ગતાંકથી આગળ…
મેં આ પહેલાં સવારની ચાની ઘંટડી પહેલાંની આશ્રમમાં અનુભવેલી નીરવ શાંતિની વાત કરી હતી. એવી જ શાંતિ સાંજની ઘંટડી પછીની પણ હતી. જ્યાં સુધી સાંજના વાળુની ઘંટડી ન સાંભળીએ ત્યાં સુધી આશ્રમમાં જરાય અવાજ કાને ન પડે. અમે બધા કલાકો સુધી ધ્યાનમાં બેસી જતા. જ્યારે હિમવર્ષા થાય ત્યારે શાંતિ એટલી પ્રગાઢ બની જતી કે હૃદયના ધબકારા પણ એ શાંતિમાં ખલેલ પહોંચાડતા હોય એવું લાગે ! અને વળી જ્યારે હિમકણો વરસે ત્યારે સ્વર્ગીય તેજસ્વિતાથી સમગ્ર વિસ્તાર છવાઈ જતો. આવો અત્યંત પ્રશાંત સૂર્યપ્રકાશ સમગ્ર વિસ્તારને ઘેરી વળતો. અમે હિમના ગોળા ગબડાવતા અને અમારા માટે તે એક સરસ મજાનો રમતગમતનો સમય હતો.
એ દિવસોમાં માયાવતી આશ્રમનું જીવન ખૂબ ગાંભીર્યપૂર્ણ હતું. પણ છતાંય અમે પૂરતી રમૂજ – મજા કરી લેતા. દરરોજ રાત્રે વાળુ પછી અમે થોડો વખત સાથે બેસતા અને વ્યંગવિનોદની વાતો, હસીમજાકની વાતો તેમજ ભૂતપલિતની વાતો કરતા. દર રવિવારે અમે લ્યૂડો – ચોપાટ – પાસાની રમતો રમતા.
આ આશ્રમ અદ્વૈત વેદાંતને વરેલો હતો એટલે ત્યાં પૂજાપાઠ કે બીજાં વિધિવિધાનો થતાં નહીં. એટલે અમને ભજન ગાવાનો પૂરતો અવકાશ મળી રહેતો. ત્યાં મધર સેવિયરની માલિકીનો એક ઓરગન હતો. અમે એ ઓરગન વગાડતા અને ભજન ગાતા. રાંધવું એ અમારા આનંદપ્રમોદનો એક બીજો વિષય હતો. રસોઈ તો લગભગ એક સરખી જ રહેતી. ખૂબ જ રૂઢિચુસ્ત વ્યવસ્થાપકની નિશ્રા હેઠળ રહેવાનું હોવાથી આવા દૂરના એકાકી સ્થળે અમે તૈયાર કરી શકીએ એવું બહુ ઓછુ રાંધી શકતા. આમ છતાં પણ ક્યારેક ક્યારે જ્યારે વ્યવસ્થાપક સ્વામીજી ટનકપુરમાં ખરીદી માટે જતા ત્યારે કોઈ બીજા સંન્યાસી મેનેજર તરીકે કાર્ય કરતા અને અમને રાંધવામાં થોડી સ્વતંત્રતા મળતી. આવા પ્રસંગોએ અમને કંઈક થોડીઘણી મીઠાઈ અને બીજી વસ્તુઓ રાંધવાની મજા મળતી. એ વખતે પ્રાઈમસ જેવાં રાંધવાનાં કોઈ સાધનો ન હતાં. લાકડામાં આગ લાગે ત્યાં સુધી તેને ફૂંક્યે રાખવાનો એ કપરો સમય હતો. જ્યારે આગ લગાડવા માટે કોઈ આવી રીતે ફૂંકવાનો પ્રયત્ન કરે ત્યારે આંખમાંથી આંસુ વહેવા માંડે. આવી કઠણાઈમાં પણ અમે સ્વામી પવિત્રાનંદજીને મીઠાઈ બનાવતા જોયા છે.
નીચે મધર સેવિયરનો બંગલો છે. ઊંચાં દેવદારનાં વૃક્ષો સાથે તે બંગલાની સામે પાકો રસ્તો પણ છે. એ રસ્તા પર ચાલવું એ પણ એક અમીરાઈ માણવા જેવું છે. ગૌશાળાની નજીક વિશાળ ભવ્ય નીલગિરિનું વૃક્ષ હતું. આશ્રમના મુખ્ય ભવનની પાછળ આવેલા સ્વામી તુરીયાનંદનજીના ઓક – વૃક્ષનું પણ અહીં વર્ણન કરવું મને આવશ્યક લાગે છે. આ બધાં આ સ્થળના ઇતિહાસનાં સાક્ષીભૂત તત્ત્વો છે.
હું માયાવતીમાં ત્રણ વર્ષ રહ્યો હતો. કેટલાય વરિષ્ઠ સંન્યાસીઓ સાથે આવા સર્વોત્તમ સ્થળે રહેવાનો મને અનુભવ મળ્યો છે અને અનોખી કેળવણી મળી છે. સહજ સરળ છતાં કઠિન તપોમય જીવનરીતિ, વ્યંગવિનોદ અને ગાંભીર્યનું મધુર સંમિશ્રણ, બૌદ્ધિક અને આધ્યાત્મિક કેળવણી આ બધાંએ મારા મન પર અમીટ છાપ પાડી છે. જ્યારે આશ્રમમાં અને હિમાલય પર્વતમાળાના આ સમગ્ર વિસ્તારમાં સર્વત્ર જાહેરમાર્ગાે, વાહન વ્યવહારનાં સાધનોની પર્વતીય પ્રદેશોમાં અવરજવર, વીજળીની સુવિધાઓ, ટેલિફોન, રેડિયો, જેવી અનેક સુવિધાઓને હું જોઉં છું અને એ પ્રદેશોમાં વિદ્યુતવેગે થતાં પરિવર્તનોને નિહાળું છું ત્યારે મને ચોક્કસપણે એવું લાગે છે અને હું સ્પષ્ટપણે એવું અનુભવું છું કે એ પુરાણા દિવસો વધારે સારા, વધુ ભવ્ય અને દિવ્ય હતા.
Your Content Goes Here



