શ્રીરામકૃષ્ણ મઠ, બેંગલુરુના અધ્યક્ષ અને પ્રખર વિદ્વાન સ્વામી હર્ષાનંદજીના મૂળ અંગ્રજી પુસ્તક ‘ઠવફિં જવફહહ ઈં મજ્ઞ ?’ નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.

તરુણ રવિ જિજ્ઞાસાથી તે દિવસનું વર્તમાનપત્ર ફેંદતો હતો. એ જ સવારે યુનિવર્સિટીની પરીક્ષાનું પરિણામ બહાર પડ્યું હતું. ‘અરે ભગવાન ! મારો નંબર તો અહીં છે !’ આમ કહીને તે આનંદથી કૂદવા લાગ્યો. તેણે બી.એસ.સી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. આ સુખદ સમાચારના પ્રથમ પ્રભાવથી જે આનંદ અને ઉલ્લાસ ઊભર્યા હતા તેણે ધીમે ધીમે વધારે ગંભીર વિચારો નિપજાવ્યા. એના મનમાં ઊઠેલો પહેલો પ્રશ્ન કે વિચાર આ હતો, ‘હવે પછી હું શું કરીશ ?’ જાણે કે પોતાના મનના વિચારોના સંદર્ભનું પ્રતિબિંબ પાડતાં હોય તેમ તેનાં ભવાં પણ પ્રશ્નાર્થમાં ફેરવાઈ ગયાં.

આપણા આ રવિ જેવા હજારો યુવાનો આ દેશમાં પોતાના જીવનના ઉંબરે ઊભા છે. અને એમના મનની ક્ષિતિજે ‘હવે પછી હું શું કરીશ ?’ નામનો પ્રશ્ન મોટો થઈને ઝુમે છે. આવા પજવતા પ્રશ્નની પાછળ પડવાનો રવિના મનનો પથ શોધવા ચાલો આપણે એક પ્રયત્ન કરીએ. આ પરીક્ષા પસાર કર્યા પછી કાં તો એણે શાળામાં શિક્ષકનું કે કારકુનનું કાર્ય શોધવું જોઈઅ, નહીં તો એણે આગળ ભણવું જોઈએ. શાળામાં શિક્ષક બનવાથી મબલખ નાણું ન કમાઈ શકીએ અને હાલના જીવન ધોરણ પ્રમાણે એ સ્થાન એટલું મોભાવાળું પણ નથી. કારકુનની જિંદગીમાં તો કોઈ ઊજળું ભવિષ્ય નથી.

વળી સંરક્ષણની સેવાઓમાં જોડાવવા માટે શારીરિક રીતે તે પૂરેપૂરો સક્ષમ નથી અને એનું મનોવલણ પણ એને સુસંગત નથી. વળી વધુ અભ્યાસ માટે વ્યવસાય અને કૌશલ્યલક્ષી કોલેજો પ્રમાણમાં વધુ ખર્ચાળ છે અને એમાં જતો સમય તેના ઉત્સાહ પર ઠંડું પાણી ફેરવી દે તેમ હતું. તે આમ તો પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો, છતાં સંશોધનના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે એણે પૂરતી ગુણવત્તા મેળવી ન હતી. આ દુનિયા તો ગોળ છે ! અને આ સમગ્ર બ્રહ્માંડ પણ એવું જ ગોળંગોળ છે ! અને અંતે આ બધા ઉકેલોના મૃગજળમાંથી ચક્કર કાપીને વળી પાછાં આ જ જગ્યાએ પહોંચી ગયો અને ગુસ્સા અને નિરાશા સાથે બોલી ઊઠે છે, ‘આ ધરતી પર હું કરી શું શકું ?’

આપણી બધી સહાનુભૂતિ અને લાગણી આ યુવાન રવિ પ્રત્યે છે. આપણને એ ગમે છે અને આપણે એને ચાહીએ છીએ. અને આ ‘ચલ જાઉં કે ટપ જાઉં’ ની મૂંઝવણમાં સહાયભૂત થવા માટે ચાલો આપણે તેની થોડી પૂછપરછ સાથે ઉલટ તપાસ કરીએ. ચાલો આપણે એની સમસ્યાના મૂળને સમજીએ અને તે ખરેખર શું થવા માગે છે, એ બરાબર જાણી લઈએ. એની સામે રહેલા આ બધા સૈદ્ધાંતિક લક્ષ્યમાંથી તે સૌથી વધારે ક્યાં પહોંચવાની ઇચ્છા ધરાવે છે ? વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની ઇચ્છા હશે, અલબત્ત, આ કોને ગમતા નથી ? અને શા માટે ન ગમે ? એનું કારણ એ છે કે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની ડીગ્રી આપણા આ ભૂખે મરતા દેશની સેવા કરવા માટે તેને સક્ષમ બનાવે છે; આવી એની દલીલ હોવાની. (રવિ પણ મોટી મોટી વાતો કરવાની કળા શીખી ગયો છે!) ધારો કે ગમે તે રીતે તેને આવા અભ્યાસક્રમમાં પ્રવેશ મળી રહે છે અને તે કોઈ મોટા પ્રકલ્પ કે ઉદ્યોગગૃહ કે હોસ્પિટલમાં નોકરી પણ મેળવી લે છે. આમાં એને પોતાનું ભરણપોષણ થાય એટલું મળી રહે છે. આમ છતાંય તે દેશની સેવા કરી શકશે ? સેવા કરવાની આવી નવી સંકલ્પના એને કંપાવી કે ગભરાવી દેવાની! હવે તે રક્ષણાત્મક બની જશે. જ્યાં સુધી તે પોતાની આવશ્યકતાઓને પૂરી પાડવામાંથી બહાર ન આવે ત્યાં સુધી તે દેશની સેવા કેવી રીતે કરવાનો ?

