ગતાંકથી આગળ…
જ્ઞાનીની દૃષ્ટિએ જોવાથી ખ્યાલ આવશે કે તેઓ જ કર્તા છે અને તેઓ જ ભોક્તા છે.
नान्योऽतोऽस्ति द्रष्टा नान्योऽतोऽस्ति श्रोता
नान्योऽतोऽस्ति मन्ता नान्योऽतोऽस्ति विज्ञाता
।। बृह. 3.7.23।।
એમના સિવાય બીજો કોઈ શ્રોતા નથી, દ્રષ્ટા નથી, મન્તા નથી અને નથી વિજ્ઞાતા.
જગતપ્રપંચનું જ્ઞાન હોવાથી જ્ઞાનીને દેખાશે કે એક સુંદર મજાનું નાટક ચાલે છે. એ નાટકની બધી ભૂમિકાઓમાં એક પરમેશ્વર જ બધી ભૂમિકાઓ ભજવે છે. તેઓ સાપ બનીને દંશ દે છે અને ભૂવો બનીને સાપના ઝેરને ઉતારે છે. સારામાં, નરસામાં, શત્રુમાં, મિત્રમાં, દુષ્ટમાં, શિષ્ટમાં આ બધાંની ભીતર તેઓ જ છે. તેઓ જ સર્વ કંઈ છે. આ જ્ઞાન થાય એટલે મનુષ્યનું કર્તૃત્વજ્ઞાન ચાલ્યું જાય છે. ભગવાનની ઉપર એવું દોષારોપણ ન કરી શકાય કે એમણે એક દુ :ખમય સંસારની સૃષ્ટિ રચી છે અને આપણે એ દુ :ખસાગરમાં ગોથાં મારીએ છીએ. આપણે કોણ છીએ ? એમના સિવાય શું બીજું કંઈ છે ખરું ? મોહથી ઢંકાઈને મનુષ્ય પોતાને ભગવાનથી અલગ સમજીને પોતાની જાતને સુખી કે દુ :ખી ગણે છે અને આ બધાંના નિયંતાના રૂપે ઈશ્વરની કલ્પના કરીને એમના પર દોષારોપણ કરે છે. નાચતી કઠપૂતળી જો પોતાના વિશે એ જાણી શકે કે તે પોતે જ નાચી રહી છે તો એ વિચારવાની કે હું કેટલું સુંદર નાચી રહી છું, અને એટલે જ લોકો મારી ‘વાહવાહ’ કરે છે. તેની પાછળ જે એક વ્યક્તિ દોરી પકડીને નચાવી રહ્યો છે, એવું ન અનુભવવાને કારણે એવું લાગે છે કે તે પોતાને જ કર્તા સમજીને લોકોની પ્રશંસાને યોગ્ય સમજે છે.
કાં તો એમની ઇચ્છા, નહીં તો મારી સ્વતંત્રતા, આવું સમજીને કામ કરવું પડે. જ્યાં સુધી હંુ સાધન-ભજન કરું છું, મારી ઇચ્છા છે, એટલે કરું છું. જેમાં કર્તૃત્વબોધ છે એનાથી આવું કહી શકાય, ‘સાધના કરો’. મીમાંસા, દર્શનના મત પ્રમાણે આ અધિકારવિચાર એક સૂક્ષ્મ વિચાર છે. શાસ્ત્રો જ્યારે કહે છે ‘સાધના કરો’ તો એ સમજવું પડશે કે તેનામાં કરવાનું સામર્થ્ય કે અધિકાર છે. જો કર્તૃત્વ હોય તો પછી ‘બધું ઈશ્વરની ઇચ્છાથી થઈ રહ્યું છે’ એમ કહેવામાં કોઈ સાર્થકતા નથી. વિચાર દ્વારા આ જ સિદ્ધાંત નિશ્ચિત થયો છે, ‘હું કર્તા છું’ – આ જ્ઞાન રહેવાથી શાસ્ત્રનો નિર્દેશ આપણા માટે પ્રયોજવા યોગ્ય રહેશે. જેમનામાં ‘હું બોધ’ નથી, શાસ્ત્ર એને ‘તમે આ કરો’ એમ નહીં કહે. ‘હું અકર્તા છું’ આ જ્ઞાન આવવાથી વ્યક્તિ શાસ્ત્રના અધિકારની ભીતર આવતી નથી. તે શાસ્ત્રનો અતિક્રમણ કરી ચૂકી છે. निस्त्रैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः ત્રણ ગુણોથી અતીત જે પથ કે સત્તા છે એ પથ પર જે લોકો વિચરણ કરે છે તેમને માટે વિધિ શું કામની અને નિષેધ પણ શું કામનો. એટલે વિધિનિષેધ ત્યાં સુધી પ્રયોજ્ય છે જ્યાં સુધી મનુષ્ય ગુણોના અધિકારમાં છે. અર્થાત્ કર્તૃત્વબોધની બહાર નીકળી ગયા પછી વ્યક્તિ પર શાસ્ત્રનો અધિકાર રહેતો નથી. ત્યારે તે જે કંઈ પણ કરે છે તે બધું ઈશ્વરની ઇચ્છાથી થઈ રહ્યું છે, એવું અનુભવે છે.
