ગતાંકથી આગળ…
ગયા અંકમાં સ્વામીજીએ ભારતના કરોડો સામાન્ય જનો, દુ :ખી, પીડિત અને કચડાએલા લોકોની સેવા કરવા માટે વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાની વિવિધ કાર્યયોજના દ્વારા કેવી રીતે આગળ વધવું અને કાર્યશુદ્ધિ અને સાધનશુદ્ધિ કેવી રીતે જાળવવી એની વિગતવાર ચર્ચા કરી છે, એની વાત આપણે જોઈ ગયા.
૨૮ મે, ૧૮૯૪ના રોજ પોતાના મદ્રાસના પ્રિય શિષ્ય આલાસિંગા પેરુમલને શિકાગોથી લખેલા એક પત્રમાં સામાન્યજનના સાર્વત્રિક શિક્ષણ, યુવાનોને એ માટે કેવી રીતે સુવ્યવસ્થિત તાલીમ આપવી, લોકોની ભાષામાં જ ‘માતૃ મુખેન શિક્ષણમ્’ માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું. એ માટે જરૂર પડે તો સામયિક કે વર્તમાનપત્રો બહાર પાડવાં. પણ કોઈના પર હકૂમત ચલાવ્યા વગર સેવા કરવાની વાત એમણે આ શબ્દોમાં લખી છે :
‘એક ફંડ એકઠું કરવાનો પ્રયાસ કરો, અને તેમાંથી થોડાંક મેજિક-લેન્ટર્નાે, નકશા, પૃથ્વીના ગોળા વગેરે ચીજો તેમજ થોડાંક રસાયણો ખરીદ કરો. દરરોજ સાંજે ગરીબ તેમજ નીચલા વર્ગના લોકોને એકત્ર કરો; ભંગીઓને (??) સુદ્ધાં. અને પહેલાં તો તેમની સમક્ષ ધર્મ વિશે પ્રવચન આપો; અને ત્યારબાદ મેજિક-લેન્ટર્ન તેમજ અન્ય સાધનો દ્વારા. એ લોકોની ભાષામાં જ એમને ખગોળ, ભૂગોળ આદિ વિષયોનું જ્ઞાન આપો. ઉત્સાહથી થનગનતા યુવકોની એક ટુકડીને તાલીમ આપીને તૈયાર કરો. એમનામાં તમારી ધગશ પ્રગટાવો અને ઉત્તરોત્તર તેનું ક્ષેત્ર વિશાળ કરતાં કરતાં એ સંઘનો વિસ્તાર કરતા રહો. બને તેટલું ઉત્તમ કાર્ય કરો. ‘‘બધુંય પાણી ખૂટી જશે ત્યારે નદી ઓળંગીશું’, એમ વાટ જોતા બેસી ન રહો. બેશક, સામયિકો, વર્તમાનપત્રો વગેરે છાપવાં એ સારું છે; પણ વત્સો ! હરહંમેશ લખ્યા જ કરવું કે વાતો કર્યા કરવી એ કરતાં અત્યંત નાના પાયા ઉપરનું, પણ ખરેખરું કાર્ય ભલે અતિ અલ્પ હોય, તો પણ એ વધારે સારું છે…. થોડા પૈસા ભેગા કરો અને મેં હંમેશાં જ કહી તે વસ્તુઓ ખરીદ કરો; એક ઝૂંપડી ભાડે રાખો અને કાર્ય શરૂ કરો. સામયિકો છપાવવાનું કાર્ય તો ‘ગૌણ’ છે, પણ આ કાર્ય મુખ્ય છે. જનતા ઉપર તમારો પ્રભાવ હોવો જોઈએ. શરૂઆત નાની છે એથી ડરી જતા નહિ; ભવિષ્યમાં મહાન કાર્યો બનશે. હિંમતવાન બનો, તમારા બંધુઓ ઉપર હુકમ ચલાવીને એમને દોરવાનો પ્રયત્ન કરશો નહિ, પરંતુ એમની સેવા કરજો.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૨૨૦-૨૧)
એવી જ રીતે ૧૮૯૪ના નવેમ્બરની ૧૯મી તારીખે પોતાના પ્રિય શિષ્ય આલાસિંગા પેરુમલને અને અને બીજા બહાદુર શિષ્યોને ઉદ્દેશીને લખેલા પત્રમાં સ્વામીજી આવા સર્વહિતના કાર્ય માટે, સામાન્યજનના યોગક્ષેમ માટે બધા સેવાભાવી લોકોએ કેવા મહાન ત્યાગની ભાવના રાખવી જોઈએ અને પોતાના પુરુષાર્થ સિવાય બીજે ક્યાંય માન-યશ-ધનની અપેક્ષા રાખ્યા વિના એ કાર્યમાં રત બની જવા માટે સ્વામીજી આ શબ્દોમાં એક ઉત્તમ શીખ આપે છે. સાથે ને સાથે ચારિત્ર્ય દ્વારા કેવી રીતે મહાન કાર્યો સિદ્ધ થઈ શકે એની વાત પણ આ શબ્દોમાં કરી છે :
‘મારાં બાળકો ! અન્ય માટે લાગણી રાખતાં શીખો; ગરીબ, અજ્ઞાની અને કચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હૃદય બંધ પડી જાય, મગજ ઘૂમ્યા કરે અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હૃદયની વ્યથા ધરી દો. ત્યાર પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ ! છેલ્લાં દસ વર્ષ દરમિયાન પુરુષાર્થ, પુરુષાર્થ એ જ મારો મુદ્રાલેખ હતો. હજુ પણ હું કહું છું કે પુરુષાર્થ કરો ! જ્યારે સર્વત્ર અંધકાર હતો ત્યારે હું કહેતો કે પુરુષાર્થ કરો; આજે જ્યારે પ્રકાશ આવતો લાગે છે ત્યારે પણ હું કહું છું કે પુરુષાર્થ કરો ! મારા શિષ્યો ! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશનાં ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં, માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.
….ભારતને ઉન્નત બનાવવું છે, ગરીબોને રોટલો પહોંચાડવો છે, શિક્ષણનો વિસ્તાર કરવો છે અને પુરોહિતપ્રથાનાં અનિષ્ટોને દૂર કરવાં છે. પુરોહિતપ્રથા ન જોઈએ !’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૩.૨૯૨-૯૩)
પોતાના એક પત્રમાં સ્વામીજી ભારતમાં સાચી ઉન્નતિ અને સમાનતા લાવવા માટે કોઈ પણ વર્ણનો દ્વેષ કર્યા વગર બ્રાહ્મણની જ્ઞાન ઉપાસના, ક્ષત્રિયની સંસ્કારિતા, વૈશ્યની વહેંચીને ભોગવવાની ભાવના અને શૂદ્રોના સમાનતાના આદર્શનો સુભગસમન્વય કરવો જોઈએ એની વાત સ્વામીજીએ આ શબ્દોમાં કરી છે :
‘જો એક એવું રાષ્ટ્ર રચી શકાય કે તેમાં બ્રાહ્મણ સમયનું જ્ઞાન, ક્ષત્રિય સમયની સંસ્કારિતા, વૈશ્ય સમયની વહેંચી આપવાની ભાવના અને શૂદ્રોનો સમાનતાનો આદર્શ : આ બધાં એક સાથે સાંકળી શકાય અને પ્રત્યેક સમયનાં દૂષણો નિવારી શકાય, તો આવું રાષ્ટ્ર આદર્શ રાષ્ટ્ર બની રહે. પણ આમ કરવું શક્ય છે ખરું ?’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૮.૧૪૬)
પોતાના મદ્રાસના શિષ્યોને સંબોધીને શિકાગોથી ૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ના રોજ લખેલા એક પત્રમાં સામાન્યજનો પ્રત્યે સક્રિય સહાનુભૂતિ રાખવાનું તેમજ ઝૂંપડામાં વસતા લોકોની ધર્મભાવનાને એમ ને એમ જાળવીને, એને કશી હાનિ પહોંચાડ્યા વગર વિવેક સાથે કેવી રીતે સર્વોન્નતિના કાર્યમાં યુવાનોએ, સમાજે અને સંસ્થાઓએ લાગી પડવું જોઈએ અને આત્મશ્રદ્ધાનું આવાં મહાન કાર્યોમાં કેટલું મહત્ત્વ છે, એ માટે ઉચ્ચશિક્ષણની મધ્યસ્થ શિક્ષણ સંસ્થા સ્થાપવા વિશે ચર્ચા કરતાં તેઓ આમ લખે છે :
‘ભારતમાં લાખો ગરીબોનાં દુ :ખો અને યાતનાઓ માટે કેટલા લોકો હૃદયપૂર્વક રડે છે ? શું આપણે તે મનુષ્યો છીએ ?’…
તમારી સમક્ષ આ મુદ્રાલેખ ધ્યાનમાં રાખો : ‘ધર્મને હાનિ પહોંચાડ્યા વગર જનતાની ઉન્નતિ.’ યાદ રાખજો કે સાચું રાષ્ટ્ર તો ઝૂંપડાંઓમાં વસે છે. પરંતુ અફસોસ ! કોઈએ પણ આ ઝૂંપડાંવાસીઓ માટે કદાપિ કશું કર્યું નથી. આપણા હાલના સુધારકો તો વિધવાનાં પુનર્લગ્નનાં કાર્ય પાછળ જ મંડી પડ્યા છે. અલબત્ત, પ્રત્યેક સુધારા પ્રત્યે મારી સહાનુભૂતિ છે. પણ રાષ્ટ્રનું ભાવિ તેમની કેટલી વિધવાઓને પતિ મળ્યા તેની સંખ્યા ઉપર નિર્ભર નથી, પરંતુ આમવર્ગની ‘‘સ્થિતિ’ ઉપર એ નિર્ભર છે. એમનો તમે ઉદ્ધાર કરી શકશો ? એમનામાં રહેલી આધ્યાત્મિક્તાનો લોપ થવા દીધા વગર એમનું ખોવાયેલું વ્યક્તિત્વ તમે એમને પાછું અપાવી શકશો?… આત્મશ્રદ્ધા રાખો. દૃઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. હંમેશાં આગળ ધસો. જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, એ છે આપણો મુદ્રાલેખ.’… પરંતુ એક મધ્યસ્થ કોલેજની સ્થાપના કરીને લોકોની સ્થિતિ ઊંચે લાવવાની તથા એ કોલેજમાં કેળવાયેલા પ્રચારકો દ્વારા ગરીબોને ધર્માભિમુખ અને શિક્ષિત બનાવવાની ભાવનાનો પ્રચાર કરવામાં કશી હાનિ નથી.’(સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૨૧૨, ૨૧૫)
પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી સાથે લોકોને રચનાત્મક વિચારો આપવા શું કરવું જોઈએ એની વાત કરતાં સ્વામીજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા :
‘ભૌતિક, માનસિક કે આધ્યાત્મિક દરેક બાબતમાં માણસને રચનાત્મક વિચારો આપવા જોઈએ; કદીય કોઈનો તિરસ્કાર કરવો નહિ. તમારા એકબીજા પ્રત્યેના તિરસ્કારે તમારી આ અધોગતિ લાવી મૂકી છે. માત્ર રચનાત્મક વિચારોના ફેલાવા દ્વારા આપણે લોકોને ઊંચે લાવવા પડશે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૨૫)
પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને ‘આપ શા માટે વારંવાર રજોગુણ (પ્રવૃત્તિ)ને જાગૃત કરે તેવો ઉપદેશ આપો છો ?’ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વામીજી રજોગુણને જાગૃત કરવાની આવશ્યકતા વિશે સ્પષ્ટ શબ્દોમાં આ વાત કરે છે :
‘દેહમાં કશી તાકાત વિનાના, હૃદયમાં કોઈ ઉત્સાહ વિનાના અને મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થના લોચા જેવા માણસો શું કરી શકવાના છે ? તેમનામાં ઉત્સાહ લાવીને મારે તેઓમાં પ્રાણ પૂરવા છે – આ કાર્યને માટે મેં મારું જીવન અર્પણ કર્યું છે. વૈદિક મંત્રોની અમુક શક્તિથી હું તેમને જાગ્રત કરીશ. તેમની પાસે ‘उत्तिष्ठ, जाग्रत’ ના અભય સંદેશની ઉદ્ઘોષણા કરવા મેં જન્મ લીધો છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૯.૩૪) (ક્રમશ 🙂
Your Content Goes Here