સારું ભોજન, સારાં કપડાં, રહેવા માટે સુંદર બંગલો, આકર્ષક મજાની કાર, રેડિયો-ટીવી અને લેપટોપ એ એની ગૌણ અને ઓછામાં ઓછી જરૂરિયાતો છે ! આ બધી મુશ્કેલીઓ વેઠીને તે વ્યાવસાયિક ડીગ્રી મેળવવામાં લાગી ગયો; હજી પણ તમે મને દુ :ખી કરવા ઇચ્છો છો? – એમ એ બોલી નાખવાનો ! હા ! એ એવું જ છે ! તેને સુખ ખપે છે !

માણસ ગમે તે ક્ષેત્રમાં હોય પણ એને આવું જ સુખ જોઈએ છે. સુખ અને આનંદની શોધમાં ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદે ગૃહત્યાગ કર્યો હતો. વળી આવા જ સુખની શોધમાં દુર્યોધન અને હીટલરે અર્ધી માનવ વસતીને ગળી જતાં યુદ્ધો ખેલ્યાં. અને આ જ સુખાકારી છે કે જે રોકફેલર્સ અને બીરલાઓને અણકથી-અઢળક સંપત્તિ એકઠી કરવા પ્રેરે છે. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં કહીએ તો માનવ આસક્તિ અને લોભમાં સુખ શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

આમાંથી કેટલું અને કયા પ્રકારનું ‘સુખ’ શોધવામાં દુર્માર્ગે દોરવાયેલામાંથી કેટકેટલા પોતાનાં દુષ્કૃત્યોને છુપાવી શક્યા છે, એની કલ્પના સૌ કોઈ કરી શકે ! એટલે જ ૫કડમાં આવવાં અને સમજવાં વિવિધ સંકલ્પનાઓ અને અનુમાનોનું પૃથક્કરણ કરવું આવશ્યક છે અને કોઈ નક્કર તારણ કે નિર્ણય પર આવવું જરૂરી છે.

સુખ છે શું ?

આપણી સામે એક પ્રશ્ન આવે છે : સુખ છે શું ?

બાળક ઢીંગલી લેવા માટે ઘાંટા પાડીને રડતો હતો અને એ મળી જાય એટલે એ ખુશ ખુશ. છોકરો કે જે ક્રિકેટના બેટ માટે માતપિતાનો જીવ ખાતો હતો, તેે એ બેટ અપાવી દે એટલે રાજી રાજી. એક યુવાનને નોકરી ધંધો મેળવવામાં સફળતા મળે કે જેને ચાહતો હતો એવી યુવતીને પરણે એટલે અત્યંત ખુશ. જ્યારે પોતાનો પૌત્ર એના વાળ પંપાળે ત્યારે એક વૃદ્ધ માણસ આનંદ અનુભવે છે. એક અધિકારીને બઢતી મળે, વેપારીને નફો મળે અને જેનું લશ્કર વિજય મેળવે તે સૈનિક કે સેનાપતિ ખુશખુશાલ.

થોડા સમય પછી પેલું બાળક રમકડાથી કંટાળી જાય છે અને એને ફેંકી દે છે. પોતાના નવા જ બેટથી મેચમાં હારી જાય એટલે પેલો છોકરો પણ દુ :ખી દુ :ખી. પેલો યુવાન પણ જ્યારે એનો માલિક કે ઉપરી એનો દમ કાઢી નાખે કે એની વહાલી પત્ની ગંભીર બિમારીમાં સપડાય ત્યારે તે ખિન્ન થઈ જવાનો. પેલો વૃદ્ધ પણ પોતાનો પૌત્ર નાની ઉંમરે અપરાધી બની ગયો છે એ જાણીને દુ :ખી દુ :ખી થઈ જવાનો. પેલો અધિકારી જ્યારે એના કરતા નીચલી કક્ષાનો અમલદાર એનો અધિકારી બને ત્યારે ઘણું દુ :ખ અનુભવે છે. આવકવેરાના અધિકારીઓથી પેલો વેપારી પણ ખૂબ ચિંતિત રહે છે. સૈનિકનું પેન્શન અટવાઈ કે મોડું થાય ત્યારે તેને ઘણું લાગી આવે છે. કરસનભાઈ દુ :ખી છે કારણ કે ભગવાનજીભાઇ સુખી છે ; રામજીભાઈ દુ :ખી છે કારણ કે પ્રેમજીભાઇ સુખી છે ! અને આવી છે આ દુનિયા!

(ક્રમશ 🙂

Total Views: 87
By Published On: June 1, 2013Categories: Harshananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram