈતુક કૃપાસિંધુ શ્રીરામકૃષ્ણદેવ જેનાથી ભક્તોનું મંગળ થાય એવી રીતે બધાની સાથે વાતો કરે છે. ડાૅકટરો એમાંય વિશેષ કરીને ડૉ. સરકારે એમને બોલવાની ના કહી છે. પરંતુ ડાૅક્ટર પોેતે જ ત્યાં છ – સાત કલાક રોકાય છે અને શ્રીઠાકુરની અમૃતવાણીનું પાન કરીને મુગ્ધ બની જાય છે.
માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની તબિયત વિશે વાત કરવા ડાૅક્ટરના ઘરે આવ્યા છે. અહીં ડાૅક્ટર અને માસ્ટર મહાશય વચ્ચે શ્રીરામકૃષ્ણદેવ વિશે જે ચર્ચા થઈ હતી તેનું વિવરણ આવે છે. ડૉ. સરકારને શ્રીરામકૃષ્ણ પ્રત્યે ઘણી શ્રદ્ધા હતી અને એમના સંપર્કમાં રહેનાર પ્રત્યે પણ શ્રદ્ધા જન્મી છે. માસ્ટર મહાશયને તેઓ સ્નેહપૂર્વક પૂછે છે, ‘સમય ઘણો થઈ ગયો છે. તમે જમ્યા છો કે નહીં ?’ વળી એ જ સ્નેહથી વશ થઈને તેઓ કહે છે, ‘શું કહું, એક દિવસ તમને સૌને ભોજન કરાવવાનું વિચારું છું.’
Your Content Goes Here