‘હું સ્વતંત્ર છું’ આ જ્ઞાન કે બોધ કેવી રીતે દૂર કરી શકાય ? એક તો ‘હું કર્તૃત્વશૂન્ય નિષ્ક્રિય આત્મા છું’ એવું વિચારવાથી અને બીજું ‘સર્વકંઈ ભગવાન જ કરે છે’ એવો ભાવ રાખવાથી. જેમ ભક્ત વિચારે છે કે એમની ઇચ્છા વિના એક પાંદડુંય ફરકતું નથી. આ બન્નેમાંથી કોઈપણ એક ઉપાયથી જો કર્તૃત્વબોધ ચાલ્યો જાય તો તે વ્યક્તિ ત્રણ ગુણોથી અતીત એવી અવસ્થા મેળવી લેશે.
ઇચ્છા સ્વાધીન છે કે પરાધીન ? આ વિષય પર વિચાર કરતી વખતે આપણે બે ભિન્ન ભિન્ન સ્તરોને એકી સાથે મેળવીને વિભ્રાન્ત થઈ જઈએ છીએ. જ્યારે આપણે એમ કહીએ કે ઇચ્છા સ્વતંત્ર છે ત્યારે એ સમજવું જોઈએ કે આપણે અત્યારે જે સ્તર પર છીએ ત્યાં કર્તૃત્વબોધ છે. ઈશ્વરની અનુભૂતિ થવાથી ‘હું કરું છું’ એ બોધ રહેતો નથી. ક્યારેય એવું નહીં લાગે કે હું કરી રહ્યો છું. હું યંત્ર છું અને તેઓ યંત્રી છે, શ્રીરામકૃષ્ણની આ નાની એવી યુક્તિ ગંભીરતાપૂર્વક ચિંતન કરવા જેવી છે. સામાન્ય લોકોને આવો બોધ કે આવું જ્ઞાન થવું અસંભવ છે. જ્યારે સર્વત્ર એમનો (ઈશ્વરનો) અનુભવ થાય ત્યારે બધાં કર્મના કર્તારૂપે તેઓ જ દેખાય છે. એ વખતે આપણો ‘હું’ શોધતાંય મળતો નથી. એ વખતે આપણને ખ્યાલ આવે છે કે જેને ‘હું’ સમજ્યો હતો ત્યાં ‘તેઓ’ જ છે, હું નહીં.
આ અવસ્થા અનુભવસાપેક્ષ છે. યુક્તિ દ્વારા આજ સુધી એ વાત પ્રમાણિત થઈ શકી નથી કે મનુષ્ય સ્વાધીન ઇચ્છા દ્વારા પ્રેરિત થઈને ચાલે છે કે એમના કર્તૃત્વ દ્વારા નિયંત્રિત બનીને. એનું કારણ એ છે કે જેને પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે કે તે સ્વાધીન છે, તેના અનુભવને યુક્તિ દ્વારા, અનુમાન દ્વારા બાધિત ન કરી શકાય અને વળી આપણે જોઈએ છીએ કે ઈશ્વરની ઇચ્છાથી જ બધું થઈ રહ્યું છે, તેમની આ પ્રત્યક્ષ અનુભૂતિથી કોઈ એમને વિચલિત કરી શકતા નથી. જ્યાં સુધી મનબુદ્ધિ શુદ્ધ બનીને આત્માની અનુભૂતિ થતી નથી, ત્યાં સુધી આ સત્યની પ્રાપ્તિ થતી નથી. એટલે તર્ક સ્વાભાવિક છે.
ડૉ. સરકાર કહે છે, ‘આપણે લોકો જે કંઈ કરીએ છીએ તે કર્તવ્ય સમજીને કરીએ છીએ; એ કાર્યમાં આનંદ છે, એવું સમજીને કરતા નથી.’ ડોક્ટર એવું કહેવા ઇચ્છે છે કે તેવો આનંદને લક્ષમાં રાખીને કામ કરતા નથી. Hedonist – સુખવાદી દાર્શનિકો કહે છે કે આનંદ જ આપણને કર્મની પ્રેરણા આપે છે. સુખ કે આનંદને જ તેઓ કર્મના પ્રેરક સમજે છે. વળી કેટલાક એનાથી વિપરીત યુક્તિ આપે છે. તેઓ કહે છે કે આનંદ લક્ષ્ય નથી. આ બધા વિચારોનો નિષ્કર્ષ શું આવે ? મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે એક કે બીજાને પસંદ કરે છે.
(ક્રમશ 🙂
Your Content Goes Here



