ગતાંકથી આગળ…
ગયા અંકમાં લખેલ વર્ણનો બતાવે છે કે આવા કહેવાતા સુખને પોતાની મર્યાદા છે અને તે અતિ કઠોર પણ ખરી ! વળી એનો આધાર હંમેશાં આપણા નિયંત્રણમાં ન હોય એવા બાહ્ય પદાર્થાેના કબજા અને એની નિકટતા પર છે. અને વળી અવારનવાર બીજાનાં ધૂનતરંગ કે કલ્પના એને મર્યાદિત કરી દે છે. તે કેટલા ટકે છે એ પણ મર્યાદિત છે. અમુક સમયમાં તે ઘસાઈ જાય છે કે કરમાઈ જાય છે. એટલું જ નહીં પણ તે અવારનવાર પોતાના ખેંચાણમાં દુ :ખ અને વેદના લાવી દે છે. ખરેખર આ કહેવાતી સુખાકારી એ માત્ર એક પડછાયો છે ! આપણે એની હજારો રીતે વાડાબંધી કરી દઈએ, પણ જેટલી ઝડપથી આપણે એની પાછળ પડીએ એટલી જ વધુ ઝડપથી તે આપણી પાસેથી ઊડી જવાની. લગભગ દરેક વસ્તુ દૂરથી આપણને ઊંચી આશાઓ બંધાવે, પણ તે આપણી અપેક્ષાઓ કરતાં ભયંકર રીતે નીચે ઊતરી જાય છે. આપણે જેનાથી આપણા આનંદને સંતોષ પમાડી શકીએ તેના કરતાં આપણી આશાઓ અને અપેક્ષાઓ સામાન્ય રીતે વધુ મોટી હોય છે.
આનું કારણ દૂર શોધવા જવું પડે તેમ નથી. દુનિયામાં આવી સુખાકારી અને આવા આનંદપ્રમોદ ખીલતા ફૂલ જેવાં છે. તે આકર્ષક લાગે છે. પરંતુ એને એકઠાં કરો કે તે કરમાઈ જવાનાં – મરી જવાનાં ! આ છેતરામણાં છે. તેઓ જેટલા પ્રમાણમાં આપી શકે છે, તેના કરતાં વધારે આશાઓ બંધાવે છે ! એને મેળવવામાં મુશ્કેલી પડે છે; અને આપણી પાસે હોય ત્યારે આપણને સંતોષવામાં નિષ્ફળ નિવડે છે ; અને એમને ગુમાવીએ એટલે નિરાશ બનવું પડે છે !
આટલી ખાતરી રાખજો કે હું કોઈ નિરાશાવાદની વાત કરતો નથી ! વળી કોઈ ગહન નિરાશામાં તમારું જીવન રડવામાં ગાળી નાખવું કે લાંબી ડોક કરીને રાહ જોતા રહેવાનું હું તમને કહેતો નથી. ૫રંતુ હું તો તમને એ સમજણ આપવા માગું છું કે જે તમારી સામે સુખાકારીને નામે પસાર થાય છે તે સાચી નથી પણ એક ભ્રમ છે. જે સ્થળે એ સુખાકારી સામાન્ય રીતે શોધી શકાય એ કોઈ ખાણ નથી પણ કબર છે!
‘સાચું સુખ’ એવું શીર્ષક એને આપવું યોગ્ય લાગે અને જો તે આપણામાં તેને માટે ઇચ્છા અને ઉત્સાહ ઊભો કરે તો તેણે અહીં આપેલી આ ત્રણ મુખ્ય અને સામાન્ય શરતો સંતોષવી પડે.
* તે સુખ લાંબા સમય સુધી,ઘણા લાંબા સમય સુધી ટકવું જોઈએ ! અને જો તે કાયમી બની જાય તો અદ્ભુત.
* વળી તે એટલું જ સઘન હોવું જોઈએ.
* આવા સુખે તેની પાછળ દુ :ખ, દિલગીરી, કટુતા, અભાવ કે હૃદયનો ખાલીપો ન છોડી જવો જોઈએ.
કોરી કલ્પનાનું મનોરાજ્ય ? સ્વપ્ન ? મૂર્ખાઓનું સ્વર્ગ ? કદાચ તમે સાચા લાગો છો. ‘જો’ – અને એ છે મોટો ‘જો’ – તમે એને બાહ્ય જગતમાં શોધો છો, જેમ કે લાખો કરોડો લોકો આંધળાની જેમ અને વગર વિચાર્યે શોધતા રહે છે અને ક્યારેય મળતું નથી, તો તમે ખરેખર પૂરેપૂરા સાચા છો.
તમે યુવાઓ પ્રાકૃતિકરૂપે સાહસિકતા ધરાવો છો. એ સતત પ્રજ્વલિત રહે છે અને બેચેન બનીને હમેશાં પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે. આનાથી ઊલટી બાજુએ વૃદ્ધ માણસો જેમનામાં સાહસિકતાનો – જે સ્વરૂપે આપણે ઓળખીએ છીએ એ સ્વરૂપમાં – કદાચ અભાવ હોઈ શકે, તેઓ જીવનની વિવિધ પરિવર્તનવાળી પરિસ્થિતિઓમાંથી પસાર થતી વખતે તેમને મળેલા અનુભવોને લીધે શાણપણભરી સૌમ્યતાથી નરમ બની ગયા હોય છે. ધારો કે તમે તમારા યુવાનીના સાહસભર્યા જુસ્સાને અને વૃદ્ધોના સૌમ્યતા ભર્યા શાણપણ અને ઠંડા મગજના નિર્ણયને એક સાથે જોડી શકો તો પરિણામ ખરેખર અદ્ભુત રહેવાનું. શું ખરેખર આવું નથી? સારું, તમે કદાચ આવું પૂછી શકો, ‘જો શાણપણવાળા પેલા વૃદ્ધો પણ બરાબર અમારા યુવાનોની સાહસની વૃત્તિને થોડીઘણી કેળવી શકે તો શું તે અદ્ભુત નહીં બને ?’ ચોક્કસ બને. પણ તેઓ તેમ કરી ન શકે કારણ કે એવું સાહસ કરવા માટે તેઓ વૃદ્ધ બની ગયા છે, અરે વધારે ઘરડા બની ગયા છે. તમે એમ કરી શકો પણ તેઓ ન કરી શકે. આ એક મુદ્દો તમારા પક્ષમાં છે! તમે બીજા પાસેથી શાણપણ ઊછીનું લઈ શકો પણ શક્તિ નહીં. તમે બીજાએ કરેલી ભૂલમાંથી શીખી શકો છો, પણ તમે સામર્થ્યને ભાડે લઈ શકતા નથી.
અને એટલું યાદ રાખજો કે ડાહ્યા માણસો મૂર્ખાઓની ભૂલમાંથી શીખે છે ! એટલે જ તમારી આસપાસ જે કંઈ બની રહ્યું છે તેને તમે પોતાની આંખો પૂરેપૂરી ખુલ્લી રાખીને કેમ જોતા નથી ? અને થોડીવાર માટે તમારી ભવ્ય ઊર્જાને રોકીને સાચા શાણા માણસનાં સલાહ અને માર્ગદર્શન શા માટે લેતા નથી ?
આપણે સતત મૂર્ખામીભરેલું વર્તન કરતા વૃદ્ધોને અને એવા શાણા માણસો, કે જેઓ ખરેખર એટલા બધા ઘરડા નથી, એેમને અવારનવાર જોયા છે. એનો અર્થ એ થયો કે આપણે એટલું જાણી લેવું જોઈએ કે શાણપણ એ કોઈ ઘરડાની કે ધોળાવાળ વાળાની સંપત્તિ નથી.
તો પછી શાણો માણસ કોને કહેવો? શાણો માણસ એ છે કે જે અસામાન્ય અંશે સામાન્ય બુદ્ધિ ધરાવે છે. શાણો માણસ એ છે કે જે વસ્તુઓની સાપેક્ષ કિંમતને જાણે છે. ખરેખર એ ડહાપણનો સ્રોત છે કે જે ઘણું જાણવા છતાં પોતાની જાતને અજ્ઞાની ગણે છે. આવો માણસ પોતાનામાં જ પ્રકાશી ઊઠવા ઇચ્છે છે, તે બીજાઓથી વધુ પ્રકાશિત થવા ઇચ્છતોે નથી. એ જાણે છે કે શું જાણવું યોગ્ય છે અને જે કરવું યોગ્ય છે તે એ કરે છે. અને ખરેખર શાણો માણસ વાસ્તવિક રીતે ઉમદા અને ઉદાર માણસ પણ ખરો ! અને એ દૃષ્ટિએ તે પૂર્ણ માનવ પણ ખરો !
(ક્રમશ 🙂
Your Content Goes Here



