(ગતાંકથી આગળ)
પ્રસંગોપાત્ત આલમબજાર મઠમાંથી સંન્યાસીઓ કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ)ના ઘરે આવતા અને તેનાં ખબરઅંતર પૂછતા. જ્યારે તેઓ ઘેર હતા ત્યારે સ્વામી સારદાનંદજી, સ્વામી પ્રેમાનંદજી, સ્વામી સુબોધાનંદજી, સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી ત્રિગુણાતીતાનંદજી એક કરતાં વધારે વખત એમના ઘરે મળવા આવેલા.
આવી રીતે પંદર માસ વીતી ગયા. વળી પાછા ત્યાગ-વૈરાગ્યના અગ્નિએ આ પાંજરે પૂરાયેલા સિંહને બેચેન બનાવી દીધો. પોતાની આ મનોદશાની વાત કરતો એક સુદીર્ઘપત્ર એમણે જયરામવાટીમાં શ્રીશ્રીમાને લખ્યો. આ પત્રનું એકે એક વાક્ય કાલીકૃષ્ણના હૃદયની ઝંખનાનું વર્ણન હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે. તેઓ જાણે કે એક ભયગ્રસ્ત પુત્ર હોય તેમ અને જાણે કે આ ભૌતિક જગત તેને ગ્રસી જશે તેવો ભય સેવીને શ્રીશ્રીમા પાસે તેમના સંરક્ષણ માટે અમીકૃપાની તીવ્ર યાચના એ પત્રમાં તેમણે વર્ણવી હતી. એ પત્ર આ શબ્દોમાં લખાયો હતો :
કોલકાતા
૫ ઓક્ટોબર, ૧૮૯૫
૫રમ પૂજ્ય પરમ આદરણીય
શ્રીશ્રીમાનાં ચરણકમળમાં
શ્રીમા,
આપનાં ચરણકમળમાં મારા અનેક સાષ્ટાંગ પ્રણામ સ્વીકારશો… હે મા, માત્ર તમે જ જાણો છો એ કારણોથી હું આપને અવારનવાર પત્રો લખતો નથી. પરંતુ આ વખતે એક મહામુસીબતમાં હોવાને લીધે હું આપને આ પત્ર સભય લખું છું.
હું જયરામવાટી આવવા અને આપનાં દર્શનથી મારી જાતને ધન્ય બનાવવા ઇચ્છતો હતો, અને જો હું મારી આત્મશ્રદ્ધા વિહોણી મન :સ્થિતિને, લજ્જાભયને કોરાણે મૂકી શકું તો હું મારું હૃદય આપ સમક્ષ ખુલ્લું કરવા અને મારાં બધાં દુ :ખ – ઉદ્વિગ્નતાની વાત કરવા ઇચ્છતો હતો. પરંતુ આપના પ્રત્યેના પૂરતા પ્રેમ અને આદરભાવને અભાવે અને આ મલેરિયાની ઋતુએ મને એમ કરતો અટકાવ્યો છે. મારા હૃદયની ઉદ્વિગ્નતાને આ પત્રમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકું? બધા કહે છે કે આપ સર્વજ્ઞ છો અને છતાંય તમે મારું દુ :ખ ન જાણી શકો તો તેને માટે મારાં દુર્ભાગ્ય જ જવાબદાર છે. અને જો એ બધું જાણવા છતાં આપ મારાં દુ :ખને દૂર ન કરી શકો તો એમ ન કરવાનું કારણ પણ આપ જાણો જ છો. હું આપને કરુણામયી માનું છું… આપે પોતે કહ્યું હતું, ‘શું હું એક પથ્થરની પ્રતિમા છું એમ તમે માનો છો ?’ આપ મારી દયનીય દશા જાણીને ખૂબ ખિન્ન થશો એમ હું માનુ છું. પણ જ્યારે ભાવિ મને ગળી જ જવાનું છે એવું મને લાગે છે ત્યારે બીજું હું કરી પણ શું શકું ? હે મા, આપના સિવાય બીજા કોને હું મારી ઉદ્વિગ્નતાની વાત કરી શકું? બીજું કોણ મને શાંતિ અને અભયદાન આપી શકે ? અને આ બધું જાણવા છતાં પણ આપ મારા હૃદયની ઇચ્છાને ન સંતોષો તો એ મારાં દુર્ભાગ્ય જ હશે કે મારાં પૂર્વકર્મનું ફળ હશે, એમ માનીશ.
હે મા, મારા જીવનમાં જે કંઈ બને, અને મારે મરવું પડે તો ય હું આપને કેવી રીતે દોષ દઈ શકું ? ‘ઘરે રહીને અને ઈશ્વરને પોકારીને તું વધારે ઝડપથી ઉન્નત થઈશ.’ આપે જ મને આમ કહીને મારા ઘરે મોકલ્યો હતો. આપે જ મને અનેક રીતે પ્રોત્સાહિત કર્યો છે. આવું ન બન્યું હોત તો પણ તે દિવસે અટારીએથી મારા માટે આપ કેટલું રડ્યાં હતાં તે હું ક્યારેય ભૂલી શકું ખરો ? જ્યારે હું એ વરસાદના દિવસે ઘરે પાછો જતો હતો ત્યારે આપ પોતે વરસાદમાં ભીંજાઈ જઈને ગહનચિંતાથી સતત મને જોઈ રહ્યાં હતાં. મને એવું લાગ્યું કે આપ તો મારા પર વરસાદનાં કેટલાં ટીપાં પડે છે, એ ગણી રહ્યાં હતાં. શું આ બધું હું ક્યારેય ભૂલી શકું ખરો ? મને મલેરિયાથી પીડાતો જોઈને, એનાથી દુ :ખી થઈને અને બીજાં કારણોને લીધે આપે મને ઘરે જવાની સલાહ આપી, કારણ કે એથી અહીં હું સાજો સારો રહું. અને આપે તો મને કેટલાં આશીર્વચન આપ્યાં !
… ઘરે આવીને મેં પ્રથમ વરસ આપની સૂચનાઓને અનુસરીને આધ્યાત્મિક ગહન સાધનામાં ગાળ્યું છે, અને એમાંય એકેય ક્ષણનો દુરુપયોગ કર્યા વિના હું દરરોજ સાડા ચૌદ કલાક સુધી આધ્યાત્મિક સાધના અને ૮૫૦૦૦ મંત્રજાપ કરતો. પરંતુ અત્યારે હું ભાગ્યે જ પાંચ થી છ કલાક સુધી આધ્યાત્મિક સાધના કરી શકુું છું અને ૩૦,૦૦૦ જેટલા મંત્રજાપ કરવામાં પણ ક્યારેક સફળ થતો નથી. પહેલા આ જપના પરિણામે મન કેટલું પ્રાણવાન રહેતું! પરંતુ અત્યારે તો આ મન અત્યંત નિર્બળ બન્યું છે અને વિવિધ આસક્તિઓથી અહીંતહીં ફેંકાતું રહે છે. અને એવું લાગે છે કે આધ્યાત્મિક ઉત્કટતાથી તે સાવ વેગળું બની ગયું છે. મા, જો હું આ રીતે બે થી ત્રણ વરસ સુધી રહીશ તો હું ક્યાં જઈને ઊભો રહીશ એ તમે જોશો…
દોઢ મહિના પછી હું ફરીથી બાગબજાર ગયો. ત્યાં યોગેન બાબુએ (સ્વામી યોગાનંદજીએ) પોતાની તબિયત સુધારવા માટે વૃંદાવન જવાની તીવ્ર ઇચ્છા પ્રકટ કરી. તેમણે કહ્યું, ‘હું એવી વ્યક્તિની શોધમાં છું કે જે ત્યાં મારી સારસંભાળ રાખી શકે. જો તું સાથે આવવાનો નિર્ણય કરે તો હું જઈશ.’ તેઓ લાંબા સમય સુધી પશ્ચિમ ભારતમાં રહેશે અને હું એમની સાથે રહીશ તેમજ તેઓ કોલકાતા પાછા ફરે પછી પણ હું ત્યાં જ રહીશ, એમ વિચારીને હું તેમને સંગાથ આપવા સહમત થયો. મારી યોજનાઓ વિશે મારાં માતપિતાએ તે જાણીને ત્યાં જવાની પરવાનગી આપી અને જરૂરી ચીજવસ્તુઓ પણ તેઓ પૂરી પાડવા માગતાં હતાં. પરંતુ હવે મને લાગ્યું કે યોગેનબાબુ પશ્ચિમ ભારતમાં જવા ઇચ્છા ધરાવતા નથી. મા, જો આપ મને રજા આપો તો હું એકલો જ વૃંદાવન જાઉં. ત્યાં બાબુરામ બાબુ (સ્વામી પ્રેમાનંદ) અને સુબોધબાબુ (સ્વામી સુબોધાનંદ) રહે છે. બલરામબાબુના કુંજમાં (બલરામ બોઝનું કૌટુંબિક નિવાસસ્થાન કે જ્યાં મંદિર, ઉદ્યાન અને રહેવાનાં મકાનો હતાં) રહેવું મારા માટે સુવિધાજનક રહેશે અને વિના કષ્ટે મને ભોજન પણ મળી રહેશે. વળી એકાદ બે વરસ સુધી હું ત્યાં એકલો નહીં હોઉં. જો બાબુરામ મહારાજ અને સુબોધ મહારાજ કોલકાતા પાછા આવી જાય તો મઠની કોઈ વ્યક્તિ સાથે હું ત્યાં રહી શકીશ. (ક્રમશ 🙂
Your Content Goes Here



