(ગતાંકથી આગળ)

આ સમય દરમિયાન કાલીકૃષ્ણને ગોપાલની માની સેવા કરવાનો અવસર મળ્યો. તેઓ ક્યારેક ક્યારેક મઠમાં થોડા દિવસ રહેવા આવતા. મઠમાં જોડાયા પહેલા કાલીકૃષ્ણ એમને મળ્યા હતા. કામારહાટીનું તેમનું ઘર અને ગોપાલ પ્રત્યેની તેમની ગહન ભક્તિભાવના હજી પણ કાલીકૃષ્ણના મનમાં કોતરાયેલી છે. આ અનુભવને યાદ કરીને તેઓ પછીથી કહેતા, ‘એ ભાંગ્યુંતૂટ્યું ઘર આધ્યાત્મિક ઝંકૃતિથી ભરેલું પવિત્ર મંદિર લાગતું અને કોઈપણ વ્યક્તિ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ પ્રગટરૂપે અનુભવી શકતી હતી. એમની ગોપાલ પ્રત્યેની પ્રેમ – ભક્તિ, એમની સાદગી અને નિરાહ શક્તિ તેમજ દરેકને ‘ગોપાલ’ કહીને થતું સંબોધન જાણે કે તેઓ મા યશોદા પોતે જ ન હોય તેવું લાગતું હતું.’

૧૮૯૩નો મધ્યકાળ હતો. આલમબાજાર મઠનાં રોકાણ દરમિયાન કાલીકૃષ્ણનાં મનહૃદય આધ્યાત્મિક ભાવથી ભરાઈ ગયાં હતાં. હજુ સુધી જયરામવાટીથી લાગુ પડેલો મેલેરિયા સાવ નિર્મૂળ થયો ન હતો. આમ છતાં પણ એમણે આ રોગને અવગણ્યો અથવા આ રોગથી સારા સાજા નથી થયા, એ વાતને છુપાવી રાખી. આ સમયે શ્રીશ્રી મા બેલૂરમાં નિલાંબર મુખરજીના ઉદ્યાનગૃહમાં રહેવા આવ્યાં. એક દિવસ કાલીકૃષ્ણ એમને મળવા ગયા અને એમની વિનંતીથી તેઓ રાજીખુશીથી એક રાત ત્યાં રહેવા સહમત થયા. એ વખતે સ્વામી યોગાનંદજી શ્રીશ્રીમાના મુખ્ય સેવક હતા. તેમને સ્વામી ત્રિગુણાતીતાનંદજી મદદ કરતા. ગોલાપમા અને યોગિનમા પણ શ્રીશ્રીમા સાથે રહેતાં. કાલીકૃષ્ણ બીજે દિવસે સવારે શ્રીશ્રીમાને પ્રણામ કરવા આવ્યા. પ્રણામ પછી તેમણે મઠમાં જવાનું હતું. તેમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી શ્રીશ્રીમાએ કહ્યું, ‘બેટા, આ વખતે તને જોઈને મને ઘણું દુ :ખ થયું. આ પહેલાં કેવું મજાનું સદૃઢ શરીર હતું ! મેલેરિયાના વારંવારના હુમલાથી આ શરીર સાવ દુર્બળ – સૂકલકડી બની ગયું છે. તું મઠમાં જોડાયો છે પણ તને ખબર છે કે આ બધા નિર્ધન સાધુઓ છે. તેઓ તારું પોષણ વ્યવસ્થિત રીતે કેમ કરી શકે ? એટલે હું તને કહું છું, તું ઘરે પાછો જા અને પોષક આહારથી તેમજ યોગ્ય દવા-ચિકિત્સાથી તું સારો સાજો થઈ જાય ત્યાં સુધી ત્યાં રહેજે.’ શ્રીશ્રીમાની આ આજ્ઞાથી કાલીકૃષ્ણને જાણે કે માથે વીજળી પડી હોય એમ લાગ્યું. તેઓ એક પણ શબ્દ ન બોલી શક્યા. એમને મૂક જોઈને શ્રીશ્રીમાએ ફરીથી કહ્યું, ‘હા, મારા દીકરા, હું કહું છું તેમ કર.’ કાલીકૃષ્ણનું હૃદય વિષાદથી ભરાઈ ગયું અને તેમની આંખમાંથી આંસું સરવાં લાગ્યાં. તેઓ ઝડપથી ઓરડામાંથી નીકળી ગયા, બગીચાના એક ખૂણામાં ઊભા રહ્યા અને ખૂબ રડવા લાગ્યા. જો કે શ્રીશ્રીમા એમનાં હૃદયની પીડાને જાણતાં હતાં, છતાં એમણે પોતાની આજ્ઞા પાછી ન લીધી. તેમણે ગોલાપમાને કહ્યું, ‘અરે! કાલીકૃષ્ણના શરીરની આ હાલત જોઈને હું તો ધ્રૂજી ઊઠી ! એટલે જ મેં એને ઘરે જવા કહ્યું. સાથે ને સાથે મેં એના હૃદયને ઘણું દુ :ખ પહોંચાડ્યું છે, એમ વિચારીને મારી આંખો પણ ભીની થઈ ગઈ છે !’

આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણ કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે દિવસે સવારે શ્રીશ્રીમા પાસે જવાની અને તેમની પાસે મંત્રદીક્ષા માટે પ્રાર્થના કરવાની સલાહ આપી.

શ્રીશ્રીમાએ કાલીકૃષ્ણની ઉત્કટ ઈચ્છાને સંતોષી અને તેણે કેવી રીતે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ તે વિશે સૂચનો પણ આપ્યાં. શ્રીશ્રીમાની અમીદૃૃષ્ટિવાળા સંસ્પર્શથી કાલીકૃષ્ણને એક નવીન બળ મળ્યું અને ઘરે જઈને ગહન આધ્યાત્મિક સાધનાઓ કરવામાં પોતાનો સમય વિતાવશે એવો મક્કમ નિર્ણય કર્યો.

કાલીકૃષ્ણે શ્રીશ્રીમાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને આલમબાજાર મઠ જવા ઉપડ્યા. અહીં તેઓ પોતાના ઘરે જતાં પહેલાં રોકાયા. વરસાદની ઋતુ હતી. ગંગા નદી પૂરબહારમાં વહેતી હતી, ગાઢ ધુમ્મસથી સમગ્ર વાતાવરણ ઢંકાઈ ગયું હતું, આકાશમાં ઘનગંભીર કાળાં વાદળાં છવાઈ રહ્યાં હતાં. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને કાલીકૃષ્ણ નાવમાં બેઠા ત્યારે શ્રીશ્રીમાએ તેને નીલાંબરબાબુના ઉદ્યાનગૃહની અટારીમાંથી જોયા. શ્રીશ્રીમાની નજર તેના પર જ હતી.

એવું લાગતું હતું જાણે કે તેઓ કાલીકૃષ્ણ પર પડતાં વરસાદનાં ફોરાંને ગણી રહ્યાં હતાં. એ દેખીતી વાત હતી કે તેઓ પોતે પણ વરસાદથી પલળી રહ્યાં હતાં. આ હૃદયસ્પર્શી દૃશ્ય કાલીકૃષ્ણના હૃદયમાં એક અમીટ છાપ પાડી ગયું.

કાલીકૃષ્ણ ઘરે પાછા આવ્યા. એમના જીવનનાટ્યને હવે એક નવો રંગમંચ મળ્યો. યોગ્ય ચિકિત્સા સેવા અને પોષક આહારને લીધે તેમની પહેલાની સારી તંદુરસ્તી ફરીથી આવી ગઈ અને કાલીકૃષ્ણે ઉત્કટ આધ્યાત્મિક સાધનાનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. મોડી રાત સુધી તેઓ જપ, ધ્યાન અને આધ્યાત્મિક વાચનમાં ડૂબ્યા રહેતા. ધીમેધીમે તેઓ પોતાના જપનો સમય વધારતા ગયા અને કેટલાક દિવસે તો ૧,૦૮,૦૦૦ જેટલા મંત્રજાપ કરતા. આ પછી એમનું મન અનેક ઉચ્ચતર ભાવથી ભરાઈ જતું અને એ ભાવથી પ્રેરાઈને તેઓ કેટલાંક ભાવગીતો પણ રચતા. આવી રીતે એમણે કેટલાક સો ભાવગીતો રચ્યા. તેઓ કોઈની સાથે હળતાભળતા નહીં અને મોટાભાગના સમયે તેઓ બંધ ઓરડાની અંદર રહેતા. માત્ર ખગેન, હરિપદ, સુધીર અને સુશીલ સાથે આધ્યાત્મિક વિષયોની ચર્ચા કરતા અને પોતાના સંન્યાસી જીવનના અનુભવોની આપલે કરતા. તેમના મિત્રો પણ તેમને પાછા મેળવીને ખુશ થયા અને દરરોજ સાંજે તેમની મુલાકાત લેતા. પરંતુ ધીમે ધીમે કાલીકૃષ્ણે એમની સાથેની ચર્ચાના સમય પર પડદો પાડ્યો. એનું કારણ એ હતું કે પોતે નક્કી કરેલ સંખ્યામાં જપ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી.

(ક્રમશ 🙂

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram